અંતિમ નિર્ણય

ઘરનું વાતાવરણ સહેજ ડહોળાયેલુ છે. બહાર તો અત્યારે શાતા-પ્રદ સમુદ્રી પવન મંથર ગતિએ વાઇ રહ્યો છે પણ અર્તના આજે બફારો અનુભવી રહી છે. હજી માંડ ૧૫ મિનિટ પહેલા તો કિશરા એનાં ખોળામાં માથુ નાંખી સુતી હતી ને અચાનક એણે કહ્યુ કે, “મોમ મારે ટેટ્ટુ કરાવવું છે” પોતે સાવ ચોંકી ઉઠી હતી. હજી પોતે કોઇ પ્રત્યાઘાત આપે એ પહેલા તો હરખની મારી કિશરા બેઠી થઇ ગઇ હતી ને ઉત્સાહભેર કહી રહી હતી કે “મેં તો ડિઝાઇન પણ ફાઇનલ કરી લીધી છે. એવુ બટરફ્લાય જેમાં મારા નામનાં એકે-એક આલ્ફાબેટ્સ ઇન્ક્લુડ છે અને એને મારે એન્કલ પર કોતરાવવુ છે.આઇ એમ ટેલિંગ યુ મોમ ઇટ વિલ લુક સો કુલ એન્ડ આઇ એમ સો એક્સાઇટેડ અબાઉટ ઇટ.આઇ જસ્ટ વોન્ટ યોર પરમિશન,ડેડ ને તો મેં એ બિઝનેસ ટ્રિપ પર જાય એ પહેલા જ પુછી લીધુ હતુ.બસ તુ હા કહે એટલી વાર” ને હમણા મોમ તો હા જ પાડી દેશે એવી આશા સાથે પોતા તરફ જોઇ રહી હતી.પણ પોતે હા ન પાડી શકી, કિશરાની ભાવ-વાહી મીઠી આંખો માં જોયા વગર ઉભી થઇ ગઇ અને કહી દીધુ “ના એવુ કંઇ કરાવડાવવાની જરુર નથી.આવુ તુત તારા મગજમાં ભરાયુ જ ક્યાંથી.સારા ઘરની છોકરીઓ આવા બધા ઉધ્ધતાઇભર્યા નાટકો ના કરે.અને આ મારો છેલ્લે નિર્ણય છે તો મને મનાવવાની સહેજ પણ કોશિષ તુ કરતી નહી” ને ડ્રોઇંગ-રુમની સી-ફેસ બાલ્કનીમાં આવી પોતે ઉભી રહી ગઇ.

કિશરા તરત પાછળ આવી ને બોલી “પણ મોમ તુ સાંભળ તો ખરી..” ને એની વાત અધવચ્ચેથી કાપી પોતે કહી દીધુ હતુ કે “મેં તને કહ્યુ ને કે આ મારો અંતિમ નિર્ણય છે.બાવીસ તો થયા તને ને મારે તારા લગ્ન કોઇ સારા છોકરા સાથે કરાવવાનાં છે.હું નથી ઇચ્છતી એ આ તારા ટેટ્ટુ-વેટ્ટુનાં ચક્કરમાં તારે કોઇ સારુ માંગુ ગુમાવવુ પડે.” કિશરા એમ કંઇ લપ મુકે એવી તો હતી નહીં તરત જ બોલી “તો તુ પણ એક વાત સમજી લે જે મોમ જે ફક્ત કોઇ ટેટ્ટુ ને આધારે હું એની લાઇફપાર્ટનર બનવાને લાયક છું કે નહી એ ડિસાઇડ કરશે એવા સાથે તો હું ક્યારેય લગ્ન નહી કરુ.અને જે ટેટ્ટુ ને કારણે મને ઉધ્ધત એ સ્વછંદી માની લે એવા કુવામાં નાં દેડકા સાથે તો હું ક્યારેય લગ્ન નહિં જ કરુ.તું માનીશ નહી મોમ પણ મને એમ હતુ કે તું તો મને તરત પરમિશન આપી દઇશ બિકોઝ મેં તને કોઇ દિવસ કોઇ રૂઢિચુસ્ત નિયમો પાળતા જોઇ નથી તેં મને હંમેશા કંઇ પણ કરવા માટે ની છુટ આપી છે. હું તો માનતી હતી કે તુ મારી બધ્ધી બહેનપણીઓ ની મમ્મીઓ જેવી નથી તું અલગ છે પણ આજે સાવ આવી વાત કરીને તેં … પણ ઠીક છે આ તારો અંતિમ નિર્ણય છે અને હું તને દુઃખી કરીને કંઇ કરવા માંગતી નથી.મારી હજારો ઇચ્છાઓ ને તેં પુરી કરી છે એમાં જો એક નહી થાય તો શુ થઇ ગયુ..ગુડનાઇટ”
કિશરા તો જતી રહી એનાં બેડરુમમાં ને પોતે હજી અહિંયા જ ઉભી છે. કિશરાનું અધુરુ બોલાયેલુ વાક્ય મનમાં વજ્રાઘાત કરી રહ્યુ છે.જેની અસરે આંખો ગાલને પલાળી રહી છે. પચ્ચીસ વર્ષ પહેલાનું દ્રશ્ય આંખો સમક્ષ ફરી ભજવાતુ દેખાય છે…

… “પણ માં હું બેડમીન્ટન ચેમ્પીયનશીપ માટે રાષ્ટ્રીય કક્ષા એ પસંદગી પામી છુ. આ મારા માટે સુવર્ણ અવસર છે.” અને માં એની એક વાત સાંભળવા તૈયાર નહતી. અને સાંભળે પણ શું કામ જ્યારે દીકરી માટે શહેરનાં પ્રતિષ્ઠીત ઘરમાંથી માંગુ આવ્યુ હોય અને એની ભાવી સાસુએ આડકતરી રીતે એની માં ને એવુ સંભાળાવ્યુ હોય કે ,અમારે એવી વહુ નથી જોઇતી જે સરાજાહેર બેડમીન્ટન રમતી હોય.ચોખ્ખે ચોખ્ખી ના પડાઇ ગઇ હતી ઘરમાંથી ને પોતે એક સપનુ અધુરુ મુકી પરણી ગઇ હતી.અને કદાચ એટલે જ પોતે ક્યારેય કિશરાને કશાય માટે ના નથી પાડી સાચા-ખોટા ની સમજ સાથે એનાં બધા સપનાંઓ માં પોતાના સપના પુરા થવાના સંતોષ સાથે જીવતી આવી છે ને એ જ દિકરી આજે એને કહી રહી છે કે, એનાંમાં અને બીજામાં કોઇ ફેર નથી.

સવારનો કુમળો તડકો મોઢા પર પડતા જાગી જવાયુ ને ખ્યાલ આવ્યો કે પોતે રાત્રે બાલ્કનીમાં મુકેલી રીલેક્ષિંગ ચેર પર જ સુઇ ગઇ હતી અને રાતની ઘટના ફરી વિંટળાઇ વળી. ને એ સાથે જ ગુડ-મોર્નિંગનાં ટહુકા સાથે કિશરાએ હાથમાં ચ્હા ને બિસ્કીટની ટ્રે સાથે આગમન કર્યુ. ને એકદમ સહજતાથી રોજની જેમ જ ચ્હા સર્વ કરીને એની આદત મુજબ ન્યુઝ-પેપર નાં હેડિંગ્ઝ એનાં આગવા અંદાજમાં રમુજી રીતે કહી રહી છે.આ જ વાત તો એની ખુબી હતી ક્યારેય કોઇ વાતનું મનમાં ઓછુ આવવા જ ના દે હંમેશા હસતી-રમતી હોય,એકદમ મીઠડી.એનાં નામ ને જાણે આત્મસાત કરી લીધુ છે, કિશરા એટલે સાકર. ને કાલ રાતનો લીધેલો નિર્ણય યાદ આવ્યો કે,મારેય તો મારા નામ મુજબ વર્તવાનું છે.માં એ એનુ નામ પાડેલુ અર્તના ને સમજણી થઇ ત્યારે અર્થ પણ સમજાવેલો કે, અર્તના એટલે અપવાદ અને હું ઇચ્છુ છુ કે મારી દીકરી સામાન્ય છોકરીઓ જેવી ના હોય પણ અલગ હોય.

કિશરાને વચ્ચેથી અટકાવીને કહ્યુ, “બેટા મારે તને કંઇક કહેવુ છે. પહેલા તો કાલનાં વર્તન માટે સોરી અને… ” હજી વાત પુરી કરે એ પહેલા જ કિશરા સ-સ્મિત બોલી “ઓહો મોમ, ઇટ્સ ઓકે.તુ તો મારી મોમ છે તું તો કંઇ પણ કહી કે કરી શકે.એન્ડ ભુલી જા કાલ રાતની વાતને ખરાબ સપનુ સમજી ને.ડિટ્ટો મારી જેમ.” પણ ના પોતે કઈક જુદુ વિચાર્યુ છે એટલે કિશરાનો હાથ પોતાના હાથમાં લઇ કહ્યુ “દિકરા મારી ઇચ્છા છે કે તુ ટેટ્ટુ કરાવે.અને આ કોઇ હું તારી જીદ પુરી કરવા નથી કહી રહી પણ દિલથી મારી વિશ છે.અને હું તો વિચારુ છુ કે તારી સાથે સાથે હું પણ કોઇ કુલ ટેટ્ટુ કરાવુ.તારા ડેડ આવે ત્યારે આપણે બન્ને એમને સરપ્રાઇઝ આપીશુ.” કિશરા તો બિચારી “મોમ મજાક તો નથી કરી રહી ને?” વાળા હાવ-ભાવ સાથે તાકી રહી છે પોતાને. પણ હા નિર્ણય તો હવે સાચો લેવાયો છે. માં-દિકરી બન્ને ટેટ્ટુ કરાવશે.

અંધકાર ત્યજી નવી સવાર, નવી દિશા, નવા વિચાર સાથે ફરી ઘર હુંફાળા તડકાથી ઝગમગી ઉઠ્યુ છે.

error: Content is protected !!