પુનર્જીવન – દરેક સ્ત્રી સમજી શકશે આ મિયા નામની ૧૭ વરસની યુવતીની વ્યથા

અંધારિયા ઓરડાની બારીમાંથી ઉગવા મથી રહેલા સૂર્યના કેટલાક કિરણો ઓરડામાં પ્રવેશ્યા. બારી પાસે ગોઠવેલા પલંગના કિનારે, અપલક નજરે બહારના આકાશને નિહાળી રહેલી મિયાની આંખમાં પણ એમણે અજાણતા જ પ્રવેશ મેળવ્યો. કશાની પણ જગ્યા ન હતી હવે એ આંખોમાં, ન કોઈ સ્વપ્નાની કે ન કોઈ ઝંખનાની. એક ચમક અને શરારત, જે સદાય એની આંખોમાં રહેતી, એની પણ હવે તો કોઈ જગ્યા જ ક્યા હતી એ આંખોમાં! એની આંખ સૂજેલી હતી, રડી હતી એ કદાચ આખી રાત! એક ન સમજી શકાય એવું દુઃખ અને વ્યથા હતી એના મનમાં!

જેમ જેમ સૂર્યના કિરણોએ એના ઓરડામાં એની પરવાનગી વિના પ્રવેશ મેળવવા લાગ્યો તેમ તેમ એના મનમાં ચાલતા ધ્વંધ્વએ પણ એક સારાંશ તરફ જવા ગતિ કરવા લાગી હતી. આંખોના ખૂણાઓમાં હજીય થોડીક ભીનાશ હતી. વર્ષોથી એ એની સુંદર આંખોમાં કાજલ કરતી અને એનાથી એની આંખોની સુંદરતા વધુ ખીલી ઉઠતી. એ કોઈ દિવસ કાજલ ન લગાવે તો એની મમ્મી એને પૂછ્તીય ખરી, “મિયા? આજે ફરી કોઈની સાથે લડી કે શું? તું બોલે કે ન બોલે. તારી આંખો તો મને બધું જ કહી દે છે.” બસ એટલું કહીને એની મમ્મી એની સામે કાજલની ડબ્બી ધરી દેતી ને જાણે મિયા ફરીથી જીવંત બની જતી, પણ આજે આ કાજલ વગરની આંખો તદ્દન નિસ્તેજ બની ગઈ હતી.

મિયા, માત્ર ૧૭ વર્ષની યુવતી જેને દુનિયા પોતાની શરતો પર જીવવાની આદત હતી. એ જ્યારે એની મમ્મીના ગર્ભમાં હતી ત્યારે તેની હિલચાલ જોઈ એના માતા-પિતા સમજી ગયેલા કે આ કોઈ તોફાની નટખટ કનૈયો ઘરે પધારવાનો છે. ડોકટરે કહેલી તારીખે જ તેનો જન્મ પણ થયો હતો. છોકરાની ધારણા કરીને બેઠેલા ઘરમાં જ્યારે છોકરી જન્મી ત્યારે સૌ ચોંકી ઉઠ્યા, “તો આ નાની અમથી બાળકી આટલું હેરાન કરતી હતી”! નાનપણથી જ એનું તોફાન અને સ્વભાવ જોઈ એના માતા પિતાએ એનું નામ મિયા રાખેલું. ઇટાલિયન શબ્દ ‘મિયા’નો અર્થ રિબેલિયસ કે યોદ્ધો એવો થાય અને દીકરીના લક્ષણો જોઇને માતાપિતાને પણ એ એક યોદ્ધા જેવી જ લાગતી. હંમેશાં અન્યાય સામે અવાજ ઉઠાવતી, બિન્દાસ પોતાના વિચારોને રજૂ કરતી અને નિર્જીવ વસ્તુઓમાં પણ જીવ રેડી દેતી એમની મિયા પર એમને ખૂબ ગર્વ હતો! પરંતુ હવે જાણે એ પોતે જ નિર્જીવ બની ગઈ હતી. સૂર્યના કિરણો હવે આખા ઓરડામાં પગપેસારો કરી ચુક્યા હતા.

એ પલંગમાંથી ઉભી થવા ગઈ, પરંતુ એના ઘા હજી તાજા હતા. એને અત્યંત પીડા થઇ આવી. છતાં, મનને મજબૂત કરી એ ઉભી થઇ. એની આસપાસ વિખરાયેલા રજકણોની ગતિ પણ સૂર્યના કિરણોમાં સાફ દેખાઈ રહી હતી. આટલા સમયથી મનમાં ચાલી રહેલા અનેક વિચારોને હવે એના અંજામ સુધી પહોંચાડવાનો સમય આવી ચુક્યો હતો.

મિયા શાળામાં ખૂબ તેજસ્વી વિદ્યાર્થીની હતી એવું ન હતું, પરંતુ કદાચ સૌથી જીવંત હતી. એટલે જ તો એક અઠવાડિયાથી સ્કૂલે ન જનાર મિયાના મિત્રોથી લઈને પ્રિન્સિપાલ સુધીના દરેકે એના માતાપિતાને કેટકેટલાય ફોન કર્યા હશે! મિયાએ એક નજર એના ચહેરા પર નાંખી. એ હંમેશાં દર્પણમાં પોતાના ચહેરાને જોઇને વિચારતી કે, “ઈશ્વરે મને સુંદરતા શેના માટે આપી હશે? મને તો કશી જરૂર નથી આ સુંદર આંખો કે પછી આ કમળ જેવા ગુલાબી હોઠોની! જેને ખરેખર જરૂર હોય એવાને કેમ ઈશ્વર સુંદરતા આપતો નહીં હશે?” આજે કદાચ પોતાની સાથે કરેલો આ જ સંવાદ એને ફરી યાદ આવી ગયો અને સુજીને મોટી થયેલી એની આંખોમાંથી ફરી એ જ આંસુઓની ધાર વહેવા લાગી. એ ઝડપથી અરીસા પાસેથી ખસી ગઈ અને એના સ્ટડી ટેબલ પાસે બેઠી.

એના માતા-પિતાની એ લાડકી હતી. સામે મુકેલી માતા-પિતા અને ખુશખુશાલ મુદ્રામાં પોતાની તસ્વીર જોતા એ ફરી ભૂતકાળની એ ગલીઓમાં વિહરવા લાગી. એક પુત્રની જેમ જ ઉછરેલી મિયા, પોતે પણ વિસરી ગયેલી કે એ એક પુત્રી છે, પરંતુ આ સમાજે એની સ્ત્રી હોવાની હકીકતને જાણે એક ઝટકામાં યાદ કરાવી દીધી. એણે એક નોટપેડ અને પેન લઈને લખવાની શરૂઆત કરી.

પ્રિય મમ્મી-પપ્પા,

હું જાણું છું કે તમે મને હંમેશાં એક દીકરા જેવો જ લાડ લડાવ્યો છે. અઠવાડિયા પહેલા હું પણ પોતાને પુરૂષ સમોવડી જ ગણતી હતી. પણ હવે મને મારા સ્ત્રી હોવાનો અહેસાસ વારંવાર થાય છે, સમાજે કરાવ્યો છે. એ પુરૂષોની વાસના મારી લાજ સામે ઘણી વિશાળ હતી. આજે મને સમજાઈ છે કે એક દીકરી હંમેશાં દીકરી જ બની શકે, એ દીકરાની જગ્યા કદી લઇ જ ન શકે! તમે મને બધું ભૂલવા કહો છો અને હું પણ એ ભૂલવા જ માંગુ છું, પણ એ રાતની દરેકે દરેક સેકન્ડ મારા માનસપટ પર અંકિત થઇ ગયેલી છે. રસ્તા પરથી મને અચાનક ઉંચકવી, કારમાં મોઢું દાબીને બેસાડવી, એ નિર્જન બિલ્ડીંગ અને હવસખોરોની એ નજર…

બધું જ જાણે રહી રહીને મને એ કાળી રાતની યાદ અપાવે છે. જે વ્યક્તિઓએ મને પીંખી નાંખી એમની પાસે જ મારા પોતાના જીવન માટે ભીખ માંગવી અને કલાકો સુધી તેમના સ્પર્શને સહન કરતા રહેવું એ બધું જ આજે મને અંદરથી કોરી ખાય છે. ગીધ જેવા પક્ષીઓ પોતાના શિકારને જેમ નોચી નોચીને પોતાનું પેટ ભરતા હોય છે તેમ મારા જખ્મોને ફરી ફરીને તાજા કરવામાં આ સમાજ અને ન્યાય પ્રણાલી કંઈ ઓછા ઘા કરે છે? જ્યારે રસ્તા પર નીકળું છું અને પાછળથી કોઈના પગલાનો અવાજ સંભળાય છે તો સહેમી જાવ છું. મારા હોઠો દાંતો વચ્ચે ભીંસાય જાય છે અને શરીરમાં વીજઝડપે લાગણીઓનો એક પ્રવાહ દોડવા લાગે છે.

કોઈ જાણીતા કે ઘરના વ્યક્તિનો સ્પર્શ અનુભવું છું તો પણ મન બેચેન થઇ ઉઠે છે. મારો આત્મા જ કંપી જાય છે. કઈ રીતે ભૂલું કે મારી આત્માને અઠવાડિયા પહેલા જ એ હવસખોરોએ ચૂંથી નાંખી છે? કઈ રીતે મનમાંથી મારી એ સમયની સ્થિતિ ભૂસી કાઢું, જે ક્યારેક હજીય રાતના સ્વપ્નોમાં આવી મને ડરાવી જાય છે? કઈ રીતે કાનમાં ગૂંજતી મારી જ ચીસોને શાંત કરું, જે મને બીજા કોઈ પણ અવાજો સાંભળવા દેતી જ નથી? મારું શરીર હજીય એ દુષ્ટોએ આપેલી પીડા અને જખમોથી દુર્ગંધ મારે છે. જાણે મારી આત્માને કોઈ અજાણ્યા જ શરીરમાં વાસ મળ્યો હોય એમ હું પોતાને જ અનુભવી શકતી નથી. શું ગુનો હતો મારો? અને શું ગુનો હોય છે મારા જેવી યુવતીઓનો? મને યાદ છે જ્યારે આઠ મહિના પહેલા એક મેટ્રો શહેરમાં આવો જ કિસ્સો બનેલો ત્યારે પપ્પાએ મને કહેલું કે “બેટા, એટલે જ અમે તને સાચવવા કહીએ છીએ. જમાનો બહુ ખરાબ આવ્યો છે.” પણ તે સમયે હું જુસ્સામાં હતી. કોઈ પણ સ્થિતિ સામે લડી લેવાના મિથ્ય સ્વપ્નાઓમાં રાચતી હતી.

જ્યારે આજે હું પણ એક ‘પીડિતા’ના ટેગ હેઠળ દબાઈ ગઈ છું ત્યારે મને લાગે છે કે હવે વધુ જીવવાનો કોઈ અર્થ નથી. હજી તો એ યુવતીને ન્યાય નથી મળ્યો અને મારી સાથે પણ એ જ ઘટના બની, તો હું ન્યાયની આશા કઈ રીતે રાખી શકું? શારીરિક બળાત્કારનો ભોગ બનેલી યુવતીને માનસિક બળાત્કારનો ભોગી બનાવતી આ કાનૂન વ્યવસ્થાના સહારે હું એક ‘પીડિતા’ના લેબલ સાથે જીવવા નથી માંગતી. તમને દુઃખ થશે, મને પણ થાય છે, પરંતુ હવે મારી પાસે અન્ય કોઈ રસ્તો રહ્યો નથી. ઘણા વિચારોને અંતે મને માત્ર આ જ એક રસ્તો દેખાય રહ્યો છે. સન્માન વગરનું જીવન ન મને પહેલા મંજૂર હતું, ન અત્યારે છે. એ નરાધમોને સજા મળે ન મળે, હું તમને વધારે સજા આપવા નથી માંગતી. હું, બસ હું જ આ જીવનને હવે વધુ જીવવા નથી માંગતી.

તમારી દીકરી,
-મિયા (જે હવે ‘પીડિતા’ના નામથી ઓળખાય છે.)

એણે બાજુમાં પડેલા પાણીના ગ્લાસમાંથી પાણીના બે ઘૂંટડા પીધા. ફરીથી મગજમાં ચાલતા વિચારોના પૂરને શાંત કરવા એ બારી પાસે ગઈ. એના ઘરની બહાર એક સુંદર ગાર્ડન હતો. ‘પુનર્જીવન ગાર્ડન’! હા, શહેરના કેટલાક વૃદ્ધોએ ભેગા મળીને આ ગાર્ડન બનાવ્યો હતો અને રોજ સવારે એમના ‘હેપ્પી ક્લબ’ના અવાજથી શહેરના શાંત રસ્તા પણ ગાજી ઉઠતા. બે દિવસ પહેલા આ જ ગાર્ડનના એક બાંકડે બેસી મિયા અને એના પપ્પાએ ઘણી વાતો કરી હતી. દીકરીના માનસપટ પરથી એ અવિસ્મરણીય કાળી રાતના પડઘા શાંત થાય એ માટે એના પિતાએ કોઈ પણ પ્રયત્ન બાકી રાખ્યો ન હતો. જ્યારે એના પિતા પર કોઈકનો ફોન આવ્યો ત્યારે ઝપાટાભેર મિયા બાજુની મેડીકલ શોપમાંથી ઊંઘની કેટલીક ગોળીઓ ચુપકેથી લઇ આવી હતી. એ જ ગોળીઓની બોટલને હાથમાં લઇ મિયા આજે આત્મહત્યા કરવા જઈ રહી હતી. ૨૦ જેટલી ગોળીઓ હાથમાં લઇ એ હવે પોતાના જીવનને પૂર્ણ કરવા માટે તૈયાર હતી, મનથી અને શરીરથી!

એણે એક નજર એના માતા-પિતાની તસ્વીર તરફ ફેરવી અને પછી બહાર આકાશમાં જોવા બારીની બહાર એક નજર કરી અને ત્યાં જ એને નાદિયા મૌસી દેખાયા! “અરે, રહીમચાચા કેમ નથી દેખાતા?” એના મનમાં ફરી એક પ્રશ્ન થયો. એણે આમતેમ નજર દોડાવી પણ એને કશે પણ રહીમચાચા દેખાયા નહીં, એણે તરત જ બાજુમાં પડેલા પોતાના ફોનમાંથી નાદિયા મૌસીનો નંબર ડાયલ કર્યો. રિંગ જઈ રહી હતી. મિયાની આંખ સમક્ષ નિત્યક્રમ અનુસાર નાદિયા મૌસી અને રહીમચાચાનું એ મોર્નિંગ વોક તરવરવા લાગ્યું. રોજ સવારે આ દંપતી એકબીજા સાથે આખા ગાર્ડનની સવારી કરે, ગાર્ડનમાંથી ફૂલ ચૂંટવાની મનાઈ હોવા છતાં રહીમચાચા ગુલાબનું એક સુંદર ફૂલ લઇ, નાદિયા મૌસીના લાંબા સફેદ વાળોમાં પોતાના હાથે નાખતા. એક બાકડા પર બેસી રોજ જ કદી પણ પૂરી ન થાય એટલી વાતો કરતા. મિયા રોજ જ આ દંપતીને જોતી અને વિચારતી કે આ પૈકી એક પણ જો ન રહે તો બીજાનું જીવન પણ એ જ ક્ષણે પૂરું થઇ જાય.

માણસની પ્રકૃતિ પણ કેવી વિચિત્ર નહીં! એક બાજુ પોતાના જીવનને ટુંકાવવા માટે તત્ત્પર મિયાને નાદિયા મૌસીના શોહર રહીમચાચા ન દેખાતા કંઇક ઘટ્યાની ભ્રાંતિ થઇ ગઈ હોય એમ વ્યાકુળ બની ગઈ! આમ છતાં, નાદિયા મૌસીનો તો એ જ ઉમળકાભેર અવાજ મિયાને સંભળાયો. મિયાએ કોઈ પણ આડી અવળી વાત કર્યા સિવાય સીધો રહીમચાચા વિશે જ પ્રશ્ન કર્યો. નાદિયા મૌસીએ દૂરથી બારીએ બેઠેલી મિયાને હાથ કર્યો. એમની નજર કમજોર હતી, પણ એમનો ઉત્સાહ એ જ હતો. એમણે રહીમચાચાને ત્રણ દિવસ પહેલા અચાનક આવેલા હાર્ટ એટેકની માંડીને વાત કરી અને અલ્લાહને એમના શોહરની આત્માને શાંતિ આપવા માટે બંદગી કરી. જીવનમાં આવતા દુ:ખો સામે ઘૂંટણ ટેકવાને બદલે એની સામે બમણા જોશથી યુદ્ધ લડવા માટેની શીખ એને નાદિયા મૌસી આપી રહ્યા.

સમસમી ઉઠી મિયા! એક ૯૦ વર્ષની વૃદ્ધા, કે જેના જીવનમાં એકમાત્ર સહારો જ એનો શોહર હતો એ હવે હયાત નથી, છતાં એના જીવનનું જોમ અને ઉત્સાહ એમ જ અકબંધ હતું. મિયા વર્ષોથી નાદિયામૌસી અને રહીમચાચાને જોતી આવી હતી. બંનેનું જીવન એકમેકથી જ પૂરું થતું હતું અને જીવનના આ પડાવ પર જ્યારે નાદિયામૌસીને સૌથી વધારે રહીમચાચાની જરૂર હતી ત્યારે જ તેમની આ અચાનક વિદાયથી મૌસીનું જીવન મુશ્કેલ જ નહીં, પરંતુ અનેક સંકટોથી વિખેરાઈ જવાનું હતું એ મિયા જાણતી હતી. આમ છતાં, મૃત્યુની કગારે ઉભેલી આ વૃદ્ધ સ્ત્રીની એના જીવનની કિંમત જાણતી હતી.

જ્યારે જીવનના અનેક વર્ષો રહીમચાચા સાથે ગાળ્યા બાદ, નાદિયામૌસી પોતાના જીવનસાથીની યાદોને જીવંત રાખવા માટે આ જીવનને ત્યજી નથી રહી તો શા માટે માનસિક વિકૃતિ ધરાવતા એ નરાધમો માટે હું આ જીવનને ત્યજવાનો વિચાર મનમાં લાઉં?- મિયા વિચારતી રહી. એણે ફરી એના હાથમાં રહેલી ગોળીઓ તરફ ધ્યાનથી જોયું. શું એનું જીવન આ ગોળીઓનું મોહતાજ હતું? શું વાસ્તવામાં એના શરીર પર બળાત્કાર થયેલુ કે પછી જે હવસખોરોએ તેને પીંખી નાખેલી એમના મનનું બળાત્કાર હતું એ? એની સૂજેલી આંખોમાં ફરી એ જ ચમક આવવા લાગી. આટલા દિવસોથી મૂક બની ગયેલી મિયાના સ્વરો પાછા આવવા લાગ્યા હતા. એના સુકાઈ ગયેલા કંઠમાં આશાનું અમૃત રેલાઈ રહ્યું હતું અને એને ‘શુદ્ધતા’નો ખરો અર્થ સમજાઈ રહ્યો હતો.

સમાજની નજરોમાં ભલે એને એક ‘પીડિતા’ ગણવામાં આવી રહી હતી, પરંતુ મનથી એણે ફરી કદી પણ ‘પીડિતા’ ન બનવાનું નક્કી કર્યું. ઘણીવાર જીવનમાં માણસ પોતે જ પોતાની દયા ખાઈને દુઃખોના ડુંગરો બનાવતો હોય છે, પરંતુ હવે મિયામાં ફરી એ જ યોદ્ધાએ જન્મ લીધો હતો. નાદિયામૌસીના ઉંમરના આ પડાવે પણ જીવનને ઉત્સાહથી જોવાના નજરિયાથી એના મનમાં આશાનું નવું કિરણ ફૂટ્યું હતું. શુદ્ધ અને અશુદ્ધ એ તો આપણા મને બનાવેલી વ્યાખ્યા છે. જબરજસ્તીથી સ્ત્રી પર કરવામાં આવતા અનિચ્છીત સ્પર્શથી સ્ત્રીઓ અશુદ્ધ નહીં, પુરૂષો અશુદ્ધ બનતા હોય છે. બળાત્કાર એ કોઈ પણ સ્ત્રીના જીવનનો અંત નહીં, પણ એક નવી શરૂઆત છે. આથી પોતાને જ અશુદ્ધ માની બેઠેલી અને જીવ આપવા તૈયાર થયેલી મિયાએ એ સ્યુસાઈડ નોટ ફાડી નાંખી. સમાજમાં ફેલાયેલી અશુદ્ધતાની આ મિથ્ય વ્યાખ્યાને સુધારવી એ એના જીવનનો એકમાત્ર ધ્યેય બની રહ્યો. એના પલંગ પર વિખેરાઈ ગયેલી ગોળીઓને ડબ્બીમાં ભરી, એક ખૂણામાં સંતાડી દીધી અને એની દિવાલ પર મોટા અક્ષરે લખવા લાગી, “આઈ વિલ નેવર ક્વીટ”!

Leave a Reply

error: Content is protected !!