ખુરશી….

રાજા ભોજ જ્યારે જ્યારે વીર વિક્રમના સિંહાસન પર બેસવા જતાં ત્યારે એક પૂતળી એને રોકતી અને ભોજને વિક્રમની એક એડવેન્ચર સ્ટોરી સંભળાવતી. પૂતળી ભલે વિક્રમને પરાક્રમી કહેતી પણ એ બધો સિંહાસનનો પ્રતાપ હતો! ખેર, સિંહાસનો તો રાજાઓ સાથે જતાં રહ્યા પણ એ ચાર પાયાવાળી માયા મુકતા ગયા જે આજે ખુરશી તરીકે ઓળખાય છે,

લાકડાના માત્ર ચાર પાયા ધરાવતા આકારમાં ગજબની વિશીષ્ટતા છે! ખુરશી પર બિરાજનાર ને આરામ, માન…, અધિકારને કિર્તી અપાર મળે છે. અને તેથી જ ખુરશી પ્રાપ્ત કરવા માટે માનવજાત ચરમસીમાએ જતી રહે છે. શરીર વૃદ્ધ થાય, વાળ ધોળા થઈ જાય, દાંત પડી જાય, બબ્બે ત્રણ ત્રણ બાયપાસ સર્જરીઓ કરાવી હોય અને પગ પર ઉભા પણ ન રહી શકતું હોય તો પણ માણસ ખુરશીનો મોહ છોડી શકતો નથી,
રાજકિય ક્ષેત્રે ખુરશી માટે થતી માથાકુટ હાલના સંજોગો મા ચરમસીમાએ છે.એક ચોક્કસ પક્ષના વડીલ નેતા ખુરશી હાટુ ’ રિ-હાઈ ’ ગ્યા છે….ઘણા તો એમ કહે છે કે એમને ” નમો-નિયા ” થઈ ગ્યો છે…પણ એ બધી બાબતો નુ કેન્દ્ર તો માત્ર ને માત્ર ખુરશી જ છે
જસદણમા પણ ભુતકાળ મા આવુ બનેલુ..નામે વેલાબાપા કરી ને એક નેતા વારે વારે આવુ વાક્ય બોલતા ” હવે જુવાનડાઓ એ હન્ધુય હંભાળી લેવાની જરૂર સે ” જો કે એ વાક્યના પ્રતિઘાત જેવા સ્વરૂપે જવાબ પણ મળતો….કે ” બાપા પેલા તમે મુકો પસે અમે હંભાળીએ ને..?
પુરુષ પ્રધાન જગતમા રૂપાળી સ્ત્રી પછી બીજા નંબરે આકર્ષણ નુ સ્થાન ધરાવતી ચીજ ખુરશી છે. નેતાઓને એ અતિ પ્રિય છે અને એટલે તો નેતાઓ ને પાંચ વર્ષ પછી પોતાના પ્રિય પાત્રને છુટાછેડા આપીને બીજાને ભોગવવા દેવામા તાણ પડે છે!

ખુરશી અથવા સ્ત્રી પામ્યા કેડે પામનારમા ધરમુળ પરિવર્તનો આવતા આ જગતે જોયા છે. ખુરશી પુરૂષને સત્તા અને યશ આપીને ટોચ પર બેસાડે છે, જ્યારે સ્ત્રી એને પામનારને નિયંત્રણમાં લઇને ચોકડીમાં વાસણ માંજવા પણ બેસાડી શકે છે! આમ નારીઓમાં ખુરશીને પામવા કરતા “ખુરશીધારક”ને વશ કરીને સત્તા ભોગવવાનો ગુણ કાબિલે દાદ હોય છે. લગ્ન વેળા ઘોડે ચડીને આવેલ વરને ખુરશીમા બેસાડવામા આવે છે, જ્યારે લગ્ન પછી પત્ની ધારેતો પતિને ગધેડે બેસાડી શકે છે!

પહેલાના વખતમા લગ્નની સુહાગરાતે ઘુંઘટ અનાવરણ બાદ ખબર પડતી કે પોતાની હસ્ત-રેખામાં ચંદ્રમુખી લખેલ છે કે પછી કાળમુખી! એવુ જ અત્યારે રાજકારણનુ છે. અનેક કાળા-ધોળા કરીને લોકસભામાં ચૂંટાયા પછી ટેકો લેનારની ગરજ પરથી નક્કી થાય છે કે મીનીસ્ટરનું સિંહાસન બેસવા માટે મળે છે કે પછી એસ.ટી બસ સ્ટેન્ડના બાકડા જેવી સાંસદની ખુરશી! ચુંટાવામા એક વિરોધાભાસ છે. જેટલી વધુ આવડત, એટલુ ખુરશીનુ સ્વરૂપ વધુ આકર્ષક. છેલ્લા બે ચાર વર્ષો ના રાજકિય સંકેતો જોતા ખ્યાલ આવે છે કે કુંવારા રહેવાથી સત્તા ધરાવતી ખુરશીઓ સહેલાઈથી હાંસલ કરી શકાય છે. શક્ય છે કે રાહુલ ગાંધી કુંવારો રહેશે તો વડાપ્રધાન જરૂર બનશે!

મનુષ્યનો ખુરશીપ્રેમ તેની રહેણીકરણીમા સાવ સામાન્ય થઈ ગયો છે. જેમ કે આરામ, ભોજન, વાંચવુ, લખવુ, પેટમા પધરાવેલ અન્ન વિસર્જીત કરવુ વગેરે બાબતોમા ખુરશીનો બખુબી ઉપયોગ થતો હોય છે! ખુરશીનો સાદો પ્રભાવ જોઈએ તો ચિક્કાર ગીર્દીવાળી બસોમા, ખુરશી {શીટ} પર બેઠેલા અને ઉભા રહેલા પેસેન્જરોના ચહેરા પરના ભાવ જોઈને, ખુરશી પ્રાપ્તીનો કેફ કેવો હોય એનો સામાન્ય ક્યાસ કાઢી શકાય છે!

જસદણના હરસુર ગઢવીએ કહેલી વાત:સુકાયેલા ઝાડના ઠૂઠા પર કાગડા અને ગીધ બેસીને શિકાર પર નજર રાખતા. એક મિસ્ત્રી એ એ ઠુઠાના પાટિયા વહેરીને એમાથી ખુરશીઓ બનાવી, જે અટાણે સંસદમા ગોઠવવામા આવી છે અને એની પર બેસીને ખાદીના સફેદ કપડાવાળા કાગડાઓ અને ગીધડાઓ પ્રજાના પૈસા મારી ખાય છે!

અમુક ખુરશીઓ વિશીષ્ટ પ્રકારના ગુણધર્મો ધરાવતી હોય છે, જેમ કે દરજીકામની ખુરશી પર આરૂઢ જનને ડાયેટીંગ નથી કરવુ પડતુ! તો કંદોઈની ખુરશી પર બેસનાર તો જાણે અંધેરીનગરીની શૂળીનો માલ! હજામની ખુરશી પર બેઠા બાદ માણસ આપમેળે પરાધીન થઈ જાય! જ્યારે પોલીસમથકની ખુરશી સહુથી વધુ માલ-મલિદાવાળી હોઈ બદનામ બની છે!

વહિવટદાર કે પ્રમુખની ખુરશી પર કરોળીયાના ઝાળા બાજેલા હોય છે! સંસદભવનની ખુરશી પર તો ઘેન ની ટીકડી પણ લેવી નથી પડતી! બીડીના બંધાણીની ખુરશીને “શીતળા” નીકળ્યા હોય એમ ડાઘ/ ચાઠા હોય છે! કામઢો પટાવાળો સાહેબની ગેરહાજરીમા ખુરશી પર બેસવાનો અખતરો કર્યા પછી આળસુ અને ’જે મળ્યુ તે ખિસ્સામા’એવી દાનત વાળો થઈ જાય તો નવાઈ નહિ!

ખુરશીની જેમ ચાર પાયા તો ચારપાઈને પણ હોય છે અને એના પર આરામથી સુઈ પણ શકાય છે, છતાં કોણ જાણે માણસને ખુરશી જ વધુ ગમે છે! અને આપણે ત્યાતો ચાર ખભા ભેગા થવાની ઉંમરે ખુરશીના અભરખા સેવનારા મળી આવે છે!

{સંકલન સહાયક : બધીર અમદાવાદી}

error: Content is protected !!