લજ્જા, શર્મ.. માણસ હોવાની?

“તમે મારી બહેન માયાને ક્યાય જોઈ છે?”- એક અજાણ્યો રઘવાયો થયેલો યુવાન મને પૂછી રહ્યો.
“જી ના. હું કોઈ માયાને નથી ઓળખતી.”-હું મારા ફેવરેટ કેફેના ગાર્ડનમાં નિરાંતની પળો માણી રહી હતી, મારી ફેવરેટ બુક અને મારા બેસ્ટ બડ્ડી – ચાના પ્યાલા સાથે!
“જી, આ ફોટો સહેજ જુઓને.. તમે કદાચ અહી ક્યાય એને જોઈ હોય!”-દર્દ, આજીજી, વેદના- જાણે એ યુવાનના વિશ્વાસ અને આશાની સાથે એનો અવાજ પણ તૂટી રહ્યો હતો.
મેં ખુબ ધ્યાનથી એ ફોટો જોયો, ખુબજ જુનો બ્લેક-એન્ડ-વ્હાઇટ ફોટો, જે સમયની સીડીઓ ચઢીને થાકીને પીળો પડી ગયો હતો.
“જી ના, મેં આમને ક્યાય જોયા નથી. અલબત્ત જો આપની પાસે કોઈ બીજો ફોટો હોય તો કદાચ વધુ મદદરૂપ રહેશે.. આ ફોટો ખુબ જ જુનો લાગે છે!”- મેં મદદ કરવાની ભાવનાથી સુચન કર્યું.
નિરાશા, થાક, દુખ,આક્રોશ,ગુસ્સો- જાણે બધા જ આવેગોથી કચડાઈ ગયો હોય એમ એ યુવાન મારી પાસેની ચેરમાં ફસડાઈ પડ્યો.
મેં વેઈટરને ઈશારો કરી એક વધુ ચા મંગાવી. ઘણી વાર મૌન, કોઈની હાજરી, એક ચાનો કપ – થઇ પડે છે ખુબ બધા ઘા ભરવા!
વેઈટર ચાનો કપ મૂકી જાય છે. મારા હાથમાં રહેલો ચાનો કપ ચુસ્કીઓથી મારી વીકલી થકાવટ ઉતારી રહ્યો છે અને સામે પેલા યુવાનની હાથમાં રહેલો ચાનો કપ કદાચ એની ચુપકીદી અને મનોમંથન તોડવા મથી રહ્યો છે. મૌન જે સ્પેસ આપે છે, કદાચ એમાં પ્રશ્નો પૂછવા કરતા વધુ મોકળાશ અને આત્મીયતા મળે છે! હું અને એ યુવાન પોત-પોતાના ચાના કપ અને એકલતા એકબીજા સાથે શેર કરી રહ્યા છે, એક વિચિત્ર ખામોશીમાં.

“આ માયા છે, મારી નાની બહેન. કેટલાય દિવસોથી લાપતા છે. હું અને મારો પરિવાર એને શોધવા શક્ય પ્રયત્નો કરી રહ્યા છીએ! પરંતુ..”- નજર નીચી રાખીનેજ છુટક શબ્દોમાં એ અજાણ્યા યુવાને પોતાની કહાની કહેવાની શરૂઆત કરી.
“ઘણી વાર આપણા ખુબ બધા પ્રયત્નો મંઝિલથી માત્ર એકજ પ્રયત્ન દુર હોઈ શકે છે! એટલે એ કરતા રહેવું..”- મારાથી કૈક મોઘમ શબ્દો બોલાઈ ગયા.
“હમમમ… મળશે. જરૂર મળશે . હું એને શોધી ને જ રહીશ.”-અચાનક એક મક્કમતા અને આવેગથી એ યુવાન જાણે પોતાની જાતને જ આશ્વાશન આપી રહ્યો.
“અમે જ્યારે મયમનસિંહમાં રહેતા હતા ને ત્યારે, ત્યારે એકવાર અમારી વિશાળ મિલકતને છીનવી લેવાના બદ-ઈરાદાથી અમારાજ એક વિ-ધર્મી પડોશી અમારી માયાને ઉઠાવી ગયા હતા. હું અને માં ખુબ ગભરાઈ ગયા હતા. બાબાને ખુબ સમ્ઝાવ્યા પણ સુધામય જેમનું નામ, એમને મન તો “બાંગ્લાદેશ” એમની માતૃભુમી. અને માતૃભુમીને છોડીને સ્વર્ગ મળે તો પણ નક્કામુ! માંએ ખુબ સમઝાવ્યા બાબાને કે કોલકત્તા ચાલ્યા જઈએ, જેમ બીજા પાડોશીઓ જાય છે એમ.. પણ.. જોકે ત્યારે તો તેઓ માયાને બીજા દિવસે પાછી મૂકી ગયા હતા.. અલબત્ત અમે ખુબ ડરી ગયા હતા, એટલા બધા ડરી ગયા હતા કે પાણી ના ભાવે બધી બાપ-દાદાની જમીન-જાયદાદ વેચી-સાટીને મયમનસિહ કાયમ માટે છોડી દીધું! માયા – અમારા સૌનો જીવ છે એનામાં! કોઈ પણ ભોગે જીવવાની લાલસા છે એ છોકરીની નાની બદામી આંખોમાં!”-ખબર નહિ કેમ, મારા કોઈ પ્રશ્ન નાં પૂછવા છતાં એ અજાણ્યો યુવાન એની જિંદગીના ખાનગી અને પીડાદાયક પન્નાઓ મારી સામે વાંચી રહ્યો..
“આ વખતે પણ માયા મળી જ જશે!”- હું બીજું શું કહી શકું?
“નાં, કદાચ નહિ. વર્ષો પહેલા નાની બાળકી એવી માયાને ઉપાડી જઈને “તેઓએ” માત્ર અમારી સંપત્તિ છીનવી લીધી હતી.. આ વખતે માયાને ઉપાડી જઈને તેમણે અમારા – ધર્મનિરપેક્ષતા, દેશપ્રેમ, બહેતર જીવનના અને વિકસિત બાંગ્લાદેશના બધા જ સપનાઓ સુદ્ધાં કચડી નાખ્યા છે! માસુમ માયા તો ધર્મ અને રાજકારણથી કોસો દુર હતી! જીવન જીવવાની અદમ્ય ઈચ્છાવશ એની મુસ્લિમ સહેલીના ભાઈ સાથે પ્રીત બાંધી બેઠી હતી! બિચારી માયા, એને એમ કે બાંગ્લાદેશમાં સુખી સમૃદ્ધ અને સુરક્ષિત જીવન જીવવા મુસ્લિમ જીવનસાથી બહેતર પસંદગી છે! બિચારી માયા, શું જાણે કે જન્મે “હિંદુ” હોવું જ એનો સૌથી મોટો ગુનો હતો, જે વિધર્મી સાથે પ્રેમ કરીને એ કેમેય નાં દુર કરી શકશે! માયાને તેઓ ફરીથી ઉપાડી ગયા.. એના પ્રિયતમના જ ધર્મવાળા! શું એ લોકો એની સાથે બળાત્કાર કરશે? શું તેઓ એને રોજ-બ-રોજ આ પીડામાં શેકશે? કે એને મોતની ભેટ આપી “હિંદુ” હોવા છતાં બાંગ્લાદેશમાં વસવાની હિંમત કરવા માટે માફ કરી દેશે?”- એ યુવાનના શબ્દો ધીમે ધીમે બરછટ અને તીખા થતા ચાલ્યા!
“કોઈ ધર્મ પરપીડન, હિંસા કે વિનાશ નથી શીખવાડતો! પ્રેમ અને સહિષ્ણુતા દરેક ધર્મના મૂળભૂત પાયામાં છે!”- મેં મારા ધાર્મિક વિચારો રજુ કરવા પ્રયાસ કર્યો!
“તમે નહિ સમઝી શકો! એક મુસ્લિમ દેશમાં લઘુમતી હિંદુની પરિસ્થિતિ તમે નહિ સમઝી શકો! લક્વા ગ્રસ્ત ડોક્ટર પિતાનો જીવ બચાવવા એના રાજનીતિના રવાડે ચડેલા રખડેલ-સ્વપ્નીલ પુત્રના વ્યર્થ વલખા તમને નહિ સમઝાય! પોતાની માંના ઘરેણાં વેચાઈને ઘરમાં આવેલા ધાન્યનો તીણો-ઝેરીલો સ્વાદ તમે ક્યારેય ચાખ્યો નહિ હોય! પોતાની બાળપણની પ્રીતને તમે ધર્મના કારણે બીજે પરણી જતા ક્યાં અનુભવી હશે? આખે આખા હિંદુ ગામો સળગતા તમે જોયા છે? ઠેર-ઠેર મંદિરો રાખ થતા ઉઠેલો એ ઝેરી ધુમાડો ક્યારેય તમારા શ્વાસમાં આવ્યો છે? એકસાથે આખા ગામની માં-દીકરી-વહુને ઉઠાવી જઈને સામુહિક બળાત્કાર કરાયાના બર્બરતા ભર્યા સમાચાર સુધ્ધા તમે સાંભળ્યા છે? મારામાં જ રહેલો એક ધર્મનિરપેક્ષ, સ્વપ્નીલ, તરંગી અને જીવનથી છલોછલ યુવાનને મેં ધર્મભીરુ, શૂન્ય, નમાલો અને કટ્ટરવાદી બનતા જોયો-અનુભવ્યો છે! ના તમે નહિ જ સમઝી શકો! તમે ક્યારેય નહિ સમઝી શકો કે ધાર્મિક કટ્ટરતા જ્યારે રાજકીય રંગ પકડે ત્યારે કેવી અરાજકતા સર્જે છે!” – એ અજાણ્યા યુવાનનો બોલેલો શબ્દે શબ્દ જાણે મને દઝાડી ગયો!
“સમય સાથે બધા ઘાવ ભરાઈ જાય છે! જંગલની આગ પણ સમય સાથે બુઝાઈ જાય છે!”-મેં એ યુવાનની આપવીતી સાંભળીને ભીતરમાં ઉઠેલી પીડાને ઠારવા ઠાલા પ્રયત્નો કર્યા જાણે!
“ના, સમય એ કાળી યાદો, એ સંબંધોની રાખ, એ કારમી ચીસો – કૈજ નહિ બદલી શકે! સમય મને મારી માયા પાછી નહિ આપી શકે! સમય એક પ્રેમાળ, સમઝુ અને સુશીલ ગૃહિણી- કિરણમયી, એટલેકે મારી માંએ આખી જીન્દગી જીવેલા ઝંઝાવાતો ભુંસીને એને એક સામાન્ય, સુખી જીન્દગી નહિ આપી શકે! સમય મારા સિધ્ધાંતવાદી પિતાએ જોયેલું સુખી, સમૃદ્ધ, ધર્મનિરપેક્ષ બાંગ્લાદેશનું સ્વપ્ન શું ક્યારેય નહિ પૂરું કરી શકે?”- એ યુવાન જાણે આકાશમાં ઉંચે, પેલે પાર સમયને જ પૂછી રહ્યો!
અને હું ખુબ પ્રયત્નો પછી માત્ર એટલુ જ કહી શકી કે …”આમીન!”
***
lajja-book

Taslima Nasreen

અચાનક મોબાઈલની રીંગ વાગી અને…
અને હું એક અલગ દુનિયામાંથી આ દુનિયામાં પાછી આવી..
અને મારા હાથમાં રહેલી એ બુકને જોઈ રહી જે મને – એક અલગ સમય અને અલગ દેશમાં દોરી ગઈ!
“લજ્જા”- તસલીમા નસરીનની બહુચર્ચિત નોવેલ જેને લગભગ દરેક ઇસ્લામિક દેશોમાં બેન કરવામાં આવી છે, રજુ કરેછે નગ્ન સત્ય, તીક્ષ્ણ સંવેદનાઓ અને કાળો-દાઝેલો ભૂતકાળ!
મને તો આ બુક દ્વારા સંવેદનાઓની નવી પરિભાષા સમઝાઈ, તમે વાંચી કે નહિ?

Leave a Reply

error: Content is protected !!