સાંતા ક્લોઝ

સાંતા ક્લોઝ

“હેલો..મધુ બે’ન બોલો છો ?”… બપોરનાં લગભગ બાર થી સાડા બારનો સમય, રસોઈ પતાવીને હું, સવારે સુકવેલ કપડા બાલકનીમાંથી લઇને ઘડી કરતાં કરતાં, આરામનો શ્વાસ લેતાં બેઠિ જ હતી, કે મારા મોબાઈલની ઘંટી વાગી, અને સામે છેડેથી આ પ્રશ્ન થયો !

“હા, હું જ મધુ બોલું છું.” મેં ઉત્તર આપ્યો. “તમે કોણ?” અવાજ ઓળખવાનો પ્રયત્ન કરું ત્યાં જ.. સામે છેડે થી..

“મધુ બે’ન, આપ મને નહિ ઓળખો, પણ એક વાત કહો કે, તમારા પતિ સાંજે ઘરે કેટલા વાગે આવે છે,?” આધેડ ઉમરનાં કોઈ વ્યક્તિનો એ કોલ હતો.

“ કેમ?” મારા હૈયા માં ફાળ પડી, મારાથી અનાયાસ જ પૂછાઈ ગયું.

“કેમ કે, મારે તમારે ઘેર આવવું છે, તો પ્લીસ કહેશો, કે તમારા પતી સાંજે કેટલા વાગે ઘેર મળશે?” તેણે ફરી પૂછ્યું.

“અરે … પણ… તમારું નામ શું છે…એ તો કહો..” ! મનમાં ને મનમાં તાગ કાઢવાની કોશિશ કરતાં મેં પૂછ્યું.

“મેં, કહ્યું ને બે’ન, કે તમે મને નહિ ઓળખો,..તો મને કહેશો, કે તમારા પતી સાંજે ઘેર ક્યારે આવે છે, તેઓ આવે પછી જ મારે તમારે ઘેર આવવું છે.!” તેનાં અવાજમાંથી આછું સ્મિત છલકાતું હતું.

“અરે, પણ આમ ઓળખ્યા-પારખ્યા વગર…!”…

“એટલેજ તો મારે, તમારા પતીની હાજરીમાં જ તમારે ત્યાં આવવું છે બે’ન..!” તેણે ધરપત આપતાં કહ્યું.

“નાં..નાં…ઓળખાણ હોય તો તો…તમે ગમે ત્યારે આવી શકો છો…મારા પતિ હોય કે ના હોય…! પણ તમે છો કોણ…આમ સાવ અજાણ્યા…” ! થોડું હલકું હસતાં મેં કહ્યું. મને હવે આ આખી વાત-ચિત રમુજી લાગવા માંડી હતી.. “એની વેયસ..તમે અત્યારે છો ક્યાં ?”

“જી…અત્યારે તો… હું…..હું….હ્મમ્મ્મ્મ જ્બેલ-અલીમાં છું… એટલેજ સાંજે આવવાનો વિચાર છે…!” તેણે થોડું કચવાતા મને કયું.

“હા..હા…હા…હા…..શું વાત કરો છો? તમારો નમ્બર શારજાહનો કોડ બતાવે છે…અને તમે કહો છો. કે તમે અત્યારે જ્બેલ-અલીમાં છો…!”..તેનું  જૂઠ્ઠાણૂ પકડતાં મને જોર જોર થી હસવું આવી ગયું.

“ઓહ..ત્તારીની….નાં. એટલે … કે… હવે… હું . .. જ્બેલ-અલી જવા નુકળું જ છું.. એવો મારો મતલબ…!”, થોડો ભોઠાપો અનુભવતાં તેણે કહ્યું.

“જુઓ., મારા પતિ સાંજે લગભગ છ થી સાડા-છ સુધી ઘેર આવી જાય છે….!” મેં તેને માહિતી આપતાં કહ્યું.

“ઓહ.. ગ્રેટ, તો તો, જો હું સાંજે લગભગ સાડા સાત વાગે આવું તો કેમ રહેશે?, ચાલશે ને…?” તેણે પ્રશ્ન કર્યો.

“હા…આંમ…તો ચાલશે…..પણ….તમે.. કેટલા લોકો.. છો…!”, મેં સહેજ જ અટકળ કરવા પૂછ્યું.

“..ઓહ…જુઓ.. હું. .એકલો જ છું….અને હા…તમે ચિંતા નહિ કરો… હું આવીશ, અને ફક્ત એક કપ ચા નો જ લઇશ….માટે.. .બીજી કોઈ જાત ની ચિંતા ના કરો…!”, મારા મનમાં ચાલતી મુઝવણ જાણે પામી ગયો હોય એમ તેણે કહ્યું. તેની વાતમાં અંગતપણું અને નિખાલસતા ભારોભાર છલકાતા હતાં.

“નાં…નાં..આવા મોટા દા’ડે તમે આવો, અને તે પણ,.સાડાસાત વાગે..તો ખાધા વગર કાંઈ જવાતું હશે ?..”.. ખબર નહિ કેમ..આટલી વારમાં તો જાણે વર્ષો જુનો પરિચય હોય, તેમ હું ય તેને આગ્રહ કરવા લાગી.

“જુઓ બે’ન…મેં કહ્યું ને કે, હું આવીશ, અને ફક્ત ચા પિશ, અને હા.. દિવાળીનું કાઈ તમે જે કાંઈ બનાવ્યું હશે ને તે, ચાખી લઈશ…પણ..જમવા-બમવાની જહેમત તમારે લેવા ની જરૂર નથી…પ્લીસ….!” તેણે પણ ખુલાસો કરતા કહ્યું. “.. તો મને કહેશો, તમારું સરનામું….પ્લીઝ.!” તેણે ધરપત આપી અને સાથે સાથે પોતાની પુછતાછ પણ ચાલુ રાખી.

.

“એ તો તમને ખબર જ હોવી જોઈએ ને… જો મારો નમ્બર તમારી પાસે છે…તો…સરનામું તો..!”..થોડી શંકાશીલ થતાં મેં જવાબ આપ્યો.

“જુઓ…હું તો ફક્ત થોડા દિવસોથી જ અહી આવ્યો છું,.. અને ફક્ત તમારા નમ્બરનો સંદર્ભ મારી પાસે છે.. પણ સરનામું નથી…અને પાછી નથી આપણી ઓળખાણ, એટલે જ આપના પતિ આવી જાય પછી તમારે ત્યાં આવવું છે. બે’ન..પ્લીસ.. સરનામું આપશો તમારું…” તેણે સ્પષ્ટતા આપી.

“.. હ્મમ્મ્મ્મ. તો તમે શારજાહ થી આવો છો….બરાબર…! કેવી રીતે આવશો….ગાડી ની વ્યવસ્થા છે…નહિતર મારા પતિને જ કહું કે તમને ત્યાં જ મળી લે…”!..મેં હવે વાત ટાળવાનો પ્રયત્ન કર્યો.

“હા..હા… ગાડી અને ડ્રાઈવરની વ્યવસ્થા છે મારી પાસે,… અને તમારા પતીને તકલીફ આપવી મને નહિ ગમે…હું મારે કામે તમને મળવા માંગુ છું…. તો પ્લીસ સરનામું…!” વાતનો ખુલાસો આપતા તેને કહુયું.

“તો તમે આવો છો ક્યા થી…અને શું કામ છે.. એ તો કયો…!”..મેં પૂછ્યું.

“જુઓ બેન,, તમે પણ પેલા મુરલીધરન ની જેમ ગુગલી ફેંકીને ક્યાં તો મારો અવાજ પારખવાની કોશિશ ચાલુ રાખવા માંગો છો, અને ક્યાં તો મારા ઉપર કોઈ જાતનો શક કરી રહ્યા છો.. તમારા મનમાં ઉઠતા દરેક સવાલોનાં જવાબ, હું આવીશ અને તમને બન્ને ને મળીશ, ત્યારે મળી જશે…ખાતરી રાખો…!” તેણે થોડા ગંભીર સ્વરમાં કહ્યું.

“તો ભલે,…લખી લો.. સરનામું.”…કહેતાં મેં તેને મારા ઘરનું સરનામું, અને મારે ત્યાં શારજાહથી મોટર માર્ગે કેવી રીતે પહોચી શકાય તેનું વર્ણન કરીને સમજાવ્યું.” અને હા…સાંજ નું જમવાનું અમારી સાથે જ રાખજો.” મેં અતિથી સહજ, આગ્રહ ચાલુ રાખ્યો.

“અરે. .જમવાની જહેમત રહેવા દો…ચા સાથે કઈક તમારી દિવાળીની વાનગી હું ચાખી લઈશ. !” તેને કહ્યું.

“અરે.. જહેમત કેવી,, આજે કાળી-ચૌદશ છે ને… દહી વડા બનાવાવાનાં છે…બસ…અરે… હા…તમને દહી વડા ભાવે તો છે ને?”.. મેં મારો આગ્રહ નાં છોડ્યો.

“ભાવે છે, બે’ન,… ચાલો તમે આટલી તાણ કરો છો.. તો એકાદ દહી વડું પણ ચાખી લઈશ બસ…!, તો ચાલો આપણે સાંજે મળીએ.!”, કહેતાંક તેણે ફોન મુક્યો.

બાકી રહેલાં કપડાંની ઘડી વાળીને મેં ટી.વી. ચાલુ કર્યું, અને બપોરે આવતી દયા ભાભી અને જેઠાલાલ નાં રી-રન વાળી સીરીયલ જોવા લાગી…પણ..એમાં શું ચાલી રહ્યું છે…તેમાં મારું મન જ લાગતું નહોતું. થોડી વારે, મારી થાળી ભરીને જમવા બેઠિ; પણ, ત્યાં’ય એ નું એજ…’કોણ હશે એ ?’,…’શું કામ હશે તેને અમારું ?’ ‘તેણે પોતાનું નામ કેમ નાં કહ્યું ?’,. જેવા વિચારોનાં વમળ મનમાં ભમ્યા જ કરતા હતાં. દેશમાંથી કોઈ આવવાનું હોય તો ત્યાંનાં લોકો ફોન ઉપર આગોતરી મહીતી તો આપે જ., હજી કાલે સાંજે જ તો બધા સાથે ધનતેરસ નિમિત્તે વાતો થઇ છે..કોઈ કાંઈ બોલ્યું ય નથી. અને જે રીતે એ ફોન ઉપર બોલતો હતો, કોઈ આધેડ વાયનો પરિપક્વ વ્યક્તિ હોય એવું લાગતું હતું, વાણી પણ સાફ, અને ચોખ્ખી. રીત-ભાત સર વાતો પણ કરતો હતો એ,…બોલતો પણ હતો નાપી-તોલી ને…કોણ હશે એ ?”.. જેમ તેમ થાળી પતાવી ને વાસણો માંજીને હું રોજ ની જેમ આડી પડી, એકાદ ઊંઘ થઇ જાય, મોના આવે તે પહેલાં…

મોના, મારી દીકરી, છ વર્ષની. અહીંની જ એક શાળામાં પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે. સવારે સાડા સાત થી બપોરે એક વાગ્યા સુધીની તેની શાળા. શહેરનો ચકરાવો મારીને બસમાં બપોરે ઘરે પાછાં પહોચતાં તેને લગભગ બે જેવું થઇ જ જાય. એ ઘરે પહોંચે ત્યાં સુધી જમી કરી ને હું એકાદ ઊંઘ ખેચી લઉં, એ મારો નિયમ. ત્યાર પછી તેને જમાડું, સમજાવી–પટાવીને થોડી વાર સુવડાવું, અને પછી સાંજે એકાદ આંટો મારવા બજારે લઇ જાઉં. આ રોજનો જ કર્મ. મારી જેમ મોના પણ નાચવાની ખુબ જ શોખીન. ટી વી ઉપર આવતાં ગીતો જોઈ જોઇને પોતાની જાતે જ નકલ કરતી જાય, અને શીખતી જાય. હું’ય અવાર નવાર તેનો સાથ પુરાવું અને તેને શુખવું. તેની આ વૃત્તિ થી પરિચિત થઈને મેં લગભગ છેલ્લા છ મહિનાથી મોનાને એક નૃત્ય શિક્ષિકા પાસે દર શનિવારે બપોરે નૃત્ય શીખવા માટે વ્યવસ્થા પણ કરાવી છે. બહુ મજા પડે છે તેને, ત્યાં જઈને બધાની સાથે, નૃત્ય શીખવાની.

રોજની જેમ જ, મોના આવી, યુનિફોર્મ બદલાવીને જમી, અને અમે બંને આડા પડ્યા. ચારેક વાગે અમે તૈયાર થઇને સામેના પાર્કમાં ગયાં. લગભગ છ વાગે ઘેર આવી ને મોના પોતાનું લેસન કરવા બેઠિ, અને હું સાંજ માટે દહીં વડાની તૈયારીઓમાં લાગી. વચ્ચે વચ્ચે, ચાલુ ટી વી ની ચેનલો બદલીને મારી રોજિંદા સીરીયલોની ઝાંખી પણ કરી લેતી. લગભગ સાત વાગ્યે મારા પતી આલોક પણ ઘરે આવી પહોંચ્યા.  કદાચ, આજ-રોજ, કકળાટ ટાળવાની ફરજ બરાબર સમજ્યા હોય તેમ, સમયસર જ આવી પહોંચ્યા.

“કોઈ તમને મળવા આવવાનું છે… કાંઈ કલ્પના છે કોણ આવવાનું છે ?” ફ્રેશ થઇને છાપું લઇ ને તેઓ બેઠા જ કે મેં ચા નો કપ અને ગઈ કાલે જ બનાવેલ ચોખાનાં લોટની ચકારીઓ તેમની સામે ધરતાં પ્રશ્ન કર્યો. “બપોરે કોઈ નો ફોન હતો. !!”

“મને મળવા..?.. નાં.. મને કાંઈ ખબર નથી હોં ….દેશમાં થી તો કોઈ ?”… મુખ્ય સમાચારો જોતાં જોતાં તેમણે કહ્યું. “અરે, પણ, તેં કાલે તો વાત કરી ને બધા સાથે.. ત્યારે કોઈએ કાંઈ કહ્યું હતું તને ?…કોઈ સંપેતરા બાબત, કે કોઈ વ્યક્તિ બાબત ?”

“નાં, … હું ય બપોરથી, એ જ વિચાર કરું છું. કાલ તો એવી કોઈ વાત થઇ નથી એ બાબત, અને આમેય દેશમાં થી કોઈ આવે તો તમારો નમ્બર લઇ ને આવે, મારો નમ્બર નહિ.,. આતો મારા મોબાઈલ ઉપર ફોન આવ્યો હતો, તેનો…”! ખુલાસો કરતા મેં કહ્યું. “અને વિચિત્ર વાત તો એ, કે નમ્બર મારો હતો, અને મને કહે કે તમારા પતિ ઘરે આવે પછી જ હું તમારે ત્યાં આવવા માંગુ છું. !”

“અરે… હશે..કોઈ…બેંક વાળો, ..કે કોઈ વીમા વાળો…અને નહિતર..કોઈ .. ક્લબવાળો… આજકાલ.. આવા બધા બહુ નીકળી પડ્યા છે….વરસાદનાં ઘાંસ ની જેમ….ચરી ખાય દિવસ ભર… અને એકાદ બે બકરા મળે કે બસ થયું.!”, આલોકે ચા ની સુસ્કીઓ લેતા કહ્યું.

“હમમમ્મ..શક્ય છે…પણ એ ગુજરાતી ઘણું જ સાફ બોલતો હતો.. જે હોય તે…જોઈએ…!. અરે હા..મેં રાત માટે ફક્ત દહી વડા જ બનાવ્યા છે..ચાલશે ને.. કે બીજું કાઈ…?!” રાત્રી નાં જમણ બાબત મેં પૃચ્છા કરી.

“હા… હા.. ચાલશે વળી..ઉપર થી બીજું શું હોય ?, અને મોના..તેને ચાલશે કે ? “, આલોકે પૂછ્યું.

“હા એને તો દહી-ભાત ખવડાવી દઈશ…છે.. સવારનાં થોડા ભાત એનાં…માં…”, હું વાક્ય પૂરું કરું તેવામાં જ ‘ડોર-બેલ’ વાગી. સહસા, સોફા ઉપરનો વિખારાએલ સામાન હું ભેગો કરવા લાગી, ઘડિયાળ તરફ જોયું તો બરાબર સાડા સાત થયા હતા. સ્વસ્થ થઇને, આલોક ઉભા થઇ ને દરવાજો ખોલવા ગયા. ઉપાડેલ સામાન હું બેડરૂમમાં મુકવા સરકી ગઈ, અને તેવામાં આલોકે દરવાજો ખોલ્યો.

દરવાજો ખોલતાં જ, આલોક એકદમ નવાઈ જ પામ્યા, અને ડઘાઈ જ ગયા. હું’ય, બહાર આવી ને જોઉં છું તો દરવાજે આવેલ આગન્ગુક ને જોઇને હું પણ અવાક થઇ ગઈ. દરવાજે ઉભા હતાં ‘સાહેબ’. પૂરું નામ તો કદાચ મને પણ, નહોતું યાદ..પણ..હા…બધા એમને ‘સાહેબ’ ને જ નામે બોલાવતા હતા. અરે.. હજી પાંચ દિવસ પહેલા શુક્રવારે તો જોએલા અને મળેલા. કેમ ભૂલાય ?

“મધુ બે’ન, અંદર આવું કે ?”, અમારા બન્ને નાં ચહેરા ઉપર આશ્ચર્ય જોઈને અમારા વિચારોમાં દખલ દેતાં તમણે પૂછ્યું.

“અરે,,, હા..હા… ‘સાહેબ’ આવો…ને… આવો..આવો…” આલોકે તરત જ તેમને માનભેર અંદર આવવા સૂચન કર્યું, “આલોક શાહ” બોલતાં બોલતાં તેમનું સ્વાગત કરતાં, તેમની સાથે હાથ મિલાવી અને ઈશારાથી જ સોફા ઉપર બેસવાની વિનંતિ કરી. અંદર આવી, પોતાના હાથમાંની કાગળની થેલી, બાજુ ઉપર મૂકતાં, તેઓ સામેના જ સોફા ઉપર બેઠા. અમારી ડઘાઈ ગયેલ હાલત એમનાથી છૂપી નહોતી.

“મધુ બે’ન…બપોરે ફોન મેં જ કર્યો હતો…”! અમને બંનેને એક મેકની તરફ જોતાંજ પરિસ્થિતિ પામી ને તેમણે એક આછા સ્મિત સાથે ખુલાસો કર્યો, અને એક લાંબો સ્વાસ લીધો.

“ઓહ, માય ગોડ.. તો એ તમે હતાં? … અમે તો ..જાણે કેટ કેટલાય વિચારો…!” આગળ કાઈ વિચારું એ પહેલાજ મારા મોઢામાં થે શબ્દો સરી પડ્યા.

“હા.. એ સ્વાભાવિક છે…બેન…જે રીતે મેં વાતો કરેલી ફોન ઉપર, અને તમારા પતિ આવે પછી અહિ આવવાની જીદ કરેલી, કોઈ પણ વ્યક્તિ વિચાર કરતું થઇ જ જાય.” તેમણે ફોડ પાડી.

કમાલ છે નહિ !, હજી હમણાં સુધી હું આવનાર ચક્તિ માટે ‘તે’ અને ‘તેણે’ જેવા શબ્દો વાપરેતી હતી, અને હવે જુઓ.. ક્ષણ માત્રમાં “તેઓ” અને “તેમણે” વાપરતી થી ગઈ. ખબર નથી, એ બદલાવ ઉપસ્થિત વ્યક્તિ પ્રત્યેનાં સન્માન રૂપે હતો કે તેમની પ્રતિભાને આભારી.

“મોના ક્યાં છે ?”, અમે હજી પરિસ્થિતિ પામવાનો પ્રયત્ન કરીએ એ પહેલાં તેમણે પ્રશ્ન કર્યો.

“છે.. ને…આ .. અંદર રૂમ માં જ છે…!..મોના….એ મોના….બહાર આવ તો બેટા,….” કહેતાંક હું રસોડામાં તેમના માટે પાણીનો ગ્લાસ લેવા ગઈ. આલોક ‘સાહેબ’ ની બાજુનાં જ સોફા ઉપર સ્મિત રેલાવતાં બેઠા. પાણી લઇ ને હું બહાર આવી, ત્યારે જ બીજા રૂમમાંથી મોના, પોતાની ઢીંગલી, કોખમાં ભરાવી ને આવી. પણ એકદમ કોઈ અજનબીને જોઇને તે મારા દુપટતાનો છેડો પકડીને મારી સાથે સાથે ચાલવા લાગી. મેં તેમને પાણીનો ગ્લાસ આપ્યો.

“આવ બેટા… મોના…આવ મારી પાસે….!”, ગ્લાસ લઇ ને તેમણે બાજુનાં ટેબલ ઉપર મુક્યો અને મોનાને બન્ને હાથો પહોળા કરીને બોલાવવા લાગ્યા. મોના સંકોચાઈને મારી પાછળ સંતાઈ ગઈ.

“જુઓ, મધુ બે’ન, અને આલોક ભાઈ, એક વાત ……” !.. બોલતા બોલતા, તેમણે ઉતાવળે પાણીના બે ત્રણ ઘૂંટડા ભર્યા. “હા. એક વાત હું, સ્પષ્ટ કરી દઉં. મને ખાતરી છે, કે તમે તો મને ઓળખો જ છો. હજી ગયે શુક્રવારે જ આપણે મળેલા. હા, કદાચ …..!”.. તેઓ બોલતા ગયા.. અને હું જાણે કોઈ વિચાર તંદ્રામાં જ  ખોવાઈ ગઈ.

બન્યું હતું એવું, કે “ગોકુળિયા ગુજરાતી” નામનાં એક જુથે, ગયે જ શુક્રવારે સવારે, અહી શારજાહની  એક હોટલ ખાતે; દિવાળી નિમિત્તે; ગુજરાતીઓ માટેનું એક સ્નેહ-મિલન ગોઠવ્યું હતું. એ સ્નેહ-મિલન સાથે જ ગાયન, નૃત્ય અને ગુજરાતી વકતૃત્વ સ્પર્ધા પણ યોજી હતી. અને એ જ જૂથનાં એક અગ્રગણ્ય સભ્ય તરીકે ‘સાહેબ’ ત્યાં ઉપસ્થિત હતાં. કાર્યક્રમની વ્યવસ્થા, મહેમાનોની જરૂરીયાતો, અને એવા અનેક નાંનાં-મોટા કાર્યોમાં તેઓ વ્યસ્ત હોવાને કારણે, જ્યાં-ત્યાં આવ-જાવ કરતા નજરે ચઢતા હતાં. એ જ સ્પર્ધામાં મેં, અને મોના એ પણ; અલગ અલગ પ્રતિસ્પર્ધીઓ તરીકે ભાગ લીધો હતો. અને બંનેના, ખાસ કરીને મોનાના નૃત્ય ને ઘણો સારો પ્રતિસાદ દર્શકો તરફથી મળ્યો હતો. અલબત્ત, કાર્યક્રમને અંતે જાહેર કરાએલ વિજેતાઓની યાદીમાં મોના નું નામ ન હતું. અને તેથી જ, હું અને મોના, અમે બંને થોડા નાસીપાસ પણ થયાં હતાં.

“તો હું કહું છું, કે હું, અહિયાં “ગોકુળિયા ગુજરાતીઓ” તરફથી નથી આવ્યો. હું, મારી જાતે જ, મારા જ તરફથી અહી આવ્યો છું. એ વાત હંમેશા યાદ રહે. !”, કહેતાંક પોતાની થેલીમાંથી એક શુશોભિત કાગળમાં વીંટળાએલ એક દોઢ-એક ફૂટ લાંબી ભેટ કાઢી; થોડી જહેમત કરીને મોના ને પોતાની પાસે બોલાવતાં તેના હાથોમાં મૂકી. “આ…. તારી ગીફ્ટ.. મોના….. ઓ કે….. યુ .. હેવ.. વોન… અ . .પ્રાઈઝ…ઇન યોર ‘ચીકની ચમેલી’ ડાંસ… ઓ કે…!” કહેતાંક મોનાનાં માથે તેમણે હાથ પણ મુક્યો.

હું, અને મારા પતી, એકમેક તરફ જોતા જ રહ્યાં. હરખમાં, આશ્ચર્યમાં અને સાથે સાથે, બીજા અનેક મિશ્ર ભાવોમાં….”જુઓ,.. મધુ બે’ન.. મને… એટલે કે ..“ ગોકુળિયા ગુજરાતીઓ” માં અમને.. બધાને…એમ લાગ્યું કે, મોનાએ ખુબજ સરસ ડાંસ કર્યો હતો.. અને અમારા સહુને મતે એ ઈનામને પાત્ર હતી, પણ, પરીક્ષકોને એવું નાં લાગ્યું, અને તેમણે તેને ઇનામને પાત્ર ન સમજી. હશે. એ તેમનો મત હતો, અને નિયમ પ્રમાણે, આપણે સહુ પરીક્ષકોનાં મતો અને મંતવ્યોથી બાધ્ય છીએ, એટલે કોઈ પણ પ્રકારનાં વાદ-વિવાદ ને સ્થાન જ ન હોય.” તેમણે થોડો ખુલાસો કરતા કહ્યું.

“હા, હકીકતમાં અમને પણ એવું લાગતું હતું કે મોના ને વિજયી ઇનામ મળવું જોઈતું હતું. એના ડાંસ પછી બધા જ મોના નાં  ખુમ ખુબ વખાણ કરતા હતાં, અરે, એના નાચ પછી પેલા નીવેદીકા બેન પણ બોલેલા કે ‘મોના, તે તો કમાલ કરી, જો, પાછળના તો બધા જ દર્શકો ઉભા થઇને તાળીઓ પાડતા થઇ ગયા છે., તારા ડાંસ સાથે સાથે…ગ્રેટ’!  પણ, જ્યારે ઈનામો અપાયાં, અને તેનું નામ ના આવ્યું, તો મોનાએ મને વારંવાર પૂછ્યું, કે ‘મમ્મા, મારું પ્રાઈઝ ક્યાં છે… કેમ એ લોકો, મને કાંઈ નથી આપતાં? ખરું કહું તો હું અને મોના બંને એ દિવસે ખુબ ભાવુક થઇ ગએલા, અને રડ્યા પણ હતાં., પણ, હવે.. બીજું શું થા…ય “!” મેં પણ, તે દિવસનો પ્રસંગ યાદ કરતા, ભીની આંખે  કહ્યું.

“હશે, મધુ બે’ન…હું એમ નથી કહેતો, કે પરીક્ષકોએ કોઈ ભૂલ કરી છે, કે તેઓ ખોટા હતાં, પણ, હું એ જરૂર માનું છું, કે મોના નો ડાંસ ખુબ સરસ હતો. અને તેથી, આ છ વર્ષની નિર્દોષ કન્યાને ઈનામ તો મળવું જોઈએ. ભલે સત્તાવાર રીતે નહિ, તો બિનસત્તાવાર રીતે, પણ, એને ન્યાય તો મળવો જ જોઈએ. અને ખરું કહું તો શુક્રવારથી જ આ વિચારે મને પોતાને અસ્વસ્થ કરી મુક્યો છે. અને તેથી જ, આજે નાં છુટકે,  મેં તમારો સમ્પર્ક કર્યો; કારણ કે સ્પર્ધા નાં રજીસ્ટ્રેશન ફોર્મમાં આપની જ વિગતો હતી, અને આલોક ભાઈનો નમ્બર મારી પાસે ન હતો. મારો ઉદ્દેશ અહી આવીને આ નાની ઢીંગલી ને એક ભેટ આપીને, જાણે –અજાણે તેના ઉપર થયેલ સંભાવિત અન્યાયને સુધારવાનો પ્રયત્ન કરવાનો છે. જુઓ, હું, ફરી થી કહું છું, કે આ ભેટ “ગોકુળિયા ગુજરાતીઓ” તરફથી નહિ, પણ, મારા પોતાના તરફ થી છે, જેથી કરીને બીજા સ્પર્ધકો, તેમના વાલીઓ, પ્રેક્ષકો અને પરીક્ષકોમાં પણ કોઈ જાતની ગેરસમજણ ન ફેલાય. એક તરફ નિષ્પક્ષતા સચવાઈ રહે, અને બીજી તરફ આ છોકરીને ન્યાય મળે, તેનો આ જ એક ઉપાય છે. !?” એ બોલતા હતા, ત્યારે તેમની આંખોમાં એક અજબ પ્રકારની ચમકનો સાક્ષાત્કાર થયો મને. એમના શ્વાસો જાણે પશ્ચાતાપનો કાળ પૂરો કરીને સંતોષનો અનુભવ કરતા હોય, તેવી પ્રતિતિ થઇ મને. મારા પતી તો પ્રભાવિત થઇને તેમને જોતા જ રહ્યાં, અને ચા લાવવાને બહાને, હું પણ રસોડામાં ગઈ, પહેલા મારા દુપટ્ટાથી મારા આસું લુછ્યાં, અને થોડી વારે ચા અને દિવાળીનો તાજો બનાવેલ નાસ્તો લઇ ને બહાર આવી.

“આ. બધું તો નહિ ચાલે મધુ બે’ન, પણ, હા, વચન આપ્યાં પ્રમાણે, ચા હું જરૂર લઈશ.”, નાસ્તો બાજુમાં મૂકતાં અને ચાનો કપ ઉપાડતાં તેમણે કહ્યું. આટલી વારમાં તેમનો ચહેરો થોડો પરિચિત થયો અને ઉપરથી તેમના તરફથી મળેલી ભેટને લીધે, હવે મોનાનો તેમના પ્રત્યેનો ડર ધીરે ધીરે, ઓછો થતો દેખાતો હતો. “જો બેટા, તારો ડાંસ ખુબ જ સરસ હતો….અને હવે તો તને પ્રાઈઝ પણ મળ્યું છે… તો હવે…. બીજી વાર, હજી વધારે સારો ડાંસ કરવાનો… અને હજી .. વધુ અને વધુ. પ્રાઈઝ જીતવાના… ઓ કે…..ખુબ ભણવાનું, અને.. યેસ….ડાંસની પણ.. ખુમ  પ્રેકટીસ કરવાની……બરાબર…..?? !!”,  પીવાઈ ગયેલ ચાનો કપ બાજુમાં મૂકી, મોનાને પોતાની પાસે બોલાવીને બંને હાથે તેના બાવડાં પકડીને તેને સમજાવતાં તેમણે મોનાને  પોતાને ગળે વળગાડી. અત્યાર સુધી જે થયું એમાં હજુ બાકી હોય તેમ, પોતાના ખમીસનાં ખીસામાં થી એક પ્રખ્યાત કંપની ની ચોકલેટ કાઢીને મોના ના હાથમાં મૂકી.

“ચાલો, આલોક ભાઈ, મધુ બે’ન, ખુબ સમય લીધો તમારો, ખુબ ખુબ આભાર, .. ફરી મળીશું “ગોકુળિયા ગુજરાતીઝ” નાં આવતા કાર્યક્રમ દરમ્યાન. રજા લઉં હવે.”, કહેતાંક તેઓ ઉભા થયા. દરવાજે જઈને પોતાના બૂટ પહેર્યા અને જવા લાગ્યાં. મારા કહેવાથી મોના તેમને પગે લાગી, તેને આશીર્વાદ આપતાં જ મોના નાં ચહેરા સામેથી પોતાને ભીની આંખો ચૂકવતાં; તેઓ દરવાજાની બહાર નીકળી ગયાં. આલોક તેમને મુકાવા માટે બિલ્ડિંગમાં નીચે સુધી તેમની સાથે ગયાં.

જે થયું, એ, માનવામાં ન આવે તેવું, જાણે કોઈ સ્વપ્ત હોય તેમ; ઘટ્યું, અને સરકી પણ ગયું. હું તો સોફા ઉપર બેસી જ પડી. મળેલ ભેટ લઇને દોડતી દીડતી મોના મારા ખોળામાં આવી, અને તે ભેટ ખોલવાની જીદ કરવા લાગી. મેં કહ્યું, “તારા પપ્પા ને આવવા દે, પછી આપણે એ ખોલશું.”!

“કોણ હતાં એ અંકલ…મમ્મા”? તેણે પૂછ્યું.

“સાંતા ક્લોઝ, બેટા !”, અનાયાસ જ મારા મોઢામાં થી નીકળી ગયું.

“હેં.. મમ્મા… “સાંતા ક્લોઝ” સાચો સાચ હોય છે..?”, નિર્દોષ ભાવે મોના એ પૂછ્યું.

“હા.. .બેટા… હોય છે…. જરૂર હોય છે……એક તો હજી હમણાંજ; આપણી સાથે જ હતાં” ! તેને માથે હાથ ફેરવતાં અશ્રુભીની આંખોએ મેં જવાબ આપ્યો.

– ડો.  શૈલેષ ઉપાધ્યાય.

Leave a Reply

error: Content is protected !!