Adhir Amadavadi Gujarati Humorist

જેક્સન બ્રાઉન vs. અધીર અમદાવાદી

જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી જેકસન બ્રાઉનની કલમે લખાયેલી વાતો લોકો ઇ-મેઈલથી આપણને મોકલે છે અને એ વાંચીને આપણને પ્રેરણા મળે છે. પણ વારંવાર એકની એક ઈ-મેઈલ કોઈ માથામાં મારે એટલે કંટાળો આવે છે. એટલે પછી આપણું મગજ ક્યાનું ક્યાં જવા લાગે છે. તો આમ કોક ખરાબ સમયે કોકે જેક્સન બ્રાઉનની જીવનમાં ગાંઠે બાંધી રાખવા જેવી વાતો મોકલી તો એ વાંચીને અમારા દિમાગમાં કેવા વિચારો આવ્યા તે અહિ ઉતાર્યા છે. પહેલી લાઈનમાં બ્રાઉનની સલાહ છે, અને બીજી લાઈનમાં અધીર અમદાવાદીના વિચાર છે.

બ્રાઉન: ‘કેમ છો’ કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ
અધીર : તમે અપરિણીત હોવ તો વધારે ફાયદો થશે

બ્રાઉન: કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો.
અધીર : ખાસ કરીને ચાલુ ટ્રેઈનમાં ચઢતા હોવ ત્યારે

બ્રાઉન: બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો
અધીર : પેટ્રોલ પમ્પમાં ઘૂસો ત્યારે તો ખાસ

બ્રાઉન: આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો
અધીર : લેડીઝ હોસ્ટેલ પાસે વધારે આનંદ વ્યક્ત કરવો નહિ

બ્રાઉન: કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો
અધીર : સ્ત્રીઓને તો ખાસ

બ્રાઉન: એક વિદેશી ભાષા શીખી લેવી સારી
અધીર : સુરતી વિદેશી કહેવાય ?

બ્રાઉન: રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખવો
અધીર : મોઢું પણ બંધ રાખશો તો વજન પણ ઉતરશે !

બ્રાઉન: નકારાત્મક પ્રકૃતિના માણસોને મળવાનું ટાળો.
અધીર : તમે એ પ્રકૃતિના હોવ તો ચાલે કારણ કે નેગેટીવ+નેગેટીવ= પોસીટીવ

બ્રાઉન: ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો.
અધીર : એના કરતા વધારે અગત્યનું છે કે સંડાસ ગયા પછી ફ્લશ કરો. કાકા આ અમેરિકા નથી ભારત છે, આવુંય કહેવું પડે !

બ્રાઉન: દરેક વ્યકિતને બીજી તક આપો, ત્રીજી નહીં.
અધીર : આ ગર્લફ્રેન્ડ માટે લાગુ નથી પડતું.

બ્રાઉન: જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.
અધીર : પછી ભલે ઉતરાયણનો દિવસ આખો ગાંઠો છોડવામાં વીતી જાય !

બ્રાઉન: કોઇપણ કોર્ટ કેસથી હજારો જોજન દૂર રહો
અધીર : હા, વકીલ હોવ તો બીજો ધંધો શોધો !

બ્રાઉન: જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.
અધીર : આવું વકીલની ઓફિસમાં પાટિયું મારવું જોઈએ.

બ્રાઉન: રવિવારે બપોરે સૂઇ જવાનું રાખો
અધીર : જો ઓફિસ રવિવારે પણ ચાલુ રહેતી હોય તો.

બ્રાઉન: રસોડામાં ધોયા વિનાના વાસણો મૂકીને રાત્રે ઊંધી જવું નહીં.
અધીર : આવી પત્નીની સૂચનાનું પાલન તમે કરો છો ખરા ?

બ્રાઉન: મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો
અધીર : બોસની ટીકા કરીએ તો ચાલે ????

બ્રાઉન: ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.
અધીર : ક્રેડીટ કાર્ડ વેચવા માટે કોઈ ફોન કરે તો પણ ?

બ્રાઉન: મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.
અધીર : ધારોકે ગર્લફ્રેન્ડ પ્રેગ્નન્ટ થાય તો એમાં શું તક હોય ?

બ્રાઉન: અફસોસ કર્યા વિનાનું જીવન જીવો
અધીર : અફસોસ તો આટલે સુધી વાંચ્યાનો થાય છે.

error: Content is protected !!