હૂંફ: એ અંતિમ ઘડીની

હજી હમણાં જ મને એક મોટા બંધ પ્રવાહીથી ભરેલી બંધિયાર જગ્યાએથી બહાર કાઢવામાં આવ્યો હતો. જેવો બહાર આવ્યો તેવો જોઉ છું તો બધા જ મારી તરફ આશાઓથી, ખુશીઓથી અને કેટલાક તો આંખમાં આંસુ સાથે મને જોઈ રહ્યા હતા, પરંતુ હું રડી રહ્યો હતો. મને એ અંદરની આત્મીયતાના વાતાવરણમાં વધારે ગમતું હતું. કદાચ હું અંદર વધુ સુરક્ષિત હોવાની લાગણી અનુભવી રહ્યો હતો, પણ ખબર નહીં શા માટે મને બહાર કાઢી નાખવામાં આવ્યો? અને અંદરની એ હૂંફાળી શાંત જગ્યાએથી બહાર કાઢી આ ઘોંઘાટભર્યા વાતાવરણમાં લાવવામાં આવ્યો હતો. હા, એ દિવસે મારો જન્મ થયો હતો. પૂરા નવ મહિના મારી માતાના ગર્ભમાં રહીને નિશ્ચિત સમયે હું આવી પહોંચ્યો હતો. મારી માતાની એ ચીસો અને મારા આગમનના રુદનનો એ અવાજ હજી કોઈકવાર મનમાં યાદ આવી જાય તો ઊંઘમાંથીય ઝબકી ઉઠું છું.

જેવો આ દુનિયામાં હું આવ્યો ન જાણે કેમ કેટલાય નવા નવા ચહેરાઓ મારી સમક્ષ આવવા લાગ્યા. મને એ સમજાતું ન હતું કે તેઓ મને શા માટે જોવા આવે છે. હું હંમેશાં મારી મમ્મીના બેડ પર જ એની સાથે સૂતેલો રહેતો. મારી મમ્મી જરા અસ્વસ્થ લાગી રહી હતી. હું એટલે વધારે હેરાન પણ ન કરતો, પરંતુ માતાના શરીરમાંથી બહાર આવીને મને કશું ગમતું ન હતું. હું રડી પડતો, કેટલીક વાર તો ખૂબ રડતો, પણ માતા મને શાંત કરાવી દેતી. હજી હું છ મહિનાનો જ તો થયો હતો ત્યાં મારા કાને થોડા અવાજો સંભળાયા. “બેટા, આ તો ઈશ્વરની દેન છે. શું તું પ્રભુના ચરણે આપણા લાલાને માથું ટેકવવા પણ ન લઇ જાય?” મારા દાદીજી ડેડીને કહી રહ્યા હતા, પણ મારા જન્મ પછી મમ્મી થોડા ઢીલા થઇ ગયા હતા. આથી ડેડી દાદીજીની સામે દલીલો કરી રહ્યા હતા. એમના ઊંચા અવાજે મને ડરાવી દીધો હતો. હું રડવા લાગ્યો. પણ મા તરત જ પાસે આવી મને એના ખોળામાં લઇ સુંદર મજાનું સંગીત સંભળાવા લાગી,’તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગીને દીધેલ છો.. આવ્યા ત્યારે… હ્મમ્મ્મ્મ..આઆઆઅ લાલલા’ કેટલું મધુર હતું એ સંગીત! હું બધુ ભૂલી જઈ નિંદરમાં સરી પડતો.

દિવસો વિતતા ગયા અને હું આઠ મહિનાનો થઇ ગયો હતો. મમ્મી અને ડેડી સામાન બાંધી રહ્યા હતા. મારા નાના નાના કપડાનીય એક બેગ બનાવી હતી. મને સમજાતું ન હતું કે મને ક્યા લઇ જવાય છે. મારે તો ઘર છોડીને કશે જવું જ ન હતું. અહીં શાંતિ હતી, પ્રેમ હતો અને સૌથી વધારે મહત્ત્વનું તો એ કે અહીં મમ્મી હતી, પરંતુ હું પણ એમની સાથે ટ્રેઈનમાં મુસાફરી કરવા નીકળી પડ્યો. ટ્રેઇનના અમારા આખા ડબ્બામાં બધા ઈશ્વરની સ્તુતિ કરી રહ્યા હતા. ’બોલો અંબે માત કી જય!’, ‘બોલો કેદારનાથ મેં બિરાજે નીલકંઠ કી જય!’ મને ખ્યાલ આવી ગયો હતો કે દાદીજી એમની ઈચ્છામાં સફળ રહ્યા હતા! અમે પવિત્ર ગણાતા ચાર ધામની યાત્રાએ જઈ રહ્યા હતા.

મમ્મીના ખોળામાં હજીય હું એ જ સુખ અને સલામતી અનુભવી રહ્યો હતો. કેટલી હૂંફ હતી એ ખોળામાં! ટ્રેઈનની લાંબી સફર પછી અમે યમનોત્રી પહોંચ્યા હતા. મમ્મીએ ડેડીને ખુશ થતા થતા કહ્યું હતું, ,’સરસ દર્શન થઇ ગયા નહીં! બા સાચું જ કહેતા હતા. અહીં આવીને હું પણ સારી થઇ ગઈ.’ ડેડી કશું બોલ્યા નહીં, માત્ર એક નાનું હળવું સ્મિત કર્યું અને મમ્મીની સાથે મનેય એમના બાહુપાશમાં ભરી લીધો. મમ્મી અને ડેડીના આ ખુશીના અવસર પર મેં પણ એક મોટુ સ્મિત આપી દીધું. મમ્મી તો ખુશીના માર્યા રડવા જ લાગેલી. એમની આંખોની કાજલને એક આંગળી પર લઇ મારા માથે કાળો ટીકો કર્યો હતો. “કોઈની નજર ન લાગે મારા લાલને”. આ જ એમના છેલ્લા ખુશીના શબ્દો હતા મારા માટે! યમનોત્રી પછી ગંગોત્રીની સફર પર સુખદ રહી. અમે ત્રણેય જણ જાણે કોઈ અદભુત ખુશીના વિલાસમાં વિહરી રહ્યા હતા, પરંતુ કુદરને તો કંઇક અલગ જ મંજૂર હતું. હજી અમે કેદારનાથ પહોંચ્યા જ હતા, ત્યાં તો લોકોની ભાગદોડી અને સરકારી તંત્ર તરફથી હાઈ એલર્ટ જાહેર થઇ. હું કંઈ જ સમજી ન શક્યો! હું જોર જોરથી રડવા લાગ્યો. મમ્મી પણ આંખમાં આંસુ સાથે મને મજબૂતાઈથી પકડી ઝડપથી દોડવા લાગી હતી. ડેડીએ મમ્મીને રસ્તો બતાવી કહ્યું,”વિદ્યા તું જા નીરવને લઈને. હું મળીશ તમને. પાકું મળીશ. પણ હમણાં નીરવને બચાવી લે.” ડેડીના હાથમાંથી મમ્મીનો હાથ ધીરે ધીરે સરકતો મેં જોયો હતો. મને કશું પણ સમજાતું ન હતું. પાણીનો વેગીલો પ્રવાહ કશેકથી પૂરજોશમાં આવી રહ્યો હતો. હું જોરજોરથી રડી રહ્યો હતો. શું કરું, લાચાર હતો ને! મને ઈશ્વરે એ સમયે વાણી આપી ન હતી. હું, મમ્મી અને ડેડીના એ અંતિમ શબ્દો પણ સમજી શક્યો ન હતો. ધોધમાર વરસાદમાં મમ્મીએ મને પ્લાસ્ટિકની એક પાતળી પારદર્શક થેલીમાં લપેટી દીધો હતો.

કેટલી અદભુત માની રચના? મને આટલી મોટી આફતમાંય પ્રેમથી સાચવતી હતી. મમ્મીએ ઘણા પ્રયત્નો કર્યા પણ પાણી ધીમે ધીમે વધુ નજીક આવી રહ્યું હતું. લોકોની બૂમો, રસ્તાઓ પર ધસી આવતી ભેખડો બધું જ જાણે કોઈ મોટા પ્રલયનું સૂચન કરી રહ્યા હતા. આખરે મમ્મીએ પણ હિંમત હારી ત્યારે તેણે મને એક ટોપલામાં મૂકી દીધો. એના માથે એ ટોપલો મૂકી હજીય એ આ વિશાળ પ્રલય સામે ઝઝૂમી રહી હતી. હવે હું એને જોઈ શકતો ન હતો! ઉપરથી વરસતા ધોધમાર વરસાદ અને નીચે ચારે બાજુ વિસ્તરેલા પાણીમાં મારી આંખેય ધીમે ધીમે બંધ થઇ રહી હતી. હું મમ્મી અને ડેડીની સુંદર પળો, મારા જન્મની ખુશીઓ અને અહી આવ્યા પહેલાની મારી બધી યાદોને મનમાં ફરી રિવાઈન્ડ કરી રહ્યો હતો. મારા શ્વાસ હવે જઈ રહ્યા હતા. પાણીનો વહેણ ક્યા લઇ જાય છે એની મને જાણ ન હતી. મારી મામ્મીનોય અવાજ હું સાંભળી શકતો ન હતો. કદાચ એ પણ આ પ્રલયમાં તણાય ગઈ હશે. હું વિચારતો રહ્યો, વિચારતો રહ્યો અને અંતે બધું જ થંભી ગયું. મારું રૂદન, મારી કલ્પના, મારો શ્વાસ અને મારી તમામ આકાંક્ષાઓ! મારા જીવન પહેલાં મને મૃત્યુની ભેટ કુદરતે મને આપી હતી! હું એ જ કુદરતી આફતનો એક લાચાર, નિઃસહાય અને નવજાત શિશુ છું, જે હવે ‘હતો’ પુરવાર થયો હતો.

Leave a Reply

error: Content is protected !!