ઓહ.. વરસાદ!!!!

વરસાદની મોસમ…
મનરંગી, તનરંગી, મિજાજરંગી મોસમ.
બદન સાથે મનનેય તરબતર કરી દેતી મોસમ.
ખુશ્બૂ ની મોસમ, તરંગો ની મોસમ,
ચાર હાથ મળે જ્યાં એ પ્રસંગો ની મોસમ.

મોસમ જ એવી છે ને કે અનાયાસ જ કવિતા સુઝી આવે. બાલ્કનીમાં ઉભા ઉભા વરસતાં આકાશનાં એક ટુકડાંને જોવા માટે મેં ચશ્મા ચડાવ્યાં. રેલિંગ પર બાઝેલાં ટીપાંઓ પર નજર અટકી ગઈ થોડી ક્ષણો માટે તો.. અને તરત જ એક વિચાર ઝલક્યો કે, આ બાઝીને ધીમે ધીમે ટપકતાં રહેતાં ટીપાંઓ અત્યારેય રક્તમાં રોમાંચની લહર દોડાવી શકે છે મતલબ કે આ બુઢા શરીરમાંય સંવેદનાઓ હજું જીવી રહી છે.
રસ્તા પર છત્રી કે રેઇનકોટ પહેરીને વરસાદથી બચવા માટે ભાગતાં લોકોને જોઈને એક ક્ષણ માટે તો થયું કે સાલ્લું આ તો વરસાદને સરાસર અન્યાય છે.

જે તમારાં પર મુઠ્ઠીઓ ભરી ભરીને પ્યાર વરસાવવાં આવ્યો છે એનાંથી જ બચવા માટે તમે આ કવચો ચઢાવો છો?!!
કેવી દરિદ્રતા!!!

કંઈક ગમગીની સાથે મગજે એક ઝાટકામાં સમયને રિવાઈન્ડ કરી નાખ્યો. યાદ આવ્યાં એ બચપનના દિવસો… જ્યારે છલકાતાં આકાશ નીચે બિમાર થઈ જવાની કે કપડાં બગડવાની ચિંતા કર્યા વિના તરબોળ થઈ જવાતું. વરસાદ આંખોમાં વિસ્મય આંજીને આવતો. સવારનો વરસાદ તો ત્યારે સ્કૂલની છુટ્ટીઓનાં વિચાર લઈને જ આવતો. એ દિવસો, જ્યારે વરસાદી હવાઓમાં તાવ આવી જવાનાં વિચારો મને નહીં મમ્મીને આવતાં. ગંદા ખાબોચિયાઓમાં ય ધીંગા-મસ્તી ને છબછબિયાં કરતાં કરતાં દોસ્તો સાથે મસ્તી કરવાનીય મજા હતી એક….
વો કાગઝકી કશ્તી, વો બારિશ કા પાની… કફ્ત ગુનગુનાવવાની નહીં પણ જીવવાની મોસમ હતી એ. આ દિવસો તો કેવાં ઝડપથી પસાર થતાં ગયા એ સમજાયુંય નહીં.

એક દિવસ અચાનક પહેલી જવાની ફૂટી… એ વર્ષો તો કેમ ભૂલાય!!!
જ્યારે પહેલો વરસાદ આંખોમાં મસ્તી લઈને આવતો. એ વરસાદ પહેલાં પ્રેમ, પહેલો સ્પર્શ, પહેલું ચુંબન કે ઉઘડતી જવાનીની નટખટ શરારતો જેવો હતો. જેનો આવેગ જાણે વહેતાં લોહીમાં ભળતો અને એને બમણાં જોશથી ધસમસાવી મુકતો. તન તો ભીંજાતું પણ સાથે સાથે મન ભીંજાવાની ય શરૂઆત થઈ ચૂકી હતી. વરસાદી વાતાવરણમાં રોમાંસની મહેંક ઉડતી રહેતી ત્યારે.

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે,
મને ભીંજવે તું..તને વરસાદ ભીંજવે….
ગાવાના દિવસો હતા એ. વરસાદ ત્યારે મોડી રાતે માંડ મિંચાયેલી આંખોમાં સતરંગી સપનાંઓ લઈને આવતો. જ્યારે એ ટપકતાં વરસાદને આંખો બંધ કરીને સાંભળતાં લાગતું કે દૂર-સુદૂર જાણે કોઈ સંગીતની મધુર સુરાવલિઓ છેડી રહ્યુ છે.
ત્યારે વરસાદમાં ફક્ત ભીંજાવાની જ મજા નહોતી પણ એનાં સંગીત સાથે મનનાં તાર જોડીને સમાધિસ્થ થવાની ય કંઈક ઓર જ મજા હતી. જાત ભૂલીને, મન મુકીને ઝુમી જવાતું. જાણે ધોધમધોધ વહેતા આકાશ નીચે પૃથ્વીની સાક્ષીએ ચાર હાથ મળે એ પ્રસંગો ની મોસમ ઉજવાતી….

આવી કેટલીય મોસમોની સાક્ષીએ હૌલે-હૌલે જવાની ઓગળતી ગઈ અને વૃધ્ધત્વ ઉમટી આવ્યું.ભીની ફૂટપાથો પરથી સાચવી સાચવીને ચાલવાનું શરું થયું.સાંજનો વરસાદ હવે કંઈક ઘુટન લઈને આવે છે. બહું જ ગમતું એવું કંઈ સાવ સામે જ હોય ને અડી પણ ન શકાતું હોય એવી જ કોઈ ઘુટન. છલકાતાં આકાશ નીચે એક સમયે મન ભરીને જીવેલો ભૂતકાળ આંખોમાં ફરી જાય છે ને આંખોમાં સંઘરી રાખેલું ચોમાસુ બે બુંદોમાં છલકાઈ આવે છે. હવે એ રોમાંસ ખોવાઈ ગયો છે. વરસાદી પાણીના સ્પર્શે તબિયત બગડવાની ચિંતા વધુ થાય છે. ભીંજાવાના રોમાંચને બદલે ભીંજાતા સામાનની ચિંતા થાય છે હવે. વો કાગઝકી કશ્તી, વો બારિશકા પાની હવે રેડિયો કે પ્લેયર પર સાંભળીને જ ખુશ-ખુશ થઈ જવું પડે છે. વરસાદમાં અચાનક જમીનમાંથી ફૂટી આવતાં જીવડાંઓની જેમ ઉભરી આવતી ઈચ્છાઓને લગામ આવી ગઈ છે હવે. સૂકી પડી ગયેલી જિંદગીને આ વરસાદ ભીંજવી નથી શકતો હવે.. ફક્ત બાલ્કનીમાં ઉભા ઉભા જોયા કરવાથી છાતીમાં વેદનાની ટીસ નિકળી આવે છે, ઓહ વરસાદ…..

અને

ધુંધળા થઈ ગયેલા ચશ્માનાં કાચ લુછીને બાલ્કનીનું બારણું અકારણ જોશભેર પછાડીને હું અંદર આવી જઉ છું, જાણે ચાહેલું ન કરી શકવાની વેદનાનો ઉભરો એ બેજાન બારણાં પર ન કાઢ્યો હોય..!!!

error: Content is protected !!