દાદાજી

“અરે મમ્મી , મને લેટ થાય છે, જલ્દી ટિફિન આપો તો” ઉતાવળે પગલે ભાગતી અનુશ્રી અચાનક થંભી ગઈ. હજી ક્ષણ પહેલા, કાને પડેલા અવાજ સમક્ષ જોતી રહી.એ સાદ હતો એના દાદાજીનો, “બાય બેટા”. આમ તો રોજ એ અહી, આ જ સોફા પર બેસતા, રોજ એને જતા જોતા પણ આજે, હમેશા દાદાજીના કામને ટાળતી અનુશ્રીએ એક જ વારમાં , કહેતાની સાથે જ એમનું કામ કરી આપ્યું એટલે કે પછી ભીંતરની લાગણી રૂપે, એમના અવાજની આત્મીયતા એને સ્પર્શી ગઈ.દાદાજીને વહાલભર્યું આલિંગન આપી એ જતી રહી. ગાડીમાં બેસી એન્જિન સ્ટાર્ટ કર્યું ને જાણે મગજમાં પણ અનેક વિચારોની કળી ફૂટવા લાગી. એ દાદાજીને બાય કહીને તો નીકળી પણ એનું મન અનેક વિચારોમાં-માત્ર દાદાજીના-અનેક વિચારોમાં ભળી ગયું . અનુશ્રી ફાઈન આર્ટસનો અભ્યાસ કરી રહી હતી અને એક જાહેરાત એજન્સીમાં સારી એવી પોસ્ટ પર પણ હતી.એ સુખી અને સમૃદ્ધ હતી.ઘરમાં મમ્મી, પપ્પા અને દાદાજી, એકની એક પુત્રીને સૌ લાડ લડાવતા.અરે, બાની તો એ પ્રિય દીકરી હતી.જયારે બા અચાનક મૃત્યુ પામ્યા ત્યારે એ માત્ર ૮ વર્ષની હતી. બા ક્યાં જતા રહ્યા એ કાચી ઉમરે અનુશ્રી સમજી શકી ન હતી. બાના વિરહમાં સૌને આંસુ સારતા જોઈ ને એ પણ આંસુ વહાવી લેતી.

બચપણ સાપસીડીનો એ સાપ છે જે જીવનમાં ગમે ત્યારે દાખલ થઇ ફરી એને જીવનની શરૂઆત-બચપણની સીડી પાસે જ મૂકી દે છે.રમતને પહલેથી જ શરુ કરાવે છે.એ જ રીતે અનુશ્રીને પણ એક પછી એક બધા જ દિવસોની યાદ આંખ સમક્ષ તાદ્રશ થવા લાગી. વાહનોનો ઘોંઘાટ જાણે એને સંભળાતો જ નહોતો. ભૂતકાળના જે દિવસોને આજ સુધી સંભારવાની તસ્દી પણ લીધી ન હતી એ દિવસો આજે ભીંતરમાં, ઊંડે ઊંડેથી સાદ પાડી રહ્યા હતા.બાળપણમાં જૂના ઘરમાં , દાદાજી પગથિયાં પરથી ફૂલ ફેકતા ને નીચે ભગવાનને પ્રાથના કરતી અનુશ્રી જાણે ભગવાને જ વર્ષા કરી હોય એમ થનગની ઉઠતી. ડાન્સ ક્લાસમાં સાયકલ પર લેવા-મુકવા આવતા ને રસ્તામાં જાતજાતની વાર્તા કહેતા એ દાદાજીને સમજતા કેમ આટલી વાર લાગી એ અનુશ્રી સમજી શકી નહિ. ઉમરના આ પડાવ પર જયારે એકલતા એમને કોરી ખાય છે ત્યારે હું કેમ એમને હજી સુધી અવગણી રહી?અનુશ્રીના મનમાં અનેક પ્રશ્નો ઉઠતા રહ્યા. લાલ સિગ્નલ પર ગાડી ઉભી તો રહી પણ વિચારોના ન અટકયા. હા, વિચારોની દિશા બદલાઈ પણ કેન્દ્ર સ્થાને તો દાદાજી જ રહ્યા.

ચોકલેટ હોય કે નવા કોઈ બિસ્કીટ કેટલા પ્રેમથી એ લાવતા ને એમનું એ વાક્ય “દીકરા આજે ખાય લે, કાલે જયારે દાદાજી નહિ હશે ત્યારે યાદ કરજો દાદાજીને”,.કેટલું આત્મગૌરવ અને કંઈક આપ્યાનો આનંદ!! આટલી નિઃસ્વાર્થ ભાવના સામે અનુશ્રીએ પોતે વળતરમાં શું આપ્યું એ, એ વિચારતી રહી. એમનો આ પ્રેમ, સન્માન અને એમણે આપેલી નાની નાની ખુશીઓ એમને પાછી ન આપી શકાય? એ ઊંડા વિચારમાં ડૂબી ગઈ હતી.કોલેજ તો પહોચી પણ ક્લાસમાં ન જઈ શકી. જાય પણ શી રીતે? આજે ઉઠેલા આ તમામ પ્રશ્નો નિરુત્તર હતા. જાણે કોઈ દર્પણ બતાવી રહ્યું હોય એમ પોતાની છબી મનમાં ઉપસવા લાગી.કોરીડોરમાંથી પસાર થતા લોકોની વાત જરા કાને પડી ત્યારે અહેસાસ થયો કે આંખમાંથી ક્યારની જાળવી રાખેલી ભીનાશ બહાર આવી ગઈ હતી.અનુશ્રીએ તરત જ આંસુ લૂછ્યા અને એક શાંત ખૂણામાં જઈ બેઠી.અહી એકાંત તો હતું. પણ મનમાં ઘણો ઉચાટ હતો.ફરી એક વાર એ શૂન્યમાં તાકવા લાગી. પરીક્ષા સમયે જયારે આખી રાત વાચ્યું હોય અને સવારે પગે લાગવા જતી વેળાએ દાદાજીના એ આશીર્વાદ “ઓલ ધ વેરી બેસ્ટ, આજે તારું પેપર બો જ સરસ જશે. હું કહું છું ને. કેટલી મહેનત કરી છે મારી દીકરી એ ”સાંભળીને આત્મવિશ્વાસમાં હમેશા વધારો થતો. વિષયનું જ્ઞાન ન હોવા છતાં સીધા દિલથી નીકળેલા આવાં વચનોથી હમેશા એક અદભુત લાગણી થતી. આ ઉપરાંત, ઘરે ભેળ બને કે પાણીપુરી, પેલા થેલાવાળા ગોપાલકાકા અચૂક યાદ કરાતાં.એકની એક વાત પણ કેટલા ઉત્સાહથી કેહતા! એમના વીતેલા દિવસોનું કેટલા સ્નેહથી જતન કરતા! થોડીક ક્ષણો પુરતું અનુશ્રીના ચહેરા પર સ્મિત રેલાય ગયું પણ પછી ફરી અમુક વિચારે એના ચહેરા પર એ જ સખ્તતા સ્થાપી દીધી. શું વૃદ્ધાવસ્થા એટલે વીતેલી યાદોને સંભારવાની અવસ્થા? તો શા માટે આ એકલતા આટલી ક્રૂર અને નિર્દય બનતી હશે? ફરી નાના બાળકની જેમ જ મન અનેક પ્રશ્નો કેમ કરતુ હશે? નાના બાળકોના પ્રશ્નો પર સૌ પ્રેમથી ઉત્તરો આપે છે તો વૃદ્ધોના બે –ચાર પ્રશ્નો પર ચિડાય કેમ જતા હશે? એમની હાજરી ભારરૂપ કે બિનજરૂરી કેમ લાગતી હશે? શું મારા દાદાજી પણ દુનિયામાં પોતીકા પ્રેમ માટે ઝૂરતા અન્ય વૃદ્ધોની જેમ જ એકલતાની એ ખાઈમાં ઊંડે ને ઊંડે ઉતરતા હશે?

પ્રશ્નોના ઊંડા સાગરમાં ડૂબકી મારીને વધુ અંદર ને અંદર દોરાતી જતી અનુશ્રીને જાણે કોઈએ હાથ ખેચી ફરી સપાટી પર લાવી હોય એમ એ ઝબકી ઉઠી. જોયું તો એના ફોન પર રીમાઈન્ડર વાગતું હતું , ”dadaji’s Birthday” એની આંખોમાં એક ચમક આવી ગઈ. અરે હા, “થેંક યુ વેરી વેરી મચ” કહેતા અથવા કોઈ શુભેચ્છા પાઠવે એ પહેલા, જાતે જ “હેપ્પી બર્થ ડે ” બોલી દેતા મારા દાદાજીની કાલે બર્થડે છે. અનુશ્રી ઝૂમી ઉઠી.દાદાજીના જન્મદિવસના આગલા જ દિવસે એને દાદાજીનું ખરું મૂલ્ય સમજાયું હતું.અનુશ્રીને મન તો દાદાજીનો કાલે ફરી જન્મ થવાનો હોય એટલી ખુશી હતી. આધુનિક યુગનું એક રીમાઈન્ડર દાદા- પૌત્રીના સંબંધને નવી દિશા અને નવા જ ઉષ્માભર્યા સમયના આગમનનું નિમંત્રણ બની રહ્યું.

અહી પ્રશ્નો ઉઠાવવાનું કારણ માત્ર આપણી અંદર રહેલી અનુશ્રીને જગાડવાનું જ છે. આ પ્રશ્નો જો દરેક પુત્ર કે પૌત્રીના મનમાં ઉઠશે અને એ માટેની લાગણી તીવ્ર બનશે ત્યારે મારા ખ્યાલથી વૃદ્ધાશ્રમ ઢળતી ઉમરનું એકમાત્ર મનોરંજન સ્થળ જ બની રહેશે નહિ કે રહેવાનું સ્થળ!

error: Content is protected !!