કોમન કોલ્ડ…. અનકોમન કંટાળો

વરસાદ…. કોમન સીઝન પણ અનકોમન ફીલિંગ્સ. એજ દિવસો, એ જ રૂટીન અચાનક રંગીન બનવા લાગે. સૌની વહાલી ઋતુ. ઉત્સાહ, ઉભરાતા ઉમળકા અને દબાયેલી યાદો, ઠંડી હવા અને ગરમ ભજીયા ની મોસમ. ભીની જમીન, ભીના હૈયા અને ભીના રૂમાલ ની મોસમ… નો નો.. આંખ થી નહિ પણ નાક થી ભીના થયેલા રૂમાલ ની વાત છે.

યસ, “મેરી આશિકી અબ તુમ હી હો” નું રીહર્સલ કરી આવ્યા પછી શરદી પણ આશિકી કરવા આવશે ભાઈ, તૈયારી રાખજો. શરદી ના વાયરસ આપણા સગા સંબધી છે ખબર છે? વરસ માં ઓછા માં ઓછા બે ત્રણ વખત મુલાકાતે આવે જ. અને બાળકો તો એને બહુ વ્હાલા એટલે બાળકો ને વર્ષ માં છ-સાત વાર મળી જાય. અને પાછા ઉતાવળા પગે ના આવે. ૩-૪ દિવસ તો ક્યારેક અઠવાડિયું-પંદર દિવસ રોકાઈ ને જાય.

યસ, શરદી ના વાયરસ નું ઇન્ફેકશન લાગ્યા પછી ત્રણ થી સાત દિવસ સુધી ઇન્ફેકશન રહે છે તો ક્યારેક વધુ પણ રહે છે. અને ખુશી ની જેમ આ વાયરસ પણ જબરદસ્ત ચેપી છે,ફટાફટ ફેલાય. પાર્ટી માં આવેલા આંટી છીંક ખાય એટલે આજુબાજુ વાળા બધા ઘાયલ… જેટલી રોગ પ્રતિકારક શક્તિ સારી એટલું બખ્તર મજબુત… આંટી ની છીંક હોય કે અંકલ ની ઉધરસ નો ટેન્સન.

વેલ શરદી ના વાયરસ નાક ના નોઝલ માંથી છૂટે પછી એમનું કવરેજ ૨ થી ૩ ફૂટ થી વધારે નહિ. વધુ માં વધુ છ ફૂટ સુધી આ પહોંચે. એટલે શરદી થાય તો “આ ગાડી થી છ ફૂટ દૂર રહેવું” નું બોર્ડ લગાવી દેવું.

શરદી મેડમ આવે એટલે જલજલો! મેડમ સિવાય ની દુનિયા ભુલાઈ જાય, શરૂઆત ગળા થી કરે પછી તો નાક, કાન, માથું બધુજ સરેન્ડર! ઓફીસ નો ભૂંડો બોસ અને ધંધા નો લેણદાર પણ થોડા કલાક સારો લાગે! શરીર માં કળતર અને સાયનસ મુંબૈયા ભાષા માં કહીએ તો શરીરની ‘વાટ’ લગાડી દે.

છીંકો કે ઉધરસ થી આપણી સાથે આપણા સહવાસીઓ પણ કંટાળે,” અલ્યા શું મંડી પડ્યો છે તને જોઈ અને હોંભળી ને કંટાળો આવેસે કયોંક બીજે હેંડને!” એમ સીધું તો કેવાય નહી એટલે “કુછ લેતે કયો નહિ?” એમ પૂછે બિચારા. શરદી માટેની બેઝીક મેડીસીન્સ તો લગભગ લોકોના ઘર માં અવેલેબલ હોય છે જેવીકે કફ સીરપ જે મગજ ને થોડું ઇનેકટીવ કરી નાખે જેથી નાક અને ગાળા ના સ્નાયુઓ ના કાર્ય મંદ પડે જેથી થોડો સમય છીંકો માં કે ઇરીટેશન માં રાહત થાય. અને ઊંઘ આવી જાય તો માથા ના દુખાવા માં પણ રાહત લાગે, પણ ફરી જાગૃત થઇ ને સ્નાયુઓ કામે લાગે એટલે પાછો દુખાવો અને છીંકો શરુ!

ફુલ વરસાદ માં નહાવાનો મૂડ હોય ધોધમાર પાણી જાણે નસો માં વહેતું હોય “બરસો રે મેઘા”, “ઘનન ઘનન ઘીર ઘીર આઈ બદરા”,”પ્યાર હુઆ ઈકરાર હુઆ” અને “એક લાડકી ભીગી ભાગી સી” સુધી બધું ગાઈ જ લેવાનો મૂડ હોય. મિત્રો નો SMS આવી ગયા હોય,આજે તો વરસાદ નો ક્લાઈમેક્ષ મેઘધનુષ જોઈ ને આવવાનું પાકું હોય ત્યારે બરડા પડતી મમ્મી જેટલી ઈરીટેટીંગ લાગે તે જ મમ્મી ના હાથ હળદર વાળા દૂધ અને આદુ વાળી ચા કલાઇમેકસ પછી ની કોમેડી માં વહાલા લાગે. શરદી એટલે બીજાના માટે કોમેડી અને પોતા માટે ટ્રેજેડી! હળદર, તુલસી, અરડુસી, લવિંગ, સુંઠ, આદુ માં રહેલા ગુણો શરદી માં રાહત પહોંચાડે આ સાબિત થયેલી વાત છે. એકઝેટલી કયા કેમિકલ્સ કઈ રીતે ઈફેક્ટીવ છે તેનો કોઈ સચોટ જવાબ નથી પણ તે લાભકારક છે એ વાત નક્કી.જુદા જુદા પ્રકાર ના બામ પણ ઘણા ને બહુ વહાલા! કેટલાક તો આજીવન બામ ને હારે જ ફેરવે. બામ માં રહેલી એસીડ ની સ્ટ્રોંગ વાસ આપણે ઈરીટેશન માં રાહત આપે એટલું ખરું પણ તે સિવાય બિચારા નિર્દોષ. ટાઇગર છાપ હોય કે લાયન છાપ એક વાયરસ પણ મારે નહિ! સામાન્ય ઇન્ફેકશન હોય તો રાહત મળે ખરી.

પણ બે ત્રણ દિવસ સુધી શરદી ના ‘ગમ’ માં આંસુ વહાવ્યા પછી, ‘કફસીરપ’ ના નશા માં દિવસો વિતાવ્યા પછી, ‘પેરાસીટામોલ’ ભોજન ની જેમ દિવસ માં ચાર વાર આરોગ્યા પછી નીચા નાકે મોમાં તરણું લઈને ડોક્ટર સાહેબ પાસે જવાનો વારો આવે ત્યારે ડોક્ટર આપણા લક્ષણો સાંભળ્યા પછી એન્ટી બાયોટીક, એન્ટી વાયરલ કે એન્ટી હિસ્ટેમાઈન આપતા હોય છે. ઇન્ફેકશન નું પ્રમાણ જોઇને તેના આધારે ડોઝ નક્કી કરી આપે જો કે દવા લઇ ને ફાયદો થાય તોયે વટ તો રાખવોજ ભાઈ “ઈ તો આપણે એમ કે પૈહા હામે હું જોવાનું, એટલે જઈ આયા બાકી આવી દવાઓ તો ઘેર જ કરી લઈએ એવડા એ ડોકટરો તો આજકાલ ના ફૂટી નીકયડા છે અમે તો દુનિયા જોઈ નાખી છે”.

વેલ, જો બેક્ટેરિઅલ ઇન્ફેકશન હોય તો મીઠા વાળા ગરમ પાણી ના કોગળા થી ફાયદા થાય. બેકટેરીયાના કોષરસ ની સાંદ્રતા સોલ્ટ વોટર કરતા ઓછી હોવાથી વૈજ્ઞાનિક નિયમ મુજબ કોષની પાતળી દીવાલ માંથી બહાર આવી જાય અને બેકટેરિયાનો કોશ કોચવાઇ ને મૃત્યુ પામે. પણ વાયરસ આપના માણસો જેવા જીદ્દી. એટલે જલ્દી સુધી ગાંઠે નહિ. એને એન્ટી વાયરલ જ જોઈએ. આવા એન્ટી વાયરલ ડોક્ટર ના પ્રીસ્ક્રિપ્સન પ્રમાણે જ લેવા નું સલાહ ભર્યું છે. ગુજરાતી માં કહું તો દોઢ ડહાપણ ના કરીએ. આવા એન્ટી વાયરલ વાયરસ ના કોષ માંથી પ્રોટીન ને ડી-નેચરાઈઝ કરે છે. એટલે કે એનું બંધારણ ફેરવી નાખે જેથી તેમનો વસ્તી વધારો ઓટોમેટિક સ્ટોપ થઇ જાય. આવુજ કામ એન્ટી બાયોટીક્સ બેક્ટેરિયા પર કરે છે. શરદી તો કોઈ ગંભીર બીમારી નથી પણ ઇન્ફેકશન ને કારણે આપણી પ્રતિકાર શક્તિ માં ગાબડું પડવાને કારણે ફ્લુ કે ન્યુમોનિયા ઘુષણખોરી કરી શકે છે.

સાવચેતી રૂપે એવું બિલકુલ નહિ કહું કે આવા હસીન ચોમાસા માં નહાવું નહિ. કારણકે એમાં ચોમાસા નો કોઈ વાંક નથી,વાંક ઇન્ફેકશન નો છે. ઇન્ફેકશન નાક કે મોં કરતા વધુ હાથ થી ફેલાય છે એટલે સારા સેનેટાઈઝર કે સાબુ થી વારંવાર હાથ દોઢેક મિનીટ સુધી ઘસીને સારી રીતે ધોવા જોઈએ. અને પ્રતિકારક શક્તિ જાળવી રાખે તેવો ખોરાક લેવો જોઈએ.

પણ જો શરદી નો કંટાળો અન્કોમન છે તો વરસાદ ની મસ્તી તો એનાથી પણ અન્કોમન છે. સો એન્જોય રેઈન… હેવ અ ગ્રેટ મોન્સુન.

error: Content is protected !!