તમારે ય આવું થયું છે ને ……..?????

અમારેય એકવાર આવું જ થયેલું ….

જીવનમાં અનેક પ્રસંગો એવા આવતા હશે કે જાણે આપણે એ અનુભવમાંથી પસાર થતા હોઈએ એમ લાગે . આપણે એ સમય ફરીથી જીવતા હોઈએ એમ લાગે . ક્યારેક કોઈની અનુભવવાણી વાંચીએ / સાંભળીયે ત્યારે આપણી સાથે પણ આવું જ બનેલું એમ યાદ કરી લેતા હોઈએ છીએ . કેટલીક વ્યક્તિવિશેષ આપણે એવી પણ જોઈ હોય છે કે એ બધા જ અનુભવ માં થી પસાર થઇ હોઈ છે . ” અમારેય એકવાર આવું થયેલું …..” આ એમની મનપસંદ ટેગલાઈન હોય છે .

ઉદાહરણ તરીકે ચોમાસામાં લગભગ દરેક જણ ક્યારેક તો ટુ -વ્હીલર પર જતા લપસી પડ્યા હશે જ . આપણે પણ જમીન માપી હશે . આવી જમીન માપણીની રજૂઆત પેલી ” અમારેય એકવાર ….” વાળી વ્યક્તિવિશેષ આગળ કરીએ કે તરત જ એમને એમનો નાનપણનો કિસ્સો યાદ આવી જાય . કેવી રીતે , કેવા સંજોગોમાં એમણે સાઈકલ શીખવાનું ચાલુ કર્યું , રેસ મારી અને બ્રેક મારવાનો ખ્યાલ નાં આવ્યો ને ધડામ !!!!!! આગલા બે દાંત , જે સસલાના દાંત જેવા હતા તેના શું હાલ થયા ….. વગેરે વગેરે . પોતાની વાતની ખરાઈ કરાવવા એ તમે નાં પૂછો તો પણ પોતાના આગલા બે દાંત ધરાર દેખાડશે . તમારી વાત કે પડી ગયાની પીડા ક્યાય ઊંચું મુકાઈ જાય એમના પડી ગયેલા દાંતની વાત માં .

કોઈ વાર બસ ચુકી ગયાની મુશ્કેલીની વાત ઉખાળીયે તો એ એમની ફ્લાઈટ ચુકી ગયાની વાત પાટલો માંડીને કરશે .ટીકીટ કોની પાસે મંગાવી …. જો ઓનલાઈન લીધી હોય તો પાછુ એમના કોમ્પ્યુટર જ્ઞાન વિષે પણ બે – ચાર લાઈનો ફટકારી દે તો નવાઈ નહિ . ખેર ; એરપોર્ટ પર કેવા માર માર પહોચ્યા … રસ્તામાં નડેલો ટ્રાફિક વગેરે વિષે એટલા વિસ્તારથી કહેશે કે આપણે એમ જ વિચારીએ કે ‘ આજે કોઈ ફ્લાઈટ હોય તો તું નિકળ તો ભાઈ …!!! નહિતર આજેય આ પાટલો ઉપાડશે નહિ ને તું ફ્લાઈટ ચુકી જઈશ ” ત્યાં જ મિત્ર ધડાકો કરે કે જેવા એન્ટ્રન્સ પર પહોચ્યા ને ટીકીટ આપી તો ખબર પડી કે ” આ ફ્લાઈટ તો ઓલરેડી ઉડી ગઈ છે …. જબરું થયેલું એ તો …. મેમોરેબલ ડે ઓફ અવર લાઈફ . ”

દુર્ભાગ્યે જો એમને કુદરતી આફત નો ભોગ બનવું પડ્યું હોય તો એમની પરાક્ર્મગાથા સાંભળીને આપણે એમને પરમવીરચક્ર આપવાનું વિચારતા થઇ જઈએ . આફત હોય એનાથી પણ ભયંકર તાદ્શ ચિતાર કરવાવામાં આ ” અમારેય એકવાર આવું થયેલું ..” ની માસ્ટરી હોય છે – નિર્વિવાદપણે. ” અમે તો બરાબરના ફસાયેલા ….ન ઉપર જવાય કે ન નીચે ઉતરાય …નાસ્તા – પાણી હતા પણ કેટલા દિવસ ચાલે ? અમે એકલા હોઈએ તો હજીય કદાચ ચાલે થોડું પણ આપણી સાથેનાઓને એમ તકલીફ પાડવા જ કેમ દેવાય ? આવે વખતે આપણે માનવતા નાં દેખાડીએ તો કોણ દેખાડે ? લશ્કરના જવાનોની સાથે અમે બચાવકાર્યમાં લાગી ગયેલા …. ” આપણે જો સતર્ક રહીને તપાસ કરીએ તો ખબર પડે કે મહાશય બેઝ કેમ્પ થી પહેલી જ ખેપમાં પરત ફરી ગયેલા . પોતાને બચાવવાના બચાવકાર્યમાં જ લાગેલા હતા . અમારા એક પરિચિત ની વાત યાદ આવી . એ પણ આ જ કેટેગરીના . એમને 2001 ના ભૂકંપનો અનુભવ કર્યો નહોતો . ભુજમાં રહે છે ખરા પણ 2002 થી . એ લગભગ બધે જ ભૂકંપ નું એવું દ્રશ્ય ચીતરે કે ખરેખર ભૂકંપગ્રસ્ત ને પણ એમ થઇ જાય કે આ મિત્રને કેટલી તકલીફોમાંથી પસાર થવું પડ્યું હશે ….. ભારે સહનશીલ …..!!!!

સૌથી વધારે કોમેડી કોઈ સ્વજનની બીમારી વખતે થાય . ” અમારા એક ઓળખીતા ને પણ આ જ બીમારી થયેલી ..” થી શરુ કરી ને આ બીમારીમાં દર્દીએ કે દર્દીના સગા વહાલા ઓ એ કેટલી અને શું કાળજી રાખવી જોઈએ એનો આખો વિકિપીડિયા ખુલી જાય . ભૂલથીય જો તમે દવાનું પ્રિસ્ક્રીપ્શન કે રીપોર્ટ બતાવો તો થઇ રહ્યું …..એ પોતે જ ડોકટરના રોલમાં આવી જાય . ” ફલાણી કંપનીની દવા મંગાવો …એ ભાવ માં પણ કમ છે અને ઈફેક્ટીવ પણ બહુ છે …ગરમ પણ નહિ પડે ” વગેરે વગેરે … જે તે કંપનીના CEO સાથે પોતાને કેવા સારા સંબંધો છે એનો પણ ગૌરવપૂર્વક ઉલ્લેખ કરી લે . એમની વાતમાં તમારા હોકારા ધીમા થતા થતા બંધ થઇ જાય તો પણ એમનું ચટરપટર continuous મોડ માં જ હોય .

આપણને નવાઈ લાગે કે જે અનુભવો બધાને છૂટાછવાયા થયા છે એ બધા આ વ્યક્તિવિશેષ સાથે થઇ ચુક્યા છે . નાની ઉમરમાં એમણે કેટલી બધી જિંદગી જીવી લીધી છે . સરકાર એમની કાબેલિયત બિરદાવવા માટે કેમ હજુ કોઈ એવોર્ડનું નહિ વિચારતી હોય ? જોવાની ખૂબી એ છે કે એમનો શ્રોતાવર્ગ નિરંતર બદલાતો રહે છે પણ મળી રહે એ ચોક્કસ . વળી એમનામાં શ્રોતાવર્ગ મુજબ વાતનાં વિષયની સૂઝ પણ ગઝબની હોય છે . બેબીનું એડમીશન કઈ સ્કુલમાં લેવું થી માંડીને મંદીના સમયમાં પૈસો કેવી રીતે બચાવવો એ વિષે સુધ્ધા સલાહ આપી શકે . બાબાને પરણાવતી વખતે કરવાની તૈયારીઓ હોય કે કઈ સિઝનમાં શું ખાવાથી શરીરની સુખાકારી જળવાઈ રહે તેના પર તમારે માત્ર એક જ પ્રશ્ન પૂછવાથી અધધધધ માહિતી મળી જાય અને દરેક વખતે ” અમારેય એકવાર આવું થયેલું …..” વાળી ટેગલાઈન વિધાઉટ ફેલ મુકે જ મુકે , જેથી શ્રોતાને એ બાબતની ખરાઈ અંગે કોઈ શંકા ન રહે .

તમારે ય આવું થયું છે ને ……..?????

– ” काકોપનિશદ” માંથી

error: Content is protected !!