સાંપ્રત પ્રવાહો
ટાર્ગેટ

ટાર્ગેટ

કેટલી માનતાઓ અને બાધાઓ પછી આખરે એનો જન્મ થયો હતો. કુંટુંબનો વંશજ.. કુળને કરોડ વર્ષ સુધી જીવતું રાખી શકનાર એકમાત્ર અંશ.

એના જન્મતાની સાથે જ બીજું ઘણું બધું જન્મ્યું હતુ, જેમકે, મા-બાપની અધુરી રહી ગયેલી ઈચ્છાઓ પૂરી થવાના અરમાનો, નવા નવા સપનાઓ, સમાજને કંઈક દેખાડી આપવાની ભાવનાઓ, કંઈક બનાવી નાખવાની તીવ્ર ઈચ્છાઓ, બધે જ એને અવ્વલ લાવી દેવાના ઉધામાઓ…

એ કોને ખબર રહી કે આ બધું મા-બાપના મનમાં ઉગવાની સાથે જ એની આંખોમાં કંઈક આથમવાની શરૂઆત થઈ ચુકી હતી.

એના શ્વાસ લેવાની ખુશીમાં સમાજમાં પેંડા વહેંચવાની એક ફોર્માલીટી તો પૂરી થઈ. હાશ… જાહેરાત જોર-શોરથી થઈ ચૂકી હતી.

એ જેમ જેમ મોટો થતો જતો એમ એમ એના સુ-લક્ષણોને બઢી-ચઢીને લોકો સામે પેશ કરવામાં આવતા.
હજુ તો એ ઊંધા પડીને ગુલાંટ ખાવાનો આનંદ લેવા માંગતો હતો ત્યાં તો એની આંગળી પકડીને ઝડપથી ચાલતો કરી નાખવાના પૂરજોશમાં પ્રયાસો થતા.
(જમાનો બહુ ફાસ્ટ છે યુ નો?)

ડગમગ ચાલે આવીને એને માની બાહોમાં સમાઈ જવું ગમતું પણ ચાલતા આવડ્યું એટલે આમ ને આમ થોડું ચાલે!! ચલો બેટા દોડવા માંડો હવે…

મા, પપ્પાની મીઠી બોલી શીખ્યો ત્યારથી એને દોહરાવીને મા-બાપને સાદ પાડવાની મજા આવતી ને વારંવાર બોલતો એ.
પપ્પા શબ્દ સાંભળી આંખોમાંથી ઉભરાતા વ્હાલને બદલે એ ઉભરાતી ચિંતાને જોઈ રહેતો. બેટાને બીજા મોડર્ન શબ્દો પણ શિખવાડતી જા. આ ઉંમરના બાળકો તો જો… કેટલું ઝડપથી બધું શીખી લેતા હોય છે..!!

બેટા બોલો તો એ…બી…સી…ડી…
હાસ્તો વળી… ગુજરાતી શીખવાડી અમારે છોકરાને ગમાર નથી રાખવાનો. બોલતા જ સીધો અંગ્રેજીમાં શીખે તો કેવો વટ્ટ પડી જાય..!
એના કાન તો ઘરમાં બોલાતી પેલી મિઠડી ગુજરાતી સાંભળવા તરસ્યા રહેતા જાણે.

ક્યારેક એ વ્હાલથી મા… ની બૂમ પાડી ઉઠતો ત્યારે મોમ બરાડી ઉઠતી. કેટલી વાર તને કહ્યું છે મા નહીં કહેવાનું. કેવો કચરો થઈ જાય બધાની વચ્ચે માય સન..મોમ બોલ મોમ..!

તાણી-તૂસીને તગડું ડોનેશન આપીનેય એને ઈંગ્લીશ મિડીઅમ સ્કૂલમાં દાખલ કર્યો ત્યારે એણે મા-બાપના ચહેરા પર કોઈ અજબ સંતોષની લહર ઉડતી જોઈ હતી ત્યારે એણે વિચાર્યું હતું કે આવો સંતોષ મને આ બે વર્ષોમાં ક્યારેય જોવા મળ્યો છે ખરો!!
હા… બે જ વર્ષનો તો હતો એ ત્યારે, જ્યારે ઉગતી કલ્પનાઓનું ભાવ-વિશ્વ ઘડવાનું હતું ત્યારે અભાવોથી ભરેલા વાસ્તવિક વિશ્વમાં ફેંકાયો હતો એ…

જ્યારે વરસાદ પડતો ત્યારે એ ક્યાંથી આવે છે એ આકાશમાં જોઈ આવવાનું વિસ્મય કૂદાકૂદ કરતું મનમાં, વરસાદી ખાબોચિયામાં હોડી તરાવવા પગ ઉછાળા મારતા ત્યારે મોમ એને તાવનો, શરદીનો ઈન્ફેક્શન લાગી જવાનો ડર બતાવી ઝટપટ અંદર લઈ જતી.
ત્યારે કહેવાનું મન થતું કે મા… જો ને, ક્યાંક તારા વિચારોને તો ઈંન્ફેક્શન નથી લાગી ગયું ને?

જ્યારે છુટ્ટીઓમાં ભર ઉનાળે કાચની શીશીમાં તડકો ભરીને રમવાનું મન હતું ત્યારે બપોરે આવી ચડતા ડેડીનો ડર લાગતો. આર્ટ અને ક્રાફ્ટના ક્લાસમાં જવાને બદલે આ શું ફાલતું રમતો માંડી છે કહીને ચિલ્લાતા ડેડી ત્યારે તડકા કરતાય કેવા આકરા લાગતા..!!!

જ્યારે ઉઘડતા શિયાળાની ઠંડી સવારે માની ગોદમાં લપાઈને ઊંઘવાનો ડોળ કરવા એનું મન ઝંખતું ત્યારે મોમને ટ્યુશન જવાનું મોડું થઈ જશેની ચિંતા સતાવતી.

પરીક્ષાઓમાં કે સ્પર્ધાઓમાં જ્યારે એ અવ્વલ આવતો ત્યારે મમ્મી-પપ્પાની આંખોમાં શાબાશીના ભાવ જોવા કે બે શબ્દો પણ પ્રેમભર્યા સાંભળવા મથતું એનું મન પણ… એ લોકોને તો પાસ-પડોશ અને સગાઓમાં એના સટિફિકેટ્સ દેખાડવાના ભારે હોંશ જોઈને એના શબ્દો વણ બોલ્યા જ રહી જતા.
એમની આંખોમાં છલકાતા ગર્વ કરતા વધારે વહાલ ઉભરાય એની રાહ રહેતી એને.

સવારે ઊઠીને પ્રોટીન મિલ્ક ડ્રીંક કરતા કરતા એના મનમાં તો કોઈ ઝાડ પર પાંખો થરથરાવતા પક્ષીઓ જોવાના ખયાલો ઉગતા.

મેનુ પ્રમાણેજ સ્ટ્રીક્ટલી ફોલો થતી ડીશીશ આરોગતી વખતે એને એક ઝાડ પરથી બીજા ઝાડ પર ફટાક દઈને ભાગતી ખિસકોલીને મગફળી ખવડાવવાનું મન થતું.

મેથેમેટિક્સના આંકડાઓ વચ્ચે ઉલઝાયેલું એનું મન થાકીને ક્યારેક આકાશના તારાઓની ગણતરી માંડતું અને ઘણી ઉલઝનો સુલઝી જતી હોય એમ લાગતું એને.

જાગવા, સુવા,ઉઠવા, બેસવા, ખાવા,પીવા,ભણવા, રમવાના નિશ્ચિત થઈ ગયેલા ટાઈમ-ટેબલમાં વિષય બનીને ગોઠવાઈ ગયેલો એ હવે ટેબલ મુજબ જ ઉચ્ચ ડીગ્રી લઈને કોઈ મલ્ટી-નેશનલ કંપનીની એ.સી. ઓફિસના ટેબલ પાછળ ગોઠવાઈ ગયો છે.
મમ્મી પપ્પાના પૂરા થયેલા ટારગેટ જેવો એ હવે કંપનીના ટારગેટ પૂરા કરવાની કોશિષોમાં રહે છે સતત.
એની આંખોમાંથી પેલું વિસ્મય તો ખોવાઈ ગયું છે હવે… પણ કચડાઈ ગયેલી ઈચ્છાઓ વળ લઈને બહાર આવવા મથે છે હજું.

રેઇન રેઇન ગો અવે… કમ અગેઇન અનધર ડે ગાવા કરતા આવ રે વરસાદ… ના શબ્દો હજુ એને વધારે પોતીકા લાગે છે.

કર્મચારીઓ સાથે કરડા મોઢે કામ લેતી વખતે દોસ્તારો સાથે મળી ટીંગા-ટોળીને ધમાલ મસ્તી કરતા કરતા ધૂળમાં ખરડાઈ જવા માટે મન તરસે છે હજુ એનું.

ફુલ્લી ફર્નિશ્ડ હાઉસના મલ્ટી કલર ઈન્ટીરીઅરમાં ઘણી વાર એને હોઠના ખૂણેથી ગળા સુધી રેલાતા શરબતના રંગો દેખાય છે.

એરકન્ડિશનની ઠંડકમાં શરીર તો ટેવાઈ ગયું પણ એનું મન ગુલમહોરના ઝાડમાંથી ચળાઈને આવતો પવન શોધે છે.

સાહ્યબીની છોળો કરતા કુદરતનો ખોળો એને હંમેશા વધુ વ્હાલો લાગ્યો છે.

મા-બાપ હજુ વિચારતા જ રહ્યા છે કે એમના એ દીકરાને દુનિયાનું તમામ સુખ આપવા પ્રયત્ન કર્યો છે અમે, છતાય હજુ શું સતાવી રહ્યું છે એને!!
આખરે જોઈએ શું હવે બીજું?

એ કઈ રીતે સમજાવે કે એને શું જોઈએ છે?

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Maulika Derasari

Maulika Derasari

ભૌતિક રીતે સાયન્સ ગ્રેજ્યુએટ હું ઓલ ઇન્ડિયા રેડીઓ માં એનાઉન્સર છું. જોબમાં આંકડાઓ સાથે કામ પાર પાડવાનું હોય છે પણ આત્મા આર્ટ્સનો અર્થાત કલાકારનો છે. અનુભવોને, સંવેદનોને શબ્દોમાં સજીવન કરવાનું માધ્યમ જ લેખન છે એટલે જ મને લખવું ગમે છે.

error: Content is protected !!