કવિતા કોર્નર

…….એ બધું ઠીક છે !!!!!
આમ જુઓ તો દેખાય છે સઘળી આંખની કરામત
બાકી તીર બીર અને જખમ બખમ એ બધું ઠીક છે
દરિયો ક્યાં રાખવાનો છે ? એ તો ફેક્શે જ આમતેમ
બાકી મોજા બોજા ને હલેસા બલેસા એ બધું ઠીક છે
મૂળ વાત છે પાનખરથી એક લીલું પાન બચાવવું
બાકી વંટોળ બંટોળ ને વસંત બસંત એ બધું ઠીક્ છે
મોઢામોઢ પૂછીએ તો જ સાચો જવાબ સાપડવાનો
બાકી કાસદ બાસદ ને ટપાલ બપાલ એ બધું ઠીક છે
ખબર છે કે જેમ તેમ પણ તોય જીવવાનું છે ચોક્કસ
તો પછી આંસુ બાસુ ને ઠોકર બોકર એ બધું ઠીક છે
દિલથી સીધી શબ્દો થઇ ને સ્ફુરે એ જ સાચી ગઝલ
બાકી રદીફ બદીફ ને કાફિયા બાફીયા એ બધું ઠીક છે

……ચપટી હુંફ !!!
શક્ય છે છુપાઈ જશે બધું રંગ ને રોગાન માં
દીવાલ તોય નક્કી તડપસે લીલી તિરાડમાં
ચાહવું કે પામવું એ ઘટના ચોક્કસ ઉભય છે
બેશક હિજરાશે લાગણી એકતરફી પ્યારમાં
જિંદગીભર દવાઓ દઈ કરતા રહ્યા સારવાર
એક ચપટી હુંફની જ બસ જરૂર હતી શ્વાસ માં
કરી મુકે લોહીજાણ પણ સાવ નાનો ઘસરકો
ભલે હોય એ કાયમ હસતો લોખંડી લિબાસમાં
દુર ચમકતા આભલાના ટુકડાઓની લ્હાયમાં
ભૂલાય હમેશા કોઈ વિખરાયેલું આસપાસમાં
શક્ય છે છુપાઈ જશે બધું રંગ ને રોગાન માં
દીવાલ તોય નક્કી તડપસે લીલી તિરાડમાં

હિબકે હિબકે હિજરાવું….!!
અટવાવું આ અથડાવું ને ડગલે ડગલે ખરડાવું
હર ચીસે ચીસે તરડાવું અને ટહુકે ટહુકે કરમાવું
તારીખીયાના પાનાં થઈને આંગળીઓમાં છપાવું
વેઢે વેઢે ગણવામાં કેટલીય મોસમોનું બદલાવું
ભીતો સાથે કરવી વાતો ને ફૂલો સાથે મહેકાવું
સવારે મુકેલી મેહંદી સાથે સાજે પાછું કરમાવું
સુરજ ,ચાંદો ,તારા સાથે રોજ ઊગવું ને આથમવું
ઓઢણી થઈને દાંતો વચ્ચે ચરર ચરર ચચરાવું
રસ્તા, કેડી ,નજરું થી રોજ કેટલું કેટલું ખચકાવું
વહાલમ તારી યાદો લઈને હિબકે હિબકે હિજરાવું

કારણ ખબર નહિ….!!!
સાવ અકારણ અટકી ગઈ દોડતી જિંદગી
આ ઠહરાવ છે તો છે , કારણ ખબર નહિ
આમ તો છત પર ક્યાં ખાસ કોઈ ભાર હતો
દીવાલ નમી છે તો છે , કારણ ખબર નહિ
એટલું પણ હોતું નથી વેર મોજા અને હોડીને
પતવાર ફાટી છે તો છે , કારણ ખબર નહિ
સબંધો ની સીમાઓ ક્યાં સુધી લંબાવું બોલ
ડગલું આખરી છે તો છે, કારણ ખબર નહિ
ગજું કેટલું પાંપણનું કે રોકી લે આંસુઓને
ભીનાશ ઓશીકે છે તો છે, કારણ ખબર નહિ
સાવ અકારણ અટકી ગઈ દોડતી જિંદગી
આ ઠહરાવ છે તો છે , કારણ ખબર નહિ

error: Content is protected !!