પ્રથમ બોયફ્રેન્ડ, પ્રથમ લવ – વરસાદી માહોલમાં દરેક યુવા હૈયાને ધબકતા કરી દેતી વાત

વરસાદે ભારે માઝા મૂકી હતી. વીજળીના કડાકાભડાકા સાથે યામ્યા હળવેથી પોતાને સમેટી બારી પાસે બેઠી હતી. ઘરમાં એ એકલી જ તો હોય છે હંમેશાં! ન કોઈને જવાબ આપવાનો ન કોઈને સવાલ પૂછવાનો! પણ આજે દિવસ કંઇક જુદો હતો. એનો ‘પ્રથમ’ બોયફ્રેન્ડ વરસાદ જાણે છેતરાયો હોય એમ મન મૂકીને વરસી રહ્યો હતો. યામ્યાએ કોટર્નની પારદર્શક કુર્તી પહેરી હતી, જેમાંથી એની ઘાટીલી કાયા સ્પષ્ટ દેખાઈ રહી હતી. ઈશ્વરે એને સુંદર ચહેરો, આકર્ષક શરીર અને ધારદાર છટા આપી હતી. સફેદ કુર્તીની નીચે એણે લગભગ શોર્ટ્સથી પણ કંઇક શોર્ટ કહી શકાય એવું શોર્ટ્સ પહેર્યું હતું. ન કોઈ જોવાવાળું કે ન કોઈ ટોકવાવાળું! ઘરમાં એ લગભગ આમ જ રહેતી, પરંતુ આજે એ એકલી ક્યાં હતી! એના મગજમાં, દિલ પર અને હા, શરીર પર પણ કોઈની મહોર રહી રહીને ઉપસી રહી હતી.

એણે ગર્જતા વાદળની ફરિયાદ સાંભળવા બારી ખોલી નાંખી, અને હાથ ફેલાવીને એની ગોરી હથેળીઓ પર વરસાદના બુંદ ઝીલવા લાગી. વરસાદ પણ આ જોઈ વધુ ઉશ્કેરાયો હોય એમ વધુ જોરથી ગર્જવા લાગ્યો અને કેમ ન ગરજે વળી એ? યામ્યા જાણતી હતી કે બચપણથી સમજતી થઇ ત્યારથી અને આજે જ્યારે એ ૨૫ વર્ષની થઇ ત્યાં સુધી વરસાદ એનો એકમાત્ર પ્રેમી હતો. વરસાદની ઋતુ માટે યામ્યા બાકીના નવ મહિના કેટલો ઇંતેજાર કરતી! નાની હતી ત્યારે તો વારંવાર ઘરમાં મમ્મીને પૂછવા જતી, “આ વરસાદ રોજ કેમ નહીં આવે? ખાલી ત્રણ મહિના જ કેમ આવે? એને કહી દો કે મને એના વગર નથી ગમતું!” અને વરસાદ પણ જાણે એને વફાદાર હોય તેમ રોજ જ એને મળવા આવતો, ક્યારેક ભીંજવતો તો ક્યારેક માત્ર સ્પર્શીને જતો રહેતો. જ્યારે કોઈ વાર વરસાદથી યામ્યાને થોડી ઘણી પણ શરદી ખાંસી થઇ જતી તો એ કેટલાય દિવસો સુધી દેખાતો પણ નહીં. યામ્યા એને કહેતી પણ, ”હું સારી છું મારા મેઘ, તારી જ રાહ જોવ છું. જલ્દી આવ. ” ને વરસાદ પણ એનું મન રાખવા ઝરમર ઝરમર વર્સી જતો! વરસાદ યામ્યાનો પ્રથમ પ્રેમ હતો! એને આમ તડપતી કઈ રીતે જોઈ શકે! આથી એ પૂરી રીતે સારી થતી પછી જ જોરમાં આવતો! યામ્યાને વરસાદનું ઘેલું હતું. સમજણી થઇ ત્યારે તો વરસાદમાં વેહિકલ લઈને રખડવા નીકળી પડતી અને પાછળથી મમ્મીનો સાદેય આવતો, “ધીરે ચલાવજે બેટા, રસ્તા ભીના હોય!” પણ યામ્યાને ક્યાંય કોઈ ચિંતા હતી! એ તો એના પ્રેમીના આ સ્પર્શ અને આલિંગનને બસ જીવી લેવા માંગતી હતી. વેહિકલ બાજુએ મૂકી એ શહેરના બગીચામાં પ્રવેશતી અને હાથ ફેલાવીને વરસાદને આવકારી લેતી, વળી, સામે વરસાદ પણ મેઘગર્જના કરી એને ભેટી પડતો! યામ્યા ખુશ હતી વરસાદ સાથેના એના પ્રણયથી. પ્રેમની આ ઋતુ ત્રણ મહિના ભરપૂર આનંદ લાવતી અને યામ્યાના જીવનને તરબતર કરી જતી. કિશોરીમાંથી જ્યારે એ યુવાન બની ત્યારે યામ્યા અને વરસાદ વચ્ચે કેટલાક અણબનાવો શરુ થયા હતા. “મમ્મી આ વરસાદને કહી દે, કાયમ મારા કામના સમયે જ પડે છે, મારું બધું કામ અટવાય જાય છે.” અને વરસાદ જાણે ભૂંડો પડી ગયો હોય એમ નારાજ થઇ જતો રહેતો. પછી બે-ત્રણ દિવસ થવા છતાં પણ એ ન દેખાતા યામ્યા અસ્વસ્થ થઇ ઉઠતી. એને પણ અંદરથી પોતે કરેલા ગુસ્સા માટે સળવળાટ થયા કરતો. ઘણીવાર તો એ માફી પણ માંગતી. પણ મેઘરાજા તો ટસના મસ ન થતા. કોઈવાર યામ્યા એટલી નિર્દોષતાથી મનાવતી કે થોડી થોડી છાંટી વરસી જતી પણ એની આહલાદકતાથી તો યામ્યા વંચિત જ રહેતી. આવા તો ઘણા કિસ્સા બંને વચ્ચે થતા રહેતા. કોઈ વાર યામ્યા રિસાઈ જતી તો કોઈવાર વરસાદ એનાથી દૂર થઇ જતો. સમયની સાથે બંને વચ્ચેનું અંતર પણ વધતું જતું પણ પ્રેમ કદાચ અકબંધ હતો. યામ્યા હવે મોટી થઇ હતી, એમ વરસાદમાં ભીંજાવું એના માટે અથવા તો એમ કહીએ કે સમાજની દ્રષ્ટિએ યોગ્ય ન હતું. આમ છતાં, યામ્યાનું વરસાદ માટેનું ઘેલું એટલું જ હતું. હા, નાની મોટી લડાઈઓ થતી, પણ મેઘરાજા એના પર અમીવર્ષા પણ એટલી જ કરતા. કોઈ સામાન્ય સંબંધની જેમ યામ્યા અને વરસાદનો આ પ્રણય પણ શ્વાસ લઇ રહ્યો હતો અને ત્યાં જ યામ્યાનો ભેટો માધવ સાથે થયો.

માધવ! જાણે કૃષ્ણનું આખું સ્વરૂપ ઈશ્વરે એનામાં જ ભરી દીધું હતું. શ્રેષ્ઠ બાંધો, આકર્ષક કાયા અને કોઈ પણ છોકરીને મોહી જાય એવી સુંદર ઘાટી આંખો! યામ્યા હજી બે મહિના પહેલા જ તો મળી હતી માધવને, પરંતુ આ બે મહિનામાં યામ્યા માધવમય થઇ ગઈ હતી. વર્ષોના એના વરસાદ સાથેના પ્રણયમાં હવે માધવે ભંગ નાખ્યો હતો. આજે જ્યારે એ વરસાદને બધું સાચેસાચું કહી દેવાની હતી ત્યારે જ એના મોબાઈલમાં મેસેજ આવ્યો. યામ્યા હજી બારી પાસે જ હતી અને એ એના મેઘને માધવ સાથેની આજની મુલાકાત વર્ણવવા માટે શબ્દો જ શોધતી હતી ત્યાં, “આઈ મિસ યુ યામ્યા. તારી એ અનુભૂતિ મને હજી પણ એ જ ઉત્તેજના અને આનંદ આપે છે. ગુડ નાઈટ. લવ યુ.” માધવનો આ મેસેજ આવ્યો. યામ્યા કંપી ઉઠી. થોડીવાર પહેલાની એ ક્ષણો એના માનસપટ પર ફરી જીવંત બની. હોઠોનો એ સ્પર્શ અને એકબીજાના સાંનિધ્યમાં મળેલી હૂંફ એને ફરી એ જ ક્ષણોમાં પાછી ખેંચી ગઈ. એણે બારીની બહાર જોયું તો વરસાદ હજીય મન મુકીને વરસી રહ્યો હતો, હજી સુધી યામ્યાને વરસાદને છેતર્યાનો ભાવ મનમાં કોરી રહ્યો હતો, પણ વરસાદની આ અદાથી એ માહિતગાર હતી, એ સમજી ગઈ કે માધવના રૂપમાં મેઘે એને પસંદ કરી છે. એના બચપણના પ્રેમે આજે એને પૂર્ણ બનાવી હતી અને ફરી નાનપણની જેમ કોઈ પણ સમાજની ચિંતા વગર એ એની અગાશીમાં હાથ ફેલાવી એના આ પ્રથમ ફરી એકવાર જન્મ આપી રહી હતી!

error: Content is protected !!