badhir amadavadi Gujarati columnist

૨૦૧૨માં થયેલા કે થતા થતા રહી ગયેલા બોલીવુડીયા લગ્નો

એવું કહેવાય છે કે માણસ આઝાદી, મોજ, મસ્તી અને મટરગશ્તીથી ધરાઈ જાય એટલે એને પરણવાની ચળ ઉપડે છે. પણ બોલીવુડમાં સલમાન ખાન અને જોન અબ્રાહમ જેવા લોકોએ ‘લગ્ન’ નામની ખાડીમાં ડૂબકીઓ ખાવાને બદલે કિનારે બેસીને છબછબીયા કરવાનો ચીલો ચાતરતા ઘણા પરણેલા લોકોને ચચરવા માંડ્યું છે. પણ એ તો બોલીવુડ છે એટલે ચાલે, છતાં ત્યાંના કેટલાક હરખ-પદુડા યુગલો ૨૦૧૨ પ્રભુતામાં પગલા પાડી ચુક્યા છે અને બીજા ઢોલ- શરણાઈવાળાને ઘરાકી કરાવવાની તૈયારીમાં છે. આમ તો બોલીવુડ મનોરંજનનું સ્ત્રોત ગણાય પણ આ વર્ષે અમુક લગ્નોએ પણ જનતાને સારું એવું મનોરંજન પૂરું પાડ્યું. જેમ કે …

સૈફ – કરીના : જેમ વાસી લવિંગીયાની લૂમ ફોડ્યા પછી પણ છુટા-છવાયા ધડાકા અને સુરસુરીયા થતા રહે એમ પબ્લીકે લગ્ન પત્યા પછી પણ ફેસબુક-ટ્વીટર પર આતશબાજી ચાલુ રાખી ને ‘રહના ઘૂંટડા’ ભરી લીધા. કોઈ ફળદ્રુપ ભેજાએ તો આ લગ્નને કારણે ‘બડે અચ્છે લગતે હૈ …’ સીરીયલના ટી.આર.પી. ઘટી ગયા છે એવી અફવા પણ ચલાવી હતી. સાંભળ્યું છે કે કરીનાને એ સીરીયલ બહુ ગમતી હતી એટલે મા-બાપો એમની દીકરી આ સીરીયલ ન જુએ એ માટે ચેનલ બદલી નાખતા હતા. ખેર, જૈફ અલી ખાનને તો કરીના તરફથી તા-ઉમ્ર માન મળશે એ નક્કી છે કારણ કે, આપણે ત્યાં વડીલોનો આદર કરવાનો રીવાજ છે.

વિદ્યા બાલન : ‘ડર્ટી પિક્ચર’ પછી ‘કહાની’ ફિલ્મના પ્રમોશન માટે દેશ આખામાં પ્રેગ્નન્ટ સ્ત્રીના ગેટ-અપમાં ફર્યા પછી ‘બીધ્ધા બાગચી’ સિદ્ધાર્થ રોય કપૂર સાથે ઠેકાણે પડી ગઈ! જોકે આ લગ્ન પછી એન્ટીક્સના ચાહકોનો પૈસો શેર બજાર તરફ વળશે એ આશાએ દમ વગરની ડોશી જેવું આપણું શેર બજાર ઉચકાયું હતું ખરું પણ પાછું બેસી ગયું. ગુજરાતની ચૂંટણીના ઢોલ નગારા એ આ શરણાઈના સૂર દબાવી દીધા. પણ વિદ્યાની સાડી અને દેશી વધૂ જેવા મે-કપની ચર્ચા વધુ રહી.

રીતેશ દેશમુખ – જેનેલિયા ડી’સોઝા : અમને ખબર નથી કે આ લોકોએ ક્યારે સેટિંગ પાડ્યું પણ આખરે આ વર્ષે ૩જી ફેબ્રુઆરીએ પરણ્યા! એ જે હોય તે પણ રીતેશ જેનેલિયાની સોડા-બાટલીની લખોટી જેવી આંખોમાં કંઈક ભાળી ગયો હશે એ નક્કી. મહારાષ્ટ્રીયન પરંપરા અને ચર્ચમાં એમ બે રીતે લગ્ન વિધિ થઇ એટલે જોડું બરોબર મંતરાયુ તો છે એ વાત પાક્કી. બાકી લગ્નમાં ઐશ્વર્યા મનીષ મલ્હોત્રાએ ડીઝાઈન કરેલા બ્લ્યુ અનારકલી ડ્રેસમાં ઝક્કાસ લાગતી હતી એ વધુ ચર્ચાયું. જોડાને નજર ન લાગે એ માટે હિમેશ ભાઈ પણ હાજર હતા.
કુણાલ ખેમુ : સોહા અલી ખાન નામના ચંદનના લાકડે આ કુણાલ નામનું માકડું કેવી રીતે વળગી ગયું એનું તમારી જેમ અમને પણ આશ્ચર્ય છે! અને એવું થાય એમાં નવાઈ નથી કારણ કે હિન્દી ફિલ્મોમાં આ ભ’ઈ ખાસ કંઈ ઉકાળતા ન હોવા છતાં રૂપકડી ફટાકડીઓ સાથે એમના ફોટા પેજ-૩ પર છપાતા રહેતા હોય છે. ભાઈ પરણ્યો અટલે સોહા પણ પરણશે એવી આશા બંધાઈ હતી પણ હજુ સુધી શરણાઈ તો શું નાના બાબલાની પિપૂડી પણ વાગી નથી. જોઈએ આગળ શું થાય છે.

જોન અબ્રાહમ : હા, આ ભ’ઈ પણ આપણી બિપ્સથી છુટા પડ્યા પછી પ્રિયા નામની ઇન્વેસ્ટમેન્ટ બેન્કરની ડાળે વળગ્યા છે. વચ્ચે થોડો સમય એમના જેવી જ ‘મલ્લુ’ અસીન સાથે થોડો સમય લવ સીન પણ ભજવી આવ્યા છે. બાકી હોય એમ એમની નિર્મિત ફિલ્મ ‘વિકી ડોનર’ હીટ ગઈ છે એટલે પાર્ટી હજુ થોડા મહિના લહેર-પાણી કરશે એ નક્કી છે. આપણા કાનમાં ગણગણતી માખી ક્યાંક સેટલ થાય તો આપણને બીજું કામ સુઝે એમ જ આ ભાઈ ઠેકાણે પડે તો છાપા- મેગેઝીનોમાં બીજું કંઈ વાંચવા મળે એવી પ્રજાની લાગણી છે, પણ આ વાંદરું જાત પર જઈને ફરી બીજી ડાળ પર ઠેકી જશે તો પાછું ‘ભમ ભમ કે ભાલક’ થાય તો નવાઈ નહિ. જોકે એમ થશે તો પ્રિયા એને મારવા લેશે કારણ કે એની અટક ‘મારવાહ’ છે, એવું ‘માર’શે કે મોં માંથી ‘વાહ’ નીકળી જશે. જેશી ક્રશ્ન.

રાની મુખરજી – આદિત્ય ચોપરા : રાનીએ ‘છોરી કે દા’ડાનું પૈણું પૈણું કરતી ‘તી…’ ગીતની તમિલ આવૃત્તિના તામીહિંગ્લીશ ભાષામાં ડબ થયેલું હોય એવા ‘ડ્રીમમ્ વેક્પમ્ ક્રિટીકલ કન્ડીશનમ્ …’ ગીત પર એની કમર પરની ચરબીના કોઠારો એવા હલબલાવ્યા છે કે થીયેટરની આગળની ત્રણ ચાર રોની સીટો પણ હલબલી ઉઠ્યાના અહેવાલ હતા. બન્નેનું છે તો પાક્કું, પણ એમના લગ્નમાં ‘તારીખ પે તારીખ તારીખ પે તારીખ..’નો સીન કેટલાય વર્ષોથી ભજવાયા કરે છે. આ વર્ષે યશજીનું અકાળે દુખદ અવસાન નડી ગયું. આદિત્યને વિચારવા માટે થોડો વધુ સમય મળ્યો ગણાય, જો સમજે તો …

बधिर खड़ा बाज़ार में…
એટેચ્ડ ટોઈલેટમાં નહાતી વખતે સાબુ ફીટ પકડવો. – બધિર સુત્ર

error: Content is protected !!