ક્યારે બદલાશે રીતિ??

ચર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્રર… અચાનક બ્રેક મારવી પડીને માઇક્રાનાં ટાયરે આસ્ફાલ્ટી સડક પર કાળા લિસોટા સાથે અવાજ કર્યો. ને એ સાથે જ રીતિ સ્વગત બોલી,”ઉફ્ફ ફરી ટ્રાફિક-જામ”.ટ્રાફિક ને લીધે ગાડી રોકાઇ ગઇ પણ વિચારો કયાં એમ અટકી પડે છે.હજી હમણા અડધો કલાક પહેલા ઑફિસે મમ્મીનો કોલ આવ્યો’તો ને એણે કહ્યુ કે, આજે કોઇક છોકરાવાળા એને જોવા માટે આવવાનાં છે. બસ ત્યારથી ફરી પાછી એ જ વિચારોની શ્રુંખલા ચાલુ થઇ’તી.

રીતિને કંઇ લગ્ન કરવાજ ન’તા એવુ તો હતુ નઇ પણ બસ એની ઇચ્છા એવી હતી કે એ કોઇ એવી વ્યક્તી ને પરણે જેને એ સારીએ પેઠે ઓળખતી હોય.ચોખ્ખા શબ્દોમાં એ અરેન્જ મેરેજ કરીને કોઇ પણ અજાણી વ્યક્તી સાથે પહેલા રિલેશનમાં અને પછી પ્રેમમાં પડવા ન’તી માંગતી. એની ઇચ્છા પ્રેમ કરીને લગ્ન કરવાની હતી. અને એના ઘરમાંય કોઇને એ વાતનો પ્રોબ્લેમ ન’તો. પણ રીતિ ૨૬ની થઇ ત્યાં સુધી એને એની પસંદનું કોઇ મળ્યુ જ નહીં.આટલા વર્ષો માં રીતિ કઇક કેટલાય છોકરાઓ નાં સંર્પકમાં આવી ને એમાંથી એને અમુક છોકરાઓ તો ગમ્યા પણ હતા. પણ જ્યારે વાત લગ્ન કરવા સુધી પહોંચતી ત્યારે કંઇકને કંઇક ઓછુ આવતુ. કોઇકની ડ્રિન્કસની આદત, તો કોઇકની સ્મોકની આદત, તો કોઇક ની ઓવર પઝેસીવનેસ, તો કોઇકની કેઅરલેસનેસ.અને એમાં અધુરામાં પુરુ એ એટલી દ્ર્ઢ પણે માનતી હતી કે જ્યારે એક વ્યક્તિ બીજી ને પ્રેમ કરે ત્યારે એ એની ગમે તેવી સારી-ખરાબ આદતો સાથે એને સ્વીકારે પણ અત્યાર સુધી કોઇના પણ માટે એને આવુ ફીલ ન’તુ થયુ.એટલે એને હજી પ્રેમ થયો જ નહતો.એટલે પછી મમ્મી-પપ્પા ની ઇચ્છા ને માન આપી ખાસ તો મમ્મી ની ઇચ્છા ને માન આપી એણે આવી અરેન્જડ મિટીંગ માટે હા પાડી.અને છેલ્લા ૧ વર્ષથી આ બોરિંગ મિટીંગો સહન કરે છે.

હવે બસ ૨ દિવસની વાર છે ને સત્યાવીસમું પુરુ થશે.મમ્મીને હવે ખુબ જ ચિંતા થાય છે.કોઇકવાર એની ચિંતા મ્હેણા-ટોણા બની ને નીકળતી સ્પેશિયલી ત્યારે જ્યારે રીતિએ આવી મિટીંગોમાં જોવા આવેલા છોકરાને કોઇ કારણસર રિજેક્ટ કર્યો હોય.અને એ વાતો રીતિને તીર બની ભોંકાતી કારણકે એ વખતે મમ્મી તો આવેશ માં કહી દેતી કે,”આ બધુ તારી એક્ષ્પેટેશન્સ ને કારણે થાય છે.ખબર નહીં તું તારી જાતને સમજે છે શું? ફક્ત એક સક્સેસફુલ વેડિંગ પ્લાનર હોવુ જ કંઇ બધુ નથી હોતુ. અમે છીએ ૧૦ વરસ ૧૫ વરસ પછી અમે નહીં હોઇએ ત્યારે તુ શુ કરીશ? કંઇ નહીં તો અમારા માટે લગ્ન કરી લે.આખી જીંદગી તેં તારુ ધાર્યુ જ કર્યુ છે ને હજ્જારો વાર પસ્તાઇ છુ પણ તો પણ અમારી વાત કોઇ દિવસ માનતી નહીં તું.તને ખ્યાલ નથી કે અમે નહીં હોઇએ ત્યારે તારી લાઇફ કઇ હદ સુધીની એકલવાઇ થઇ જશે. ” ને આના જેવુ તો ઘણુ બધુ એ કહેતી. પણ રીતિ સામે કોઇ જવાબ આપ્યા વગર ચૂપ-ચાપ સાંભળી લેતી એને ખબર હતી કે, અત્યારે આમ વિફરેલી મમ્મી જ ફરી રાત્રે એના રુમમાં આવી પ્રેમથી માથે હાથ ફેરવતી એને કહેશે કે,”બેટા તને ખબર છે ને મારા કહેવાનો મતલબ એ તો સહેજેય નથી.બસ મને તારી બહુ ચિંતા છે” ને એની ફેવરીટ લાઇન એ રિપીટ કરતી”અમે નહીં હોઇએ તો તારી લાઇફ બહુ એકલવાઇ થઇ જશે.”

રીતિ ને દરવખતે એવુ થતુ કે એ મમ્મી ને કહીદે કે “શુ કામ હું એક સ્ત્રી છુ એટલે મારે મારી સલામતી માટે પરણી જ જવુ જોઇએ? શુ કામ એવુ જ માનવામાં આવે છે કે એક સ્ત્રીનું જીવન ત્યારે જ સાર્થક થયેલુ ગણવામાં આવે જ્યારે તે લગ્ન કરી લે કે છોકરાઓ ને જન્મ આપી દે? અત્યારે પોતા પાસે શુ નથી. સફળ કરિયર છે,મિત્રો છે,સ્વતંત્રતા છે.કોઇ જેઠ-નણંદ કે સાસુ-સસરાની મગજમારી નથી.હા હું ભાગી રહી છુ એ બધી જવાબદારીઓ થી પણ નથી જોઇતી મારે એ આફત.અને આ રસ્તો મારા માટે મેં પોતે પસંદ કરેલો છે.જ્યારે મને લાગશે કે મારી સાથેની આ વ્યક્તિ મારા માટે પરફેક્ટ છે ત્યારે હું એની સાથે પરણી જઇશ. પણ ત્યાં સુધી તો એટલીસ્ટ તમે મારી ઇચ્છાને માન આપો. સમાજમાં લોકો શુ કહેશે કે એકલી સ્ત્રીને લોકો હંમેશા હેરાન જ કરશે એવુ આપણે શુ કામ ધારી લેવુ જોઇએ.હું પોતે એટલી સ્ટ્રોંગ કેમ ના બની શકુ કે મારે કોઇની જરુર જ ના પડે” પણ કહી નથી શકાતુ કારણકે નાનપણથી જ ટેવ પડેલીને કે વડીલો સાથે તો અમુક-તમુક રીતે જ વર્તવુ જોઇએ.

રીતિ નાં મનમાં અત્યારે ફરી એ જ બધી વાતો ઘુમરાઇ રહી છે કે, આજે સાંજે ફરી એ પોતાને જોવા આવેલા છોકરાને ના પાડશે અને ફરીથી એ જ ઇમોશ્નલ ડ્રામા ભજવાશે ને ફરીથી એ કઈ પણ કહ્યા વગર પોતાના રુમમાં ભરાઇ જશે ને. બાલ્કનીમાં રીલેક્ષિંગ ચેર પર બેઠી-બેઠી વિચાર્યા કરશે કે,”ક્યારે આવશે એ દિવસ જ્યારે મમ્મી પણ પપ્પાની જેમ સ્વીકારી લેશે કે,પોતે લગ્ન કરવા માંગતી જ નથી.ક્યારે એવો દિવસ આવશે જ્યારે એ આ સમાજની પરંપરાગત રીતિ ને બદલી શકશે.”

ને અનાયસે જ રેડિયો પર આવતા વોટ્સ યોર રાશી નાં સોંગ લિરિક્સ કાને અથડાયા..
રિતોં કે યે બોજ પુરાને,
કબ તક હૈ ગોરી કો ઉઠાને,
બદલેગા કબ ઉસકા જીવન,
કબ ટૂટેંગે બંધન..
કોઇ જાને ના..કોઇ જાને ના…

error: Content is protected !!