ડબલ સિઝન

આજકાલ માણસો કૉમ્પ્યુટર જેવા થઇ ગયા છે. સવાર પડતા જ બેઉ ચાલુ થઇ જાય છે. અને બધું કામ પ્રોગ્રામીંગ પ્રમાણે કરે છે. બન્નેમાં ખાસ સમાનતા એ છે કે બન્નેમાં વાઇરસ ઘુસી જાય છે. કોમ્પ્યુટરમાં વાઇરસ ઘૂસતા રોકવા માટે સોફ્ટવેર આવે છે અને માણસોના વાઇરલ ઇન્ફેક્શન રોકવા રસીઓ આવે છે. પણ આમ છતાં જાતજાતના વાઈરસ કોમ્પ્યુટર અને માણસોને હેરાન કરે છે. હમણાં જ મને વાઈરલ ઇન્ફેકશન લાગ્યું’તું ને બે દા’ડા જેમ તેમ ખાંસી ને બે દા’ડા આરામમાં કાઢયા. પણ આ ચાર દિવસ દરમિયાન ફોન, રુબરુ, એસ.એમ.એસ. અને પરોક્ષ રીતે ઘણા બધા એ અમારી ખબર કાઢી નાખી ! આમેય ઉધરસ ખાઇ ખાઇ ને અધમુઆ થઇ ગયા હોઇએ, અને પાછી એવી એવી સલાહ આપે કે જો આપણે એ સલાહ મુજબ વર્તીએ તો પૂરા જ થઇ જઇએ ! આ બધી પ્રસંગોચિત વાતો અને સલાહનું ટંકુ વિવરણ અમારા મનમાં ચાલતા વિચારો સાથે અહીં પ્રસ્તુત છે.

સરલાભાભી: શું કઉ ભાઇ આ તો ઘરે ઘરે છે. ડબલ સિઝન છે ને, એટલે. રાતે ઠંડી પડે, અને બપોરે તાપ લાગે પછી શુ થાય, બોલો?

અધીર : એમ ? ના હોય, ડબલ સિઝન ? આ તો નવું સાંભળ્યુ ! એટલે શું ? જરા વિસ્તાર પૂર્વક સમજાવોને ભાભી. આમેય તમારે પણ કામ નથી ને મારે પણ ! થોડો ટાઈમ પાસ થશે !

કેતનભાઇ: હા, ભાઇ, તબિયત ખાસ સાચવવી આવી સિઝનમાં.

અધીર : કેતનીયા, બીજુ શું શું સાચવવુ ? શેરનાં કાગળિયા ? હાળા, તારાથી તારી એકની એક બૈરી તો સચવાઈ નઈ, તે બીજાની જોડે ભાગી ગઈ ને પાછો નીકળ્યો છે શિખામણ ઝૂડવા !

સાકરબા: મરી, આદુ, તુલસી, લવિંગ, તજ, સુંઠ, અને ગંઠોડાનો ઉકાળો કરી ને ત્રણ વખત પી. બધું મટી જશે !

અધીર : હા બા. આ તમારી રેસિપી સાંભળીને મારા ન ઊગેલા પાઇલ્સ-સમૂહે પોતાનો ઊગવાનો વિચાર માંડી વાળ્યો છે, અને એની તમને જાણ કરવા કીધું છે !

ઉષ્માભાભી: તાવને ચાર થી ઉપર ન જવા દેવો, નહિતર મગજ પર ચઢી જાય. તાવ વધે એટલે એક ડોલ ઠંડા પાણીની માથા પર રેડી દેવી.

અધીર : પછી આગળનું કઇક વિચાર્યું છે? મારુ નહીં તો થોડો ઇન્સ્યોરન્સ કંપનીનો તો વિચાર કરો ! શિયાળામાં ઠંડા પાણીની ડોલનું નામ સાંભળીને મને ટાઢ ચઢી ગઈ છે.

શાંતિલાલ(શું): અમારા ત્યાં ગામ પાસે એક રામદાસ બાવા છે, શું? એ દોરો બાંધી આપે પછી કોઇ દવા ના લેવી પડે, શું? છે પંચાણુ વરસની ઉંમર પણ લાગે માંડ સાઇઠના, શું?.

અધીર : તારી જાતના શાન્તીડા ! એ રામદાસ બાવાનું બર્થ સર્ટિફિકેટ તે બનાવ્યુ ‘તુ નઇ? તારી ભલી થાય, ભાગ નહિતર..

અતુલ સર: એમ ન ચાલે. આપણે તો ડોકટર કહે એમ જ કરવાનુ. દર ત્રણ કલાકે ટેમ્પ્રેચર લેવાનુ, ડીજીટલથી. કલાકે કલાકે લીકવીડ. દવા ટાઇમ-ટુ-ટાઇમ. અને માનસી પાછો રેકોર્ડ રાખે.

અધીર : હા, માસ્તર લેકચર પુરુ કરો હવે !

ચીનુમામા: મરી જવું પણ ડોકટરો પાસે જવું નહીં. એમનાં કરતાં, તો માળા ગધાડાં હારા. બધા સાલા ચોર. વ્હેમ ઘાલી દે. આપડે પેલો ગાંધીના ત્યાં પાઉડર મળે છે, એ ચામાં નાખીને દિવસમાં ત્રણ ટાઈમ પી જવા નો. તાવ ને બાવ બધું ભાગી જાય !

અધીર : ડોકટરો બધાં ગધાડા અને, તમે એ ગધાડા કરતા ય વધારે હોશિયાર એમ ? તે તમારી હોશિયારી મામી આગળ તો ચાલતી નથી, પાછાં ગામને સલાહ આપવા નીકળ્યા !

પરેશ (ખોખરા અવાજે) : હા, હા સાચી વાત. આ મારુ ગળુ મહિનાથી બેસી ગયુ છે પણ દવા લે એ બીજા !

અધીર : હા, ભાઇ તુ તારે ચાલુ રાખ, તને રાની મુખરજી સામે ચાન્સ બી મળી જાય ! હાલમાં તું ભાગ અહીંથી નહિતર નવું પિક્ચર બનશે, ‘નો વન કિલ્ડ પરેશ’.

દિલિપભાઇ: આપણે તો આ બધું ગણકારવાનું જ નહીં. તુ તારે જલસા કર. એક કામ કર લવિંગિયા મરચાં આવે છે ને, એના ભજિયાં બનાવી ને ખા તબિયતથી ! શરદી-બરદી બધુ ઊડી જશે.

અધીર : અને ભલુ હશે તો કદાચ જીવ પણ ઊડી જશે !

તો સુજ્ઞ વાંચકો, તમે જ કહો કે જ્યારે શરીર રોગગ્રસ્ત હોય અને લોકો આવા અવનવા નુસ્ખાઓ અને પ્રયોગો સુઝાડે ત્યારે શું થાય ? આ તો આપણી ભલમનસાઈ કે જે વિચારો મનમાં આવ્યાં તે કીધા નથી કોઈને મોઢેમોઢ !

error: Content is protected !!