નિવૃત્તિ ની વૃત્તિ

“દરજી નો દીકરો જીવે ત્યાં સુધી સીવે”

આવી કોઈક કહેવત આપણે બધાં નાના હતાં ત્યારે સાંભળી હતી. અત્યારે ઘણી એવી વ્યક્તિઓ છે જેને માટે આ કહેવત બરોબર લાગુ પડે છે. હું ફક્ત ક્રિકેટરો કે રાજકારણીઓ ની જ વાત નથી કરતો, પણ આપણી આસપાસ ઘણી એવી વ્યક્તિઓ છે જેમને નિવૃત થવું જ નથી ભલે ને પછી શરીરે વર્ષો પહેલાં સાથ આપવાનું મુકી દીધું હોય? અંગ્રેજીમાં નિવૃત્તિ એટલે કે રીટાયરમેન્ટ નો મતલબ છે “કામ છોડવું”. ઘણાં લોકો ને ભર શિયાળે આ કામ છોડવા ની બાબતે પરસેવો થઇ જાય છે કે ભર ઉનાળે ઠંડી ચડી જાય છે. એમને એમ લાગે છે કે જે દિવસે મારું શરીર કામ છોડી દેશે, પછી તે નોકરી હોય કે ઘરકામ, તે જ દિવસે મારું દેહાવસાન થઇ જશે. આજ ડર માં વય ને લીધે નોકરીમાં રીટાયર થનારાં ઘણાં લોકો એમની આસપાસ દેખાતાં નાનાં નાનાં કામો પર નજર નથી નાખતાં અને કામ ન હોવાની ચિંતાએ એ વ્યક્તિ ખરેખર દેહાવસાન પામે છે. ઘણાં લોકો એવાં છે કે એ લોકો નિવૃત્ત થાય છે ત્યારે જ જિંદગી શરુ કરે છે, એવી જ રીતે જેવી રીતે સદી એ પહોંચેલો ક્રિકેટર ‘ફ્રેશ ગાર્ડ’ લે!! સમાજમાં આવાં લોકો ની સંખ્યા વધી રહી છે એ ખુબ પોઝીટીવ સંજ્ઞા છે.

વર્ષો થી સરકારી ઓફિસો, બેંકોમાં કે વિમા ની ઓફિસોમાં કામ કરતાં કર્મચારીઓ જયારે નિવૃત્તિ ની વય નજીક આવે છે ત્યારે, “હવે હું શું કરીશ?” એવાં કૃત્રિમ ભય થી ગભરાતાં હોય છે. આપણે જયારે એમને એમ કહીએ કે “આખી જિંદગી ઢસરડો કર્યો છે તો હવે આરામ કરો ને મોજ કરો” તો આપણને વડચકું ભરે, “મને એમ નવરું બેસી રહેવું જરાય ન ગમે”. એમને મન નોકરી એ જ કામ છે.મારાં પિતાશ્રી એ તો ઉલટી ગંગા વહેવડાવી. બેંક ની સેવા નાં ત્રીસ વર્ષ જે દિવસે પુરા થયાં એ જ દિવસે નિવૃત્તિ ની ઘોષણા કરી દીધી.એ વખતે એમની ઉમર ફક્ત ૫૩ વર્ષ ની હતી !! જેને જેને ખબર પડી એ લોકો ને એક જ ચિંતા થઇ અને એક જ પ્રશ્ન પૂછ્યો, “હવે શું કરશો આખો દિવસ ઘરમાં?” અને મારાં પિતાશ્રી નો એક જ જવાબ હતો, “જલસા”. આજે કદાચ મને કંટાળો આવે પણ એ ૬૭ વર્ષ ની ઉંમરે પણ બહાર નાં નાના મોટા કામ જેવાં કે શાકભાજી લઇ આવવા વગેરે ફટાક કરતાં કરી લે છે. એમની વહેલી નિવૃત્તિ લેવા પાછળ નો એક જ આશય હતો કે ‘સ્વસ્થ ઉમરે નિવૃત્ત થવાથી લાંબો સમય સ્વસ્થ રહી શકાય છે” અને આજે એમનાં પુરતી તો આ બાબત સાચી સાબિત થઇ છે.

નિવૃત્તિ ની ઓછી વૃત્તિ ધરાવતી બીજી પ્રજા છે આપણા ખેલાડીઓ, ખાસ કરી ને ભારતનાં. પછી તે ગમેતે રમત રમતાં હોય જ્યાં સુધી શરીર થાકે નહી ત્યાં સુધી એને ખેંચે જ જાય છે. પછી તે સચિન તેન્દુલકર હોય, ધનરાજ પિલ્લાઈ હોય કે લિયેન્ડર પેસ. આ લોકો ની તકલીફ એક જ છે કે જયારે ઉમર વધવા ચાલી હોય અને ૩૫ વર્ષ પછી પણ જયારે પોતાનું સર્વશ્રેષ્ઠ આપી રહ્યાં હોય ત્યારે તે લોકો ને કુદરતી રીતે એવું લાગે છે કે હજી તો ઘણું રમી શકાય એમ છે.પણ આવાં કિસ્સાઓ માં શરીર ઘણીવાર અચાનક થાકી જાય છે અને પછી એ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન અચાનક જ ક્યાંક ‘દુર ગગન કી છાંવ મેં’ ખોવાઈ જાય છે. હવે તકલીફ ત્યાં થાય છે કે પ્રદર્શન તો નથી થઇ રહ્યું એટલે બસ એકવાર મસ્ત રમી લઉં એટલે તરત નિવૃત્ત થઇ જાઉં એવી લાગણી ખેલાડીઓ ને થવા લાગે છે. એ એક સારાં પ્રદર્શન ની ચાહ માં એક ઉપર બીજું ખરાબ પ્રદર્શન થતું જ રહે છે અને છેવટે એ રમત નું સંઘ જ એમને કહે છે કે “બસ ભાઈ, હવે બહુ થયું”. ભારત નાં ક્રિકેટ માં બે અંતિમો આ બાબતે જોવાં મળ્યાં છે. જયારે સુનીલ ગાવસ્કર નિવૃત્ત થયાં ત્યારે લોકો ને ‘શોક’ લાગ્યો હતો અને જયારે કપિલદેવ રીટાયર થયાં ત્યારે લોકો ને આનંદ થયો હતો.

જયારે તમે આવાં પ્રોફેશનલ ક્ષેત્ર માં હોવ ત્યારે એ બાબત ની તકેદારી રાખવી પડે છે કે સાચા સમયે નિવૃત્ત ન થઇ ને ક્યાંક તમે કોઈ ની જગ્યા તો નથી રોકી રહ્યાં ને? રમત સીવાય એવાં ઘણાં ક્ષેત્રોનાં ખેલાડીઓ ને આ બાબત લાગુ પડે છે. ઘણીવાર કોઈકનાં ન જવાથી કોઈ યોગ્ય પ્રતિભા ને યોગ્ય સમયે મોકો મળતો નથી અને એ ‘ઊંડા અંધારે’ ખોવાઈ જાય છે. જો કે આપણા સમાજ માં એક જ શાખા એવી છે કે જ્યાં નિવૃત્ત થવા ની કોઈ જ ઉમર નથી કે કોઈ ફોર્સ નથી. લેખ ની શરૂઆત માં જેમ લખ્યું છે એમ રાજકારણીઓ પણ જીવે ત્યાં સુધી સીવે છે. ભારતની અડધાં ઉપર ની જનતા ૧૮ થી ૪૦ વર્ષની છે એવું એક સર્વે માં વાંચ્યું હતું. આવી યુવાન પ્રજા ની ‘સેવા’ કરવા માટે એમનાં થી બમણી ઉમરનાં લોકો સદાય તત્પર હોય છે. બંધારણ નું ધ્યાન રાખનારાઓ માટે આપણા બંધારણમાં આ લોકોની નિવૃત્તિ બાબતે કોઈ વ્યવસ્થા જ નથી બોલો? જો કે ધ્યાન થી જોઈએ તો બહુ ઓછાં નેતાઓ આમ સાવ નબળાં કે સાંધા નાં દુખાવા થી પીડાતાં હોય એવું દેખાય. અહીં એલોકો રીટાયર નથી થતાં ફક્ત સ્વર્ગવાસી થાય છે. આ બાબતે નક્કર કરવાનો સમય ખરેખર પાકી ગયો છે એવું તમને નથી લાગતું?

ફિલ્મોમાં પણ લગભગ એવું જ છે. પોતાની ઉમર થઇ ગઈ છે એ માનવા બહુ ઓછાં લોકો તૈયાર હોય છે. ચાળીસીમાં પહોંચેલાં ત્રણ ખાન અને અક્ષયકુમાર હજીય વીસ પચીસ વર્ષ ની હિરોઈનો સાથે કામ કરે છે. આમ જુવો તો અત્યારે આલોકો એમની કારકિર્દીના સંધીકાળે છે. દરેક ને હીરો જ થવું છે, જો સમયસર ઉમર ને યોગ્ય રોલ્સ નહી લે તો તકલીફ પડી શકે તેમ છે. જો કે ભારતમાં પહેલે થી જ આ તકલીફ છે પછી તે રાજ કપુર હોય કે પછી રાજેન્દ્રકુમાર કે પછી શમ્મી કપુર કે ઇવન અમિતાભ બચ્ચન બધ્ધાં એ ઢળતી ઉમર ની અવગણના કરી હતી. પણ અહીં એક વાતનું સુખ છે. જો તમે ન ચાલો તો ફેંકાઇ જાઓ, ભલે ને તમે ટોચ ઉપર હોવ, એટલે દર્શકો નો તમાચો ક્યારેક તો પડે જ છે, પણ ઘણીવાર ખુબ મોડું થઇ ગયું હોય છે.

ઉપર કહ્યું તેમ ઘણાં વ્યક્તિઓ નિવૃત્ત થયાં પછી જ પ્રવૃત્ત થાય છે. કારણકે આખી જિંદગી એમનાં શોખ કે દિલમાં રહેલી ઈચ્છાઓ ને પુરી કરવાં માટે સમય નથી મળ્યો હોતો. ઘણાં સુખી પરિવારનાં લોકો સમાજસેવા કરે છે, તો ઘણાં પત્ની ને લઇ ને વિદેશ પણ ફરવા જાય છે. નિવૃત્ત એટલે ફક્ત પ્રભુ ભજન જ કરવું એવું નથી. સમાજસેવા ઉપરાંત જો ફિલ્મો નો શોખ હોય તો દર અઠવાડિયે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો ની ઈચ્છા હવે આસાની થી પૂર્ણ થઇ શકે છે. ક્રિકેટ નો શોખ હોય તો મેચ ભલે ને દિવસનાં ગમે ત્યારે આવે તમે તો જોઈ જ શકશો. હરવાફરવા નો શોખ પુરો થઇ શકે કે પછી, રમવા ની ઈચ્છા હોય તો એ પણ થઇ શકે છે. આમીરખાનના ‘સત્યમેવ જયતે’ કાર્યક્રમ માં એક ૭૦ વર્ષનાં કાકા એ તો એ ઉમરે ટ્રેકિંગ કર્યું હતું એવી સત્ય હકીકત પણ જોવા મળી હતી.

નિવૃત્તિ એ એક પોઝીટીવ કોમા ની પરિસ્થિતિ છે નહી કે પૂર્ણ વિરામ !!

એ….આવજો !!

“ખેલાડી એ નિવૃત્ત ત્યારે થવું જોઈએ જયારે લોકો સવાલ કરે “કેમ?” અને નહી કે ત્યારે જયારે લોકો સવાલ કરે “કેમ નહી?”

-પોતાની નિવૃત્તિ સમયે વિજય મર્ચન્ટ ને ટાંકી ને કહેલું સુનિલ ગાવસ્કરનું પ્રખ્યાત વાક્ય!

 

error: Content is protected !!