હાલો બારે જમવા…

હાલો બારે જમવા…

શનિવાર સાંજે એક સાદ પડે કે “કાલે ક્યાં બહાર જમવા જશું?”

અને જાણે મધપુડા ઉપર પથ્થર ફેકાણો હોય તેમ ગણગણાટ પરિવારમાં ફેલાઈ જાય. અને અવનવા સ્થળ અને વાનગીના સૂચનનો થાળ માંડે ભરાવા. આપણે ગુજરાતીઓને એક સુંદર ટેવ. વીક-એન્ડમાં બહાર જમવું એ ખાનદાની પરંપરાની જેમ જાળવી રાખવા માટે સદૈવ ઉત્સુક રહે છે. સૂચનો તો એવા આવે એવા આવે કે જાણે ગ્રાન્ડ ડિનરની અનોખી મિજબાની હોય. સામાન્ય રીતે અધીરાઈમાં નિષ્ણાત, કલાક કલાક રેસ્ટોરન્ટની બહાર ઉભા રહેવું એ કબૂલ કરે છે. રેસ્ટોરન્ટના બારણે ઉભા રહીને માંડે ઇશારા કરવા કે ઓલા ટેબલ ઉપર આઈસક્રીમ આવ ગયો છે, ઈ ખાલી થાય એમ લાગે છે. એના ઉપર નજર રાખો. કોઈ ટેબલ ઉપર ફીંગર બાઉલ આવે એના ઉપર બાજ નજર રાખીને ઉભા હોય.

પ્રવેશ મળે એટલે જંગ જીત્યા જેવો આનંદ હોય. પણ ખરેખર આપણે કેવી અનોખી સ્વાદપ્રેમી પ્રજા છીએ એ તો ભોજન માણવા જેવી જ મજા ભોજનને માણતા પરિવારને જોવાની આવે છે.

ઘેરે હંમેશા પરંપરાગત જ જમતા લોકો બહાર જમવા નીકળે ત્યારે અવનવા પ્રયોગ કરવા પણ ઉત્સુક હોય છે. પછી ભલે એ કહેવાતી વિદેશી વાનગીઓના નામ સરખી રીતે ઉચ્ચારી શકવા સક્ષમ હોય કે ન હોય.

સામાન્ય રીતે મેનુને ડાબા બાજુએ વાંચવાનું શરૂ કરે. હાયકારો નીકળે એવા ભાવ વાંચીને. પછી સૂપ અને સ્ટાર્ટરમાં કાપ મૂકીને આનંદ માણે. સ્થળ બાબતને પઝેસિવ. કોઈ એમના પસંદગીના સ્થળ બાબતને કોઈની ટીકા સહન ન કરી શકે. મલિકને જેટલું મમત્વ ન હોય એટલું તો એ મમત્વ દર્શાવે. એનું હાઈજીન એટલે અફલાતૂન. અને ટેસ્ટ ઓરીજીનલ. પંણ એ મલિક કહે તો હજી સમજી શકાય.

મને એક અનુભવ યાદ આવે છે, મુંબઈમાં મિત્રને નવી નોકરી લાગી, અમને કહે કે યાદગાર પાર્ટી આપું. અને મિત્ર મંડળ ખુશ. મિત્રોને લઈને પહોંચ્યો એ ખૈબર રેસ્ટોરન્ટ. અને એ અંદરનું વાતાવરણ જોઈને આનંદ સાથે ભયની અનુભુતી તાત્કાલીક થઈ આવી. અને એ આનંદ બે જ મીનીટમાં ગાયબ. કારણ મેનુ આવતાં જ પ્રથમ નજર મેનુની ડાબા બાજુએ પડી અને એ વાતાનુકુલીત રેસ્ટોરન્ટમાં મિત્ર સહિત તમામ મહેમાનનો પરસેવો પ્રગટ થઈ જ ગયો. પ્રશ્ન મેનુ વાંચીને થયો. પછી વેજ-નોન વેજ સંયુક્ત છે અને જૈન મિત્રોને અનુકૂળ નથી એ મુદ્દે તત્કાલમાં બહાર નીકળી ગયા.

અવનવી વિદેશી વાનગી એ ગુજરાતીઓનું પ્રમુખ આકર્ષણનું કેન્દ્ર હોય છે. એક વખત મિત્ર સાથે ચાઈનીઝ ભોજન લેવા ગયા. મિત્રનો એક સામાન્ય અભિપ્રાય એવો હોય છે કે રેંકડી ઉપર અને એ પણ લાલ કલરની ચાઈનીઝ રેંકડી ઉપર ઓથેન્ટીક ચાઈનીઝ જ મળે. વેજ ચાઉમીનનો ઑર્ડર કર્યો. અને કાંઈક આવી પણ ગયું. પેલા કુકને પૂછ્યું કે ચાઉમીન આવું હોય? આ શંકા ન હતી, પણ ખાત્રી કરવા જ પૂછેલું. પેલો અતિ પ્રમાણિક. એ કહે કે મેં પહેલી વાર જ બનાવ્યું છે. મને પણ પુરી ખાત્રી નથી. વિચાર કરો એ કાળો રગડો કેમ કરીને ખાધો હશે?

રાજકોટમાં એક કસ્ટમર પંજાબથી આવેલા. એમને પ્રસિદ્ધ હોટેલમાં જમવા લઈ ગયો. અને મેનુમાં વેજ જાલંધરી વાંચીને એ ચોંકી ગયા. ડરતાં ડરતાં ઓર્ડરતો કર્યો. પછી એ ગેસ્ટ કહે મારે શેફ સાથે વાત કરવી છે અને જાણવું છે કે જલંધરના ક્યા વિસ્તારની આ વાનગી છે? મેં તો ૪૦ વરસ જલંધરમાં કાઢ્યા, આવી સબજી મેં તો ક્યારેય જોઈ નથી. આમ પંજાબીના નામ ઉપર શું જમાડતા હશે એ તો અસલ પંજાબીને પણ ખબર નથી હોતી. હવે વિચાર એ આવે કે આ થાઈ, મેક્સીકનના નામે આપણને શું નું શું ખવડાવતા હશે?

રેસ્ટોરન્ટમાં કોલાહલ સાથે સંયુક્ત પરીવાર જુવો એટલે બે મીનીટમાં ખાત્રી થાય કે આ ગુજરાતી પરીવાર જ હશે. ખુરશી ઉપર પલાંઠી વાળીને બેસી જાય. કોલાહલની પરાકાષ્ઠા પહોંચે. અચાનક સન્નાટો છવાય અને ધ્યાનથી જુવો ત્યારે ખબર પડે કે ભોજન સર્વ થઈ ગયું છે. અને બે – ત્રણ મીનીટના આ ક્ષણિક સન્નાટા પછી પાછો કોલાહલ ઉપાડે. અને એ ઓલું લાવ, આ લે. મને તો સબજી સરખી મળી જ નથી. દાલ આવવા દે. પણ એ આનંદને ભરપૂર માણે. મોટા ભાગે એ ઉત્સવ જેવું વાતાવરણ હોય.

ભોજનના નામ પણ ઘણી વખત રમૂજ ઉત્પન્ન કરે અને ટૅન્શન પણ.

એક સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગે પનીર લબલબાદાર નામની વાનગી પણ હતી અન્ય વાનગીઓ સાથે. એનું બોર્ડ પાછું અંગ્રેજીઓમાં મારેલું. એક ટીખળી મિત્ર જોરથી બોલ્યો કે અરરરરરર અહીંયાં પનીર લાબ્રાડોર? અહીં તો બધાય શાકાહારી છે તો પણ? અચાનક પાંચ સાત જણા ડિશ મૂકી આવ્યા. અને અનેક લોકોને માનસિક અસ્વસ્થતા અનુભવાઈ, વાતાવરણ ડહોળાઈ જ જાય એમ લાગતું હતું અને પછી સ્પષ્ટતા કરી કે આ ફક્ત એક મજાક જ હતી. પણ અનેક વડીલો એમના ઉપર વરસી પડ્યા.

રસોઈ શો જોયા પછીના પ્રયોગ અખતરા જેવા લાગે. હું જ્યારે બાળકોને હોમ વર્કના ભાગ રૂપે ચિત્રકામ કરૂં ત્યારે બાળકો ફરિયાદ કરે કે ટીચર ગુસ્સો કરે છે. ઘોડો કૂતરા જેવો લાગે છે, એ અલગ બાબત છે કે મેં ડ્રોઇંગની એલીમેન્ટ્રી અને ઈન્ટરમીડીએટ પરીક્ષા પાસ કરેલી છે. કંઈક આવો જ અનુભવ આ રસોઈ શો જોયા પછી બનતી અવનવી અને અનોખી વાનગીમાં થાય. નામ જો પહેલે ઝાટકે કહી આપો તો તમને જમવામાંથી મુક્તિ. પણ તાકાત છે કે ચાખીને પણ તમે નામ આપી શકો? પણ પ્રત્યેક બપોરને ત્રણ ચાર નવી વાનગી ટીવી ઉપર આવે એટલે શનિ-રવી એક અનોખાં ટેન્શનમાં જાય કે આજે શું અખતરા હશે?

પણ આખરે જીવવા માટે તો ખાવું પડે એ ન્યાયને જે મળ્યું એ ગમ્યું કરીને ભોજન પૂર્ણ કરીએ છીએ.

એક કહેવત છે કે અમુક જીવવા માટે ખાય છે અને અમુક ખાવા માટે જીવે છે. જેવી જેમની અનુકૂળતા. લગે રહો.

error: Content is protected !!