હું તું અને આપણે
દેખ લે તું દેખતે હુએ કૈસા દિખતા હૈ!

દેખ લે તું દેખતે હુએ કૈસા દિખતા હૈ!

ગાંધીજીનાં ત્રણ વાંદરા એટલે? બુરા મત સુનો, બુરા મત દેખો, બુરા મત કહો… આજનાં માનવીને આવું કહીએ તો તે શું જવાબ આપે? કાન હોય અને કાનને બંધ કરવા માટે ઢાંકણું પણ ના હોય તો બધું સંભળાવવાનું જ, આંખો હોય અને આંખોને પાંપણ પણ હોય તે છતાં આંધળા સાબિત ના થવાય એટલે બધું દેખાવાનુંજ. બોલે એના બોર વહેંચાય, ચુપ રહીએ એ બે ખાય એટલે બોલવું તો પડેજ. ઝેર બધેજ છે! સાંભળવામાં, દેખવામાં અને બોલવામાં. આ દરેક ઝેર પોતપોતાની રીતે કામ કરે છે. કરતું રહે છે. આમાંથી બે ઝેર છાનામાના ફેલાય છે. દેખવાનું અને સાંભળવાનું, પણ તેની અસર ગાજે છે. છાપરે ચડીને પોકારે છે.

દેખવાનું ઝેર કોઈવાર ખતરનાક હોય છે તો કોઈવાર ખુબસુરત. ઘણીવાર ખુબસુરત હોય છે અને પછી ખતરનાક થઇ જાય છે.
આજકાલ યુટ્યુબ પર એક વિડીઓ ફરતો થયો છે. આ વિડીઓ વાયરસની જેમ ફેલાઈ રહ્યો છે. ચાર છોકરીઓને અલગ-અલગ છોકરાઓ પોતપોતાની નજરથી જોતાં હોય છે. એમની નજર એમની સામેજ અલગ અલગ રીતે પ્રતિબિંબિત છે. ત્યારે તેમને ખ્યાલ આવે છે કે તેમની નજર ખરેખર કેટલી ગંદી છે. આ વિડીઓમાં એક વાક્ય ગીત બનીને ચાલે છે… ‘દેખ લે તું દેખતે હુએ… કૈસા દિખતા હૈ…’
હવે જે હું કહીશ એનાથી કદાચ ખળભળાટ મચી શકે અથવા દરેક વાંચનારના મગજમાં માનસિક ભૂકંપ આવી શકે છે.

સ્ત્રી એ ઈશ્વરની બનાવેલી ખુબસુરત બલા છે. તે ગોરી હોય કે કાળી હોય, સુંદર હોય કે કદરૂપી હોય. પણ તે ખુબસુરત છે અને તેની ખુબસુરતી નીરખવાને લાયક છે. તેની ખુબસુરતીનું રસપાન કરવાની પરવાનગી ઈશ્વરે દરેક પુરુષને આપી છે. જો સ્ત્રીની ખુબસુરતીને નીરખવાવાળા અને દાદ આપવાવાળા પુરુષો ના હોય તો ઈશ્વરની મહેનત નિષ્ફળ કહેવાય. અરે ઈશ્વર પોતે નિરાશ થઇ જાય કે મારાં આ ઉત્કૃષ્ટ સર્જનને કોઈ દાદ નથી આપતું…? પણ મહત્વનું એ છે કે આપણે આ ‘સ્ત્રી’ નામે ઈશ્વરના સર્જનને કેવી રીતે દાદ આપીએ છે. દરેક સ્ત્રી ખુબસુરત છે અને એટલેજ દરેક સ્ત્રીને નિહાળવા માટેની નજર પણ ખુબસુરત હોવી જોઈએ.

દેખ લે તું દેખતે હુએ… કૈસા દિખતા હૈ માં આ વાત સ્પષ્ટ રીતે સાબિત થાય છે. પોતાની ગંદી નજર પોતાના પર પડે ત્યારેજ પોતાને ખ્યાલ આવે છે કે ખુબસુરતીને એ ગંદી નજરથી નિહાળવી એ કેટલી મોટી ભૂલ છે.

બાળકો આજે ટીવી પર આવતી સેનેટરી પેડ, આઈ-પીલની ગોળીઓ, પ્રેગનેન્સી ટેસ્ટ કીટ અને કોન્ડોમની જાહેરાતો જોઇને મોટા થઇ રહ્યા છે. પ્રશ્નો પૂછે છે. સંતોષકારક જવાબ ના મળતાં શંકાની નજરથી માતા-પિતાને જોવે છે. મિત્રો સાથે એની ચર્ચા કરે છે. સ્ત્રીઓ આજે ટીવી સીરીયલો, એમાં આવતાં નકલી રોમાંસ અને એમાં આવતી દરેક ‘બીજી’ સ્ત્રીને જોઇને જીવી રહી છે. પુરુષો સ્ત્રીને જોઇને જીવી રહ્યાં છે! આ સિવાયનું જે બાળકો, સ્ત્રીઓ અને પુરુષો જોવે છે તે પણ જાણવાલાયક છે!

બાળકો માટે ઘણું બધું નવું છે. કાલનાં બદસુરત કાંટાળા છોડ પર આજે કેવી નાજુક, લાલ ગુલાબની કળી આવી છે તે પણ નવું છે. પુરુષ અને સ્ત્રીના શરીરના બંધારણમાં કેમ આટલો ફેર છે. મિત્ર ૩ બેડરૂમ હોલના એપાર્ટમેન્ટ રહે છે અને પોતે ૧ બેડરૂમ ફ્લેટમાં એવું કેવું… મિત્રની મમ્મી જીન્સ પહેરે છે તો તું કેમ નથી પહેરતી? કેમ જ્યારે હીરો-હિરોઈન ની નજીક આવે ત્યારે પપ્પાને તરસ લાગે છે અને તેઓ રસોડામાંથી પાણી મંગાવે છે કાં તો મમ્મીને કોઈક ને કોઈક વસ્તુની જરૂર પડી જતી હોય છે?

સ્ત્રીઓ માટે અને પુરુષો માટે ફક્ત હજી પણ એકબીજાને સમજવું એજ નવી વાત છે. ‘તું મને ક્યારેય નહિ સમજી શકે…’, ‘તમે મને ક્યારેય નહી સમજી શકો…’ આ વાક્ય વર્ષમાં ૩૬૪ વાર બોલાતું હશે અને ૧ વાર એમ પણ બોલાતું હશે કે તારા સિવાય કે તમારા સિવાય મને બીજું કોઈ સમજી ના શકે. સ્ત્રી હજી સુધી કેમ તેમના કરતા નબળી છે? એ પુરુષનો પ્રશ્ન છે. સમાજ હજી સુધી પુરુષ પ્રધાન કેમ છે? એ સ્ત્રીનો પ્રશ્ન છે. રમતિયાળ બાળકને કેવી રીતે ભણતું કરવું? એ સ્ત્રીનો પ્રશ્ન છે. આ બીજી પરીક્ષામાં કેમ બાળકનાં ટકા ઓછા આવ્યાં? એ પુરુષનો પ્રશ્ન છે. સાંજે માંડ એક રોમેન્ટિક ડીનરનો પ્રોગ્રામ ગોઠવાયો છે તો પત્ની વહેલી નવરી પડશે કે નહી? એ પુરુષનો પ્રશ્ન છે. ડીનર પર જતાં પહેલાં સાસુ-સસરા માટે શું જમવાનું બનાવીને જવું? તે સ્ત્રીનો પ્રશ્ન છે. રાતના મનગમતાં શારીરિક સહવાસની શરૂઆત પત્ની કેમ ના કરી શકે? એ પુરુષનો પ્રશ્ન છે. હું ના નથી પાડતી પણ હું ખુબ થાકી ગઈ છું એ કેમ કરીને તેમને સમજાવવું? એ સ્ત્રીનો પ્રશ્ન છે.

સામસામે એકબીજાના પ્રશ્નોને સમજવા ખબ જરૂરી છે. બંનેનાં પ્રશ્નોને સમાન મહત્વ હોવું જોઈએ. અહિયાં આપણે શીર્ષક ને આ રીતે કહી શકીએ ‘સમજ લે તું સમજતે હુએ કિતના અચ્છા લગતા હૈ’ પણ આ વાક્ય બંને માટે લાગુ પડે.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Nisha Panchal

Nisha Panchal

Nisha Panchal is a budding writer and has handsome experience in script writing, story writing and articles in magazines and on website too.

તાજા લેખો

error: Content is protected !!