કવિ ‘કોકિલ’નો કલર
ગઈ વાઘ બારશના દિવસે અમારા પડોશી અને વિખ્યાત ટહુકા કવિશ્રી વસંત કુમાર ‘કોકિલ’ના ઘરમાં ઉંચા અવાજે વાત થતી સાભળીને હું કૂતુહલવશ ત્યાં જોવા માટે પહોંચી ગયો. જોયું તો ટ્રેકપેન્ટ અને સદરામાં સજ્જ કવિ રૂમ વચ્ચે ઉભા હતા. કવિના ‘સજની’ હાથમાં વેલણ સાથે રસોડાના દરવાજામાં ઉભા હતા અને સંવાદ કંઈક આવો ચાલતો હતો …
સજની : તમને મેં ડબ્બા રંગવા માટે રંગ લેવા મોકલ્યા હતા. એમાં તમે રાત પાડી દીધી અને ખાલી હાથે આવ્યા એ જુદું. ક્યાં ભટકવા ગયા હતા?
કવિ : હું આભની અટારીમાં ઇન્દ્રધનુષ રચાય એની પ્રતિક્ષામાં સરોવરની પાળે બેઠો હતો.
સજની : પણ એમાં સાંજ પડી ગઈ?
કવિ : ઘણી રાહ જોઈ પણ ઇન્દ્રધનુષ ન રચાયું એટલે થયું કે સંધ્યાના રંગોથી પાત્ર ભરી લઉં.
સજની : પછી? ડબલું ભરાયું કેમ નહિ?
કવિ : વચ્ચે વાદળા આવી ગયા.
હું : તો પછી તમે આ છોલાણા કેવી રીતે?
કવિ : વચ્ચે એક મનમોહક રંગોવાળું પતંગિયું ઉડતું ઉડતું સ્વપ્નપ્રદેશથી આવતું દેખાયું. એટલે એની પાંખના રંગો ઉછીના લેવા માટે એની પાછળ દોડવા જતાં બોરડીના જાળામાં પડ્યો.
સજની : હાય હાય… ખાસ્સું છોલાણા છો. જાણે છીણેલુ આદુ જોઈ લો!
હું : શું થયું હતું? જરા માંડીને વાત કહો.
કવિ : હું તો મુક્ત વિહરતા પતંગિયાની કેલી નિહાળતો નિહાળતો એ કીટકની પાછળ દોડતો જતો હતો. ત્યાં જ વચ્ચે બોરડીનું જાળું આવ્યું અને હું એમાં પડ્યો.
સજની : હાય હાય! પછી?
કવિ : હું અર્ધમૂર્છિત અવસ્થામાં પડ્યો હતો એટલામાં પ્રસિદ્ધ પાવા કવિ ‘કહાનઘેલા’ ત્યાંથી સ્કુટી પર નીકળ્યા.
હું : ચાલો સારું થયું. પછી તમે ભાનમાં આવી ગયા હશો.
કવિ : ના રે. કવિ ઘેલાજી તો મારા મોઢા પર છાલક મારવા માટે ઝાકળ જળ એકઠું કરવા માટે વનરાજીમાં ગયા.
સજની : મુઓ કહાનઘેલો ય મૂઢ છે ને! જેઠ મહિનાની બપોરે ઝાકળ શોધવા નીકળ્યો? મરી ગ્યા હોત તમે તો.
કવિ : અરે એવું કહેશો મા. કવિ ‘કહાનઘેલા’ તો અત્યંત ઊર્મિલ અને લાગણીશાળી કવિ છે.
સજની : તંબૂરો લાગણીશાળી! એમાં ને એમાં તમે ઉકલી ગયા હોત!
કવિ : ઉગ્ર ન થશો. ઉગ્ર ન થશો સજની. તેઓ શ્રીએ જ મારી સુશ્રુષા કરી છે. મને થોડુ થોડુ ભાન આવ્યું ત્યારે તેઓશ્રી પતંગિયાની પાંખથી મારી ઉપર મંદ મંદ મલય ઢોળી રહ્યા હતા.
સજની : આવા તમારા હૃદયસ્થ સુહૃદો? પછી તમને ભાનમાં કોણ લાવ્યું?
કવિ : કવિશ્રી મારામાં ચેતનાનો સંચાર કરવા માટે મારા કાનમાં એમના ૨૧૨૭મા પાવા કાવ્ય ‘વાંસળી ઘેલી રાધા’નો પાઠ કરવા જતાં જ હતા ત્યાં નજીકની કેડી પરથી પસાર થતા પથિકોનું ધ્યાન અમારી ઉપર ગયું.
સજની : પછી એમણે પાણી છાંટીને તમને જગાડ્યા?
કવિ : ના. એમણે બિલકુલ તમારી જેમ જ ચરણ મરડી, મૂછ ચાંપી, ચંપલ સુંઘાડીને જગાડ્યો. અને પછી બધાએ ભેગા થઈ ટીંગાટોળી કરી મને રીક્ષામાં સ્થાન આપ્યું.
સજની : અરે અરે… કેટલું વાગ્યું છે. બેસો હું દવા લાવું.
કવિ : પ્રિયે, બેસાય એમ નથી. અમોને પૃષ્ઠ ભાગે ‘કંટક બાધા’ થઇ છે અને દક્ષિણ હસ્ત (જમણો હાથ) પણ સ્કંધમાંથી સ્થાનભ્રષ્ઠ થયો હોય એવી અનુભૂતિ થાય છે. પણ જવા દો હવે. (મને સંબોધીને) બધિરજી, તમે બહાર જુઓ તો, મારા હૃદયસ્થ સુહૃદ કવિશ્રી કહાનઘેલા લગભગ પહોચવા જ આવ્યા હશે. તેઓશ્રી મારા પ્રાથમિક ઉપચાર માટે ઔષધીની તજવીજ કરીને આવવાના હતા.
મેં બહાર જઈને જોયું તો વાંકડિયાવાળ, વધેલી દાઢી, ચોળાયેલો ઝભ્ભો અને ખભા પર બગલ થેલા સાથે એક શખ્સ કવિના ઘર તરફ આવતો દેખાયો. દેખાવ પરથી બેઠ્ઠો કહાનઘેલો લાગતો હતો. મેં ઈશારો કરીને એને ઘરમાં બોલાવ્યો. એને જોઈને કવિ કોકિલ અને એમના પત્ની કંઈ બોલવા જતાં હતા ત્યાં પેલાએ થેલામાંથી એક પડીકું કાઢીને મારી સામે ધર્યું અને બોલ્યો,
‘સાહેબ, એકદમ ટોપ કોલેટી. ચાખીને પૈસા આપજો.’
દવા હશે એમ સમજીને મેં પેકેટ હાથમાં લીધું અને જોયું તો એમાં ખારી સીંગ હતી.
‘આ શું છે? તમે કોણ છો?’ ગૂંચવાઈને મેં પૂછ્યું.
‘હું ખારી સીંગ વેચું છું. આ કાકા મારા કાયમી ઘરાક છે.’ એ બોલ્યો.
હવે ચોંકવાનો વારો મારો હતો અને હુ કવિ કોકીલને ખારી સીંગવાળાને ભરોસે મૂકીને કવિ કહાનઘેલાને શોધવાના બહાને બહાર નીકળી ગયો. ** (તમામ પાત્રો અને ઘટના કાલ્પનિક છે)