હાસ્યલેખ
મુન-વોક દોઢિયા, બટરફ્લાય-પોપટિયા અને ફિઝીયો-ગરબા

મુન-વોક દોઢિયા, બટરફ્લાય-પોપટિયા અને ફિઝીયો-ગરબા

ઉપરવાળાએ આ વખતે નોરતાની ચોપાટની કૂકરીઓ અજબ રીતે ગોઠવી છે! સમગ્ર ગુજરાતમાં જ્યાં ‘દાંડિયા ફીવર’ હોવો જોઈતો હતો તેના બદલે સેંકડો લોકો મેલેરિયા અને ડેન્ગ્યુના ફીવરમાં પટકાયાના સમાચાર છે. બાકી હતું તે ચિકુન ગુન્યા એ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મારીને વિશિષ્ઠ પ્રકારના ડાન્સ ફીવરનો માહોલ કરી દીધો છે. ચિકુન ગુન્યાએ પબ્લીકના કેડ અને હાથ-પગના સાંધા એવા જકડયા છે કે આ વખતે ઘેર ઘેર ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ ફેમ ‘ક્રોકરોચ’ જેવા સ્લો મોશન બ્રેક ડાન્સરો પેદા થઇ ગયા છે. અને જો આમ જ ચાલુ રહ્યું તો ગરબાના ગ્રાઉન્ડ ઉપર ચણીયા-ચોળી અને કેડિયા પહેરેલા રોબોટો સ્લો મોશનમાં હીંચ લેતાં દેખાશે!

વરસાદ નામની કૂકરી પણ આ વખતે ગાંડી થઈ છે અને એણે જતા ભાદરવે पुन:श्च हरी ॐ કર્યું છે. સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદમાં અસંખ્ય જગ્યાઓ કે જ્યાં મોટા પાયે ગરબાનું આયોજન થતું હોય છે તે મેદાનોમાં પૂર-વરસાદને કારણે હાલ તો તાલીના નહિ પણ છબછબીયાના ગરબા કરવા પડે એવી સ્થિતિ છે. અમુક બુંદિયાળ લોકો તો આ વખતે ‘રેઈન ગરબા’ કરવા પડશે એવી આગાહી પણ કરી રહ્યા
છે.

પણ અ બધું ગણકાર્યા વગર આપણા ઉત્સાહી જીવોએ જોર શોરથી તૈયારી આરંભી દીધી છે. સામાન્ય રીતે સરકાર પૂર અને ભૂકંપ જેવા સંકટ વખતે કંટ્રોલ રૂમ ખોલીને પ્રજા માટે હેલ્પલાઈન ચાલુ કરતી હોય છે. પણ કમનસીબે નવરાત્રી પર તોળાઈ રહેલા જળ અને જંતુ પ્રેરિત આ સંકટ માટે હજુ સુધી કોઈ હેલ્પલાઈન શરુ કરવામાં આવી નથી. અખબારોની મહિલાઓ માટેની વિશેષ પૂર્તિમાં વોટર પ્રૂફ મેક-અપ વિષે માર્ગદર્શન આપવામાં આવે છે પણ વરસતા વરસાદમાં ચિકુન ગુન્યાથી જકડાયેલા અંગો સાથે નવરાત્રી કેવી રીતે ઉજવવી એ બાબતે એ લોકોએ મગનું નામ મરી તો શું મેથી કે મમરો પાડવાની પણ તસ્દી લીધી નથી. પણ અમે બેઠા છીએ ત્યાં સુધી તમારે ચિંતા કરવાની જરૂર નથી. You are in safe hands.

સૌ પ્રથમ તો એક વાત સમજી લો કે આ મચ્છરીયા તાવથી જકડાયેલા અંગો સાથે ડાન્સ કરી શકાય છે. હા. કરી શકાય છે, એટલે રીલેક્સ. પણ, લેકિન, કિન્તુ, પરંતુ, બટ – કેટલાક લોકોના ડી.એન.એ.ને જ ચિકુન ગુન્યા લાગૂ પડેલો હોય છે અને એથી એમના હાથ-પગ છુટ્ટા હોવા છતાં એ લોકો ડાન્સ કરી શકતા નથી. દા.ત. ધર્મેન્દ્ર અને સમગ્ર દેઓલ પરિવાર. એટલે તમારામાંથી જેના ડી.એન.એ.માં દેઓલ વાઈરસ ઘૂસેલો હોય એ અત્યારે જ ક્લાસની બહાર નીકળી જાય અને આખી નવરાત્રી ‘મૈ જટ યમલા પગલા દીવાના…’ નો અખંડ પાઠ કરે. બાકીના આગળ વાંચે.

સૌ પહેલા તો મેં નજીકના ડાન્સ ક્લાસની મુલાકાત લીધી – એ જોવા માટે કે લોકો હાલ શું કરી રહ્યા છે. હું જ્યાં ગયો એ એક શોપિંગ સેન્ટરની ૨૫ ફીટ બાય ૨૦ ફીટની ખાલી દુકાન હતી જેમાં કોઈની રીક્ષામાંથી કાઢેલી સાઉન્ડ સિસ્ટમ પર કાન ફાડી નાખે એવા અવાજમાં ‘માર તો મેળે જાવું સે ને રાજુડીનો નેળો લાગ્યો…’ વાગતું હતું અને ‘ડાન્સ ફ્લોર’ પર ૨૦ થી ૨૫ ખેલૈયાઓનું ઝૂંડ તાવડામાં તળાતા ભજીયાની જેમ ઉછળી રહ્યું હતું.

૨૫ x ૨૦ એટલે કે ૫૦૦ સ્ક્વેર ફૂટ. એટલે કે એક ખેલૈયાના ભાગે ૨૦ સ્ક્વેર ફૂટ ફલોરનો ટુકડો. હાળું, આના કરતાં કબરમાં પોઢનારાને વધુ જગ્યા મળે છે! અને આટલી જગ્યામાં આ પન્ટરો નાના ગ્રુપ બનાવીને દોઢિયા-પોપટિયાના દાવ કરતાં હતા! દર ત્રીજી બીટ પર ઝૂમતા ઝૂંડમાંથી કો’ક હડબડીયું ખાઈને બહાર આવી જતુ હતું અને એ ટોળામાંથી જ ગેબી હાથ બહાર આવીને એને પાછો ખેચી જતા હતા! આમાં ગોવિંદા છાપ સંધી-સુધા તેલના ઘરાકોની શી દશા થાય? એક્ચ્યુઅલી સાજોસમો માણસ પણ આ ધક્કામુક્કીમાં ટીચાઈ- લોકોના ગોદા ખાઈને ચિકુન ગુન્યાના પેશન્ટ જેવો થઇને બહાર આવે.

જોવા જેવી બાબત એ હતી કે આ દરમ્યાન એમના ‘સર’ તરીકે ઓળખાતા મહાનુભાવ બકરાં ચરાવતા હોય એ અદામાં બાલ્કનીની પાળી પર બેસીને બુધાલાલ તમાકુ બનાવતા હતા અને બે ખેલૈયાઓ એમાંથી ચપટી લેવા માટે ટાંપીને બેઠા હતા. હું થોડી વિગતો મેળવવા એમની નજીક ગયો એ જ વખતે બેમાંથી એક ખેલૈયાએ પૂછ્યું ‘સર, હમણાં તમે દાંડિયો બેક-સાઈડ પર ફેરવતા હતા એ કઈ સ્ટાઈલમાં આવે?’ પેલો કહે ‘હું દાંડિયાથી બરડો ખંજવાળતો હતો ટોપા.’ પત્યું? હું તો ત્યાંથી નીકળી જ ગયો.

અને આવા તો ઘણા કલાસીસ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. પણ આ માહોલ વચ્ચે ગુજરાતની પ્રજાને ખરેખર નવરાત્રી કરાવવી જ હોય તો સ્વીમીંગ પૂલ અને વોટર પાર્કમાં ડાન્સ કલાસીસ ખોલવાની જરૂર છે. જ્યાં ખેલૈયાઓને પાણીમાં તરતા તરતા બેક-સ્ટ્રોક-દોઢિયું અને બટરફ્લાય-પોપટિયું કરવાની રીત શીખવાડીને સજ્જ કરી શકાય. હૂડામાં તો ફ્રી સ્ટાઈલની જેમ જ હાથ હલાવવાના હોય છે એટલે ખાસ નવું શીખવાનું રહેતું નથી. જયારે બે-તાળી કે ત્રણ-તાળીના ધીમા ગરબા કરનારા માજીઓને લાઈફ જેકેટો આપવા ફરજીયાત ગણાય. પણ આ બધું જ ચલતી એટલે કે દ્રુત લયમાં કરવું પડે નહિ તો ગરબા ‘ડૂબકા ડાન્સ’માં ફેરવાઈ જતા વાર ન લાગે. એવા સંજોગોમાં ફાયરબ્રિગેડને સાબદું રાખવું જરૂરી બની જાય.

જેમના હાથ-પગ મચ્છરીયા તાવને કારણે જકડાયેલા છે અને જેઓ ચોવીસ કલાક દેવ આનંદની સ્ટાઈલમાં ફરી રહ્યા છે એ લોકો માટે જીમ્નેશીયમ અને ફીઝીયોથેરાપી સેન્ટરોમાં ગરબાની સ્પેશિયલ બેચો શરુ કરી શકાય, જ્યાં એમને ગરબાની વિવિધ સ્ટાઈલમાં કસરતના દાવ એટલે કે એક્સરસાઈઝ શીખવાડી શકાય. અક્ષય કુમારની સ્ટાઈલ ગરબા અને કસરત બંનેમાં ચાલે તેવી હોઈ એના બધા જ સ્ટેપ્સ આ ‘ફિઝીયો-ગરબા’ માટે બિલકુલ સુયોગ્ય ગણાય. આ પૈકીના જે સાહસીકો આગળ વધવા માંગતા હોય એમના માટે ઉપર જણાવ્યા પ્રમાણે ‘ક્રોકરોચ’ કે રેમો ડી’સોઝાની રાહબરી નીચે ‘મુન-વોક દોઢિયા’ના સ્ટેપ ડેવલપ કરી શકાય. જરુર પડે તો એ માટે ખાસ રીમીક્સ ગરબા કમ્પોઝ કરાવવા જોઈએ, પણ કોઈ ‘માઈનો લાલ’ ગરબા કર્યા વગર રહી ન જવો જોઈએ.

બાકીના નોર્મલ લોકો માટે ગરબા શીખવાના અનેક રસ્તા છે. એ વાત સાચી કે કોઈ કળા શીખવા માટે પદ્ધતિસરની તાલીમ લેવી જોઈએ, પણ આપણે ક્યાં ત્રણ તાળીના ગરબામાં માસ્ટર્સ કે ગરબીમાં પી.એચ.ડી. કરવું છે! આમાં સૌથી જરૂરી બાબત આત્મસૂઝ અને ઉત્સાહ છે, એ હોય પછી બાકી બધું આપોઆપ આવે છે. રાસ-ગરબાનું પ્રાથમિક શિક્ષણ તો પોળ, સોસાયટી કે ફ્લેટના ગરબામાંથી જ મળી જતું હોય છે. આપણામાંના મોટા ભાગના લોકો ગરબાનું પહેલું રાઉન્ડ બે કે ત્રણ વર્ષની ઉમરે મમ્મી કે દાદીની પાછળ દોડતા દોડતા પૂરું કરી ચુક્યા હોઈએ છીએ અને ચોથા પાંચમાં વર્ષે તો આપણા પપ્પા મમ્મીઓ મહેમાનો આગળ આપણા ડાન્સનો ડેમો આપતા થઇ જાય છે. બસ, આમાં બાકી રહી જાય છે પેલા ‘દેઓલ વાઈરસ’વાળા લોકો. તો એ લોકો ડાન્સ ક્લાસનો લાભ લઇ શકે. અને નહીતર પણ જેવા આવડે એવા ગરબા કરતાં એમને કોણ રોકવાનું છે? ધરમ-સની-બોબી આપણા હૈયા ઉપર નાચે જ છે ને? મચી પડ્યા તે મહાસુખ માણે … હમ્બો!

જોકે અમને સીનીયર મમ્મીઓના એ જૂથ માટે સહાનુભૂતિ છે જે બાળકોના દફતર, વોટરબેગ અને નાસ્તાના ડબ્બા ભરવાની જવાબદારીથી શરુ કરીને સંતાનોની બોર્ડની પરીક્ષા સુધીના વર્ષોમાં પોતાના ગરબા રમવાના પેશનની કક્ષાના શોખનો ભોગ આપે છે. અને પછી જ્યારે એ આ બધામાંથી પરવારીને ગરબા રમવા ઉતરે ત્યારે એને ખબર પડે છે કે બે તાળી અને ત્રણ તાળીના ગરબા તો હવે ફક્ત માજીઓ જ કરે છે અને ગ્રાઉન્ડ ઉપર જે પ્રકારના દોઢિયા-પોપટિયા ચાલે છે એમાં ગજ વાગે એમ નથી. એટલે એમને ફરજીયાત દીકરા-દીકરીના પર્સ, મોબાઈલ અને પાણીની બોટલો સાચવીને બેસી રહેવું પડે છે. જોકે આનંદ એ વાતનો છે કે અમુક કોચિંગ ક્લાસવાળા આવી સીનીયર મમ્મીઓએ ‘મિસ કરેલા લેકચરો’નું રિવિઝન કરાવવા માટે ગરબાની સ્પેશિયલ બેચ ચલાવતા હોય છે. અને એટલે જ આજકાલ ગરબામાં મમ્મી-દીકરી અને મમ્મી-દીકરાની જોડીઓ પણ રંગ જમાવતી જોવા મળે છે.

એક આડવાત કરું તો આવો અનુભવ સીનીયર મમ્મીઓને કપડા બાબતે પણ થતો હોય છે. એક સમયે એમને ખબર પડે છે કે વજન વધી જવાને લીધે લગ્ન વખતે અને પછી સીવડાવેલા ચણીયા ચોળીમાં ઘૂસવું પણ મુશ્કેલ છે અને નવા સીવડાવવા માટે લાવેલુ કાપડ તો દીકરી કે વહુ પડાવી લે છે. એ લોકોને ‘કેડ પરમાણે ઘાઘરો’ તો મળી રહે છે પણ ‘ઓઢણાની બબ્બે જોડ’ ભેગી કરે ત્યારે ચણીયા-ચોળીનો સેટ પુરો થાય છે. આવા જ એક કિસ્સામાં સવા મણનું સુખલડું અને અધમણની કુલેર નાસ્તામાં ઝાપટનારા એક બેન પોતાનું વજન જરા વધારે છે એ વાત સ્વીકારવા તૈયાર જ નહોતા. એમણે દુકાનદાર પાસે ઓઢણું માગ્યું તો પેલા એ ચંદરવો કાઢીને આપ્યો! પેલા બહેન તો બગડ્યા અને દુકાનદારને ખખડાવ્યો. તો પેલો કહે ‘બહેન તમારે આટલું તો જોઈશે જ.’ પછી શું થયું એની મને ખબર નથી કારણ કે હું તો છેલ્લા નંબરિયા જોયા વગર જ કલ્ટી મારી ગયો.

જોકે પાછોતરા વરસાદે ‘ધી એન્ડ’નું પાટિયું બતાવવાના ટાઈમે ફરી ટાઈટલીયા શરુ કર્યા એમાં આયોજકોનો જીવ અત્યારે તાળવે ચોંટ્યો છે. આ વખતે પાર્ટી પ્લોટના ગરબાને સ્થાને ‘તંબુ ગરબા’ કે ‘હોલ ગરબા’નું આયોજન થાય તો પણ નવાઈ નહિ. ખેલૈયાઓએ આ વખતે બીજા સામાન સાથે છત્રીઓની પણ વ્યવસ્થા કરવી પડશે એ લગભગ નક્કી છે. પણ તમે હજુ કોઈ ટીપની રાહ જોઈને બેઠા હોવ અને હું તમને કોઈ ટ્રિક કે સ્ટેપ શીખવાડું તો જ તમે ગરબા ગાવા જવાના હોવ તો હું કહીશ કે તમે ઘરે જ બેસી રહેજો. આ તો આદ્યશક્તિ મા જગદંબાની આરાધનાનું પર્વ છે જે તમારા સ્ટેપ નહી પણ તમારો ભાવ જુએ છે. તમે તન્મય થઈને જે અર્પણ કરશો તે બધું જ એ પ્રેમથી સ્વીકારશે. બાકી તમારું દોઢિયું ઓફ-બીટ જતુ હશે તો પણ એને કોઈ ફેર નથી પડતો. કહ્યું છે ને કે कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति| સ્ટાઈલ-બાઈલ બધું ઠીક છે. અસ્તુ.

बधिर खड़ा बाज़ार में …
લેંબુડાના લીલા પીળા પાન, લેંબુડા લેરા લેર… – આ ગરબો સૌથી વધુ કોને ગમે?.
સોડાની લારીવાળાને!

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Badhir Amdavadi

Badhir Amdavadi

Brother in crime..oops in humor. Yes he is a real brother of our other columnist Mr. Adhir Amdavadi. He too writes column 'કહત બધિરા' for Feelings Gujarati Fortnightly Magazine and also wrote for Divyabhaskar.com. Humor lives in his blood and hence he can pick, find, write and speak humor any time.

તાજા લેખો

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

મોરારીબાપુ અને સ્વામીનારાયણ  વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ અને સ્વામીનારાયણ વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

error: Content is protected !!