માન કે ના-માન

એક પુરુષ ધન મેળવવા માટે લક્ષ્મીને પૂજે, જ્ઞાન મેળવવા માટે સરસ્વતીને પૂજે અને શક્તિ મેળવવા માટે આદ્યશક્તિને પૂજે. આજ પુરુષને સ્ત્રી ફક્ત એક મહાદેવ જેવા ભોળા ભગવાનને પૂજીને મેળવે. જોવો છે આમાં ક્યાંય સમાનતા? નથીને? પછી શું? પછી મહાદેવ પાસેથી વરદાન મેળવેલાં મનગમતાં પુરુષની સેવા કરવા સ્ત્રી જોતરાઈ જાય છે. પુરુષ વધારે મહેનત કરે છે અને સ્ત્રી ઓછી મહેનત કરે છે એવું સમાજના અડધા અડધ ભાગનું માનવું છે. જમાનો હવે પહેલા કરતાં ઘણો અલગ છે. સ્ત્રીઓ પર હવે પહેલા જેટલી પાબંધી નથી કે નથી પહેલા જેવી કોઈ રોકટોક. સ્ત્રીને જરાય સ્વતંત્રતા નથી અને તે હજી પુરુષ પ્રધાન સમાજમાં જીવી રહી છે, સ્ત્રી એટલે આ સમાજ વ્યવસ્થાનો અડધો દબાયેલો હિસ્સો… જ્યારે આવી ચર્ચા થાય ત્યારે તે મને તો ગળે નથી ઉતરતી કારણકે આ હવે એક મિશ્રિત સમાજ છે. કદાચ ટકાવારી કાઢવા જાવ તો સ્ત્રીના પાત્રમાં હજી સ્વતંત્રતાના નામે ઓછાં ટકા આવે અને સમા પક્ષે વધારે પણ તે છતાં હવે સ્વતંત્રતાના નામે ચળવળ ચલાવવાનું મને જરાય યોગ્ય નથી લાગતું. એક સ્ત્રી તરીકે તો નહીંજ. વાત કરીને, ચર્ચા કરીને, પરિસ્થિતિ સમજાવીને, હક લેવાનો જમાનો છે. મિશ્રિત સમાજ છે એટલે બધાં પ્રકારનાં લોકો આમાં આવી જાય. એવા જેમને પૂરી આઝાદી છે. એવા જેમને હજી પૂરેપૂરી આઝાદી નથી અને એવા પણ જેમને હજી જરાય આઝાદી નથી.

સ્ત્રીને પુરુષ સમોવડી કેમ થવું છે? શું સ્ત્રીને પેન્ટ પહેરીને પુરુષની જેમ ઘરની બહાર જવું છે? શું તેને પાનના ગલ્લે જઈને સિગરેટના કશ મારતાં મારતાં પાનવાળાના પોર્ટેબલ ટીવી પર આવતી ક્રિકેટ મેચ જોવી છે? શું તેને મેચ જોતા જોતા કેચ છૂટી ગયા બાદ કે સરખી સિક્સર ના વાગ્યા બાદ ક્રિકેટરને માં-બેનની ગાળો આપીને પછી ભારતથી સીધો ભારત સરકાર પર મૌખિક એટેક કરવો છે? શું તેને બાઈક ચલાવતાં રસ્તા પર ચાલતી બીજી સુંદર સ્ત્રીઓ પર, આઈ મીન પુરુષો પર નજર નાખવી છે અને અથડાતાં અથડાતાં બચવું છે? શું તેને સવારે વહેલાં નીકળીને બાળકોને બેફિકરાઈથી ઘરે મૂકી દઈને અડધી રાત્રે ઘરે આવવું છે? શું તેને દારૂબંધીના રાજ્યમાં મિત્રો સાથે છાનોછપનો દારુ પીવો છે? શું તેને ઉનાળાનાં દિવસોમાં ઘરમાં ફક્ત પેન્ટ પહેરીને અને ઉપરનું અંગ ખુલ્લું રાખીને ઘરમાં ફરવું છે? શું તેને વાતે વાતે પુરુષોને ઉતારી પાડીને પોતાની જાત પ્રસ્થાપિત કરવી છે? આના સિવાયનાં પણ અયોગ્ય કારણો છે જેની ચર્ચા પછીથી કરીશ પણ શું ખરેખર સ્ત્રીઓ આવી સ્વતંત્રતા મેળવવા માટે કે સમાન હોવા માટે ઝુંબેશ ચલાવે છે? જવાબ છે ના, ના અને ફક્ત ના…. સ્ત્રી વિશેનું મારું પૂરું વક્તવ્ય થયા પછી મને એક બહેને કહ્યું કે છેલ્લે તમારે પુરુષોને આટલું કહેવા જેવું હતું કે સ્ત્રીને ખાલી માન આપતાં શીખો. મેં કીધું કે હા એ કહેવા જેવું હતું. પણ પછી એમ થયું કે કહીશ તો શું થશે? જે પુરુષ પોતે પોતાના સંતાન આગળ તમે કહેવાય છે અને એની માતા તું કહેવાય ત્યાં સ્ત્રીને માન આપતા શીખો વાત ક્યાં વ્યાજબી લાગશે? કેમ એક સ્ત્રીને, એક માતાને તમે સંબોધન નો હક નથી? જો પપ્પા તમે હોય તો માતા પણ તમે હોય. મને તો આમાં આત્મીયતાની દલીલ પણ ખોટી લાગે. માતાને એક સંતાન પોતાનાથી નજીક ગણે છે, પોતાની મિત્ર સમાન ગણે છે અને માતા સાથે તેને વધારે બને છે એવી દલીલો આમાં કામ નથી લાગતી કારણકે સીધો પ્રશ્ન એમ થાય કે શું તો સંતાનને પિતા સાથે એટલું નથી બનતું? શું તેને પિતા સાથે મૈત્રીનો સંબંધ નથી? શું તે પિતાની નજીક નથી? શું તેને પિતા પ્રત્યે આત્મીયતા નથી? જવાબમાં એમ કહેવાશે પિતા સાથે પણ છે છતાં માતા સાથે છે એટલું તો નહીં જ. પણ આ જવાબ ખોટો છે. તમે પોતે સ્ત્રીને જેમ બોલાવશો એમ તમારી સંતાન પણ શીખશે. તમે માન આપશો તો એ પણ આપશે. તમે એને તુકારો કરશો તો એ પણ કરશે. જેમ સ્ત્રી પોતાના પતિને માન આપે છે એટલે તેની સંતાન પિતાને માન આપે છે એવુંજ માતાને પણ લાગુ પડે છે. સ્ત્રીને અંતે સમાજ કે એક પુરુષ પાસેથી શું જોઈએ? સ્ત્રીને ‘તમે’ કહેવવાનો હક નથી જોઈતો. એને ફક્ત એના જેટલા આકાશમાં ઉડાન ભરવાની તક જોઈએ, થોડી હુંફ, થોડો પ્રેમ અને સમાજ સામે તેને માન મળે એટલે સ્ત્રી આખું જીવન તમારું ઋણ ચુકવતી રહે.

એક દિવસ રસોડામાં ચા ઉભરાઈ જતા. પતિ ગુસ્સે ભરાઈને એની પત્નીને ખખડાવે છે. નોનસેન્સ, તારું ધ્યાન ક્યાં છે? અહિયાં ચા ઉભરાઈ જાય છે અને તું છે ક્યાં…?’ પત્ની ‘પણ હું તો બાથરૂમમાં તમારું ગરમ પાણી કાઢવા ગઈ હતી…’..પતિ ‘તો ગેસ ધીમો કરીને જવાય ને કાં તો બંધ કરીને જવાય…’ પત્ની ‘તમેજ કહો હું એકસાથે કેટલા કામ કરી શકું…કેટલું યાદ રાખું. કેટકેટલે ધ્યાન આપું..? પતિ ‘તો તારે બીજું શું કરવાનું હોય…’ પત્ની ‘હું કામમાં હોઉં તો તમે તમારું ગરમ પાણી ના કાઢી શકો?’ પતિ ‘એ મારું કામ થોડી છે…તારું કામ છે.’ ચર્ચા અહીં પતી ગઈ. ૧૦ વર્ષનો આ ચર્ચાનો સાક્ષી ઘરમાં હાજર હતો. લગભગ એક મહિના પછી આ દીકરાનો મિત્ર તેના ઘરે રમવા આવે છે. મમ્મી જ્યુસ બનાવે છે. ત્યાં નીચે બેસીને ગેમ રમતાં દીકરાના ગેમ એક હિસ્સો પડેલો હતો. ધ્યાન ન હોતા માતાનો પગ એમાં પડ્યો અને ટ્રે ડગમગી. જ્યુસનો એક ગ્લાસ નીચે પડ્યો. બાળકો જોઈ રહ્યાં. દીકરાનો દોસ્ત ’ઓહ, જ્યુસ ઢોળાઈ ગયું…’ દીકરો ‘મમ્મી આવુંજ કરે છે. પપ્પા પણ થોડા દિવસ પહેલા ચા ઉભરાઈ ગઈ ત્યારે મમ્મીને કેટલું બોલતા હતાં.’ આ વાત માતાએ સાંભળી પણ જતી કરી અને કીધું કે ‘બેટા જરા એ ગ્લાસ ઉપાડીને મને રસોડામાં આપી જા તો.’ દીકરો ‘મમ્મી એ મારું કામ થોડી છે. તું જાતે આવીને લઇ જા.’ એક ચર્ચાની અસર કેવી થઇ છે? જો એ વખતે ચા ઉભરાઈ ત્યારે પતિએ એમ કહ્યું હોત કે ‘આ ચા ઉભરાઈ ગઈ છે. સાફ કરી નાખજે અને બીજી વાર ધ્યાન રાખજે. નાહકનું તારુંજ કામ વધી જાય પછી અને એવું હોય તો મને કહેજે મારું ગરમ પાણી હું જાતે કાઢી લઈશ. તું એકલી કેટલી દોડાદોડી કરીશ.’ આ વાતની કેવી અસર થાત? માન આપવાની શરૂઆત ઘરમાંથીજ થાય છે.

સ્ત્રી પુરુષના સંબંધને સમજવો ખુબ અઘરું કામ છે. કદાચ હિમાલય સર કરવાથી પણ વધુ અઘરું. ‘તું મને ક્યારેય નહી સમજી શકે…’ કોઈ એવું વ્યક્તિ નહીં હોય આ દુનિયામાં જેણે આ વાક્ય નહી સાંભળ્યું હોય. આ એક ખુબજ સાહજીક અને સ્વાભાવિક વાત છે. પણ સાથે રહેવું હોય તો સમજવું તો પડશે ને? હક લેવો અને એકબીજાને સમજવું એ વિષે ચર્ચા કરીશું આવતા મંગળવારે.

Leave a Reply

error: Content is protected !!