‘ખયાલી વર્ઝીશ’

ભાષા વિષેની સાચી સમજ આવી ત્યાં સુધી હું ‘ઢોલો મારા મલકનો’, ‘મેરે ઢોલના’, ‘ઢોલ સજના’ વગેરે શબ્દો ગુજરાતના ભજીયાખાઉં ઢમઢોલ ભરથારો માટે જ વપરાયા હશે એમ જ સમજતો હતો! મને તો આપણા ઢમઢોલ ઢોલાઓ કમરની આસપાસ જાણે ભજીયા-ગોટાના પડીકા દબાવી ને ફરતા હોય એમ જ લાગતું! પણ સમજણા થયા પછી તો હું પણ ચાવણું આપ્યા પછી દાંતની તકલીફો આપનાર ભગવાન સામેના અંદોલનમાં જોડાઈ ગયો છું. ગરમ ગાંઠિયા, ફાફડા, દાળવડા, કાંદાવડા, બટાટાવડા, મેથીના ગોટા, સમોસા, કચોરી અને બીજા ફરસાણ જેવી ખાવાની અદભુત વાનગીઓનો ચસ્કો લગાડ્યા પછી કોલેસ્ટેરોલ, ચરબી અને વજનમાં વધારાની ચિંતા આપીને ઈશ્વરે માનવજાત અને ખાસ કરી ને ગુજરાતીઓ ને અન્યાય કર્યો છે. માણસ બિચારો મેથીના ગોટાને બટકું ભરીને ગળે ઉતારે ત્યારે એ બટકું સીધું જ જાણે ફાંદ નામની આગળ ધસી જતી ફોજની આગલી હરોળમાં જઈ ને ગોઠવાતું હોય એવો એને ભાસ થયા કરે! આમાં બિચારો ખાય શું અને માણે શું! ચરબી પણ એવી ઘુસણખોર બાંગ્લાદેશી જેવી કે એક વાર ઘૂસે પછી નીકળવાનું નામ ના લે!

પણ અમને આનંદ એ વાતનો છે કે ફિટનેસની બાબતે ગુજરાતના નર-નારીઓ જાગૃત છે. તકલીફ ફક્ત એટલી જ છે કે એમાંના મોટા ભાગનાને ઓછામાં ઓછા પરિશ્રમથી ફીટ રહી શકાતું હોય તો જ ફીટ રહેવું છે! ઘણા તો ટી.વી. પર કોઈને દોડતા કે કસરત કરતા જોઈ ને જ પરસેવે રેબઝેબ થઇ જાય છે. આપણે ત્યાં કોઈ એ વજન ઘટાડ્યુ હોય તો એની વિગતે પૂછપરછ કરવાનો રીવાજ છે. પણ જેવી બહેનને ખબર પડે કે આમાં તો રોજ પાંચ કિલોમીટર ચાલવું પડે અને તીખું-તળેલું ખાવાનું છોડી દેવું પડે, તો તરત મોં પર ‘ઓહો, આવી રીતે તો ઉતરે જ ને!’ એવા ભાવ આવી જશે. આ બધાને એમનો ખોરાક પૂછશો તો કોઈ દોઢ-બે રોટલીથી વધારે નહિ કહે અને તમે એમનો ‘ડાયેટ પ્લાન’ તપાસો તો દસમાંથી એક રોટલી પર ઘી નહિ લગાડવાનું!

સડસડાટ ભાગતા રીમોટ વચ્ચે ટી.વી. ચેનલ પર ક્યાંક કોઈ ચડ્ડી-બનિયાનધારી કન્યા ઘરે એકસરસાઈઝ કરી શકાય એવા સાધનોનો ‘ડેમો’ બતાવતી દેખાશે તો એ જોવા માટે અટકશે ખરા, પણ એમાં મહેનતનું પ્રમાણ વધારે દેખાશે તો તરત બીજી મનોરંજક ચેનલ તરફ વળી જશે. ટેલી શોપિંગવાળા પણ જાણે આપણે ત્યાં આવીને જ રીસર્ચ કરી ગયા હોય એમ વજન ઉતારવાના શોર્ટકટ્સ જેવા સાધનો બનાવવા માંડ્યા છે. ‘કમર પર બેલ્ટ બાંધો અને રસોડામાં કામ કરતા કરતા વજન ઉતારો’ કે પછી ‘આરામ ખુરશીમાં છાપું વાંચતા વાંચતા મશીન પર ચાલવાની કસરત કરો’, ‘પથારીમાં સુતા સુતા મશીન પર પગની કસરત કરો’ એવા દાવાઓ સાથેની જાહેરાતો એના પુરાવા છે! આશ્ચર્યની વાત એ છે કે આવું દરેક મશીન કે સાધન એક બીજા કરતા અલગ પ્રકારનું હોવા છતાં એ સોફા નીચે સરળતાથી સમાઈ શકે એવું હોય છે!

ટેલી-શોપિંગવાળાની ઓછી મહેનતે વજન ઉતારવાની વાત મને અપીલ કરી ગઈ છે! અમને એક રસ્તો જડ્યો છે અને એ આપણી ફિલોસોફીને અનુકુળ પણ છે! આપણે ત્યાં સેવા હોય કે ભક્તિ એમાં સાધ્ય ને મહત્વનું ગણવામાં આવ્યું છે સાધન ને નહિ. કહે છે કે ભક્તિ તમે તનથી કરો મનથી કરો કે ધનથી કરો એ પ્રભુ ને પહોચે છે. બરોબર આ વાત પરથી જ અમે પ્રેરણા લઇને પરસેવે નહાયા વગર વજન ઘટાડવાની સિદ્ધિને વરી શકાય એવો એક રસ્તો કાઢ્યો છે! આમાં પાછુ એવું નથી કે હું ગોળ ખાતો હોઉં અને તમને ગોળ ન ખાવાની શિખામણ આપતો હોઉં. ના, મેં પહેલાં અમલમાં મુક્યો છે એ પછી જ આ કીમિયો તમને બતાવું છું અને એ કીમિયો છે …. ‘ખયાલી વર્ઝીશ’!

ના ખબર પડી? આજ તકલીફ છે આપણી! આટઆટલી હિન્દી ફિલ્મો જોતાં હોવા છતાં આપણું હિન્દી એટલે આપણું હિન્દી! અચ્છા તમે ‘ખયાલી પુલાવ’ વિષે સાંભળ્યું છે? સાંભળ્યું છે ને? બસ, બરોબર એવી જ છે અમારી ખયાલી ‘વર્ઝીશ’ યાની કી ખયાલી કસરત અને એની રેસીપી એક જ સુત્રમાં આવી જાય છે. અને સુત્ર છે…

મનથી કસરત કરો!
અમે કરીએ છીએ એમ જ મનથી કસરત કરો. જેમ મનથી સેવા અને ભક્તિ કરી શકાય છે બરોબર એમ જ મનથી કસરત પણ કરી શકાય છે! મારું ‘વર્ક આઉટ’ કહું તો મેં ત્રણેક મહીનાથી મનમાં જ રોજની ૧૦૦ પુશઅપ્સ અને એક કિલોમીટર દોડવાનું ચાલુ કર્યું છે. પછી દોડવામાં એક એક કિલોમીટર વધારતો ગયો. એકદમ નહિ હોં! દર પંદર દિવસે એક કિલોમીટર વધારતા જવાનું. પણ મનથી! હું ૫ કિલોમીટરે પહોચ્યો છું! ખુબ સારું રહે છે. પુશઅપ્સ ન ફાવે તો મનમાં જ ૧૫૦ ઉઠક બેઠક કરો! જગ્યાની કોઈ પાબંદી નથી. આ કસરત તમે અગાશીમાં, બગીચામાં, બસમાં બેઠા બેઠા, ચાર રસ્તે, પછી આરામ ખુરશીમાં પડ્યા પડ્યા કે પથારીમાં સુતા સુતા કરી શકો છો! પણ મન દઈ ને અને મનમાં જ કસરત કરવાની. થાક લાગે તો વચ્ચે આરામ કરી લેવાનો, એ પણ મનમાં જ!

તમારા ઘરમાં ટ્રેડ-મિલ, ડમ્બેલ્સ કે એવા બીજા કસરતના સાધનો વસાવ્યા હોય પણ એનો ઉપયોગ કરવામાં આળસ આવતી હોય તો અમારી પાસે એનો પણ ઉપાય છે. જેમ કર્મકાંડ માટે બ્રાહ્મણ રોકી શકાય છે એમ કસરત માટે એક પહેલવાન રાખવો જે રોજ સવારે તમારા ઘરે આવી ને ૫૦૦ પુશપ્સ અને ટ્રેડ-મિલ પર ૫ કિલોમીટર રનીંગ કરી જાય! પહેલવાન જરા મજબુત હોય તો વેઈટ લીફટીંગ પણ કરાવવાનું! વહેલી સવારની તાજી હવાનો લાભ લેવો હોય તો પહેલવાનને વહેલી પરોઢે બોલાવવાનો! અને ખાસ તો ખયાલી કસરતમાં એક દિવસ પણ પાડવાનો નહિ. આખરે ફિટનેસનો સવાલ છે બોસ!

પહેલવાનવાળી વાત જવાદો પણ જો મનથી કસરત કરવાના વિચારથી જ હસવું આવ્યું હોય તો રોકી રાખજો. વિઝયુઅલાઇઝેશનની ટેકનીકથી સુષુપ્ત મગજને તાલીમ આપી શકાય છે, મગજની શક્તિઓ ને જાગૃત કરી શકાય છે અને એના દ્વારા અદભુત પરિણામો પણ મેળવી શકાય છે! આજે મનથી કરશો તો કાલે તનથી પણ કરતા થશો. તો કરતા રહો ‘ખયાલી વર્ઝીશ’!!!!

error: Content is protected !!