દિલ છે તો દૂધપાક છે

હમણાં એક મિત્ર સાથે કીટલી પર ચા પીધા પછી મેં પૈસા આપવાનો વિવેક કર્યો તો એ કહે “દિલ છે તો દૂધપાક છે, એશ કરને બકા!” લો બોલો! હવે સાત રૂપિયાની ચા પીવડાવી એમાં તો લોકો દિલ ને દૂધપાકની વાતો કરતા થઇ ગયા! માન્યું કે મોંઘવારી ફૂલેકે ચડેલી ગધેડી જેવી થઇ ગઈ છે, પણ ભાઈબંધ જેવા ભાઈબંધ ઉઠીને સાવ ભાડવાત જેવી વાત કરે એ કેમ ચાલે? અને એ ભલે સાત રૂપિયાનો ઉપકાર ચડાવતો હોય, પણ સાત રૂપિયામાં ચા આવે છે કેટલી? કંકાવટી ભરાય એટલી! એનાથી શું ચાંલ્લા કરવાના?

અને આ “દિલ છે તો દૂધપાક છે” રૂઢી પ્રયોગે હદ કરી છે યાર. લગભગ પાંચેક કરોડ વર્ષથી છ કરોડ ગુજરાતીઓ આ રૂઢી પ્રયોગ વાપરે છે, પણ કોઈ ખડપાએ એનો અર્થ જાણવાની કોશિશ કરી નથી. આ મુદ્દે સમાજે લગભગ કોલાવેરીવાળી જ કરી છે. અમે બૌદ્ધિક સાહસો કરનાર ખડપા વર્ગમાં નથી આવતા, પણ આ રૂઢી પ્રયોગના મૂળ સુધી જવા જરૂર માંગીએ છીએ.

ભાષા અંગેના કોઈ પણ સંશોધનમાં સૌ પહેલા શબ્દના મૂળ સુધી જવાનું હોય છે. એ પ્રમાણે જોતા દિલનું પગેરું મનુષ્યની છાતીના ડાબી સાઈડના પાંજરામાં નીકળે છે જ્યારે દૂધપાકના રેલાની દુધોત્રી (નવા શબ્દો આપવાનો ઈજારો એકલા બક્ષી કે ગુ. શા.નો નથી બાપુ) ગાય કે ભેંશનાં આંચળમાં હોય એમ જણાય છે. અમને ખબર છે કે આમાં અમુક અદક-પાંહળા ભૂરાઓ બકરી અને ગધેડીના દૂધને આગળ કરશે, પણ એમને કહી દઉં કે બકરીના દૂધનો લીમીટેડ એડીશનનો દૂધપાક ગાંધીજી સુધી સીમિત હતો અને ક્લિયોપેટ્રા ગધેડીના દૂધનો ઉપયોગ કરતી હતી, પણ એ એનો દૂધપાક બનાવતી હતી કે એનાથી નહાતી હતી એ બાબતે મારે ઇતિહાસકારો સાથે કોર્ટમાં કેસ ચાલે છે. એટલે ચુકાદો આવે ત્યાં સુધી મેટર સબ-જ્યુડીસ ગણાય, આથી આ રૂઢી પ્રયોગમાં ગધેડીના દૂધનો પ્રયોગ પ્રતિબંધિત છે. આ ફક્ત ચોખવટ છે. બાકી જેને ત્યાં ગધેડીના દૂધનો દૂધપાક બનતો હોય એણે દૂધપાક શબ્દ પછી ‘*’ (ફૂદડી) કરીને નીચે ‘ગધેડીના દૂધનો’ એવી ચોખવટ કરવાની રહેશે. જેથી લોકો દૂધપાક પીનારની પાછળ ઉભા રહેવું કે નહિ તેનો સવેળા નિર્ણય કરી શકે. ચર્ચા અહી પૂરી, હવે આગળ.

શબ્દનું મૂળ શોધ્યા પછી ખણખોદીયાઓ એટલેકે સાક્ષરશ્રીઓ શબ્દો વચ્ચેના પારસ્પરિક સંબંધના પાટીયા બેસાડવાનું કામ કરતા હોય છે જેમ કે ‘જમરૂખ’ અને ‘શાહરુખ’ શબ્દ વચ્ચેનો સંબંધ સૌને સુવિદિત છે એમજ ‘શાહરુખ’ અને ‘કરણ’ વચ્ચેના કાર્ય-કારણનો સંબંધ પણ બધાને ખબર છે. એમ અહી આપણે દિલ અને દૂધપાક વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવાનો છે.

સૌ પહેલા તો એક હકીકત સમજી લો કે આ વાંચનાર, લખનાર, મનમોહન સિંહ, હિમેશ રેશમિયા, બાબ્ભ’ઈ, રમણ ભ’ઈ, લોગાર્ડન પાસેના ઝાડ પાછળ દિલ્લગી કરનારા દિલફેંક લોકો તથા ડંડો પછાડીને એમને ભગાડનાર કોન્સ્ટેબલ ધમભા, સર રવીન્દ્ર જાડેજા અને રજનીકાંત ઉપરાંત કસાબ જેવા નિર્દય માણસો પણ હૃદય ઉર્ફે ‘દિલ’ ધરાવતા હોવાનું જાણવા મળે છે. આ બાબતે જેને શંકા હોય એને RTI હેઠળ જેતે વ્યક્તિને ‘ડાયરેક’ અરજી કરવી. અમે પૂછ-પરછની બારીવાળા ક્લાર્ક નથી. બાકી તમે આ બધામાં દિલની હાજરી સ્વીકારતા હોવ તો આગળ વધીએ.

તમારી પાસે પણ દિલ હોય તો બહુ ઉત્સાહમાં આવીને કીકો મારવા માંડવાની જરૂર નથી. સમતા પકડો. અહી પણ Conditions Apply વાળી * (ફૂદડી) છે પાછી! આ રૂઢી પ્રયોગ પ્રમાણે ફક્ત દિલ હોવું એ કાફી નથી, સાથે દૂધપાક પણ હોવો જોઈએ અને પ્રજાને અહી જ લોચો પડે છે. કારણ કે દિલ તો બધા પાસે હોય છે, પણ દૂધપાક બધાના નસીબમાં હોતો નથી. સરકારે ભલે બ્યાંશી ટકા ડી.એ. કર્યું અને EPF પરનું વ્યાજ વધાર્યું પણ જ્યાં સુધી દૂધપાક માટે લોનો કે સબસીડી જાહેર ન કરે ત્યાં સુધી પબ્લિક દૂધપાક ભેગી થઇ શકે એમ નથી. એથી કરીને દિલ અને દૂધપાકનો સંગમ થાય એમ નથી. પરિણામે ‘દિલ છે તો દૂધપાક છે’ રૂઢી પ્રયોગ લુપ્ત થાય એવી પુરેપુરી શક્યતા છે. અને વાત સાચી છે મોંઘા દૂધના પૈસા જ ન હોય તો અમારે કંકોડામાંથી દૂધપાક બનાવવાનો? (જોકે તમે ધાબે ચડીને નીચે પડશો તોયે કંકોડામાંથી દૂધપાક* નહિ બને એ લખી રાખજો. લખ્યું? હવે ડાયરી મૂકીને આગળ વાંચો.)

બીજી તો એક કાનૂની ચેતવણી છે. ધારો કે તમે હપ્તેથી કે બંદુકની અણીએ દૂધ ઉઠાવી લાવ્યા અને દૂધપાક પણ બનાવ્યો. પણ ખબરદાર જો સ્યુગર અને કોલેસ્ટેરોલ ચેક કર્યા વગર ચમચી ય ચાખી છે તો. અમારા પીપળાવાળા બાબુ રાવડીયાનું ભૂત તમને પૂછે. બધું માપમાં હોય તો ઠીક છે નહિ તો પછી તમારે જેમાં * (ફૂદડી) કરીને ‘સ્યુગર ફ્રી-ફેટ ફ્રી’ લખ્યું હોય એવો દૂધપાક બનાવવો પડશે. અને એની અવેજીમાં તમે ‘ડાયરેક’ ચકલીનું પાણી પી લેશો તો પણ કોઈ ફેર નહિ, કારણ કે જો દૂધપાકમાં ખાંડ ન હોય અને ફેટ ન હોય તો એને તંબુરામાંથી દૂધપાક કહેવાય? ખરા હેંડ્યા આવે છે લોકો. દૂધપાક એટલે દૂધપાક જ. બીજું નહિ ચાલે. સમજાયું? ન સમજાયું હોય તો મમ્મીને કે બાયડીને કહેજો કે દૂધપાકમાં હવેથી બદામ નાખે. એકલી ચારોળીવાળો દૂધપાક પીને તમારો શો હાલ થયો છે! કુછ લેતે કયું નહિ?

હવે જો બધા પાસે દૂધપાક આવી ગયો હોય તો આગળ વધીશું? જુઓ, દિલ અને દૂધપાક વચ્ચેનો નાજુક સંબંધ તો આપણે જોઈ ગયા, હવે અમે મૂળ વાત પર આવીએ તો આપણે ‘દિલ છે તો દૂધ પાક છે’ આ વિધાન પાછળનો ‘ટોન’ સમજવાની જરૂર છે. એમાં પહેલામાં પહેલું તો કવિએ પ્રસ્તુત વાક્યમાં પાછળ કોઈ પણ પ્રકારનું વિરામ ચિન્હ નહિ મુકીને ભાવકોને ભેખડે ભરાવ્યા છે. એ ઉદગાર છે, પ્રશ્ન છે કે જવાબ છે એ બાબતે કોઈ સ્પષ્ટતા ન હોઈ મા. અને ઉ. મા. શી. બોર્ડે તમામ પરીક્ષાર્થીને આ પ્રશ્નના ૫ માર્ક રોકડા આપી દેવા જોઈએ એવી અમારી નમ્ર અપીલ છે. બીજું, વાક્યને જો ‘DeclarativeDeclarative Tone’ એટલે કે જાહેરાતના સ્વરૂપમાં લઈએ તો પ્રશ્ન થાય કે શું ‘દિલ છે તો દૂધપાક છે’ એમ કહીને કવિ દૂધપાકનું અસ્તિત્વ દિલને કારણે જ છે એમ સમાજને જણાવવા માગે છે? પણ ઉપરની ચર્ચા પ્રમાણે તો જેની પાસે દિલ હોય એણે પણ દૂધપાક સ્વખર્ચે લાવવાનો રહે છે. એટલે કંઈ મેળ બેસતો નથી.

કવિએ અક્કલનો ઉપયોગ કરીને વચ્ચે તોંતેર મણના ‘તો’ ના બદલે ઉભયાન્વયી અવ્યય ‘અને’ નો ઉપયોગ કર્યો હોત તો વાતનો ત્યાં જ ફડચો આવી જાત કે જે રીતે ફિલ્મ ‘દીવાર’માં પ.પૂ.ધ.ધૂ. શ્રી બચ્ચન સાહેબે ‘મેરે પાસ બંગલા હૈ, ગાડી હૈ…’ એમ કહીને V.D.S. (Voluntary Disclosure Scheme) નીચે જે રીતે જાહેરાત કરી હતી એમ કવિ શ્રીએ પોતાની પાસે ‘દિલ છે અને દૂધપાક છે’ એવી જાહેરાત કરી છે. જોકે આવા સંદિગ્ધ ડિક્લેરેશન બદલ એમને નોટીસ મળી હોત, કેમ કે કવિએ ફક્ત યાદી આપી છે પણ જથ્થાનો ફોડ પડ્યો નથી. જેમ કે ‘દિલ નંગ ૧-૧/૨ છે અને ૫ લીટર દૂધપાક છે’ એવું કહ્યું હોત તો ઠીક રહેત. પણ anyways, આપણને એtliટલી તો ખબર પડે છે કે કવિ હાથ, પગ અને હૈયાનો ઉપયોગ કરીને દૂધપાક ભેગો તો થાય છે. ભગવાન એનું ભલું કરે. પણ મને ખબર છે કે તમારામાંથી કો’ક પૂછવાનું જ કે ‘બધિર’ ભાઈ હાથ અને હૈયું તો સમજ્યા પણ કવિતા લખવામાં કવિ પગનો શો ઉપયોગ કરતા હશે? તો અમારે માત્ર એટલું જણાવવાનું કે કવિ કોઈને કવિતા સંભળાવે પછી પગ એ ભાગવાના કામમાં આવે છે. એ વખતે દિલના દૂધપાકથી મળેલી તાકાત જ કામમાં આવે છે. પણ જો એ ન ભાગે તો એમના બારમાના દા’ડે લોકો દિલથી દૂધપાક ખાય છે! અને કદાચ ‘દિલ છે તો દૂધપાક છે’ રૂઢી પ્રયોગનું ઉદભવસ્થાન પણ કવિનું બારમું જ હોય એમ અમને તો લાગે છે.

તમને શું લાગે છે?

* તમને કંકોડાનો દૂધપાક અથવા કંકોડાપાક જેવું કંઈ પણ બનાવતા આવડતું હોય તો અમને ઇન-બોક્સમાં રેસીપી મોકલવા વિનંતી છે. બદલામાં અમે ગુજરાતી TV ચેનલ પર તમારી ‘કંકોડાપાક’ની રેસીપીને પ્રસિદ્ધિ અપાવીશું.

error: Content is protected !!