Adhir Amadavadi Gujarati Humorist

પ્રોફેસરો માટે કેટલીક ટીપ્સ

થ્રી ઈડિયટ્સથી લઈને બધી જ નવી ફિલ્મોમાં ભણતરની સિસ્ટમ અને પ્રોફેસરોની ફીરકી ઉતારવામાં આવી રહી છે. એક જમાનામાં ફિલ્મોમાં વિદ્યાર્થીઓની લુખાગીરી મુખ્ય મુદ્દો રહેતો હતો, જ્યારે હવે પ્રોફેસરો ડફોળ છે અને એમને કશું આવડતું નથી એવું બતાવવામાં આવે છે. એમને કઈ રીતે ભણાવવું એ માટે સલાહસુચનો આપવામાં આવે છે. આથી પ્રોફ્સરોનું જીવવું દુષ્કર થઈ ગયું છે. તો આવાં કઠીન સમયે વિદ્યાર્થીઓ પર પોતાનું વર્ચસ્વ કઈ રીતે જમાવી રાખવું એ અંગે પ્રોફેસરોને થોડીક ટીપ્સ.

1. વેલન્ટાઈન ડે, ફ્રેન્ડશીપ ડે, ક્રિસમસ જેવા દિવસ પછીના દિવસે એસાઈન્મેન્ટ સબમીશન ડે રાખો. છોકરાઓ ટેવ મુજબ છેલ્લા દિવસ સુધી એસાઈન્મેન્ટ કરશે નહિ અને જયારે જાગશે ત્યારે એમની ફાટી ચુકી હશે.
2. ક્લાસમાં સૌથી બદમાશ વિદ્યાર્થીની બધાની સામે ફીરકી ઉતારો. બીજા અડુકીયા દદુકીયાઓ તો માથું ઉપર કરવાની પછી હિમ્મત જ નહિ કરે.
3. ક્લાસમાં જો કોઈ વિદ્યાર્થી લેટ એન્ટર થાય તો ભણવાનું અટકાવી એને ગબ્બર સ્ટાઈલમાં વેલકમ કરો. ‘આઓ, આઓ ..’
4. મોડો આવેલ વિદ્યાર્થી બેસી જાય પછી એને પૂછો કે ‘ભાઈ પેન, નોટ છે ને?’ અને હોય કે ના હોય એની આજુબાજુવાળાને એને એક્સ્ટ્રા પેન પેપર આપવા કરવા કહો, કેમ કે ‘બિચારો મારું લેક્ચર ભરવા કેટલો દોડમદોડ આવ્યો છે’.
5. ‘જો તમે એમને સમજાવી ન કરી શકો તો એમને ઉલઝાવી દો’. આ સુત્ર યાદ રાખો. પણ આ સુત્ર કેબિનમાં ચોંટાડશો નહિ.
6. ક્લાસમાં તમે દાખલ થાવ પછી બીજા કોઈને દાખલ ન થવા દો.
7. જો કોઈ સ્ટુડન્ટ બગાસા ખાતો હોય તો કદી ગુસ્સે ન થશો. એ બગાસું ખાય છે એ એના જાગતા હોવાનો પુરાવો છે.
8. જો કોઈ સ્ટુડન્ટ કાચી ઊંઘમાં હોય તો એ પુરો ઊંઘી જાય ત્યાં સુધી એની તરફ ધ્યાન આપી એને ઊંઘતો રોકવાની કોશિશ ના કરશો. એ પુરો ઊંઘી જાય પછી વાત ચાલુ રાખી એની નજીક પહોંચો, અને એને ‘ભાઉ’ કરીને કે તાળી પાડી બીવડાવી દો. આખો ક્લાસ હસશે અને એ છોભીલો પડી જશે. બધું શાંત થાય એટલે એને કાઢી મુકો.
9. કોઈ પણ વિદ્યાર્થી પ્રશ્ન પૂછે તો સૌ પ્રથમ ‘ગુડ ક્વેશ્ચન’ કહી એને બિરદાવો. એ પછી જવાબ આવડતો હોય તો જવાબ આપો. ન આવડતો હોય તો ‘આવાં પ્રશ્નો ક્યારેક જ ઊભા થતાં હોય છે, અને એના જવાબ સમય સંજોગો અનુસાર જુદાં જુદાં હોય છે. તું બપોરે મને ઓફિસમાં પ્રશ્નનો સંદર્ભ લઇને મળ તો આપણે એનું સોલ્યુશન કાઢીએ’ એવું કહો. પેલો બપોરે નહિ આવે એની ગેરંટી.
10. કોલેજ મેનેજમેન્ટને કાયમ ગાળો આપો. છોકરાઓને એ ગમશે.
11. કાયમ લાકડાની એડીવાળા જૂતાં પહેરો. કાચા-પોચા છોકરાઓ તો તમારા આવવાનાં અવાજ માત્રથી જ કાંપી ઉઠશે.
12. અઠવાડિયામાં એક દિવસ ઘડિયાળ પાંચ મીનીટ આગળ કરી દો. ક્લાસમાં વહેલા જઈ હાજરી પુરો અને એ પછી જે આવે એને કાઢી મુકો. અડધા છોકરાં તો ઘડિયાળ પહેરતા જ નથી, અને જે પહેરે છે એ દરેકની ઘડિયાળમાં જુદોજુદો સમય હશે.
13. ક્લાસ શરુ થાય એટલે ચોથી બેંચ પર બેસેલા વિદ્યાર્થીને પૂછો ‘લાસ્ટ ક્લાસમાં કયાં સુધી ચલાવ્યું હતુ, બતાવ તો તારી નોટ’. અને પછી એ નોટ આપવામાં ગલ્લાતલ્લા કરે તે જુઓ.
14. ચાલુ ક્લાસમાં જો કોઈ છોકરો ઘડિયાળ જુએ તો તમે ભણાવતા અટકી જાવ. પછી પૂછો એને ‘કેટલી વાર છે ક્લાસ પુરો થવામાં ?’ એ એમ કહે કે ‘દસ મીનીટ બાકી છે’ તો તમે ‘ઓહ, દસ જ મીનીટ ? હજુ તો મારે અડધો કલાક જેટલું ભણાવવાનું બાકી છે, સારું છે આ છેલ્લો પીરિયડ છે’. ભણાવવાનું દસ જ મીનીટ, પણ ત્રીસ મીનીટ ભણવાનાં વિચાર માત્રથી બધાની ઊંઘ ઉડી જશે.
15. કાયમ એક્સ્ટ્રા ક્લાસ લેવા માટે માંગણી કરો. મેં ખાલી માંગણી કરવાનું કહ્યું છે, લેવાનું નહિ. એ લોકો ભયભીત થઈને સામેથી જ ના પાડશે.
16. ચાલુ ક્લાસે પ્રશ્ન પૂછવાનું રાખો. એક તો એનાથી કોઈ ઉંધી નહિ શકે. અને જો જવાબ આપવા બહુ બધી આંગળીઓ ઉંચી થાય તો ‘ઇઝી ક્વેશ્ચન રાઈટ ?’, કહીને જાતે જ જવાબ આપી દો.
17. દરેક ક્લાસમાં એક વનેચંદ શોધી કાઢો. દર બીજા ક્લાસે એને કાઢી મુકો.
18. દરેક ક્લાસમાં બે ચાર ચમચા જેવાં છોકરાં હશે. એમને મસ્કા મારવાની આદત હશે. એમને પૂરી જાણકારી સાથે પ્રોત્સાહિત કરો. એમના વખાણ કરો. પછી ચમચાઓ અને ચસ્કેલાઓ વચ્ચે અંદર અંદર લડાઈ થાય એ જોયા કરો.
19. લેક્ચરમાં એક શબ્દ વારંવાર ઉપયોગ કરો જેમ કે ‘ઓ.કે.?’. થોડાક વખતમાં છોકરાઓ નોટમાં તમે કેટલી વાર ‘ઓકે’ બોલ્યા એ ગણતા થઈ જશે. પછી એક જણને પકડો. એને પૂછો, ‘કેટલી વાર ઓકે બોલ્યો, તું ગણે છે ને ?’. પછી એની જ નોટમાંથી વાંચો ‘૭૬ વખત? ગયા વરસનો રેકોર્ડ ૧૪૪નો છે બકા’.
20. અને જો તમે બહુ બોરિંગ ભણાવતા હોવ તો કશું કરવાની જરૂર નથી.

error: Content is protected !!