મિતુભાની ‪અનુભવોક્તિ‬

પ્રશ્ન : રામ રામ સા… કેવું લાગે છે?

મેં જવાબ આપ્યો: અરે યાર તમે તો ભગવાનની જેમ રાખો છો એવું લાગે છે.

ગુજરાતી થાળી પીરસતાં નામાંકીત ભોજનાલય (થાળી રેસ્ટોરન્ટ) અલગ જ સ્ટાઈલ અને પધ્ધતી ધરાવતાં હોય છે. થોડા સમય પહેલાં અમદાવાદમાં C G રોડ ઉપર એક પ્રખ્યાત થાળી રેસ્ટોરન્ટમાં જમવા ગયા તે સમયે

કાનમાં બુટીયાવાળા, એક પછી એક ધમાધમ થાળી અને વાટકામાં પીરસ્યા જ કરે. અને જમવાની ફુરસદ ન લેવા દે.

ચપટી વગાડતા જાય, આંગળી અને હથેળીના ઇશારા કરતા જાય અને બસ અવિરત હુમલા ચાલુ.

પછી એમનો કેપ્ટન કે હેડ વેઈટર પુછવા આવ્યો. રામ રામ સા…. કેવું લાગે છે?

મેં જવાબ આપ્યો: અરે યાર તમે તો ભગવાનની જેમ રાખો છો એવું લાગે છે.

તો એ હેડ વેઈટર મુંઝાઈ ગ્યો. કે ભગવાનની જેમ? એમ કેમ ભલા?

મેં કીધું ઓલ્યા નૈવેદ્યમાં ધરીએ એવી નાની વાટકીઓ છે. બે આંગળી અંદર જાય સાથે વાટકી પણ આવી જાય છે. અને એકધારા આ આક્રમણમાં આ તમામ વસ્તુઓના ફક્ત દર્શન કરી શકાય છે. આમાં જમવું કેમ? તમે જ બતાડો, આ તો ભગવાનને નૈવેદ્યનો થાળ ધર્યો હોય એમ લાગે છે.

પછી કે એમ બોલો ને…. અમે તો મુંજાઈ ગ્યા… પણ કરવું શું? ચપટી વગાડો તો એમ લાગે કે હવે થાવ ઉભા (હોસ્ટેલ યાદ આવે)

*****

મને ઓલો પારસી આટલી બધી ગાળ કેમ દઈ ગ્યો?

મારા એક સંબંધી (પંકજભાઇ) એમની વ્યથા વ્યક્ત કરતા ક્ષોભ અને આઘાત અનુભવતા હતા. સંસ્કારની સીમાના ઉલંઘન્ન અને અતીક્રમણ જેવી ગાળો સાંભળી એ સંબંધી રડવા જેવું મોઢું કરીને બેઠા હતા.

કારણ પુછ્યું, પ્રભુ આપને કેમ એ ગાળો આપી ગયો?

પંકજભાઇ: મેં તો ખાલી એને વધુ માહિતિ માટે બોલાવેલો.

હું: કઈ બાબતે?

પંકજભાઈ: મેં છાપામાં જાહેરાત વાંચી કે પીગ્મી નાળીયેરી… અને દહાણુરોડ પાસે એક પારસીના ફાર્મની આ જાહેરાત હ્તી. ઓછી ઉંચાઈની નાળીયેરી અને ઓછા સમયમાં ખુબ ફળ આપે. આ વાંચી મેં એમને એક પોસ્ટકાર્ડ લખ્યું.

હું: પછી?

પંકજભાઈ: પછી રવીવારે સવારે પરસેવે રેબઝેબ આ પારસી ઘરે આવ્યો. અને મને સમજાવવા લાગ્યો કે આ પીગ્મી નારીયેળી સાઈઝ્ડમાં આપણી કમર જેટ્લી હાઈટમાં ફુલ્લ નાળીયેર આવે અને ઓછા સમયમાં ખુબ યીલ્ડ આપે. પર હેક્ટર ઓછો ખર્ચો અને પાંચ વરસમાં બ્રેક ઇવન. નાળીયેરના પાણી કે તેલમાં કોઈ ક્ચાશ નહી પર હેક્ટર કમાણી પણ પુષ્કળ થાય. .

હું: સરસ કહેવાય. પણ તમે કેમ એને બોલાવેલા?

પંકજભાઈ: મને વધુ રસ પડ્યો કે આપણે પણ ઘરબેઠાં નાળીયેર ઉગાડીએ. અને એ પારસીએ પણ મને પુછ્યું કે આપની જમીન ક્યાં છે? ચાલો ત્યાં જઈએ. અને હું એમને ફળીયામાં લઈ ગ્યો. અને બતાડી આ રહી. ૯ ફીટ બાય ૪ ફીટનું આપણું ફળીયું.

હું: અરરરર પછી?

પંકજભાઈ: પછી પારસી ગાળો બોલવા માંડ્યો અને માથા પછાડતો જતો રહ્યો. મને હજી ન સમજાણું કે આવું કેમ કર્યું??

‪#‎અનુભવોક્તિ‬ – સત્ય ઘટના છે. વલસાડમાં બનેલી. પાત્રના નામ બદલેલાં છે.

*****

ભાઇ તું માર તાં પેલ્લી દાન આઈવો એટલે કંઇ તો પીવા પડહે. કંઈ ની તો ચાય બનાવું કે?

હવે કોલેજના GSના ઇલેક્શન માટે કેન્ડીડેટને લઈ ધરમપુર ગામથી ૪૦ કી.મી. અંતરીયાળ ગામડામાં એક ઝુપડાંમાં આવો સ્નેહ ભર્યો આગ્રહ થયો. આ પ્રશ્ન પુછનાર અમારા ક્લાસમાં સાથે ભણતી એક આદીવાસી બાળા હતી.

ઝુંપડાની સ્થિતિ જોઈને એમ લાગ્યું કે જો જેટલા છે એટલા ખાલી એક એક રકાબી પણ ચા પીવે તો આ પરીવારને દંડ છે.

અમે કુલ ૧૫/૧૬ જણા હતા. અને બધા સમજુ હતા. એટલે એક ઉમેદવાર અને બીજો હું એમ બે જણા ચાય પીશું એમ એને જણાવ્યું. પણ અચરજ એ બાબતનું હતું કે એ મેનેજ કેમ કરશે?

નાનો વાટ વાળો સ્ટવ અને પીત્તળની એક તપેલી. પાણી અને ચા પત્તી નાખી ઉકાળવાનું ચાલુ કર્યું. અને ગોળનો એક મોટો કટકો નાખ્યો. GS કેન્ડીડેટ કે જે એક અમીર પરીવારનું ફરજંદ હતો એ હતપ્રભ થઈને જોયા કરે, અને મને ધીરે રહી ને પુછે કે દુધ તો ની નાઈખું. હવે હું કરહે?

અને એ બહેન અચાનક બકરીને પકડીને ઝુંપડામાં લઈને આવી, અને માંડી બકરીને દોહવા.. ગ્લાસ ભરીને દુધ કાઢ્યું અને ઉકળતી ચાયમાં નાખ્યું અને GS કેન્ડીડેટ ઉભી પુંછડીએ ઝુંપડા બહાર.

હવે વધ્યો હું. કારણ એણે બહાર જઈને અંદરની પરિસ્થિતિ બયાન કરી દીધેલી. એટલે બધા ચુપચાપ મેટાડોર અને કારમાં બેસી ગયા.
પછી?

ગ્લાસ ભરીને બકરીના દુધની ગોળ વાળી ચા મોજથી પીધી. એ બાળાની આંખમાં આંસુ આવી ગયા હતા. એ ફક્ત ચાય ન હતી, જબરદસ્ત લાગણીનો અનુભવ થયો.

‪#‎આ_તો_એક_વાત‬ ‪#‎અનુભવોક્તિ‬

Leave a Reply

error: Content is protected !!