શીલ

“ શીલ ”

“શું નામ છે પેશન્ટ નું ?” ગાયનેક કલીનીકમાં દાખલ થતાં જ રીસેજ્પ્શનીસ્ટે પૂછ્યું.

“જી..’દેવી’…. અ…’દેવી શર્મા’..” ગાયત્રી એ કહ્યું, અને સહસા પેલી એ માન્યામાં ન આવે તેમ એક મોટા પ્રશ્નાર્થે ડોળા કાઢી ને ગાયત્રી તરફ જોયું.

“કાંઈ પ્રોબ્લેમ છે , નામ માં ?”, ચપળ રીસેજ્પ્શનીસ્ટે જાણે કોઈ સંશય હોય એવી નજર કરી ને પૂછ્યું.

“નાં રે નાં…. પ્રોબ્લેમ શું હોય ? .. એ તો એ સવારે વહેલી ઉઠી છે ને… એટલે” મામલો સંભાળતાં ગાયત્રી એ આંખોના ઈશારા થી પેલીને ચૂપ રહેવા નો સંકેત આપતાં કહ્યું.

“હમ્મ્મ્મ…દેવી…..દેવી…..દેવી…..ઓહ, આં રહ્યું…..ઓ કે….તમારી સવારે ૧૦ની એપોઇન્ટ્મેન્ટ છે, રાઈટ…..હમમમમ….એક કામ કરો….તમારી ડીટેઈલ્સ આ ફોર્મમાં ભરીને આપશો પ્લીસ…..આ લો પેન… અને હા…ફિલ ઇન ઓલ કેપિટલ લેટર્સ પ્લીસ….”! તેણે એક ફોર્મ અને એક પેન, ગાયત્રીનાં હાથમાં સોપ્યાં. “ઇટ્સ ઓ કે…તમે ત્યાં આરામથી બેસીને ફોર્મ ભરો ને..!” કાઉન્ટર ઉપર ગરદી ના થાય એવી સૂચિત સલાહ તેણે આપી.

“આ શું … મોમ…?” સોફા ઉપર બેસતાં જ પેલી એ ગાયત્રીને કોણીએથી ગોદો મારતાં પૂછ્યું.

“તો શું…. સાચું નામ લખાવીને ગામ માં ધજાગરા કરાવું ?” ગાયત્રી એ ગુસ્સો ઠાલવતાં ફોર્મ ભરવાનું ચાલુ રાખ્યું.  એક જગ્યાએ અટકી ને પૂછ્યું : “વજન કેટલું છે તારું… હમણાં?”

“સિક્ષટી ફાઈવ… થોડું વધી ગયું છે.. ને…!” તેણે પોતાના નટખટ સ્વભાવને અનુરૂપ જવાબ આપ્યો.

“હાઈટ છે…પાંચ ફૂટ-પાંચ ઇંચ…..!” છાનું મલકાતાં, ગાયત્રી તે ને પૂછે એ પહેલાં જ માહિતી આપી દિધી.

“બીજું કાંઈ” ?

“ના …. લે અહીં સહી કર……!”.. ગાયત્રી એ તેને ફોર્મ આપતાં કહ્યું… અને પછી નજીક જઈને તેના કાનમાં કહ્યું : ‘દેવી શર્મા’ નાં નામની કરજે…ગડબડ નહિ કરેતી પાછી…. દોઢ ડાહી…!”

“રેડી?…. ફોર્મ ભર્યું તમે ?” તેણે સહી કરી ન કરી કે ચપળ રીસેજ્પ્શનીસ્ટે પ્રશ્ન કર્યો, જાણે ત્રાંસી આંખે એ લોકો ઉપર સતત નજર ન રાખતી હોય !

“હા..હા…. આ લો…” ઉભા થઇને ગાયત્રી એ ફોર્મ રીસેજ્પ્શનીસ્ટને આપ્યું.

ફોર્મ ચકાસીને, કોમ્પ્યુટર માં માહિતી ભરતાં ભરતાં તેણે એકાદ વાર પેલી તરફ જોયું. એ તો ત્યાં બેફીકર થઇને ફેમિના વાંચતી હતી. શું ચાલી રહ્યું છે તેનાથી જાણે કોઈ નિસ્બત જ ના હોય એમ. બીજી નજર ગાયત્રી ઉપર ફેંકતાં તેના ચહેરા ઉપર ચીંતા અને ડરની લાગણીઓ સ્પષ્ટ દેખાતી હતી. ત્યાં નાં વાતાનુકુલિત વાતાવરણમાં પણ હાથ રૂમાલથી ગાયત્રીએ બે ત્રણ વાર કપાળ ઉપરનો પસીનો લુંછ્યો એની પણ નોંધ લેવાનું એ રીસેજ્પ્શનીસ્ટ ચુકી નહિ.

“સવાર થી .. કાંઈ .. ખાધું પીધું તો નથી ને ?”… રીસેજ્પ્શનીસ્ટે.. કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર થી નજર હટાવી ને પૂછ્યું.

“નાં… નાં…..”…ગાયત્રી એ, પેલી તરફ દૃષ્ટિ ફેંકતા, અને ખાત્રી કરતાં કહ્યું. પેલી એ પણ નકાર માં માથું ધુણાવ્યું.

“ઓ કે…. હવે આ પેપર લઇને ત્યાં સામે કેશ કાઉન્ટર ઉપર ડીપોઝીટ જમા કરાવી લો !”… એક નવું પેપર આપતાં રીસેજ્પ્શનીસ્ટે સૂચન કર્યું.

તે પછી જરૂર પ્રમાણે બધી ફોર્માલીટીસ પૂરી કરીને…એ બંને …પહેલે માળે…ઓપરેશન થીએટર બાહર રાહ જોતાં બેઠા. એ દરમ્યાન એકાદ બે વાર અનાયાસ નજરો મળી, અને એ પણ બીજી જ ક્ષણે અલગ પડી ગઈ; જાણે  બંને અજાણ્યાં ન હોય. બેચેની વધતાં ગાયત્રી ઉઠીને આમ-તેમ આંટા મારી આવી, અને ‘આગળ વોર્ડમાં કેવી વ્યવસ્થા છે’.. ‘કેટલાં પેશન્ટ છે’….’કોણ કોણ છે’…’કોઈ ઓળખીતું તો નથી ને’ ? વગેરે બાબતો ઉપર એક નજર ફેરવી આવી. પાછી આવી ત્યારે પેલીની બાજુમાં ન બેસતાં તેની સામેની ખુરશી ઉપર બેઠી અને તેને નિહાળવા લાગી. તેની બેચેની પેલીથી અજાણ નહોતી, પણ  એ તો મોબાઈલનાં વોટ્સેપ ઉપર ચેટીંગમાં મશગુલ હતી.

“ દેવી”… એક બ્લુ શર્ટ અને પાયજામો પહેરેલી નર્સે તેના નામની બુમ પાડી.

“હા…આ અહીં જ છે…” ગાયત્રી એ તરતજ ઉત્તર આપ્યો…. અને પેલી ને ઈશારા ઉભી થવા કહ્યું.

“ચાલો… આવો આ રૂમમાં…….!” બંને તે નર્સ પાછળ ડાબી તરફનાં રૂમ માં દાખલ થયાં. પેલીને એક ઇન્જેક્શન આપતાં આપતાં નર્સ બોલી : “ જુઓ સામે ચેન્જીંગ રૂમ છે… ત્યાં એક ગાઉન પણ લટકાવેલો છે…ટક્સ..પાછલી બાજુ પર બાંધવા નાં છે…અને હા..બધાંજ અન્ડર-ગાર્મેન્ટ્સ કાઢી નાખવા નાં છે….ઓ કે ? ..ત્યાં એક પ્લાસ્ટિક બેગ છે ને એમાં એ મૂકી ને આમને આપી દેજો…..અને તમારા શુશ પણ ત્યાં જ કાઢી નાખજો… ઓ. કે….હું બસ પાંચ મિનીટ માં જ આવું છું.”.. ઇન્જેક્શન પૂરું કરીને કોટન સ્વાબ નીચેની બાલદી માં નાખતાં; એક લાંબુ લચક સૂચન; નર્સ આદત-મુજબ એકી શ્વાસે આપી ગઈ, જાણે કોઈ રેસમાં દોડતી ન હોય !

પેલીએ પોતાનું પર્સ, મોબાઈલ ફોન, અને હાથ રૂમાલ ગાયત્રીનાં હાથમાં સોંપ્યા અને ચેન્જીંગ રૂમ તરફ જવા લાગી. અચાનક કાંઇક યાદ આવતાં ઝટ થી પાછી ફરી, ગાયત્રીનાં હાથમાં થી પોતાનો મોબાઈલ ખેંચી લઈને લોક કર્યો અને ફરી તેને આપી ને ચેન્જીંગ રૂમમાં ગઈ. ગાયત્રી એ બધી જ વસ્તુઓ સાથે લાવેલ થેલી માં મૂકી.

“ચાલો અંદર..” ! લગભગ બીજી દસ મિનીટ પછી પેલી નર્સ પાછી આવી, સાથે એક આયા બાઈ પણ હતી, એક વિલ-ચેર સાથે.. “બેસો..આ ચેર માં…”.. કહેતાંક ને નર્સે પેલીનું બાવડું પોતાના હાથે પકડ્યું અને તે ને વિલ-ચેરમાં બેસવામાં મદદ કરી. “બેન તમે હવે.. બહાર જ બેસો….લગભગ ૨૦ થી ૩૦ મિનીટ માં થઇ જશે હોં….. ચિંતા ના કરતા !” આયા બાઈ સાથે વિલ ચેર અંદર લઇ જતાં જતાં નર્સે ગાયત્રી ને સૂચન કર્યું.

મહા મહેનતે રોકી રાખેલાં આંસુ હવે બધી સીમાઓ પાર કરીને ગાયત્રીની આંખોમાંથી તેના ગાલો પર વહેવા લાગ્યાં. બહાર નિકળતાં નીકળતાં પેલીના જ હાથ રૂમાલથી આંસુ લૂછતાં એનાથી એક ની:સાસો નીકળી ગયો. સામે જ રાખેલાં ડિસ્પેન્સર માં થી તેણે ઘુટડે ઘુટડે એક ગ્લાસ પાણી પીધું.

ગાયત્રી..એક બહુજ શિક્ષિત અને પ્રતિષ્ઠિત સ્ત્રી. લગભગ દસ એક હજારની વસ્તી વાળા ગામ માં ઉછરેલી, મામા નાં ઘેર અમદાવાદ રહી ને બી.એ. – બી. એડ. થઇ અને ગામની શાળામાં જ માધ્યમિક શિક્ષકનાં પદ થી જોડાઈ ને પ્રિન્સિપલનાં હોદ્દા ઉપર છેલ્લાં પાંચ વર્ષથી કાર્યરત છે. આજથી પચ્ચીસેક વર્ષ પહેલાં એજ ગામમાં રહેતાં એ વખતનાં જીલ્લા કલેકટર સાથે પરણેલી.  પરણ્યાને ત્રણ વર્ષે આ દીકરી નો જન્મ, અને પછી કમનસીબે બીજા બે વર્ષે અકાળે તેના પતી નું અવસાન. હિમ્મત ભેર એણે કુટુંબની અને પોતાની દીકરીની જવાબદારી ઉપાડી અને તેના ભરણ-પોષણ , શિક્ષણ, ઉછેર દરેક બાબતમાં અપેક્ષા કરતાં પણ વધુ કર્યું. આ બધું કરતાં, પોતાના ચારિત્ર અને વર્તન ઉપર એવી મર્યાદા રાખી કે ગામ આખું તેને બસ “ગાયત્રી બહેન” તરીકે જ ઓળખે અને સંબોધે. માન, મોભા, અને મર્યાદામાં તેને ગામમાં કોઈ ટક્કર ન મારી શકે. એ નીકળે તો લોકો હાથ જોડી ને નમસ્તે જ કહે, અને એક તરફ હટીને માર્ગ કરી આપે એવું એનું જાજરમાન વ્યક્તિત્વ.

ગામમાં ૧૨ મું ધોરણ કર્યાં પછી, દીકરીને એણે અમદાવાદ હોસ્ટેલમાં મૂકી, અને બે વર્ષો પહેલાં જ બી. કોમ કરાવ્યું. સદનસીબે અને પ્રદેશનાં એમ. એલ. એ. સાહેબની સારી ભલામણોથી, છેલ્લા આંઠ મહિનાથી એક સહકારી બેંકમાં તેને અમદાવાદમાં જ નોકરી પણ અપાવી. શનિ-રવી, કે જાહેર રજાઓનાં દિવસે પેલી ઘેર ગામે આવે, બાકી તો ત્યાં શહેરમાં જ ભાડાની રૂમમાં રહે. ઈશ્વર કૃપાએ ગાયત્રીની જિંદગી; એકંદરે તેણે ધાર્યા પ્રમાણે જ ચાલી રહી હતી.. બસ, હવે.. એક માત્ર બાકી જવાબદારી..અને એ કે કોઈ સારે સ્થળે દીકરી નાં વિવાહ થઇ જાય એટલે પોતે બધી જવાબદારી ઓ થી નિવૃત્ત ! …..અને ત્યાં …આ આવું થયું…!!

“ચાલો બેન… દેવી ને હવે… રૂમ માં શિફ્ટ કરી છે… તમે બેસો ત્યાં..!” એક આયા બાઈએ આવી ને ગાયત્રી ને સમાચાર આપ્યાં.

એ રૂમમાં દાખલ થઇ. નિરાંતે ઘેનમાં સુતેલી પેલીને જોઈને ગાયત્રી ને થોડી રાહત થઇ. નજીક જઈને તેના માથે હાથ ફેરવતાં તેની આંખોમાંથી આંસુની ધાર ફરી ચાલુ થઇ. એક ખુરશી નજીક ખેંચીને એ પેલીના ખાટલાની પડખે બેઠી. જમણાં હાથમાં ચાલુ સલાઈન ડ્રીપની સંભાળ લેતાં, પોતાની અશ્રુ ભીની આંખોથી પેલીનો બેફિકરો અને માસુમ લાગતો ચહેરો નીહારવા લાગી. પોતે આપેલ શિક્ષણ, શિખામણ, શાણપણ, અને સમજદારી બધું હોવાં છતાં આ છોકરી નો પગ ખોટા કુંડાળામાં કેવી રીતે પડ્યો હશે. એ તો સારું થયું, કે અઢી-ત્રણ મહિનાઓજ ગયા હતાં, હેમ ખેમ બધું પતી ગયું…ભગવાનનો એટલો પાડ,..પણ સૌથી હેરાન કરનારી બાબત તો એ છે કે એ છોકરાનું નામ આપવા પણ આ ઘેલી રાજી નથી, નહિતર હાથ પગ જોડીને પરણવાની વાત પણ તેને અને તેના માવતર ને થઇ શકતે. કોણ જાણે કોણ છે એ, ક્યાં નો છે.. કઈ નાતનો, કાંઈ કરતાં કાંઈ માહિતી નથી. કોણ જાણે શું કરવા બેઠી છે આ છોકરી !

લગભગ કલાકે, પેલી હોશમાં આવી, ત્યાં સુધી સલાઈનની બાટલી પણ પૂરી થઇ ગઈ હતી. વચમાં બે વાર પેલી નર્સ તેને તપાસી ગઈ. પૂર્ણ શુદ્ધિમાં આવતાં જ્યારે પેલીએ જોયું કે તેની દુ:ખી માંનું ધ્યાન તો અવિરત પોતા તરફ જ છે, તો પડખું ફરી ગઈ. જાણે કોઈ પણ પ્રકારનો સંવાદ ટાળવાની કોશિશ ન કરતી હોય !

“આ લો, બેન, થોડી ચા …હવે લઇ શકો છો !” કહેતાંક ને એક આયા બાઈ પરાણે વ્હાલી થઇને તેને એક ટ્રે માં ચા આપી ગઈ.

“હળવે થી, ઉઠ, ચાલ તને બાથરૂમ સુધી લઇ જાઉં, હાથ મોઢું ધોઈ લે, તો સુસ્તી ઉડી જશે… પછી પહેલાં પાણી પી અને પછી આ ચા પીલે.” ! ગાયત્રીએ હળવેથી તેને ઉઠાડતાં કહ્યું. કહ્યા પ્રમાણે થોડી ફ્રેશ થઇ ને તેણે ઘુટડે ઘુટડે ચા પીધી. અને પોતાના વાળ પણ સરખા કરી ને ગાયત્રી પાસે થી હેર-કલીપ માંગી ને પાછળ વ્યવસ્થિત બાંધ્યા.

“દેવી… કેમ છે હવે ?..ચા પીધી..?..સરસ…..આ લો, આછે તમારું ડીસ્ચાર્જ કાર્ડ અને સાથે છે દવાઓનું પ્રિસ્ક્રીપ્શન. નીચે જ ફાર્મસી છે, તે લોકો સમજાવશે દવાઓ કેવી રીતે લેવી. ઓ કે? પાંચ દિવસ પછી ડોક્ટર ને બતાવવા આવવાનું છે, એની પહેલાં જો પેટમાં વધુ પડતો દુખાવો થાય કે વધુ બ્લીડીંગ થાય તો અમને ફોન કરજો, અને જરૂર હશે તો પાંચ દિવસ પહેલા પણ આવવું પડશે. ઓ કે ? ઘરે જઈ ને આરામ કરજો. લગભગ ચાર કલાક પછી સાદો ખોરાક લઇ શકાય. કાલ થી સામાન્ય કામકાજ અને ખોરાક ચાલુ કરી શકાય, ઓ કે ?”, આદત મુજબ એજ નર્સ ફરીથી ગોખેલી લાઈનો ઉચ્ચારીને એક પરબીડિયું મૂકી ગઈ.

અનાયાસે બંને જાણે એક સાથે લાંબો શ્વાસ લીધો, ‘હાશ છુટ્યા’ નાં મતલબ વાળો. પૂર્ણ ચેતનામાં હોવા છતાં નબળાઈ હોવાથી, પેલીએ ધીમે, ધીમે બાથરુમમાં જઈ ને ગાઉન કાઢી ને પોતાનાં કપડાં પહેર્યાં, હિલ્સ વાળા શુસ પહેર્યાં અને બંને જણીઓ કલીનીકની બહાર નીકળીને પાર્કિંગ લોટમાં પહોચી.

“તું બેસ ગાડીમાં, હું બસ હમણાં જ દવાઓ લઇ આવું,…!”, કહેતાંક પેલી ને વ્યવસ્થિત રીતે ડાબી બાજુની આગળની સીટ ઉપર બેસાડીને ગાયત્રી ફાર્મસીમાં દવાઓ લેવા ગઈ. એ ગઈ જ હશે, કે ગાડીમાં કોઈ મોબાઈલ ફોનની ઘંટી નો રણકાર થયો. ટયુન પેલીનાં પોતાના મોબાઈલનો નહોતો, તેથી તે ને નવાઈ લાગી, આમ તેમ જોયું, તો સમજાયું કે ‘ગ્લવબોક્ષ’માં થી અવાજ આવતો હતો. જમણી તરફ નમી’ ને, વાંકી વળીને તેણે ફોન બહાર કાઢ્યો, અને જોયું કોનો ફોન છે. બીજી જ ક્ષણે, એની આંખો સામે અંધારા આવવા લાગ્યાં, દુનિયા જાણે ચક્કર ચક્કર ફરવા લાગી, આખે શરીરે પસીનો છૂટી ગયો.

‘આતો એનો જ નમ્બર’…..’ મમ્મી પાસે એ નમ્બર ક્યાંથી’ ? ‘શું મમ્મી તે ને જાણે છે’ ? ‘અને એ મમ્મી ને ફોન કેમ કરે છે’ ?’ જેવા કાંઈ કેટલા સવાલો તેના મનમાં ચકરાવા લાગ્યાં. શું કરવું એ ન સમજાતાં તેણે ફોન કટ કર્યો અને કોઈ આવતું જતું નથી એની ખાતરી કરીને પાછો ફોન ગ્લવબોક્ષમાં મુકવા લાગી, ત્યાં તેની નજર, અંદર પડેલા એક ૪x૬ નાં ફોટો આલ્બમ પર પડી. કુતુહલ વશ એ આલ્બમ બહાર કાઢિને, ફરી આમ તેમ નજર કરી, મમ્મી આવતી તો નથી ને એની ચોકસાઈ કરી ને, તેણે ઝપાટે એ આલ્બમ ખોલ્યું અને ચકરાવે ચઢેલ માથા અને આંખો સામે આવેલ અંધારા સાથે, આંખોમાંથી વહી રહેલ અશ્રુ ધારાનાં ધૂંધળા પડદા પાછળથી તેણે પેલા એજ એમ. એલ. એ.નાં સપુતનાં ફોટા જોયા, જેણે પોતાની સાથે પણ આ ગંદી રમત રમી હતી. અને ફોટા પણ – એક બે નહિ, પૂરું આલ્બમ ભરીને, બીભત્સ અને હલકી કક્ષાનાં; પેલી બ્યુ ફિલ્લમને પણ સારી કહેવડાવે તેવાં ફોટા, અને એ પણ પોતાની મમ્મી ‘ગાયત્રી’ સાથે ??!!

– ડો. શૈલેષ ઉપાધ્યાય.

Leave a Reply

error: Content is protected !!