સાંસદો માટે નવા ભથ્થાઓની કેટલીક દરખાસ્તો

એક સમાચાર મુજબ ભારતીયોની મીડિયન ઉમર ૨૫.૯ છે. એટલે કે ભારતની અડધી વસ્તી ઉમરમાં ૨૫ વરસથી ઓછી અને બાકીની અડધી વસ્તીની ઉંમર ૨૫ થી વધુ છે. અને ચોકાવનારુ જુનું સત્ય એ છે કે આ મીડીયન ઉંમર કરતા આપણા નેતાઓની એવરેજ ઉંમર ૩૯ વરસ વધારે છે. વરસે દાડે સંસદમાં અગત્યના વોટિંગ માટે આવા કાકાઓ/દાદાઓને લાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડે છે તે આપણે ભૂતકાળમાં જોયું છે. તો આપના ઘરડા સાંસદોએ પગાર વધારા ઉપરાંત કેવી સવલતો અને ભથ્થા માંગ્યા હતા તે અધીર અમદાવાદીએ રાઈટ ટુ ઇન્ફર્મેશન હેઠળ મેળવેલ છે અને જેની મૂળ રજુઆતનો ભાવાનુવાદ અહી રજુ કરું છું.

સાંસદ ૧ : માનનીય અધ્યક્ષા, અમે ભારતીય લોકશાહીની પ્રણાલિને અનુસરીને ચુંટણી દરમિયાન ઘણું કષ્ટ ઉઠાવીને લોકો સુધી પગપાળા પહોંચીએ છીએ. કેટલાય વિસ્તારો દુર્ગમ છે જ્યાં અમારી લેન્ડ રોવરો પણ પહોંચી નથી શકતી. વાહનમાંથી પગ નીચે મુકીએ તો નીચે ધૂળ હોય છે. છતાં અમે લોકોની સેવા કરવાની તક ઝડપવા માટે ચાલીને જઈએ છીએ. આ ઉપરાંત મહોદયા, અમારે કેટકેટલાયે સ્ટેજના પગથીયા ચઢવા પડે છે. વખતોવખત દિવંગત સદનસીબ નેતાઓની ઉંચી પ્રતિમાઓને ફૂલહાર કરવા માટે અમારે સીડીઓ પર ચઢવું પડે છે. અને આમ થવાથી અમારા ઘૂંટણની ઢાંકણી ઘસાઈ જાય છે. અમારી એ દરખાસ્ત છે કે દરેક સંસદ સભ્યને ખાસ ઢાંકણી એલાવન્સ આપવું જોઈએ. મહોદયા, એ જણાવી દેવાની અમારી ફરજ છે કે આ ઢાંકણીમાં પાણી લઇ કોઈ સાંસદ ડૂબી જાય તેવી શક્યતા એક કરોડમાં એક પણ નથી, માટે નિશ્ચિંતપણે આ ભથ્થું જાહેર કરવામાં આવે. આ ઉપરાંત સ્ટેજ અને સીડીઓ ચઢવા માટે પોર્ટેબલ એલીવેટરો માટે અલગ જોગવાઈ પણ કરવાની જરૂર છે.

સાંસદ ૨: અમારા મતવિસ્તારમાં ખુબ જ ધૂળ ઉડે છે. અમે આ અંગે ઘણી રજુઆતો કરી છે. પરંતુ નો-ગ્રેસ સરકારે આ વિષય પર હંમેશા આંખ આડા કાન કર્યા છે. કાગળ પર અમારા વિસ્તારમાં રસ્તો બની ગયેલ છે. અને સાફસફાઈના અભાવે રસ્તા પર કાગળો ઉડે છે. અમારી પ્રજા જ્યારે જ્યારે રજૂઆત માટે અમારા કાર્યાલય કે નિવાસસ્થાને આવે છે ત્યારે કપડામાંથી ધૂળ ખંખેરે છે. આ ધૂળ અમારા સોફા, પડદાઓ અને કાર્પેટમાં ઘુસી જાય છે. આ સરકાર જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી અત્યાર સુધીમાં ત્રણસોને સાડત્રીસ વખત અમારા ઘરના પડદા ધોવા પડ્યા છે. અને કાર્પેટ પર ચાલો તો જાણે રણની સફારી કરતા હોવ એમ લાગે છે. કેટલાક ગુજરાતી મિત્રો તો દુબઈ જવાની જોગવાઈ ના હોય તો અમારા ત્યાં સફારીની મજા માણવા આવી જાય છે. અમે ઈચ્છીએ છીએ કે બધા જ વિરોધ પક્ષના સાંસદોને ધુળ સાફ કરવા વેક્યુમ ક્લીનર ભથ્થું આપવામાં આવે.

સાંસદ ૩ : અમારો મતવિસ્તાર સુકો છે. એટલે એમ ડ્રાય નહિ, પાણી વગર ડ્રાય. પાણીના એક એક બુંદ માટે લોકો તરસે છે. વર્ષોથી પાઈપોના ભૂંગળા આવીને પડ્યા છે એમાં છોકરાઓ ઘર-ઘર રમે છે. પ્રજા પીવા માટે પાણી નથી એટલે દારુથી કામ ચલાવે છે. એકંદરે આ ધંધામાં રોજગારી સારી રહે છે. લોકોને રહેઠાણની પણ સમસ્યા ખાસ નથી કારણ કે ટુન્ન થયેલા લોકો રસ્તાની આજુબાજુ ગમે ત્યાં લાંબા થઇને સુઈ જાય છે. અમારી સમસ્યા જુદી છે. અમારી પ્રજા મહિના મહિના સુધી નહાતી નથી. સાબુના ડીલરોના અહી દેવાળા નીકળી ગયા છે. શેમ્પુ વાળાઓ અમારા ત્યાં સરકાર સામે ધરણા યોજે છે. લોકોના કપડા પર મેલના એટલા થર જામેલા હોય છે કે હાર્પીક વાળા પણ એને સાફ કરવાની ચેલેન્જ નથી ઉઠાવતા. મહોદયા, અમારા લોકોની નજીક જઈએ તો સડેલા ઈંડાની વાસ આવે છે. એટલે હું અહીંથી દરખાસ્ત રજુ કરું છું કે દરેક સાંસદને અત્તર ભથ્થું આપવામાં આવે.

સાંસદ ૪ : હું દક્ષિણ વિસ્તારમાંથી આવું છું. અમારા ત્યાં ખુબ વરસાદ થાય છે. લોકો વરસાદ પડે એટલે મકાઈ ખાય છે. તો છોકરાઓ કાગળની હોડીઓ પાણીમાં તરતી મુકે છે. ઠેર ઠેર છોકરાઓ કાગળની હોડી દોડાવવાની કોમ્પીટીશન કરે છે. અને મહોલ્લે મહોલ્લે કોમ્પીટીશનના ઇનામ વહેચણી સમારંભો થાય છે. આ ઉપરાંત કોમન બોટ ગેમ્સ પણ દર વર્ષે યોજાય છે. આ સમારંભોમાં ઇનામ વિતરણ કરવું એ અમારા ત્યાં બહુ મોટી પ્રતિષ્ઠાની વાત છે અને એના માટે અહી બહુ પડાપડી થાય છે, મહોદયા. આને માટે અમારે ઘણીવાર સામેથી રૂપિયા ચૂકવવા પડે છે. હું પ્રસ્તાવ રજુ કરવા માંગુ છું કે સાંસદોને મુખ્ય-મહેમાન ભથ્થું મળવું જોઈએ. આ ભથ્થું અમારા વિસ્તારની આ ભવ્ય હોડી તરાવવાની પ્રણાલિને જાળવી રાખશે એવો અમને વિશ્વાસ છે.

કથિત અમદાવાદી, સાંસદ અમદાવાદ: મહોદયા હું અમદાવાદી છું. ગુજરાતમાં, અને ખાસ કરીને અમદાવાદમાં, તમે જાણો છો તેમ અઢળક વિકાસના કાર્યો ચાલે છે. અમારા મુખ્ય મંત્રી રવિવારે ઉદઘાટનોમાંથી જ નવરા નથી પડતા. આથી જ અધિકારીઓ પણ રવિવારે મનમાં ગાળો બોલીને થાકી જાય છે. અમારા ગુજરાતમાં દીકરીઓ અને ગાયો દિવસ રાત રસ્તા ઉપર મુક્તમને વિહરે છે. એથી ગભરાઈને કેટલાક લોકો ફૂટપાથ પર પણ વાહનો ચલાવે છે. અમુક નવરા કવિઓ આ ગાયો પર કવિતા લખી લોકોનું સસ્તું મનોરંજન પણ કરે છે. આ ઉપરાંત અમારા ત્યાં કેટલાક ઐતિહાસિક ભૂવાઓ પણ છે. જહાંગીર બાદશાહ અમદાવાદ આવ્યા ત્યારે પણ અહીના ભૂવાઓથી તેઓ અભિભૂત થયા હતા તેવું આયના-એ-જહાન્ગીરીમાં નોંધાયું છે. એક અંગ્રેજે અમદાવાદનું ચિત્ર દોર્યું’તુ એમાં પણ ભુવાના કિનારે ગાય ચરતી જોવા મળે છે. મતલબ કે ગાય અને ભૂવા એ અમદાવાદની ઝળહળતી ધરોહર છે. એટલુંજ નહિ અગામી મહિને શ્રી અ. હ. બચ્ચન જી આ વિષયને લઈને ટુરિઝમની એડ ફિલ્મ પણ શુટ કરવાના છે જેમાં શ્રી અમિતાભ હરિવંશરાયને ભૂવાઓ ફરતે હેરીટેજ વોક કરતા દર્શાવવામાં આવશે. અગામી દિવસોમાં મહોદયા, અમારે પાલિકાની ચુંટણી ઉપરાંત આ હેરીટેજ વોકમાં પણ હજુ ઘણું ચાલવાનું છે. તો આથી હું અત્રેથી અડિદાસ બુટ એલાવન્સ માટે પ્રસ્તાવ રજુ કરું છું.

ખાસ નોંધ :
૧) આ દરખાસ્ત અંગે રોષ પ્રગટ કરવો નહિ.
૨) દરખાસ્તો અંગે ચર્ચા કરવાની છૂટ છે પણ ઔચિત્યભંગ થાય તેવા શબ્દો વાપરવા નહિ.
૩) નેતાઓ ને આડકતરી રીતે ‘ખાલીજગ્યા’ છે એમ કહી ને પણ ગાળ આપવી નહિ.
૪) નવા ભથ્થાઓની દરખાસ્ત કરવાની છૂટ છે.

error: Content is protected !!