પ્રેમની પરાકાષ્ઠા

રાતના અંધારામાં બારી પાસે ઉભેલી રામ્યા ચંદ્રને તાકી રહી હતી. અનેક તારાઓના ઝૂમખાંઓની વચ્ચે તેજસ્વી ચાંદો આજે સોળે કળાએ ખીલી ઉઠયો હતો. આકાશમાં તારાઓ ચાંદ સાથે સંતાકુકડી રમતા હોય એમ કેટલાક તારાઓ વાદળો પાછળ છુપાય ગયા હતા તો કેટલાક તારાઓ પોતાનું જ “તેજ” વરસાવી રહ્યા હતા. આ તમામ ચહલ પહલથી અજાણ કોઈ એક ખૂણામાં રામ્યા ચંદ્રને આજે અનેક સવાલો કરી રહી હતી. શા માટે આ ઘડી એના જીવનમાં આવી, એની ફરિયાદ કરી રહી હતી.

લગ્નની સાડીમાં સજ્જ રામ્યા પરીકથાની કોઈ લાવણ્યા લાગી રહી હતી. લાલ રંગની, કોઈનાય મનને લોભાવી દે એવા પાલવવાળી સાડી, ચહેરા પર દુલ્હનને શોભે એ પ્રકારનો આછો મેક-અપ અને હાથમાં બંગડીઓની છનછન! પહેલી નજરમાં જ પ્રેમ થઇ જાય એટલી સુંદર દેખાતી રામ્યા બહારથી જેટલી આકર્ષક અને મોહક લાગતી હતી, અંદરથી એટલી જ તૂટેલી અને હારી ગઈ હતી. હાથમાં પહેરેલી બંગડીઓનો મધુર અવાજ પણ અંદર ઉઠેલા તોફાનમાં ક્યાંક ખોવાઈ ગયો હતો. તેજસ્વી ચહેરો અને અત્યંત આકર્ષક એવી મત્સ્ય આંખોથી તો કેટલાય ઊંડા સમુદ્રમાં ડૂબી જવાય એમ હતું, પરંતુ આજે એ આંખો કશે બીજે ડૂબી હતી, દૂર શૂન્યમાં કશેક તાકી રહી હતી. ”મારે આ લગ્ન નથી કરવા. શા માટે હું તૈયાર થઇ?” લગ્નની બસ અમુક ક્ષણો પહેલાં જ ભૂતકાળના કપરા પહાડો એ સર કરવા લાગી. વિભોરના અનંત પ્રેમથી ભીંજાયેલી રામ્યાના વિચારો પણ આંખ સાથે હવે ભીંજાયા હતા.

પ્રેમની એક અદભુત લાગણી, જે અનુભવતા જ માનવી પોતાના સ્વપ્નોની એક અલગ દુનિયા બનાવવામાં વ્યસ્ત થઇ જાય છે તેવી જ એક દુનિયાની કલ્પના રામ્યાની આખી જિંદગીની પૂંજી હતી. હકીકતોના પ્રમાણપત્રથી મુક્ત અને સ્વતંત્ર આ લાગણી રામ્યાને એક અનોખી દુનિયામાં લઇ જતી, પરંતુ પ્રેમથી ભીંજવેલા એના સમગ્ર અસ્તિત્વને ત્યજી, બીજા કોઈ પાત્રને અપનાવવાની શક્તિ કે જીગર આજે એનામાં ન હતું. એ વિભોર અને આવી રહેલી લગ્નની ઘડીઓની નિકટતા વિષે વિચારતી રહી અને એવામાં જ અચાનક ચંદ્રની ચાંદની પોતાના પર અત્યંત તેજથી એને આવતી જણાય. એણે અંજાય જતી આંખો આગળ પોતાના મહેંદીથી મહેકતા હાથ મૂકી દીધા. એ કશું સમજે એ પહેલા તો “ગુડ મોર્નિંગ, ઇટ્સ અ ન્યુ ડે” નું મધુર સંગીત વગાડતું એનું અલાર્મ રણકી ઉઠ્યું. સૂર્યદેવતા એની પર તડકો વરસાવી રહ્યા હતા. એક ઝટકા સાથે એ બેસી ગઈ. એણે એના હાથ નિહાળ્યા, કોઈ મહેંદી ન હતી. અરીસામાં પોતાનો ચહેરો જોવા એ સફાળી ઊઠી, પણ એણે ગઈ રાતનો નાઈટ સુટ જ પહેર્યો હતો. એક ઊંડા શ્વાસ સાથે એને રાહત થઇ, થોડીવાર પહેલાની એ ઘડી માત્ર સપનું હતું એની ખાતરી થતા એ થોડી હળવી બની.
રામ્યા એના બે બેડરૂમ એક રસોડું ધરાવતા ફ્લેટમાં એકલી રહેતી હતી. હૃદય અને શરીર તો એનું આ જ ઘરમાં વસતું પણ એ હૃદયના ધબકારા કશેક બીજે વર્ષો પહેલા છૂટી ગયેલા. એનો શ્વાસ તો ચાલતો હતો પણ જિંદગી જીવાતી ન હતી. લોકો જીવનભર સાચા પ્રેમની શોધમાં ભટક્યા કરે છે પણ રામ્યા વર્ષો પહેલા એ પ્રેમથી તૃપ્ત થઇ હતી. રામ્યા એક ખૂબ જ સમજુ અને ઠરેલ યુવતી હતી કે જેણે હંમેશાં હૃદયને મનનો પર્યાય જ ગણ્યો હતો. જીવનના દરેક નિર્ણયો, એ પછી સાચા હોય કે ખોટા, દરેકે દરેક કઠિન પરિણામોને એણે હૃદયથી જ આવકાર્યા હતા. દુનિયાદારીના એ પાઠોથી આગળ વધી એણે જે નિર્ણયો લીધા હતા એના પરિણામો આજે એની સમક્ષ અનેક પ્રશ્નો સાથે ઊભા હતા.
આજેય, હોળીના પર્વ પર પણ એનામાં ન કોઈ ઉત્સાહ કે ન કોઈ ઉમંગ હતો. એ રસોડામાં ગઈ. ગરમ કડક ચા લઇને એના દિવાનખંડના સોફા પર બેઠી. એક હાથમાં છાપું ને બીજા હાથમાં હવામાં ક્યાંક સંતાય જતી વરાળ નીકળતો ચાનો પ્યાલો લઈ એ દેશ-વિદેશની ખબરો વાંચવા બેસી. આ એનો નિત્યક્રમ હતો, પણ આજે સવારે સ્વપ્નએ એને સહેજ હચમચાવી દીધી હતી. સોફા પર પીઠ તરફ માથું ઢાળી એ એમ જ શૂન્યમનસ્ક બેસી રહી, મનમાં વિચારોના ઉછાળા મારતા સમુદ્રને પંપાળતી રહી. એની નજર સોફાની સામે મૂકેલા એના બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા તરફ મંડાઈ. પોતાના ચહેરાનું એ હાસ્ય, જીવનના એ પળોનું ઉન્માદ અને ચહેરા પર અપાર સુખની રેખાઓ એ નિહાળતી રહી. આજે એ બધું ક્યાંય વિલીન થઇ ગયું એના કારણો શોધવા માંડી.

આજે અચાનક રામ્યાના મનમાં એના બાળપણની સ્મૃતિઓ કંડારાવા લાગી. હોળીના દિવસોમાં, હોળીકા દહનની વાર્તાઓ કહેતી દાદી એને સંભારવા લાગી. દાદીનો એ અવાજ,”બેટા, આજે તો બુરાઈ પર સારપની જીતનો દિવસ! આજે મનની તમામ વ્યથા આ બળબળતી હોળીમાં નાખી દેજે.” મનમાં કશેકથી ગૂંજવા લાગ્યો. આમ છતાં, સમયરૂપી રેતી એના હાથમાંથી ક્યારે સરકી ગઈ એનો રામ્યાને પણ ખ્યાલ ન રહ્યો. બાળપણથી યૌવન સુધીના દરેક તબક્કાને મન ભરીને જીવેલી રામ્યાના અસ્તિત્વના આજે ટુકડે ટુકડા થઇ ચુક્યા હતા. વિભોરના એક નિર્ણયે એના સમગ્ર વ્યક્તિત્વને ઝંઝોળી નાખ્યું હતું. પરિવારના સભ્યો, મિત્રો અને બીજા કેટલાય હિતેચ્છુ, એની આ એકલતાને દૂર કરવા અનેકોનેક પ્રયત્નો કરતા. બહાર જવું, લોકો સાથે હળવું-મળવું હવે રામ્યાને જાણે શાપ જેવું લાગતું. પોતાના ફ્લેટમાં એ સંગીત કે પછી પસંદગીના લેખકનું કોઈ પુસ્તક વાંચવામાં જ સમય પસાર કરતી. ઘરના તમામ સભ્યો રામ્યાની સ્થિતિ જાણતા, સમજતા પણ બધા એને સમજાવવા કે પછી મનાવવા અસમર્થ રહ્યા હતા અને રામ્યા પણ તદ્દન ખોટી ન હતી, જેને પોતાનું સર્વસ્વ આપી દીધું હોય એને ભૂલી નવી શરૂઆત કરવી એ કઈ સહેલું ન જ હતું! અને એના મનના પ્રશ્નો કોઈ સમજી શકે એમ હતું પણ નહીં. પહેલથી એકલી જ રહેલી અને એકલી જ પોતાના દરેક પ્રશ્ન માટે ઝઝુમતી રામ્યાને હવે એકલતા સાથે પ્રણય બંધાય ગયેલો!!

રામ્યા ઘરમાં બને ત્યાં સુધી કામ વિના રહેવાનું ટાળતી. હંમેશાં પોતાને કોઈને કોઈ પ્રવૃતિમાં વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરતી, પરંતુ આજના સ્વપ્નએ એના મનના વિચારોને હચમાચવી દીધેલા. ભટકતા રાહીની જેમ રામ્યનું મન આજે ભૂતકાળની ગલીઓમાં મન મુકીને વિહરી રહ્યું હતું. વિભોર સાથેની કોફી શોપમાં થયેલી પ્રથમ મુલાકાત. પહેલાં થોડો ગુસ્સો અને પછી એની વાતોએ એના હૃદય પર જમાવેલું એક અજબનું આકર્ષણ આજે પણ એમ જ અકબંધ હતું. ત્યારબાદ ધીમે ધીમે, પણ પરિપક્વ થતા પ્રેમની એ સુગંધ અને પછી તો એના સાન્નિધ્યમાં જ જીવનની અનુભવાતી સાર્થકતા જીવનની એક શાશ્વત બાબત બની ગઈ હતી. પ્રેમની પરિભાષા અને અને પ્રેમની શાળાના પગથિયાં વિભોર સાથે ચડતા ચડતા ક્યારે વિભોરમય બની ગઈ એ સમજી શકી જ નહીં. એનો ઈશ્વર એને સવાલો કરતો પણ વિભોર સાથે બંધાયેલા સ્નેહ્તંતુ એને હંમેશાં જકડી રાખતા. આજે પણ એ બંધન એને એની આસપાસ જ અનુભવાતુ. એણે રેડિયો ટયુન કર્યો. વિભોરનું મનપસંદ ગીત વાગી રહ્યું હતું. “યે કહા આ ગયે હમ, યુહી સાથ ચલતે ચલતે..” ગીતના એક એક શબ્દો જાણે પોતાના માટે જ ન હોય એમ રામ્યા આંખો બંધ કરી ફરી એ જ દિવસો વિભોર સાથે ગાળવા લાગી. આંખો બંધ હતી પણ દ્રશ્યો સ્પષ્ટ હતા. શરીરની એ નિકટતા, ગરમ એ શ્વાસોની આપ-લે, હોઠોની કદી ના બુઝાય એવી તરસ, એકબીજામાં ભળી જવાનું ઝનૂન અને ચરમસીમાની પણ આગળ કંઈ હોય તો એનેય પાર કરી નાખે એવી એ પ્રેમની ઉત્કંઠા! વિચારમાત્રથી એના રૂવાંટા ઉભા થઇ ગયા. રામ્યાની આંખો અને મન આજે વિભોર માટે તરસી રહ્યા હતા. એના એક સ્પર્શ માટે તડપી રહ્યા હતા. જીવનમાં એણે આવી લાચારી કદી ન અનુભવેલી. એના સરળ ચાલતા સંબંધમાં વિયોગની રેખા શા માટે પાડવામાં આવી એ હજુય એ સ્વીકારી શકી નહિ. દુનિયાની એ “મૂક” વાચાળતા એને હવે પજવી રહી હતી. આંખોમાં ન સમાય એટલા સપના હવે એની આંખમાંથી આંસુ સાથે બહાર વહેવા હરીફાઈ લગાવી રહ્યા હતા.

************

રામ્યા અને વિભોરની પ્રથમ મુલાકાત ઘણી અસામાન્ય હતી. કોફીશોપના એક ટેબલ પર પુસ્તક વાંચી રહી રામ્યા પર બાજુમાંથી પસાર થઇ રહેલા વિભોરથી બેધ્યાનપણે આખી કોફી ઢોળાય ગઈ. “મિસ્ટર, તમે મારો આખો ડ્રેસ ગંદો કરી નાખ્યો. હવે હું ફંકશનમાં કઈ રીતે જઈશ?” રામ્યાએ સહેજ ચીડાયને ગુસ્સે થતા કહ્યું. “આઈ એમ રીયલી સોરી મિસ.?” વિભોરે પૂછ્યું. રામ્યા ગુસ્સામાં હતી પણ વિભોરનું વ્યક્તિત્વ એટલું અદભુત હતું કે વિભોરમાં સમાતી ગઈ. સરખી પસંદ અને જીવન માટેના સરખા અભિપ્રાયો એમના પ્રણયને શરુ કરી, આગળ વધારવા ઘણા મદદરૂપ થયા. રામ્યા પહેલેથી જ સ્વતંત્ર અને આત્મવિશ્વાસથી ભરપૂર હતી.પોતાના નિર્ણયો જાતે જ કરવા અને એના પર અડગ રહેવું એ એનો સ્વભાવ હતો. વિભોર પણ સમજુ, અનુભવોથી ઘડાયેલો અને વ્યવહારુ હતો. રામ્યા અને વિભોર એકમેકના આ અણધર્યા સંગાથથી ખૂબ જ ખુશ હતા. જીવનમાં દરેક વ્યક્તિ જીવનસાથી તરીકે એક એવો અરીસો ઈચ્છે છે જેનામાં એ પોતાનું પ્રતિબિંબ તો જોય જ શકે પણ સાથે સાથે એનામાં રહેલી નબળી બાજુ પણ એટલી જ નિખાલસતાથી એની સામે લાવી શકે. રામ્યા અને વિભોરનું પણ કંઈક એવું જ હતું. બંને એકબીજામાં મનથી અને તનથી એવા ઓતપ્રોત થઇ ગયેલા કે હવે શરીરથી અલગ એ બંને જીવ, એક હૃદય સાથે જીવી રહ્યા હતા. જીવન એક સુખદ સમયની છાલક દરેક પળે છાંટી રહ્યું હતું. રામ્યા હંમેશાં વર્તમાનની દોરીને ભવિષ્યના પતંગ સાથે બાંધી આકાશમાં ખૂબ ઉંચે ઊડવા માંગતી હતી. વિભોર પણ એના હાથોને થામી, એ દરેક સ્વપ્નો સાચા કરવાની હામી ભરતો. ઘણીવાર વિભોર એને ટપાલી મારીનેય કહેતો,”એમ તો બહુ મોટી બનીને ફરે છે, પણ સ્વપ્નો હજીય નાની છોકરી જેવા જ છે તારા”. આવા કેટલાય સ્વપ્નોથી સજાવેલી રામ્યાની દુનિયા એને કોઈ પરીકથા જેવી લાગતી, પરંતુ જિંદગીને અણધાર્યા વળાંક લેવાની ટેવ હોય છે. સુખી જીવનમાં વિક્ષેપ પાડવાની આદત હોય છે. વિભોરના ઘણા પ્રયત્ન છતાં એની યુ.એસ. બદલી થઇ અને રામ્યાને સાથે લઇ જઈ શકે એમ હતું નહીં. બંને વચ્ચે ઉત્તર જીવન(survival) માટેનો પ્રશ્ન આવ્યો. રામ્યા સમજુ હતી. બંનેએ પોતાના વ્યવહારુ વ્યક્તિત્વને આધારે અલગ થવાનો નિર્ણય લીધો. લોંગ ડિસ્ટન્સ સંબંધ માટે બંને તૈયાર ન હતા. બધું વિચારીને, સમજીને, એકબીજાને સંભાળીને, બંને છુટા પડ્યા.
*************
આજે આ સમગ્ર ઘટનાને લગભગ પાંચેક વર્ષ પૂરા થયા. રામ્યા એ દરેક વાતો જે વિભોર દ્વારા ક્યારેક કહેવાયેલી અને એવી વાતો જે ક્યારેય પણ ન કહેવાયેલી એને પોતાની સ્મૃતિમાં અંકબંધ રાખી જીવી રહી હતી. એની ગેરહાજરીથી ટેવાયેલી રામ્યા જીવનની ફરી શરૂઆત કરવા કોઈ પણ સંજોગોમાં તૈયાર ન હતી. આમ છતાં આજે હોળીકા દહનમાં દરેક દુઃખદ યાદોથી મુક્ત થવા માંગતી હતી. બપોરની ગરમી હવે સૂર્યના ગુલાબી રંગમાં ઝાંખી પડી હતી. અંધારું ઘરમાં અને સાથે સાથે મનમાં પણ પથરાવા લાગ્યું હતું. નિષ્ફળ પ્રણયનું દુઃખ એ હોળીકામાં આજે હોમી દેવા માંગતી હતી. હવામાં ઉડતી આગની ચિનગારીઓ સાથે રામ્યાનું મન પણ સળગી રહ્યું હતું. વિભોરના દૂર જવાથી એના સમગ્ર અસ્તિત્વની આગ કદાચ હોળીની એ આગ કરતા પણ વધુ તીવ્ર હતી. આગની એ લટો તરફ રામ્યા જોય રહી. અચાનક એને અગ્નિથી ઉઠેલા એ ધુમાડામાં કોઈ આકૃતિ ઉપસતી દેખાય. ભ્રમણા અને હકીકતની વચ્ચે ઝોલા ખાતું હતું એનું મન કંઇક નક્કી કરે એ પહેલા તો એ મુખાકૃતિ વધુ સ્પષ્ટ દેખાવા લાગી અને કશુક સમજે એ પહેલા તો વિભોર એનો હાથ પકડી જમીન પર બેસી ગયો. હળવેથી હાથ પર ચુંબન કરી બોલ્યો,”હું જાણું છું તું ઘણી વ્યવહારુ છે, પરંતુ એ પણ જાણું છું કે મારા ગયા પછી એક પણ દિવસ તું સુખેથી ન જીવી હશે. હું પણ તારી યાદમાં એટલો જ ઝુર્યો છું. આપણો નિર્ણય સાચો હતો કે ખોટો એ તો હું નથી જાણતો પણ તારાથી અલગ રહીને એટલું સમજી ચુક્યો છું કે તારા વિના મારું અસ્તિત્વ નથી. મારામાં હૃદય છે પણ એને ધબકતું રાખતો શ્વાસ તારી પાસે છે. તારા વિનાના મારા અધૂરા જીવનમાં રંગો પૂરીશ? તારી મહેકથી મારા નાનકડા આ સંસારને મહેકતું કરીશ? શું તું હંમેશાં માટે મારી થઇ જઈશ?” રામ્યાની આંખો આટલા વર્ષોથી રોકી રાખેલા રુદનથી સુકાયને નિસ્તેજ બની ગયેલી, પરંતુ આજે વિભોરના આગમનથી જાણે રામ્યાના વૃન્દાવનમાં ફૂલો ફરી ખીલવા કળી ખીલવી બેઠા હતા. એણે એક ક્ષણનોય વિલંબ કર્યા વગર વિભોરને પોતાના બાહુપાશમાં ઘેરી લીધો અને હૈયાફાટ રુદન કરવા લાગી. બંનેના જીવનની સાર્થકતા એકમેકના સંગાથથી જ પૂર્ણ થવાની હતી. સ્વપ્નોની એ દુનિયા હકીકતોના રંગોથી રંગાવા તત્પર હતી અને એની સાથે જ પ્રેમરૂપી દરિયામાં બીજી એક નૌકા વિહરવા લાગી હતી.

Leave a Reply

error: Content is protected !!