પત્ર લેખનની એક આગવી કળા
એતાન ગામ મુ.પો. ભાડથર તા. કલ્યાણપુર જી. જામનગરથી આપના છોરુ કરશનના જે શી કૃષ્ણ વાંચશો અને આખા પરિવારને વંચાવશો. જત લખવાનું કે અહીંયાં હંધુય કુશળ મંગળ છે. અને આપને ત્યાં પણ કુશળ મંગળ હશે. અમે હાલમાં જ ખીહર મોટા પાયે ઊજવી ને તમે પણ ઊજવી હશે. ખાટલામાં નવા વાણ નાખ્યા છે, તમે પણ નખાવ્યા હશે. મારી બાને પગે પાટો આવ્યો છે ને તમારી બાને પણ પાટો આવ્યો હશે. મારા બાપુજીને કુતરૂં કરડયું છે અને તમારા બાપુજીને પણ કુતરૂં કરડયું હશે.
પત્ર લખવાની એક જુની શૈલી, અને વડીલોએ સમજાવ્યું હોય કે અહીંયાં બધા મજામાં છે અને તમે હશો. લખી નાખ. એટલે એક કામ પતે….. ના… આ કામ પતાવવાની વાત ન હતી. હ્રદયથી હ્રદયનો સંવાદ હતો. પણ બાળક લખે એટલે ગમે તે લખી નાખે.
સરકારી પત્રોની પણ એક અલગ જ શૈલી રહેતી.
સવિનય જયભારત સાથે જણાવવાનું કે………… અહીં અન્ય કોઈ વિનય હોય કે ન હોય પત્રમાં તો વિનય દેખડાવો પડે. અને જયભારત પણ બોલાવવું પડે.અગાઉ પાંચ પૈસાના પોસ્ટકાર્ડનું મહત્વ આજના સો કોલ્ડ સ્માર્ટ મોબાઈલ કરતાં વિશેષ હતું. (આવું મારા વડીલો હજી કહે છે) પત્ર લખવો એ એક પ્રસંગ હતો. અને અલગ અલગ પ્રસંગ પ્રમાણે ભાવથી લખવાની કળા હતી.
પાંચ પૈસાના પોસ્ટકાર્ડથી આજે ૧ રૂપિયા સુધી પહોંચેલા પોસ્ટકાર્ડના ઉપયોગમાં પણ એક અલગ જ લોભ યુક્ત કળા હતી. ઝીણા અક્ષર, સ્પેઇસનો પુરેપુરો ઉપયોગ અને એમાં પાછા અનેક ગૂંચવાડા.
ચીકલાશાળામાંપ્રવેશમળીગ્યોછે.અનેચીમનસુખહવેબાળમંદીરજાયછે. – આ કોઈ કૂટ પ્રશ્નો ઉકેલતા અહીં ચીકલા એટલે ચી. કલા અને ચીમનસુખ એટલે ચી. મનસુખ પણ જગ્યા ઓછીને સંદેશ વધુ, થોડી તો અગવડ રહે (વાંચનાર ને) હોઈએ એમ લાગે. નામ આગળ ચી (ચિરંજીવી) અસૌ (પરિણીતા માટે અખંડ સૌભાગ્યવતી) કુ. (કુમાર) મુ.વ. (મુરબ્બી વડીલ) રા.રા. (રાજમાન રાજેશ્રી) સંબોધન અનિવાર્ય હતા. લજ્ઞ પ્રસંગને કંકોત્રી તો અવશ્ય રહે જ, પણ પર્સનલ આમંત્રણ માટે એક અગાઉથી પોસ્ટ કાર્ડ પણ આવે. આજે આપણને થોડું હરખપદુડાઇ કે એવું કાંઈક લાગે, પણ ફક્ત કંકોત્રી આવે એટલે પરીવાર નક્કી કરી નાખે, કે આ તો આપણને જાણ કરી છે, આમંત્રણનું કાર્ડ નથી આવ્યું.
પોસ્ટકાર્ડમાં વપરાતો શાહીનો કલર એનો હેતુ સ્પષ્ટ કરે. લાલ અક્ષર ખુશાલી અને આમંત્રણ માટે હોય, બ્લુ શાહી નૉર્મલ સંદેશા વ્યવહાર માટે અને કાળી શાહી? એને કાળોતરી કહે. મરણના સમાચાર માટે. અને એ પત્ર ઉપર લખેલું જ હોય કે કાળોતરી અને સનાનના સમાચાર.કાળોતરી આવે એટલે ઠૂઠવો મુકાઈ જ જાય. અને પછી વાંચે. ઘણી વખત પોક મૂકે, પા કલાક કકળાટ કરે પછી ખબર પડે કે આ તો બાજુવાળાની કાળોતરી છે. અચાનક સ્વસ્થતા ધારણ કરી, પાડોશીની સ્વસ્થતાને હણવા દોડી જશે. કે હવે તમે ઠૂઠવો મૂકો અને અમે જોઈએ.
ટેલિગ્રામ (તાર) ના પણ એવા જ રિવાજ હતા. તાર આવે એટલે ધ્રાસકા પડે. કોણ ગયું? મારા સરકારી વસાહતના પાડોશી ફિશરી ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ અધિકારી. એમને ત્યાં વેકેશનમાં ગામડાથી મહેમાનો ખૂબ આવે. હવે એક વાર દિવસમાં બે વખત તાર વાળો આવ્યો. મહેમાન જમતા ઉભા થઈ ટુવાલ લઈને બાથરૂમ પાસે ઉભા રહી ગયા. કે હે તાર આવ્યો. કોણ ગયું? પછી એ પાડોશી એ સમજાવ્યા કે અમારે ત્યાં દિવસના ૩-૪ તાર આવે અને એ બધા હવામાન સમાચારના હોય, ત્યારે શ્વાસ હેઠે બેઠો.તાર કર્મચારી પણ સારા સમાચાર હોય તો બક્ષિશની અપેક્ષા લઈને ઊભો રહે. ટેલિગ્રામ અથવા લોકબોલીમાં તાર. હવે ભૂતકાળની ઘટના થઈ ગઈ. નવી પેઢીને તાર અને એની મહત્તા ભાગ્યે જ ખ્યાલ હોય.
એક વખત મારા એક સગાને ત્યાં તાર (ટેલિગ્રામ) આવ્યો. તાર વાળાને ખુશી ખબરની અપેક્ષા હશે અને એના કારણે બક્ષિશની પણ એટલી જ અપેક્ષા હતી. પણ મારા એ સંબંધી ચાર ચાસણી ચડે એવા. એમણે તાર વાંચી, મોઢું કરુણ કરીને નાગરી સ્ટાઇલમાં ટહુકો કર્યો.કહું છું….. એ સાંભળો છો?……. રસોડામાંથી અવાજ આવ્યો…. (એ પણ એવો જ ચિંતા ભરેલો) : બોલો શું છે? સંબંધી: પાણી ગરમ કરશો. તાર આવ્યો છે. તારવાળો તો પાછાં પગે જાય ભાગ્યો….. જેવો ડેલી બહાર ગયો ત્યાં સંબંધી: હવે અંદર દુધ, ખાંડ અને ચા પણ નાખશો. ભનકો SSCમાં ફર્સ્ટ ક્લાસ પાસ થયો છે.
સંપેતરામાં પણ ઘણી વખત ટપાલ આપે. (એમને તો ટીકીટના બચતા હોય ને?) પણ એ મુરબ્બીઓને એટલી ખબર ન હોય કે આ ટપાલ દેવા જશે એનો ખર્ચ કેટલો આવે? દેશ (મુંબઈની બહારનો તમામ પ્રદેશ મુંબઈ વાળા માટે દેશ જ હોય) ગયા હોઈએ એટલે ત્યાંથી ચાર-પાંચ પત્રો આપે. આ ઘાટકોપર આપી આવજો, અને આ તો ખાલી ભાઈંદર જ દેવાનો છે. અને બાકીના ખેતવાડીના છે. હવે મારા ઘરથી ખેતવાડી ચાલીને જઈ શકાય. અને શની-રવી અનુકૂળતા અનુસાર રૂબરૂ આપી પણ આવીએ, પણ આ ઘાટકોપર અને ભાઈંદરનું લપસિંદર કેમ ટાળવું? અને સમય + ખર્ચ બન્નેનો વ્યય થાય. પણ પછી? ટપાલ તો એમણે ધરાર આપી જ દીધી હોય. ઉપાય સાવ સરળ. બીલ્ડીંગ બહાર આવેલા લાલ ડબ્બામાં ટીકીટ વગર એ કવર (પુરા સરનામાં સાથેના) પધરાવી દેવાના. જે મેળવે એ પેનલ્ટી (વધીને ૧ રૂપિયો) ભરે અને પછી વરસ આખું યાદ કરે. ફાયદો એ થાય કે બીજા વરસે સંપેતરામાં ટપાલ ઓછી આવે.
એક સાંભળેલો પ્રસંગ યાદ આવે છે. એક વૃધ્ધાએ ઈશ્વરને પત્ર લખ્યો. કે મારે દ્વારકાધીશના દર્શન કરવા છે પણ નાણાની જોગવાઈ નથી. જો હજાર રૂપિયાની વ્યવસ્થા થાય તો દર્શનનો મેળ પડે. સરનામું લખ્યું. ભગવાનનું ઘર. હવે પત્ર પહોંચ્યો ડેડ લેટર ઓફીસ (જે અપૂર્ણ સરનામાં હોય તે આ ઓફીસમાં પહોંચે) ત્યાં કર્મચારીઓ આ ટપાલ વાંચી. હ્ર્દય દ્રવી ઊઠ્યા. અને ફાળો કરી લગભગ ૮૫૦ રૂપિયા એ વૃધ્ધાને મની-ઑર્ડરથી મોકલ્યા. દસ બાર દિવસ પછી ફરી એ વૃધ્ધાનો પત્ર ડેડ લેટર ઓફીસમાં આવે છે. અને ઉત્સુકતાથી કર્મચારીઓ વાંચે છે. એમાં લખેલું કે હે ઈશ્વર તું તો બહુ દયાળુ છો. તારી મદદને કારણે મને દ્વારકાધીશના દર્શન થયા. અને રાજીપો પણ થયો. મને ખાત્રી છે કે તેં તો પુરા હજાર રૂપિયા જ મોકલ્યા હશે, પણ આ પોસ્ટના કર્મચારી વચ્ચેથી દોઢસો રૂપિયા કાતરી ગયા. પણ તું એને માફ કરજે.
આજના આ SMS, E-mail કે પછી અવનવા સંપર્ક સૂત્રો જેમ કે ફેસબુક, વોટ્સઅપ કે એવા અનેક મેસેન્જર્સના યુગમાં પત્ર વ્યવહારનું માધ્યમ વીસરાતું જાય છે. શેર એપ્લિકેશન કર્યા પછી એલોટમેન્ટ લેટર આવે તો એના માટે ટપાલીને અપાતી બક્ષીશ, તાર અને રજિસ્ટર્ડ પોસ્ટના અલગ કર્મચારીઓ અને એમની દિવાળી…. હવે સમય સાથે અસ્ત થઈ ગયું.