ઘરડાઘર (ભાગ ૧)

દેશના ખુબ જ વિકાસશીલ અને જાણીતા એક શહેર ના કોઈ એક ખૂણા નું દ્રશ્ય.

કોઈ ચિંતામાં બેસી રહેલા, કોઈ એક બીજા સાથે ગપ્પા લગાવતા તો કોઈ કાંપતા હાથે દાઢી કરતા, કોઈ માંડ માંડ દીવાલ નો ટેકો દઈને ઉભા થતા વડીલો દેખાઈ રહ્યા હતા. આમ તો શિયાળાની શરૂઆત જ હતી, પણ અસહ્ય ઠંડી ચાલુ થઇ ગઈ હતી. અને જુવાનીયાવ ને પણ હચમચાવી દે એવી ઠંડીથી બચવા કોઈએ માથે ફાટેલી થીગડા વાળી વાંદરા ટોપી પહેરી હતી તો કોઈ બંને હાથ એક બીજા સાથે ઘસી ને ગરમાવો કાને લગાડી રહેલ દેખાતું હતું. એક માજી એમના પાતળા સાડલા ની કોર ને પરાણે બેવડી કરી ને ઠંડી થી એમના કાન ને ઢાંકી રહ્યા હતા.

હા.. આ દ્રશ્ય હતુ શહેર ના મધ્ય માં આવેલ રામવિલાસ સોસાયટી પાસેના ‘દીકરા નું ઘર’ નામ ના ઘરડાઘર નું. આમ જુવો તો આ ઘરડાઘર નું નામ સાંભળી ને જ લગભગ ઘરડા વડીલો ની આંખ ભીની થઇ જતી. જો દીકરા ના ઘર માં આશરો મળ્યો હોત તો આમ અનાથ જેવું ફીલિંગ કદાચ ના આવેત. પણ જે દીકરા ને ગમ્યું એ ખરું… અમસ્તું થોડું કહેવાય છે કે છોરુ કછોરુ થાય… આપણે તો માં બાપ કહેવાઈએ… આપણે માઠૂ ના લગાડાય….

રામવિલાસ સોસાયટી માં રહેતા અને સોસાયટી નો હિસાબ કિતાબ સંભાળતા વડીલ શ્રી દશરથપ્રસાદ ઉપાધ્યાય રોજ સવારે ૭ વાગ્યે વોકિંગ માં નીકળે અને સોસાયટી બહાર નીકળતા જ ‘દીકરા નું ઘર’ પાસે આવી ને ૧૫ મિનીટ ઉભા ઉભા થોડી કસરત કરતા કરતા ઘરડાઘર ને નિહાળે, દુઃખી મને મનોમન બોલી પણ ઉઠે કે ‘મારે સારુ છે કે દીકરો એવો નથી પાક્યો કે જે મને ઘરડાઘર માં મૂકી આવે…’ અને હાથ અને પગ ની મુવમેન્ટ સાથે ફૂટપાથ પર આગળ વધે. ઉપાધ્યાય સાહેબ નો આમ તો આ રોજ નો ક્રમ હતો તેમ છતાં ઘણી વખત જયારે વિજયાબેન ને વોકિંગ માં આવવું હોય ત્યારે એમને નીકળતા ૭ ને બદલે ૭.૩૦ થઇ જતા. પોતાનો રૂટીન ડીસ્ટર્બ થયો હોય એવુ મહેસુસ કરનાર ઉપાધ્યાયભાઈ ૭ થી ૭.૩૦ સુધીમાં લગભગ ૭૩૦ શબ્દો તો બોલી જ દેતા અને વિજયાબેન ને આ કાયમનું થયું હોય એ રીતે એ ૭૩૦ માંથી ૩૦ શબ્દો પણ ધ્યાન થી સંભાળતા નહિ. તેમ છતાં બારણું બંધ કરતા કરતા હળવેક થી કહી દેતા ‘આ સવારે સવારે રોજ તમે કઈ રીતે આટલા વહેલા નીકળી જાવ છો. ઠંડી પણ કેટલી વધી ગઈ છે, થોડા લેઇટ નીકળો તો હું રોજ તમારી સાથે આવી શકુ’

‘ના, તુ તારે નિરાતે તારા કામ પતાવ મને આ રોજ રોજ મોડું નીકળવું ફાવે નહિ, મારા આખા દિવસ નું શેડ્યુલ બગડી જાય છે’ – ડોક પર લગાવેલ મફલર ને કાન ફરતે વીટતા વીટતા ઉપાધ્યાયભાઈ અકળાતા અકળાતા બબડે.

વિજયાબેન – ‘જતી ઉમરે તો તમારી સાથે વોક કરવા મળશે એવું મને લાગતું હતું, પણ લાગે છે આ તમારું શેડ્યુલ મને તમારી સાથે શાંતિથી મરવા પણ નહિ દે’

મૂંછો તો નહોતી તેમ છતાં મૂંછો માં મલકાતા ઉપાધ્યાયભાઈ વિજયાબેન સામે જોઇને – ‘તને ય ક્યારેય તારા કામ અને રસોડામાંથી સમય મળ્યો છે મારી સાથે વોક માં આવવાનો?, ઠીક છે ચાલ, કાલ થી આપણે રોજ સાથે વોકિંગ માં નીકળીશું , પણ જોજે પાછી તારા રસોડામાંથી ૭.૩૦ સુધીમાં નીકળી જજે, નહિ તો હું રાહ નહિ જોવ…’

લગ્નજીવન ને ૫૦ વર્ષ પુરા થવાને લગભગ ૧૩ દિવસ ની જ વાર હતી, તેમ છતાં રોજ ના મીઠા ઝગડા એમના પ્રેમ માં આટલા વર્ષે પણ વધારો કરી રહ્યા હતા.

ક્રમશ:

– ધર્મેશ વ્યાસ (ધમભા)

Leave a Reply

error: Content is protected !!