પતંગ ન ઉડાડી જાણનારા ‘પતંગપંગુ’ માટે ખાસ ટિપ્સ

એવું નથી કે દરેકે દરેકને પતંગ ઉડાડતા આવડતું હોય, જો એવું જ હોય તો ફીરકી પકડનાર કોણ!!! એટલા માટે જ ભેળપુરી તરફથી ખાસ આ પ્રકારના પતંગ-અપંગ લોકો (પતંગપંગુ) માટે લેખરૂપી માંજો.

૧) અહી તહીથી પતંગ લુંટીને એકઠી કરવી, જેથી પતંગની દુકાનો સુધી જવાની જરૂર નાં પડે.(જરૂર પડે ત્યાં લંગરિયાનો ઉપયોગ કરવો.)

૨) નવી કે અવ્યવસ્થિત પતંગોના કિન્ના બાંધીને કે જરૂર પડે ત્યાં રીપેરીંગ કામ કાજ કરીને તૈયાર રાખવી, જેથી પતંગ ઉડાડનારાઓને આ બધી ઝંઝટમાં પડવું નહી. (યાર આટલું તો આવડવું જોઈએ.)

૩) “કાપ્યો….છે, લપેટ…….” ની વારંવાર બુમો પાડ્યે રાખવાની જેથી પતંગ ઉડાડનારાઓ સાથે પોતે પણ એક્ટિવ રહે.

૪) (શાંત પતંગપંગુ માટે)જો ઉપરનું કંઈ નાં આવડે તો હાથમાં ફીરકી પકડીને ઉભા રહેવું અને પતંગ ઉડાડનારાઓની દરેક સુચનાનો અમલ કરવો.

૫) મ્યુઝિક પ્લેયરમાં સમયાંતરે સીડી-ડિવીડી ચેન્જ કરવાની જવાબદારી લઇ-લેવાની અને સારા સારા સોન્ગ્સ વગાડ્યે રાખવાના.

૬) અહી તહીથી કપાઈને આવતી પતંગોની દોરનો એક ફીરકી સંગ્રહ કરવો. જેથી આવતા વર્ષે આ બધું લેવું જ ના પડે ને દોર પણ રંગ-બે-રંગી દેખાય. ( વધારાના ખર્ચમાંથી છુટકારો)

૭) ગળામાં કેમેરા લટકાવી પતંગ-રસિકો ના જાત જાતના ને અલગ અલગ એન્ગલના ફોટા પાડ્યે રાખવાના ને ફેસબુકને વોટ્સ એપ પર અપલોડ કર્યે રાખવાના (આમ કરવાથી તમારી ફોટોગ્રાફર તરીકેની ક્ષમતા બહાર આવશે).

૮) એવી જ રીતે ફેસબુકના ઉત્તરાયણ નિમિત્તના દરેક સ્ટેટ્સ/ફોટા લાઈક (પોતાના સ્ટેટ્સ સહીત) કરવાના, જેથી વર્ચ્યુઅલ ઉત્તરાયણ તો ઉજવી ગણાય.

૯) તલ-સાંકળી, ચીકી, મમરાના લડ્ડુ… વગેરે… વગેરે…નો અગાસી પર પ્રબંધ રાખવો, જેથી “ચીકી-બ્રેક”માં આ બધું ઘડી ઘડી વારે ઝાપટી શકે. તદુપરાંત પાણીની બોટલો પણ તૈયાર રાખવી.

૧૦) સીન નાખવા ગોગલ્સ, કેપ, દૂરબીનને ખડે પગે રાખવા. સાથે સાથે આજુબાજુની અગાસી પર સુંદર-રમણીય છોરીઓ અને છોરીઓની પતંગ પર બાજ નજર રાખવી અને તેમની અને તેમની પતંગ સાથે પેચ લડાવવા અને હાથે કરીને આપણી પતંગનો દોર કાપીને એમને જીત આપવાની, જેથી એ ખુશીને મારે પાગલ થઈને તમારા તરફ આકર્ષાશે. (છોરા-છોરી બંને માટે આ સાચું છે.)

૧૧) પતંગ પરના વર્લ્ડ-રેકર્ડસ ભેગા કરીને બધાને ‘પતંગ-જ્ઞાન’ પીરસવું, જેથી પોતે ફ્રી ના રહે.

૧૨) આવા લેખ વાંચીને સમય પસાર કરવો.

Leave a Reply

error: Content is protected !!