સીનીઅર હોવું એટલે-૨

પહેલો ભાગ વાંચવાનો બાકી છે હજુ? અહી ક્લિક કરો ને….Click here to read first article

તો મિત્રો આપણે સીનીયરીઝમ વિષે વાત કરતા હતા. કોલીજિયન મિત્રો કઈ રીતે રેગીંગ કરીને જુનિયરો ને પરેશાન કરતા હોય છે. ચાલો કોલેજિયન મિત્રો નાદાન હોય, ‘ફન પુરતું આવું કરતા હોય, અતિ અનુભવી ની કેટેગરી માં બેસતા સીનીયર મિત્રો પણ સમાજ માં જે ‘પોતાવાળી’ ચલાવે છે તે તો ઈરાદા પૂર્વક ની છે. ઓફીસ માં નવો બકરો આવે એટલે કામકાજ નો બધો ભાર તેના પર ઢોળી દેવાનો. ‘એ લોકો પછી શીખે ક્યારે?’…..ઉપરાંતમાં ‘આ ના ચાલે અને તે ના ચાલે’ , ‘ અમારા વખત માં તો આમ હતું ને તેમ હતું’ નો મારો તો ચાલુ જ રાખવાનો.એ બાપડો ક્યાં ફ્લેશ બેક માં જોવા જવાનો હતો કે આપણે કામ કર્યું છે કે ટાંટિયા પર ટાંટિયો ચડાવી ને જલસા કર્યા છે?

અને ધારોકે તમે જાડા જાડા ચોપડાઓ માં હિસાબ કરતા અને હવે કમ્પ્યુટર ને લીધે લેબર ઓછું થઇ ગયું છે તો તમને કાઈ વાંધો?બિચારી છોકરીઓ ને માં કે સાસુ દબડાવ્યા રાખે કે અમે કુવેથી સીંચી ને પાણી ભરતા અને તળાવે કપડા ધોવા જતા.તને તો જલસા છે! એવડો જીવ બળતો હોય તો તમેય ગર માં કુવો ખોદાવી નાખો અને નગરપાલિકા નું કનેકશન કઢાવી નાખો એટલે થાય પૂરું. પેલી ફટાફટ રસોઈ બનાવી ને નવરી થઇ જાય તોય ઉપાધી. ‘અમે તો ચુલા ફૂંકી ફૂંકી ને રસોઈ બનાવી છે.’ તો તમેય થોડા લાકડા વીણી આવો કાલે એટલે પેલીય ચુલા પર રસોઈ બનાવે. એની આંખો બળશે તો રસોઈ માં વધુ સ્વાદ આવશે કદાચ! જુનિયર સ્પોર્ટ્સ મેન ફાસ્ટ દોડે તો એને કેવાનું કે આ તો તારા નવા સ્પોર્ટ્સ શુઝ ને લીધે છે અમે તો ખુલ્લે પગે દોડતા.તો એમાં એ બિચારો શું કરે? એણે તમને ખુલ્લા પગે ઓછાજ દોડાવ્યતા ?

આટલે થી પતતુ હોય તોય ઠીક. પણ ઉપરથી એને પરેશાન કર્યા રાખવાનો?દોડાદોડી નો કેસ આવે એટલે સીનીયર ડોક્ટર લીટો કરી જાય. ઓફીસ કામ માં ખોટીપો થાય એટલે જુનિયર ને આગળ કરી દેવાનો. ‘આજ કાલ નાં આવેલા’ ને કોઈ મોકો ના મળી જાય આપણા થી આગળ જવાનો એની કાળજી લેવાની. આવા બધા કામો માં વ્યસ્ત હોઈએ પછી આપની ફરજ નું કામ તો પેલા જુનિયરે જ કરવાનુંને!અને કામ તો ભલેને કરે બધું પણ રજા કે ઈન્ક્રીમેન્ટ કોઈ પણ બાબત માં કરગરાવવાનો તો ખરો જ.નહિ તો સિંદરી માંથી સાપ બની જાય!

નવી પેઢી જે કરે છે એ સાચું અને સારું છે કે કેમ ,ધ્યેયલક્ષી છે કે કેમ, તેમાં એમને આનંદ આવે છે કે કેમ એ તો પછી ની વાત છે પણ જોવાનું એ કે ‘એ ધાર્યું શેનું કરી જાય?’!!જે લોકો અચીવર હોય છે એમની વાત જુદી છે પણ જેમણે ફક્ત વર્ષો વીતાવ્યા હોય એવાઓ પણ સીનીયરીઝમ ની મજા જરૂર માણે છે. સીનીયરીઝમ ને ‘લાયસન્સ ટુ કીલ’ માનતા અને જુનિયરો ને હાડ કુત્તે કરતા સીનીયરો બિચારા જુનિયરો ને શાંતિ ની શ્વાસ લેવા દેતા નથી.કેટલાક ઘરો માં પણ આવા નજારા હોય છે. બાળકો ને સતત નીચા દેખાડવામાં અને પોતાને આધારિત હોવાનો અહેસાસ કરાવ્યા કરવામાં વાલીઓ પોરસાતા હોય છે. શાળામાં ‘ગુરુદેવો’ બાળકો ના માથાં ફોડી નાખે કે લોહી કાઢી નાખે એ પણ આવું સીનીયરીઝમ જ છે.

સીનીયર હોઈએ તો આપણે લીડરશીપ લેવી જોઈએ. એટલેકે માર્ગદર્શન,મદદ અને ઉત્તેજન આપવું. મુશ્કેલ કામ કરવાનો રસ્તો શોધવો, અને આગળ થઈને એ કામ કરવું નહિ કે પાછળ થી લાતો મારવી અને કામ થઇ ગયા પછી ટીપ્પણીઓ કરવી.લીડરશીપ એટલે જવાબદારી લેવી, નહિ કે ઢોળવી. આ જ લીડરશીપ અને બોસીઝમ વચ્ચે નો તફાવત છે.

સીનીયરો ના રેઢિયાળ સ્વભાવ ને લીધે કેટલાય ઉત્કૃષ્ટ લોકો કંટાળીને કામ કરવાનું મૂકી દે છે.સરવાળે નુકસાન તો સંસ્થાને, પરિવારને કે સમાજ ને જ થવાનું છે. જેમને શીખવાની ધગશ હશે એ તો અહી થી નહિ તો બીજે ક્યાંકથી શીખવાના જ છે. જો એમને પ્રેમથી શીખાવશું તો ઝડપથી અને સારું શીખશે અને ઉપરથી આપના આભારી રહેશે, અને ટપલા મારશું તો ધીરે ધીરે અને કંટાળા પૂર્વક શીખશે. એટલે મારી દ્રષ્ટિ એ આવું કરવાનો કોઈ જ ફાયદો તો થતો નથી જ. પણ સામું નુકસાન પુષ્કળ થાય છે.કામને, સમાજને,પેલા જુનિયરને અને સીનીયર ને પણ. સીનીયર ને કેવી રીતે?નકારાત્મક કાર્યો પોતાની જાત ને પારાવાર નુકસાન કરે છે…… વિચારી જોજો !….

Leave a Reply

error: Content is protected !!