સાંપ્રત પ્રવાહો
’મસ્તી કી પાઠશાલા’-નવાનદીસર પ્રાથમિક શાળા

’મસ્તી કી પાઠશાલા’-નવાનદીસર પ્રાથમિક શાળા

’ભાર વિનાનું ભણતર’ એટલે શું? ઓછા વજન વાળી સ્કૂલ બેગ? કે પછી પરીક્ષાનું ભારણ ન હોવું એ? જ્યાં સફળતાનો માપદંડ કાગળ પર છપાયેલા નિર્જીવ આંકડા ના હોય પણ સફળતાની વ્યાખ્યા બાળકો પોતે નિર્ધારીત કરતાં હોય એવી કોઇ સ્કૂલ વિશે સાંભળ્યું છે? જ્યાં બાળકને પોતાની મરજી હોય ત્યાં સુધી રમવું અને એ જ્યારે સામેથી ભણવાની ઇચ્છા વ્યક્ત કરે ત્યારેજ એને ભણાવવામાં આવે, એવી સ્કૂલ સંભવ છે? હા, ઈંગ્લેન્ડમાં એક એવી સ્કૂલ છે જ્યાં બાળકો પર બિલકુલ શિસ્તનું ભારણ નથી, જ્યાં નિયમો બાળકો પોતેજ બનાવે છે અને નિયમો તોડનારને શું દંડ કરવો જોઇએ એ પણ બાળકો જ નક્કી કરે છે અને એ સ્કૂલ એટલે એ.એસ નીલ દ્વારા સ્થપાયેલી સમરહિલ સ્કૂલ. સમરહિલ એ સ્કૂલીંગનો એક એવો નિરાળો વિચાર છે જેમાં બાળકે સ્કૂલના ઢાંચામાં નથી ઢળવાનું પણ સ્કૂલે બાળકને અનુકૂળ થવાનું હોય છે! બાળકોએ વર્ગમાં આવવું ફરજિયાત નથી અને બાળક પોતાની મરજી મુજબ જે કરવું હોય એ કરવા માટે સ્વતંત્ર છે! એ.એસ.નીલ માનતા કે જ્યારે બધાજ પૂર્વગ્રહો બાજુ પર રાખીને બાળકને ભણાવવામાં આવે છે ત્યારે બાળક વધુ સરળતાથી શીખી શકે છે. મનોવિજ્ઞાનનો સીધો સાદો નિયમ છે કે જો મનગમતું કામ પણ જવાબદારી તરીકે લાદવામાં આવે તો બોજારૂપ લાગે છે. સમાજમાં કોઇ પણ વ્યક્તિ જ્યારે પરંપરાથી હટીને કોઇ નવો વિચાર રમતો મૂકે છે ત્યારે શરૂઆતમાં એને જબરદસ્ત વિરોધનો સામનો કરવો પડે છે, એમજ એ.એસ.નીલને પણ ૧૯૨૧માં પોતાના શિક્ષણ અને બાળઉછેર અંગેના ક્રાંતિકારી વિચારોને મૂર્તિમંત કરવા માટે જ્યારે પહેલ વહેલી જર્મનીમાં સમરહિલ સ્કૂલની સ્થાપના કરી ત્યારે સ્વાભાવિક રીતે પડકારોનો સામનો કરવો પડ્યો અને થોડા મહિનામાંજ ઑસ્ટ્રિયા શિફ્ટ થવું પડ્યું, પછી ત્યાં પણ ઠરીઠામ ના થઈ શક્યા અને ૧૯૨૩માં ઈન્ગ્લેન્ડમાં સ્કૂલ ચાલુ કરી. ઈન્ગ્લેન્ડમાં પણ પડકારો આવ્યા અને એ પણ એટલે સુધી કે સરકારે સ્કૂલ બંધ કરાવી દેવાની કોશિશ કરી, પણ એ.એસ. નીલ હિંમત હાર્યા વિના પોતાના ક્રાંતિકારી વિચારોને વળગી રહ્યા, પરિણામ એ આવ્યું આજે વિશ્વમાં ઘણા દેશોમાં સમરહિલની ધૂંધળી ઝેરોક્સ જેવી સ્કૂલો ફૂટી નીકળી. આપણા દેશમાં પણ કેટલીક સ્કૂલોએ સમરહિલના રસ્તે ચાલવાની કોશિશ કરી છે, ખાસ કરીને ખાનગી સ્કૂલોએ.

પણ કોઇ સરકારી શાળામાં પરંપરા અને નિયમોને કોરાણે મૂકીને કોઇ નવા અને અનોખા પ્રયોગ થતા હોય એવું શક્ય છે? આજે અહીં આપણે ગુજરાતની એક એવી શાળા અને એવા શિક્ષકોની વાત કરવી છે જ્યાં શિક્ષણકાર્ય ફરજના ભાગરૂપે નથી થતું પણ એક સામાજિક ઉત્થાનના હેતુથી યજ્ઞની જેમ થાય છે અને આ યજ્ઞને સફળ બનાવવા માટે ઘણી બધી રૂઢિ અને પરંપરાને તોડી નંખાઈ છે.

“અમે કશું જ નવું નથી કર્યું પણ શાળાના એવા કેટલાક નિયમો, જે આપણે જ્યારે ભણતા હતા ત્યારે આપણને નહોતા ગમતા એ દૂર કર્યા અને વિદ્યાર્થીઓને સ્વતંત્રતા આપી, જેમ કે ગમે ત્યાં અને ગમે તે રીતે બેસવું, ગમે ત્યારે વાંચવું લખવું, શાળામાં જોર જોરથી હસવું, ગાવું, ઓરડાને બદલે ખુલ્લા આકાશ નીચે જઈને ભણવું વગેરે…અમારી સ્કૂલની બાજુમાં નદી અને કોતરો છે, હવે શાળાના બાળકો ત્યાં રમવા ગયા હોય ત્યાંથી પકડી લાવું અને ઓરડામાં પૂરીને પછી એમને કહું કે ચાલો આપણે આજે નદી વિશેનો પાઠ શીખવાનો છે, પર્યાવરણ ચોપડીમાં પાના નંબર ફલાણા ફલાણા ખોલો…કેટલા બાળકોને રસ પડશે?” આદિવાસી વિસ્તાર પંચમહાલમાં ગોધરાથી ૩૦ કિલોમીટર દૂર આવેલી એક ખોબા જેવડા ગામની શાળા નવાનદીસરના શિક્ષક રાકેશ પટેલ જ્યારે આ રીતે વાતની શરૂઆત કરે છે ત્યારે મને જાણે હું કોઇ બીજી દુનિયામાંથી આવેલા શિક્ષકની સાથે વાત કરતો હોઉં એવી લાગણી થાય છે! રાકેશ પટેલ પોતાની શાળા વિશે બહુજ ભાવપૂર્વક વાત આગળ ચલાવે છે અને હું એમની વાતોમાં ખોવાઇને મારી પ્રાથમિક શાળામાં પહોંચી જાઉં છું! મને લાગે છે કે આતો મારીજ વાત કરે છે! કદાચ ઘણા વિદ્યાર્થીઓને મારી જેમ એવું લાગતું હશે કે શીખવા માટે અમુક સમયથી અમુક સમય સુધી એક ઓરડામાં જ શા માટે પૂરાઈ રહેવું પડે? અમુક રીતે જ બેસવાનું એવું શા માટે? અમુક રીતેજ બોલાય એવું કેમ?

પીટીસી પૂરું કર્યા પછી જ્યારે પોતાના ગામ નજીકના ગામમાં જ પહેલવેલી નિમણૂક થઈ ત્યારે રાકેશ પટેલને પોતાના બધાં સ્વપ્ન સાકાર થતાં લાગ્યાં. તાલીમનાં બે વર્ષ દરમિયાન મેળવેલું જ્ઞાન વિદ્યાર્થીઓમાં રેડી દેવાનો ઉત્સાહ ઉછાળા મારતો હતો, પણ શાળામાં પહેલા દિવસેજ જે વાતાવરણ જોયું એનાથી મોતિયા મરી ગયાં! વિદ્યાર્થીઓ સાવ મેલાઘેલા, કપડાં ફાટેલા તૂટેલાં, નાક વહેતાં હોય, મરજી પડે ત્યારે શાળાએ આવે અને મરજી પડે ત્યારે પાછાં ઘરે! પાઠ્યપુસ્તક ખોલીને કૃષ્ણ અને સુદામાનો પાઠ ભણાવવાની શરૂઆત કરી તો બાળકો મોઢાં વકાસીને જોયા કરે! ચાલો, પાઠમાં રસ ના પડ્યો તો હવે ગવડાવું એતો ગમશેજ, પણ ગવડાવવાની શરૂઆત કરી તો એક પણ બાળક ઝીલી ના શકે! એકજ દિવસમાં બે વર્ષની તાલીમનો બધો કેફ ઉતરી ગયો અને સાંજ સુધીમા તો નક્કી કરી પણ લીધું કે અહીં આ નોકરી આપણાથી નહીં કરી શકાય. ઘરે આવી, દાદીમા જે નિવૃત શિક્ષિકા હતાં અને સવારે ઉત્સાહથી જેને પગે લાગીને શાળાએ પ્રસ્થાન કરેલું એમને નિર્ણય જણાવી દીધો કે હું કાલથી શાળાએ નહીં જાઉં અને રાજીનામું આપું છું. દાદીનું અનુભવી મન સમજી ગયું, હકીકતનો અંદાજ આવી ગયો. કંઇજ ન કહ્યું, કોઇ શિખામણ ન આપી કે ન સમજાવવાની કોશિશ કરી, બસ એટલું કહ્યું, “દીકરા તારી મરજી, પણ મારી કે વાત માન, આવતી કાલે ખાલી એક દિવસ સ્કૂલે જજે અને બાળકોને ખાલી એટલું પૂછજે કે કેટલાં બાળકો ન્હાઈને આવ્યાં છે?” દાદીમાંનું માન રાખવા રાકેશભાઇ બીજા દિવસે સ્કૂલે ગયા અને કેટલાં બાળકો ન્હાઈને આવ્યાં છે એ જાણવાની કોશિશ કરી, બસ એમાંથી બાળકોના મન અને ઘરની પરિસ્થિતિ સુધી પહોંચી ગયા, જે કાંઇ જોયું, જાણ્યું અને સમજ્યું એનાથી હચમચી ગયા! મહીસાગર પર ડેમ બનાવતી વખતે જે ગામો ડૂબમાં ગયાં એના વિસ્થાપિતોને અહીં ફરીથી વસાવેલા એટલે ગામનું નામ નવાનદીસર. ગામલોકો કારમી ગરીબીમાં અને મજૂરી એ એકમાત્ર વિકલ્પ, રોજ ઊઠીને પેટનો ખાડો પૂરવાની જદ્દોજેહદ. મોટાં મજૂરીએ જાય ત્યારે બે ટંકનું પેટ જોગું માંડ થાય અને મા-બાપ મજૂરીએ જાય એટલે મોટાં બાળકો શાળા છોડીને ઘરે નાનકડાંને સાંચવવા રહેવું પડે. ક્યારેક મજૂરી માટે આખા પરિવારે દૂરના વિસ્તારો સુધી સ્થળાંતર પણ કરવું પડે ત્યારે મહિનાઓ સુધી શાળાને ભૂલી જવી પડે. આવી સ્થિતિમાં શિક્ષણના પરંપરાગત ખ્યાલો, નિયમો અને સિદ્ધાંતો ક્યાંથી કામ કરે? ધીમે ધીમે સંજોગો અનુસાર નવી કેડી કંડારતા ગયા ને આજે એવી સ્થિતિ આવીને ઊભી છે કે નવાનદીસર ગુજરાતની એક ઉદાહરણરૂપ શાળા બની ગઈ છે. શાળામાં શિક્ષણ કરતાં વિશેષ નાગરિક ઘડતર પર ધ્યાન દેવામાં આવે છે. આજે આખી શાળાનું સંચાલન સંપૂર્ણપણે વિદ્યાર્થીઓના હાથમાં છે. શાળામાં રાષ્ટ્રિય તહેવારો ઉપરાંત સામાજિક તહેવારોની ઉજવણી તો થાય જ છે ઉપરાંત મહાપુરુષોના જન્મદિવસ ઊજવાય છે અને એ તમામ ઊજવણીનું આયોજન માત્ર બાળકોજ કરે છે. બાળકો નાટકો લખે છે ડિરેક્ટ કરે છે અને ભજવે પણ છે અને આ રીતે પાઠયપુસ્તકોમાંનું ભણતર પાત્રોને જીવંત કરીને શીખે છે! શિક્ષકો માત્ર નિરીક્ષકોના રોલમાં છે. વિદ્યાર્થીઓની સંસદ ચાલે છે, નિયમિત રીતે ચૂંટણી થાય છે અને યોગ્ય નેતાની પસંદગી થાય છે. બાળકો ભણતરની સાથે સાથે લોકશાહીના પાઠ પણ ભણે છે.

શરૂઆતમાં ગામલોકોની થોડીઘણી કનડગત ખરી. ક્યારેક કંઈક ચોરી જાય કે વૃક્ષોને નુકશાન પહોંચાડે એવું એવું. પણ ગ્રામજનોએ જ્યારે જોયું કે આ શિક્ષકો એમના ભલા માટેજ કામ કરે છે ત્યારે અહોભાવ જાગવા લાગ્યો અને થયું કે આપણે શાળા માટે બીજું કાંઇ કરી શકીએ એમ તો નથી પણ નડીએ નહીં એ પણ એક મોટી સેવા ગણાશે!

“અમારી શાળામાં અમે જે નવા પ્રયોગો કર્યા એની સઘળી સફળતાનું શ્રેય અમારા આચાર્ય ગોપાલભાઇ અને અન્ય શિક્ષકોને જાય છે..” રાકેશ પટેલ વિનમ્રતાથી અને ભાવથી પોતાના સાથી શિક્ષકોને યાદ કરે છે, “ અમારા સદ્નસીબે અમારી શાળામાં અત્યારે જે આઠ શિક્ષકો છે એ બધાજ ખૂબજ ઉત્સાહી છે અને એટલે સુધી કે બીજી શાળાઓને પણ મીઠી ઈર્ષા થાય છે કે તમારે ત્યાંજ કેમ બધા ઉત્સાહી શિક્ષકો આવે છે!”

એટલી બધી વૈવિધ્યસભર અને નવી પ્રવૃત્તિઓ થતી રહે છે કે એ દરેક વિશે અહીં એક એક વાક્ય લખાય તો પણ મહાનિબંધ થાય! આ શાળા વિશે અને એમાં ચાલતી ગતિવિધિ વિશે તમારે વિગતવાર જાણવું હોય તો તમારે એના બ્લોગ http://nvndsr.blogspot.in/ ની મુલાકાત લેવી જ રહી, અને હા, અહીં એ પણ કહેવું જરૂરી છે કે નવાનદીસર એ ગુજરાતની પહેલવેલી શાળા છે જેણે બ્લોગ શરૂ કર્યો હોય. શાળાનું એક ઇ મુખપત્ર પણ નીકળે છે જેનું નામ છે ’બાયૉસ્કોપ’. જેમને શિક્ષણમાં રસ છે, જેમને દેશના ઉજ્જ્વળ ભાવિમાં રસ છે અથવા જેમના બાળકો પ્રાથમિક શાળામાં ભણે છે એવા તમામ લોકો આ બ્લોગની એકવાર મુલાકાત લેવીજ રહી.

સામાન્ય રીતે આવા દૂરના છેવાડાના વિસ્તારમાં કામચોર શિક્ષકને સજારૂપે મોકલાતા હોય છે, કારણ કે શહેરની સુખસુવિધા અને મનોરંજન અહીંથી જોજનો દૂર છે, અહીં છે માત્ર ભલાભોળાં અને રોજ જીવતા રહેવાની જહેમત કરતા માનવી. આવા વિસ્તારમાં રહીને પણ આ શિક્ષકોએ જે કામગીરી કરી છે અને કરી રહ્યા છે એ જોતાં ચોક્કસપણે એમ કહી શકાય કે દિલ્હીમાં બેઠેલા લોકો કરતાં ક્યાંય સારી રીતે આ લોકો રાષ્ટ્રનિર્માણનું કામ કરી રહ્યા છે!

ફિનીશ લાઇન:
“જે મા-બાપને માટે પોતાના સંતાનની સફળતા કરતાં એની ખુશી વધારે મહત્વની હોય એના માટેજ આ શિક્ષણપદ્ધતિ છે.” –સમરહિલની પ્રસ્તાવનામાંથી

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Mukul Jani

Mukul Jani

An 'Adman' from Rajkot, Mr. Mukul Jani has a hobby to capture things from his lenses. He is an excellent blogger with clear thoughts in his mind. His opinions spread across the different things of interest.

તાજા લેખો

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

error: Content is protected !!