કવિતા કોર્નર

એમ થોડું કઈ ચાલે !!
ઉઘાડ્પગે મળવા આવું ગજવે વસંત ઘાલીને
સુગંધ નામે વગડો દઈ દે એમ થોડું કઈ ચાલે
દિલના ક્યારે રોપેલા લીલ્લાછમ્મ વિશ્વાસો પર
તું સુક્કે સુક્કો શ્વાસ છાંટી દે એમ થોડું કઈ ચાલે
કેટલા દિવસે કરગરીને મેં ચાંદો આજ ઉગાડ્યો
તું આખો ઉપર પડદા દઈ દે એમ થોડું કઈ ચાલે
એક ઈશારે આખું આયખું ચિતા પર ધરવા ટાણે
સુખડ બદલે ઘાસ દઈ દે એમ થોડું કઈ ચાલે
સમી સાંજે થાક્યા પાક્યા દાવ મારો જ્યાં આવે
કોઈ અજાણ્યા ને ખો દઈ દે એમ થોડું કઈ ચાલે
કેટલી લાંબી જહેમતથી મળ્યો ચેક-મેટનો મોકો
વજીર ને બદલે પ્યાદું ધરી દે એમ થોડું કઈ ચાલે

….તો સાચું !!!
ક્યાં હોઈ છે બહુ અઘરું હસતી આખો ને વાંચવું
મૌન માં પડઘાતા ડુંસ્કાઓ સંભળાય તો સાચું
રાખું ખુલ્લી તો ફટ કરતાંક હજારો ઉત્તર મળે
બંધ મુઠ્ઠી ના સઘળા ભેદ ઉકેલાય તો સાચું
બની શકે મોકો ફક્ત હાથ જ મેળવવાનો મળે
આંગળીમાં થીજેલું આલિંગન અનુભવાય તો સાચું
વાયરાનું તો કામ જ સઘળું સંગાથ લઇ ઉડવાનું
પછીતે છપાયેલા ચાર પગલા સચવાય તો સાચું
થાય મળવાનું અજાણ્યા ચહેરાઓના ટોળા વચ્ચે
ઓટલે બેઠેલી આંખોમાં એક ચહેરો સચવાય તો સાચું

શોધ …..!!!
ઉઝરડાની બીક રાખીશ તો બગીચો નહિ દે ઘુસવા
કાટા ઓ વચ્ચેથી ફૂટતી એક માસુમ કળીને શોધ
વિસ્ફારિત આંખોમાં ભૂલા પડવાનો ભય કેમ રાખે ?
વર્ષાવનમાં લંબાતી એક સુમસામ પગદંડીને શોધ
તાપણું મતમતાંતર નું મળતા હૈયે સદાયે સળગશે
દલીલોની બોછારોમાં ખીલતી હુંફાળી દોસ્તીને શોધ
રંગો ઢોળી કેનવાસ પર ને ટેકવ આંગળી હડપચી એ
લસરકે લસરકે ચીતરાતી રંગીન કલ્પનાઓને શોધ
રોજ ઉભવાનું છે અરીસે મઢેલી દીવાલો ની સામે જ
સેક્ડોમાંથી કોશિશ કર ને તારા જ પ્રતિબિંબને શોધ
ઉઝરડાની બીક રાખીશ તો બગીચો નહિ દે ઘુસવા
કાટા ઓ વચ્ચેથી ફૂટતી એક માસુમ કળીને શોધ

કારણ ખબર નહિ….!!!
સાવ અકારણ અટકી ગઈ દોડતી જિંદગી
આ ઠહરાવ છે તો છે , કારણ ખબર નહિ
આમ તો છત પર ક્યાં ખાસ કોઈ ભાર હતો
દીવાલ નમી છે તો છે , કારણ ખબર નહિ
એટલું પણ હોતું નથી વેર મોજા અને હોડીને
પતવાર ફાટી છે તો છે , કારણ ખબર નહિ
સબંધો ની સીમાઓ ક્યાં સુધી લંબાવું બોલ
ડગલું આખરી છે તો છે, કારણ ખબર નહિ
ગજું કેટલું પાંપણનું કે રોકી લે આંસુઓને
ભીનાશ ઓશીકે છે તો છે, કારણ ખબર નહિ
સાવ અકારણ અટકી ગઈ દોડતી જિંદગી
આ ઠહરાવ છે તો છે , કારણ ખબર નહિ

error: Content is protected !!