‘કરો’ અને ‘કરી’ !

એક જુવાન પ્રેમી જોડલું હતું, અજોડ. નામ કાંઈ પણ હોઈ શકે, પણ આપણે એમને ‘કરો’ અને ‘કરી’ ને નામે ઓળખશું. મુંબઈ થી લગભગ ૧૮૦ કિમી. અંતરે આવેલ મુરબાડ નામના ગામમાં એ લોકો વસે. મુરબાડ કુદરતી સૌન્દર્યથી ઘેરાએલ એક એવું સ્થળ જે એક ડુંગર ઉપર વસેલું છે. આજુ બાજુ ઘણા નાના મોટા પર્વતો, ખીણો, ધોધ અને ઝરણાં, અને એ બધા વચ્ચે વસેલા નાના નાના ગામો. ખેતીવાડી, ખાસ કરીને ડાંગરની ખેતી, ત્યાંનાં લોકોનો મુખ્ય વ્યવસાય. અઢળક વરસાદને લીધે પાણીની કોઈ કમી નહિ, જેને કારણે ગામ નાના, પણ ત્યાં વસતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ ઉત્તમ. આ જ વરસાદને કારણે, ચોમાસામાં તો આખો પ્રદેશ મુંબઈ, નાશિક અને પુનાનાં પર્યટકોથી છલકાય. અને આ પર્યટનને લીધે ત્યાંની પ્રજાને ઉપરની આવક; ચા, મકાઈનાં ભૂટ્ટ્ટા, ગરમા ગરમ વડા પાઉં, અને બીડી સિગારેટનાં નાના બાંકડાઓ લગાવીને થાય.

એવા જ એક ગામનાં ખાતાપીતાં ઘરમાં આપણું આ જોડલું રહે. લીલા લ્હેરમાં. ‘કરી’ રંગે રૂપે અને કદે એકદમ સુંદર, ચાર લોકો જેનો ‘ફિગર’ જોવા ઉત્સુક હોય એવી, જ્યારે ‘કરો’, થોડો શ્યામ-વરણી ખરો, પણ શરિરે ઘાટીલો, માંસલ, સુડોળ, થોડી દાઢી સાથેનો પ્રભાવી ચહેરો; જ્યાં જાય ત્યાં પોતાની એક આગવી છાપ ઉભી કરે એવો. લગભગ ચાર વર્ષથી બંને સાથે રહે. બેફીકરું જીવન, ન કોઈ ચિંતા, કે ન કોઈ જવાબદારી; બસ ખાવું, પીવું અને મોજ કરવી. સવાર પડે કે બંને નીકળી પડે, પડખે પડખાં ચિપકાવીને, મસ્તીથી ભમે લીલા ખુલ્લા મેદાનોમાં, ભીંજાય વરસતા વરસાદમાં, તો વળી લ્હેરમાં આવીને કોઈ વાર તો નાંના મોટા પર્વતોની ટોચ સુધી પણ પહોચી જાય. પણ, એક વાત નક્કી; સવાર, બપોર કે સાંજ; બંને હંમેશા સાથે ને સાથે જ હોય. એક મેકની વગર એક ઘડી પણ ન ચાલે તેમને.

અવાર નવાર, ‘કરી’ પેલા ‘કરા’ ને કહ્યા કરતી : “ બે…ચાલ ને આપણે શહેર માં જઈએ, સાંભળ્યું છે કે ત્યાં મસ્ત મજાની જિંદગી છે. ઊંચા મકાનો હોય, પાક્કી સડક હોય, વિજળી વાળા ઘરો હોય, ખાવા પીવા માટે અલગ અલગ વાનગીઓ હોય, અને હા…..બે…..ક્યાંય જવું હોય તો વાહનો ય હોય. બે….કેટલી મજા પડતી હશે નહિ !!?”

“ હા, હા.. બે…..જોઈશું,…. બે…જશું ક્યારેક… પણ.. મને બે…અજાણી  જગ્યા એ જવાનો ડર લાગે છે…ત્યાં નાં લોકો કેવા હોય, ને કેવા નહિ…..”!, દર વખતે ‘કરો’ તેની વાત ટાળતો, અને મન મોજીલા દિવસો ‘કરી’ નાં સહેવાસ માં પસાર કરતો.

તે દિવસે, ઘરની બહાર નીકળતાં જ, ‘કરી’ એ ઉલટી દિશા માં ચાલવાની શરૂઆત કરી….’કરા’ ને નવાઈ તો લાગી, પણ બેફિકરાઈથી એ પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. મસ્ત ઝરમર ઝરમર વર્ષા ચાલુ હતી, વરસતા વરસાદમાં હરિયાળીની ઉપર જાણે કોઈ નાયલોન ની ચાદર પાથરતું હોય તેવું વર્તાતું હતું. કાંઈ કેટલાય મોર અને ઢેલનાં જોડલા પણ આ લોકોની જેમ જ સ્વચ્છંદી વિહાર કરી રહ્યાં હતાં. કોઈ મોર તો વળી ઘેલા થઇ ને પાંખો પસારીને નાચવા પણ લાગ્યાં. કાંઈ કેટલાય પક્ષીઓ પણ, તેમને પ્રોત્સાહન આપવા પોત પતાની ભાષામાં ગીત અને સંગીતની જુગલબંધી કરી રહ્યા હતાં. એ બધાથી મદમસ્ત ‘કરી’ હવે મુરબાડ પહાડનો ઢાળ ઉતરવા લાગી.

“ ઓ…દેવીજી…. બે… આજે સવારી કઈ તરફ .. કાંઈ ખબર પડે કે ?” પાછળ આવતા ‘કરા’ એ પૂછ્યું.

“ બે.. પૂછવાનું નહિ…. બસ… સાલતો રહે ને….!”, પોતાના નટખટ મિજાજમાં ‘કરી’ એ જવાબ આપ્યો. કલાક, બે કલાક, ત્રણ કલાક,…એમ કરતાં કરતાં પાંચ કલાક થયાં અને તેઓ તો પહાડની તળેટી એ પહોચી ગયાં. સામે જુએ તો પાકી સડક વાળો – ‘હાઈવે’.

“ બે.. તારો ઇરદો શું છે ? આ ક્યાં લઇ આવી તું,… અને તારે જવું છે ક્યાં ?…… બે… મને લાગે છે.. હવે બહુ થયું.. આપણે ઘણું નીચે આવી ગયાં છીએ, અને હવે પાછું જવું જોઈએ.” ..’કરા’ એ તેને ચેતવી.

“ બે… જાનેમન.. હવે તો શરુ થઇ છે આ નવી સફર… હવે.. પાછા જાય એ બીજા….” ! મક્કમ અવાજે ‘કરી’ એ ઘોષણા કરી…” કેટલાય દિવસો થી કહું છું,.. આપણે શહરે જવું છે.. શહરે જવું છે…. બે… તું કાંઈ દાદ જ નથી આપતો, તો આજે મેં જ પહેલ કરી…..છે… આજે આપણે શહેર જવું જ છે…..બસ…!”.

“ અરે પણ….!” ‘કરો’ તે ને વારવા ની ર્કોશિશ માં હતો…

“ અરે.. બરે… કાંઈ નહિ….. હો જાય…. એક ‘સુહાના સફર’….તું નકામો ડરે છે યાર… સાંજ સુધી આપણે શહેરમાં ફરીશું, અને પાછા ઘરે જતા રહીશું. .. બે…. ચાલતો રહે.. મારી સાથે… આવ ને નજીક… . હજી.. ..નજીક…અરે…બે… બસ.. બસ… આનાથી વધુ નહિ….. ચાંપલા !” ‘કરી’ એ પોતાની ત્રિયા ચરિત્રથી ‘કરા’ ને વશમાં કરી લીધો, અને બન્ને હાઈવે ની બાજુ બાજુએ ચાલવા લાગ્યાં. બીજો કલાકેક ચાલ્યાં હશે કે ત્યાં એક કાઠિયાવાડી ધાબો આવ્યો. બંને બેઠા ત્યાં, વિસામો લીધો, થોડો નાસ્તો, પાણી લીધાં અને આગળનો વિચાર જ કરતા હતાં, એટલામાં બંનેની નજર ત્યાં ઉભાલા એક ટ્રક ઉપર પડી.

“ બે… ‘ક્યા બોલતા હૈ’….પાર્ટનર….થઇ જઈએ સવાર.. આ વાહન માં.?… પળ વારમાં તો શહેરમાં પહોચી જઈશું. … ચાલ. જટ બે……!” કહેતાંક ને ‘કરી’.. ટ્રક ની તરફ ચાલવા લાગી,.. એ ટ્રકના સરદારજી ડ્રાઈવરની નજર ચુકાવીને બંને જણા ટ્રકનાં પાછલા ભાગમાં કુદકો મારતાંક ને ચઢી ગયાં. ‘કરી’ ને થોડી તકલીફ થઇ, ઉપર ચઢવામાં પણ ‘કરા’ એ તેને મદદ કરી.. તેનું કાસાએલ શરીર આજે ઉપયોગી થયું. બંને જણે ઉપર ચઢી ને નિરાંતે એક લાંબો સ્વાસ લીધો…અને મોસમનો આનંદ માણતાં એક મેકની સોડમાં ભરાઈને વ્હાલ કરવા લાગ્યાં. થોડી વારે ટ્રક ચાલુ થઇ, અને પૂરપાટ ઝડપે નીકળી શહેર તરફ. જિંદગીની પહેલી તેજ રફતાર સફર, એક ટ્રકમાં, અને એક મેક નાં સાથમાં…બંને ને ઘણી મજા આવતી હતી… ઊંચા અવાજે ગાવાનું મન કરતુ હતું, પણ પેલા સરદારજીનું ધ્યાન પોતા તરફ જાય તો મુસીબત થાય.. એ સમજી ને બસ વ્હાલમાં ને વ્હાલમાં એક મેક ને આલિંગન અને ચુંબન આપીને જ તેમણે એ અલૌકિક આનંદ માણ્યો.

લગભગ બીજા દોઢ કલાકે ટ્રક શહેર નજીક આવી પહોચ્યું. સાંજ ઢાળતાં ઢળતાં હવે રાત થાવા આવી હતી. ખૂલાં મેદાનો ને બદલે હવે રસ્તાની બંને તરફ નાના મોટા મકાનો આવવા લાગ્યાં. પહેલાની હરીયાળી હવે ધીમે ધીમે પાંખી થવા લાગી,.. વૃક્ષોની જગ્યા ધીમે ધીમે રસ્તાની આજુ બાજુનાં બત્તીનાં થાંભલાઓએ લઈ લીધી,… શાંત વાતાવરણ હવે ધીમે ધીમે ઘોંઘાટનાં ઉપદ્રવથી દમ તોડવા લાગ્યું..ટ્રકની બાજુની તિરાડમાંથી આ બધું જોઈને ‘કરા’ અને ‘કરી’ નાં મનમાં પહેલાં તો કુતુહલ સર્જાયું, પણ, થોડી જ વારમાં, એ કુતુહલ ભય માં પરિણમ્યું.

“ ઓ.. ક્યા બાત હૈ.. સ’દારજી.. એ જોડી તો મસ્ત ઉઠા કે લાએ હો….તુસી…”!.. એક જગ્યાએ જ્યાં ટ્રક ઉભી રહી કે તરત જ એક માણસ, હાથ માં દંડો લઇને પ્રગટ થયો. એને જોતાં જ હેબતાઈ ગયેલા ‘કરી’ અને ‘કરા’ તરફ લાલચુ નજરે..જીભ બહાર કાઢીને મુલુંડ ચેક નાકા ઉપર એ મ્યુનીસીપલ કોર્પોરેશનનાં એક કર્મચારીએ ટ્રક તપાસતાં તપાસતાં, આગળ જઈને ડ્રાઈવરને ટોણો માર્યો. એ ને જોઈને આ બંને ખુબ ગભરાઈ ગયાં. એક મેક ની આખોથી ઈશારો સમજી ગયાં કે હવે ભાગવાનો સમય આવી ગયો છે.

“ ઓય.. કી બાત હૈ જી ?… મૈઇ… કુચ.. સમજ્યા નહિ .. તુસી કી બોલ.રિએ હો……કૌનસી જોડી.. જી…”?, મસ્તરામ સરદારજી ડ્રાઈવરે અંદર બેઠા બેઠા જ નવાઈથી પૂછ્યું.

“ અરે..  વા જી વા… મસ્ત જોડી સાથ મેં લે આએ હો.. ઔર.. હમસે… પરદા..કરતે હો.. પાપે…. બડી ચન્ગી જોડી હૈ જી….. અબ.. યેહ બતાઓ  હમારા ભી તો કુછ હક બનેગા કી નહિ ઉસકે ઉપર…?” પેલાએ આંખ મારતાં સરદારજી ને પૂછ્યું.

નવાઈ પામેલ સરદારજી ટ્રકમાંથી નીચે ઉતર્યો અને “ ઓ તુસી કી ગલ..ડ્સ્તેહો જી… કઠે હૈ.. જોડી… બતાઓ..” કહેતાંક ટ્રક ની પાછળ તરફ આવ્યો…પેલો કર્મચારી પણ તે ની પાછળ પાછળ આવ્યો.

તે દરમ્યાન પરિસ્થિતિનો તાગ પામેલા ‘કરો’ અને ‘કરી’….” ભાગ …બે…. ભા…ગ..”.. કહેતાંક ને , ટ્રકમાં થી કુદકો મારી ને ભાગ્યાં.

“ ઓ ત્તેરી…. એ તો.. કમાલ હો ગયા…..ઓય ”..! ભાગતાં ભાગતાં પાછળ સરદારજી ની બૂમ તેમણે સાંભળી. સરદારજીએ તેમની પાછળ દોટ પણ મૂકી, પણ તે પહેલા તો ‘કરો’ અને ‘કરી’ જીવ બચાવી ને જાય નાઠા.

પણ, આ તો શહેર, ભાગી ભાગીને જાય ક્યાં. જગ્યાથી અજાણ, લોકોથી ય અજાણ, આટલા ભારે વાહનોની અવર-જવર, ચારે તરફ આંખો અંજાવી દે એવી રોશની, રસ્તે માય નહિ એટલા લોકો, અને ચારે તરફ ઘોંઘાટ જ ઘોંઘાટ… ‘કરો’ અને ‘કરી’ તો ખરા ગભારાણા. ‘હવે શું કરવું, ક્યા જવું’….એમ વિચારતાં એક મેક ની પડખે ચોંટી ને એક જગ્યાએ ઉભા રહ્યાં. ખબર નહિ.. એ મૂઢ અવસ્થા માં કેટલો સમય નીકળી ગયો હશે…કોણ જાણે..કે….

આ શહેરમાં પણ શાતિર શિકારીઓની કમી થોડી જ હોય છે ? ‘કરા’ અને ‘કરી’ ની મૂઢ જેવી આ અવસ્થા જોઈ ને તેમને આ લોકોએ ઓળખી લીધાં. સમજી ગયાં કે આમના ઉપર હાથ નાખવો જોઈએ. અને ઘુસફૂસ કરીને પળવારમાં તેમણે પોતાનો ચક્રવ્યૂહ ગુંથી કાઢ્યો.

“ એ  હે.. મેરી.. જાન…..” ! કહેતાંક કાદરે ‘કરી’ ની પાછળ થી ભીંસ મારી….કાંઈ સમજે અને “ બે… છોડ એ ને… નરાધમ….બે..છોડ..”!  કહેતાં ‘કરો’…વિરોધ કરે..તે પહેલાં તો રહીમ મિયાએ ‘કરા’ ને પાછળ થી પકડ્યો.

‘કરો’ અને ‘કરી’ બન્ને પોત પોતાને આ લોકોની ભીસમાંથી છોડાવવાની કોશિશ કરવા લાગ્યા, ચિલ્લાવા લાગ્યા, ધમ પછાડા પણ કરવા લાગ્યા, પણ બધું વ્યર્થ. ભર બજારે, સેંકડો લોકોની હાજરીમાં આમ જાહેર માં તેમનું અપહરણ થઇ રહ્યું હતું, અને આવતા જતાંમાં થી કોઈ પણ તેમને બચાવવા નાં આવ્યું, જાણે કોઈ ને તેમની કાંઈ પડી જ ન્હોતી.

“ કલ મિલતા હું, રહીમ મિયા…ખુદા હાફીઝ…”.. બોલતા બોલતાં, ઉતાવળમાં આવેલી એક મોટરની પાછલી સિટમાં ‘કરી’ ને જબરદસ્તી થી ઘુસાડીને કાદર તો પલાયન થઇ ગયો. ‘કરી’ તો આ બધું અનુભવ્યાંમાં ડઘાઈ જ ગઈ હતી.. તેનો તો જીવ જાણે તાળવે જ ચોટી ગયો.. અને સાવ અવાક થઇને શું થઇ રહ્યું છે તે સમજવાની કોશિશ કરી રહી હતી….

” વો ગલ્લી કે શિવસેના વાલોં કો ચાહિયે નાં કલ…કે લિયે… . મસ્ત માલ મિલ ગયા હૈ.. અપન કો…હૈ નાં.. ક્યા બોલતા હૈ…” ? કાદરે મોટર કાર ચલાવતાં ડ્રાઈવર ને ખુશ થતાં કહ્યું.

“ સહી હૈ ભાઈ… એ માલ તો મસ્ત હૈ હી .. ઔર વો શિવસેના વાલોં સે ભી અપન કો તો અસલી મસ્ત માલ મિલ જાએગા નાં …બોલેતો .. કલ .. તો અપની નિકલ પડી બાવા….!” કાદર થી પણ વધુ ખુશ થતાં તેના ડ્રાઈવરે કહ્યું.

બીજી તરફ, રહીમ મિયાએ પોતાના સાથી ડુમરુસની મદદ થી, ‘કરા’ ને મજબુત પકડમાં લઇને, ત્યાં જ પાસે આવેલી વસ્તી ભણી કુચ કરી. મુલુંડ ચેક નાકા ઉપર જ એક ગટરનું નાળું છે, તેની એક બાજુ મુંબઈ ની શરૂઆત થાય તો બીજે કિનારો થાણા ની હદમાં આવે. એ થાણા વાળા ભાગમાં આવેલ એક ઝૂપડપટ્ટીમાં જ રહીમ મિયાનો અડ્ડો. અંધારા રસ્તા અને સાંકડી ગલીઓ પાર કરીને અંતે તેઓ પહોંચ્યા એ અડ્ડા ઉપર.

“ અસ્સલામ આલેઈ કુમ” કરતાંક બે ત્રણે જણે રહીમ મિયાને બિરદાવ્યાં, “ વાલ..ઇઇ કુ અસ્સલામ” કહેતા રહીમ મિયા અને ડુમરુસ અડ્ડામાં ઘુસીને, છેક પાછળનાં રૂમમાં ગયાં, અને તે રૂમનો પાછળનો દરવાજો ખોલીને ત્યાંની ખુલી જગ્યામાં ‘કરા’ ને છૂટ્ટો કર્યો. ઉપર થી ખુલી એ જગ્યામાં એક તરફ પાણીનો નળ, બાજુમાં એક પાણી ભરેલું પ્લાસ્ટિકનું મોટું પીપ, અને તેને લગોલગ એક બાથરૂમ-કમ-જાજરૂ; તો બીજી તરફ અવ્યવસ્થિત રીતે ખડકાએલો ભંગારનો સામાન. છૂટ થી ફરવા માટે માંડ માંડ પાંચ ફૂટની પણ જગ્યા ન્હોતી. ‘કરા’ ને જમીન ઉપર પટક્યા પછી, રહીમ મિયા અને ડુમરુસ ત્યાંની બત્તી બંધ કરીને, દરવાજો વાસીને નીકળી ગયા.

ડઘાઈ ગયેલ અને દુખી ‘કરો’, થોડી વારે ઉભો થયો. ‘શું થયું છે’ એ સમજવાનો અને પરિસ્થિતિને પામવાનો એ પ્રયત્ન કરી રહ્યો હતો. મનમાં ને મનમાં ‘કરી’ ઉપર ગુસ્સે પણ થતો હતો કે ‘શું કામ તેણે આવો ઉપાડો લીધો. અહી શહેર માં આવવાનો?’, અચાનક તે ને ‘કરી’ ની પણ ફિકર થવા લાગી…’ક્યા હશે એ બિચારી ?…શું હાલત હશે તે ની ?….. પેલા નરાધમો કઈ હદ સુધી જશે.કરી સાથે વહેવારમાં ?’ આવા ન જાણે કેટલાય સવાલોથી એ નું મન જાણે બહેર જ મારી ગયું હતું. પાણી પીવાની ઈચ્છા થતાં પેલા પીપ પાસે ગયો અને થોડું પાણી પીધું. અંધારામાં જગ્યા નો તાગ મેળવતાં સમજાયું કે પાછળની તરફ લગભગ ૧૫ ફૂટ ઊંચી પાક્કી દીવાલ હતી…એક બાજુ બાથરૂમ થી રસ્તો બંધ અને બીજી બાજુ ખડકાએલો સામાન અને તેની પાછળ પણ ઊંચી દીવાલ. ત્યાં થી નીકળીને ભાગવું અશક્ય જ હતું. પોતાની જાતને અસહાય પામતાં નિરાશ થઇ ને એક લાંબો નિ:સાસો નાખીને એ પાછો ભોંય ઉપર બેસી પડ્યો. અંધારા આકાશમાં તારાઓ ગણતો અને પોતાના નસીબ ને કોસતો એ તો રડમસ થઇ ગયો અને એજ અવસ્થામાં, ક્યારે ઊંઘ આવી તેની હોશ સુધ્ધા ન રહી.

“ લે…એ ખાના….”.. પીઠ ઉપર ડુમરુસની એક લાતે, તે ને એકદમ જગાડ્યો. સવાર થઇ ગઈ હતી અને ડુમરુસ તેના માટે ખાવાનું લાવ્યો હતો એ સમજતાં તેને થોડી વાર લાગી. મોં બગાડીને પોતાની પાછળ દરવાજો વાંસીને ડુમરુસ તો જતો રહ્યો. તેને ‘કરી’ ની ફરી યાદ આવી… ‘તેણે કાંઈ ખાધું હશે કે નહિ ?’..’ક્યાં હશે એ બીચારી’ ?… ‘કેવી રીતે  ‘કરી’ પાસે જવું’…?.. ‘પાછા એક મેક ને મળી શકાશે કે નહિ’ ?.. ‘ ઘેર પાછા ક્યારે જવાશે’ ?.. ‘ઘર વાળાઓ કેટલી બધી ચિંતા કરતા હશે ?’… વગેરે અનેક સવાલો ‘કરા’ નાં મનમાં ઘેરાવા લાગ્યાં. પણ, પેટની ભૂખ સહન ના થતાં આંખોમાં થી છલકાતાં આંસુ સાથે, તેણે આવેલ ખાવાનું ધીરે ધીરે રુચી વગર જ ચાવવા માંડ્યું.

કુદરતી ખુલા મેદાનો અને પહાડોમાં સ્વેચ્છાએ ભટકનાર એ જીવ, વિહ્વળ બનીને અહીં કેદી થઇને પડ્યો હતો. અસહાય, બેચેન, પાંગળો બની ને ! એક.. બે… ત્રણ.. બસ દિવસો ઉપર દિવસો નીકળતાં ગયાં. હવે તો એ ગણવાનું પણ ભૂલી ગયો કે અહીં આવી ને કેટલા દિવસો થઇ ગયાં. તેવી જ રીતે.. ધીરે ધીરે ‘કરી’ ની ચિંતા પણ ઓછી થવા લાગી. પરિસ્થિતિ એ જાણે બરાબર ની ભીંસમાં લઇ લીધો ‘કરા’ ને. એ તો જાણે બુધ્દ્ધીથી સાવ સુન્ન થઇ ગયો, તદ્દન ભાવનાહીન. એક વાતનું સુખ માત્ર હતું કે એવા વિકટ સંજોગોમાં પણ, ‘કરા’ ને ખાવાનું સમય સર મળી જાતું…દિવસ માં બે વાર, ભર પેટ.. એમાં કોઈ જાત ની ઉણપ ન્હોતી રાખી રહીમ મિયાએ.

બેઠાળું જીવન અને ભરપેટ ખોરાક… જોત જોતામાં તો ‘કરા’ નું વજન વધવા લાગ્યું, અને હવે પહેલા કરતાં એ વધુ હૃષ્ટ-પુષ્ટ અને માંસલ દેખાવા લાગ્યો.

“ ક્યોં રહીમ મિયા… ઇસ બાર ઈદ મેં ક્યા પેશ કરોગે ?”… અચાનક એક દિવસ, દરવાજો ખુલતાં જ ‘કરા’ ને કાને શબ્દો પડ્યાં. સફાળા બેઠા થઈને જોયું તો રહીમ મિયા, એક બીજા માણસ સાથે ત્યાં આવ્યા હતાં.

“ જનાબ,.. માશાલ્લા….ઇસ બાર ઈદ કે લિયે હી તો બડે જતનસે પાલ પોસ કે રખા હૈ. ઇસે…. બસ.. આપ તશરીફ લે આઈએ કલ યાને ઈદ કી સુબહ…..બિસ્મિલ્લા કરેંગે…”!  પેલાની સામે પોતાને માથે અને ગળે હાથ ફેરવીને સ્નેહ જતાવતાં એક ગુઢ હાસ્ય સાથે રહીમ મિયા બોલ્યાં. “ યેહ  હૈ… અસલી સૌગાત..”!

“ ક્યા બાત હૈ….ઇન્શાલ્લા… ભાઈ ઇસ બાર તો અપની કુરબાની ઝરૂર મંઝુર કી જાએગી..રહીમ મિયા…”!….કહેતાંક ને તેઓ બન્ને દરવાજો વાસીને પાછાં જતા રહ્યાં.

‘કરા’ ને હવે પોતાનું ભવિષ્ય અને પ્રવર્તતી પરિસ્થિતિ સમજતાં વાર ના લાગી, અસહાય એવો એ ચોધાર આંસુએ પોતાના અંજામની પ્રતીક્ષા કરવા લાગ્યો…. અચાનક તેને કાંઈ યાદ આવ્યું. આજે સવારે આવેલ ભોજન; જે એક જુના અખબારનાં પાનાંમાં વિટળાએલ હતું, અને જે પાનું ઉડીને એક ખૂણે પડ્યું હતું, ‘કરા’ એ ડૂચો વળેલું તે પાનું ગોતી કાઢ્યું. ત્યાં જઈ ને તે પાનું ખોલીને તેના ઉપર છપાએલ ‘હેડલાઈન’ વાંચવા લાગ્યો. તેમાં તસ્વીરો સહિત છપાયું હતું : ”શિવસૈનિકો એ જૈન મંદિરની બહાર, માંસ વહેંચવાની દુકાનો લગાવી !”.. અને ‘કરા’ નાં દિલમાં એક તીવ્ર ધ્રાસકો પડ્યો… ‘ક્યાંક એ, ‘કરી’ નાં શરીરનું તો માંસ નહિ હોય ને ?’

[ આખી વાતમાં હવે ફોડ પાડું – આપણા નાયક-નાયિકા – ‘કરા’.. અને ‘કરી’….નાં નામો આગળ..એક અક્ષર ‘બ’ ઉમેરીને વાંચો તો કેમ ? ]

– ડો. શૈલેષ ઉપાધ્યાય.

Leave a Reply

error: Content is protected !!