મનનું સંભારણું

“એન્ડ એવોર્ડ ગોઝ ટુ…” બધાની નજર હમણા નવાસવા ઉભરેલા એ એન્કર પર હતી.એની દરેક ક્ષણ પર હાસ્ય ઉપજાવે એવું સેન્સ ઓફ હ્યુમર, એકદમ અલગ તરી આવે એવું વ્યક્તિત્વ અને દિલની ધડકનો વધારી દે એવો નિર્દોષ ચહેરો કોઈને પણ મોહી લેતો!! એણે સંચાલન કરવાની આખી પદ્ધતિ જ બદલી નાખી હતી.લોકો ખૂબ ઉમળકાભેર એને વધાવી, આ એવોર્ડ સમારંભમાં ભરપૂર મનોરંજન પામી રહ્યા હતા.આ પ્રસંગ હતો આખા વર્ષ દરમિયાન બનેલી સારી ફિલ્મો, ગીતો અને સ્ક્રીપ્ટ્સ વગેરેને વધાવવાનો.આવા એવોર્ડ્ સમારંભ તો નવું વર્ષ શરુ થાય એની સાથે રોજને રોજ થતા રહે છે.પણ બોલીવૂડમાં “એવોર્ડ્સ ઓફ ટુનાઈટ”ની બોલબાલા ઘણી હતી. જાણીતા સંગીતકાર મુઝફ્ફર શેખ સ્ટેજ પરથી એવોર્ડ્સ ઘોષિત કરી રહ્યા હતા.આ ઝાકમઝોળમાં ફૂલોથી સજાવેલા સરસ ગોળાકાર ટેબલ પર એની મનપસંદ બ્રાન્ડની વ્હીસ્કીનો આનંદ માણી રહેલો નિમિત સહજતાથી આ તમામ દ્રશ્યો નિહાળી રહ્યો હતો.નિમિતે ભારે જહેમત બાદ બોલીવુડમાં સ્ક્રીપ્ટ રાઈટર તરીકે ખ્યાતી મેળવી હતી.નાના બજેટની ફિલ્મો અને નાના બજેટના કલાકારોથી શરુ કરીને મોટા ગજાના કલાકારો આજે એની આસપાસ ફરતા હતા અને તેથી જ આજે આ ધમધમતી દુનિયામાં એણે પોતાની એક આગવી જગ્યા સ્થિર કરી હતી.

આ સમગ્ર એવોર્ડ્સનું સંચાલન કરી રહેલો માધુર્ય હવે, બેસ્ટ સ્ક્રીપ્ટ્સ માટેના ઉમેદવારોની છબી એક પછી એક બતાવી રહ્યો હતો.નોમીનેશન દર્શાવ્યા બાદ, હાસ્ય સાથે મુઝ્ફ્ફરે ફરી એક વાર જાહેરાત કરી, “ એન્ડ એવોર્ડ ગોઝ ટુ, વન ઓફ માય ફેવરીટ મિ. નિમિત ત્રિવેદી.” તાળીઓનો ગડગડાટ અને પાછળ બેઠેલા શ્રોતાગણના હોહાકાર વચ્ચે એક જ ઘૂંટમાં વ્હીસ્કીનો ગ્લાસ ગટગટાવી એ ઉભો થયો અને રસ્તે મળતા તમામ “મિત્રો” સાથે ઔપચારિકતા દર્શાવી એ સ્ટેજ પર જઈ, મુઝફફરના પગે વળ્યો.મુઝફ્ફર આધેડ વયના અનુભવી અને નામાંકિત સંગીતકાર હતા અને નિમિત એમનો ખૂબ માનીતો કલાકાર!! બંને વચ્ચે આંખોથી આ સમયની ખુશી વહેચાય ગઈ,મુઝ્ફ્ફરે એને છાતીસરસો ચાંપી દીધો.એવોર્ડ લઇ નિમિત પ્રેક્ષકો તરફ વળ્યો અને એવોર્ડ ઉંચો કરી જોરથી બોલ્યો,”ફોર યુ પીપલ”. લોકો પણ જાણે ઉત્સાહમાં આવી ગયા હોય એમ જોરથી એને વધાવી રહ્યા.ભગવાન જેવી કોઈ દિવ્ય શક્તિનો આભાર માની એ સ્ટેજ પરથી ઉતરી ફરી એની બેઠક પર ગોઠવાય ગયો. એ પછી તો શ્રેષ્ઠ ફિલ્મ, અભિનેતા,અભિનેત્રી વગેરેના કેટલાય એવોર્ડ્સ અપાતા ગયા.

સમારંભ બાદ મર્સિડીઝમાં એ મુંબઈના રાતના અઢી વાગાના “ટ્રાફિકમાં” ૧૦૦ની ઝડપે ગાડી દોડાવતો રહ્યો.ગાડીમાં મંદ મંદ સંગીત વાગી રહ્યું હતું, રોઝ શામ આતી થી મગર ઐસી ના થી… હાથમાં વ્હીસ્કીની બોટલ લઇ એ દારૂના ઘૂંટ પી રહ્યો હતો.આજે આટલી મોટી સિદ્ધિ મેળવી હોવા છતાં અંદર કંઇક ખૂંચી રહ્યું હતું.આ જ દિવસના સ્વપ્નો તો જોયા હતા. આ જ સ્ટેજ પરથી તો આભાર વ્યક્ત કરવાના લાંબા લાંબા શબ્દો ગોઠવ્યા હતા અને આજે એ દિવસ, એ સ્ટેજ સામે હતા અને કંઈ જ બોલી ન શકાયું! જે ખુશીની ઝંખના વર્ષોથી હતી એ ખુશી આજે હાથમાં હતી.એણે એક નજર આકર્ષક કાળા રંગની લેડી કે જેણે હાથમાં એક મોટો હીરાજડિત ગોળો પકડ્યો હતો એ એવોર્ડ પર પડી.એના પર પ્રેમથી એક હાથ ફેરવી ફરી એણે દારૂનો એક ઘૂંટ લીધો.ઘરે પહોચ્યો ત્યારે નિમિતની મનઃસ્થિતિ ખૂબ નાજુક થઇ ચુકી હતી. કંઇક ખૂટતું હોવાની લાગણી એને અંદરથી સતત પરેશાન કરી રહી હતી.ક્યાં એ ખોટો પડ્યો?આજે જિંદગીના આટલા મોટા અવસર પર એ એકલો હતો, સાવ એકલો!! ખુશી વહેંચવા કે પ્રેમ કરવા એની પાસે એક પણ વ્યક્તિ ન હતી.“બ્લેક લેડી”ને છાતીએ લગાડી જોર જોરથી રડવા લાગ્યો.
** ** **
સૂર્યોદય થયો.સૂર્યકિરણો નિમિતના માથા પર ધીમે ધીમે હાથ ફેરવી રહ્યા હોય એમ એના પર પડવા લાગ્યા.રાતે પીધેલા દારૂના કે પછી એકલતાના નશામાંથી એ જાગ્યો.માથું ખૂબ જ ભારી હતું. એ શૂન્યમનસ્ક બેસી રહ્યો.થોડી ક્ષણો એમ જ બેસી એ બ્લેક કોફી બનવવા ઉઠ્યો.આ એનો રોજનો ક્રમ હતો.મુંબઈના પોશ વિસ્તારમાં એક ડુપ્લેક્ષ ફ્લેટમાં એ એકલો રહેતો.રોજ સવારે ઉઠી, બ્લેક કોફી લઇ એ ઘરમાં બનાવેલી પથ્થરની બેઠક પર બેસી જતો.સામે રહેલા-ઘૂઘવાતા દરિયા સામે એ તાકતો રહેતો.હમેશા વિચારતો કે જીવનમાં જે ઈચ્છ્યું એને મેળવવા જાત ઘસી નાખી અને હવે જયારે બધું મળ્યું છે તો શા માટે એ મેળવ્યાનો આનંદ નથી? અને એ સાથે જ દરિયો પણ એના આ મનોમંથનને સાથ આપતો હોય એમ અવાજ કરી પાણી ઉછાળતો.મનની જેમ પથ્થરોને પણ ભીંજવી નાખતો.પરંતુ આજની સવાર કંઇક અલગ હતી.કશુક અંદર, ખૂબ અંદર ઘટી રહ્યું હતું. અચાનક ફોનની રીંગ વાગી. ફોન એના આસીસટન્ટનો હતો. એના નિયમ પ્રમાણે એ આખા દિવસનો કાર્યક્રમ નિમિતને જણાવી રહ્યો હતો.નિમિત “હમ્મ”, “હા” જેવા ટૂંકા શબ્દોમાં જવાબ આપતો.જયારે આસીસટન્ટે “સર તો ડાયરેક્ટરને જણાવી દઉં ?” એમ ફરી પૂછ્યું ત્યારે નિમિત સહેજ ધ્યાનમાં આવ્યો. એણે આગળની વાતો સાથે જાણે કોઈ મતલબ જ ન હોય એમ કહ્યું ,”જયંત, અમદાવાદની પહેલી ફ્લાઈટની ટીકીટ બૂક કરાવ.”, “પણ સર, અહી બધું….”, “જસ્ટ ડુ એઝ આઈ સે” નિમિતના છેલ્લા શબ્દોનો આરોહ જોઈ જયંતે “ઠીક છે સર” કહી ફોન મુકવાનું ઉચિત સમજ્યું.થોડા દિવસનો સામાન બાંધી એ એના “ઘર” તરફ નીકળી પડ્યો.

મુંબઈથી અમદાવાદના પ્લેનમાં એની સીટ શોધી એ બેસી તો ગયો પણ એક અણધાર્યો અજંપો એ અનુભવવા લાગ્યો.અનેક વિચારો મગજમાં આવતા ગયા અને ભૂંસાતા ગયા.આટલા સમયથી છુટેલા સંબંધોની દોર શું ફરી બાંધી શકાશે?શું એ જ આત્મીયતા હશે એ લોકોમાં? આંખ બંધ કરી એ વર્ષો પહેલાની એની દુનિયામાં સરી પડ્યો.નાનું ઘર, ભણવા માટે થતી રોજની લડાઈ,શાળાએથી આવીને દફતર નાખી વિવેક,મેહુલ, સુશાંત સાથે રમવા નીકળી પડવાની ટેવ, એકાદ ઘરનો કાચ તુટતા રમવા પર લાગતો પ્રતિબંધ અને પપ્પા સામે નીચી નજર રાખી માફી માંગવાની સ્થિતિ!! બધું જ આંખ સામે તરવરી રહ્યું.બંધ આંખોના ખૂણામાંથી આંસુ ગાલ થકી કાન પાસે અદ્રશ્ય થવા લાગ્યા.એણે આંખો ખોલી બે હાથ વડે ચહેરાને ઘસ્યો.માથના વાળ થોડા હલાવી મગજના વિચારોને પણ ખંખેરવાનો પ્રયત્ન કર્યો પણ આજે ભમરો જેમ સોડમ ભરેલ ફૂલની આસપાસ બણબણવાનું છોડતો નથી એમ જ ભૂતકાળના એ દિવસો સ્મૃતિરૂપે એને વળગી પડ્યા હતા.મોટો થયો ત્યારે પપ્પા સાથે રોજની દલીલો, એમની વિચારસરણીમાં અને પોતાના સ્વતંત્ર વિચારોમાં પડતો તફાવત અને એથી સંબંધોમાં પડતી તિરાડ એ આજેય અનુભવી શક્યો.આખરે ઘર છોડવાનો નિર્ણય અને ફરી કદી પાછા ન ફરવાનું ફરમાન, બધું જ જાણે ફરી ભજવાઈ રહ્યું હોય એમ આંખ સમક્ષ દેખાવા લાગ્યું. એરપોર્ટની બહાર ટેક્ષી પકડી એણે ઘર તરફ મીટ માંડી.એ જ રસ્તાઓ, એ જ વિકસતા શહેરની માટીની સુગંધ!! એ બારીના કાચ ખોલી આ ખુલ્લી હવાને શ્વાસમાં ભરી જીવી રહ્યો.આ લાગણી, આ આત્મીયતા મુંબઈના ખીચોખીચ મકાનો અને ટ્રાફિકમાં ક્યાંય દબાઈ ગયેલા.ટેક્ષીને ગલીના છેડે જ ઉભી રાખી, એ ઘર તરફ પગલા માંડવા લાગ્યો. એવામાં કેટલાક તોફાની ટાબરિયા “હોલી હે” કરીને પાણીના ફુગ્ગા એની પર ફેકવા લાગ્યા. સામાન્ય રીતે આવી હરકતોથી ચીડાતા, ગુસ્સે થતા નિમિતને આજે આ બાળકો પર પ્રેમ આવ્યો. એ ખુશ હતો.જાણે એ એના બચપણમાં પાછો ફરી રહ્યો હોય એમ એ નિર્દોષ ટાબરિયાઓને જોય રહ્યો.ગલી વટાવી, એ એક પુતળીવાળા સર્કલ પર આવ્યો, જેને છેડે એનું પોતાનું આખું બચપણ-ઘર હતું.એ થંભી ગયો.એના પગ આગળ ચાલી શકે એમ જ નહોતા.દૂરથી જ એ ઘરને નિહાળતો રહ્યો.આજે પુરા સાત વર્ષ પછી એ પાછો ફર્યો હતો.

થોડી ક્ષણો વિચારો સાથેના ધ્વન્ધ્વ બાદ એ ફરી ઘર તરફ મક્કમ ડગલે ચાલવા લાગ્યો.એવામાં ઘરનો દરવાજો ખુલ્યો.બે ઘડી હૃદયના ધબકારા ચુકી જવાયા.સામે એની પોતાની મા ઉભી હતી.માથાના ભીના વાળને સુકવી રહેલી એની મા હજીય એટલી જ સુંદર હતી.અચાનક એમની નજર નિમિત પર પડી.બંનેની નજર મળી.સ્વીકાર-અસ્વીકારના અવઢવમાં ઉભેલો નિમિત બધું ભૂલી માને જઈને ભેટી પડ્યો.આંસુઓની ધાર બંને કાંઠે વહેતી નદીની જેમ જ વહેવા લાગી.નિમિત વર્ષોથી જે હુંફ માટે તડપી રહ્યો હતો એને આજે શાતા મળી.એની માતા પણ આટલા વર્ષો બાદ મળેલા દીકરાને જોઈ સ્વગત બોલતા રહ્યા,”હું તો કહેતી જ હતી તારા પપ્પાને કે તુ આવશે જ.હવે તો હું વટથી સહુને જવાબ આપીશ.મારો કુંવર આવ્યો છે.” આ જ સુખ, આ જ સંતોષ માટે કેટલું તડપ્યો હું!!! નિમિત વિચારી રહ્યો.જીવનમાં કંઇક મેળવવાની ચાહ પાછળ બધા જ સ્વજનો, મિત્રોને પાછળ છોડી દીધા અને જયારે મેળવ્યું ત્યારે ફરી એ જ સ્વજનો અને મિત્રોને શોધવા નિમિત નીકળી પડ્યો હતો.થોડીવારમાં તો આખું ફળિયું ઉભરાય આવ્યું.વિવેક, મેહુલ અને સુશાંત પણ એને મળવા દોડી આવ્યા.એની ખરી જમાપૂંજી, આ સંબંધો ફરી જીવાવની એને તમન્ના થઇ આવી.આ ધરતી પર સ્વતંત્ર પરંતુ સંબંધોના દોરામાં પરોવાયેલા હોવાની લાગણીમાત્રથી એ તૃપ્ત થયો.એને જીવનના ત્રાજવામાં સંબંધો અને સ્વપ્નોના સંતુલનનું મૂલ્ય સમજાયું અને હવે આ બેય દુનિયામાં સફળતાના શિખરો સર કરવા કટિબદ્ધ થયો.

error: Content is protected !!