ઘરડાઘર (ભાગ ૨)
“તમને યાદ પણ છે…. ૧૩ દિવસ પછી આપણા લગ્નને ૫૦ વર્ષ પુરા થશે…” દશરથભાઈ ની સાથે સાથે ચાલી રહેલા વિજયાબેને વાત ની શરૂઆત કરી
(“ઘરડાઘર ભાગ ૧” હજુ ના વાંચ્યો હોય તો વાંચવા અહી ક્લિક કરો)
“સાચું કહુ તો દર વખતની જેમ મને યાદ નહોતું, પણ આ તો ૨-૩ દિવસ પહેલા રીન્કુ નો ફોન આવેલો એને કહ્યું ત્યારે ખબર પડી”
રીન્કુ એટલે ગોલ્ડન જ્યુબીલી કપલના એકના એક દીકરા રૂપેશની નાની ૬ વર્ષ ની દીકરી. રોજ સાંજે દાદા સાથે ફોન માં વાત ના કરે ત્યાં સુધી એને ઊંઘ ના આવે. રૂપેશ પુને ની કોઈ આઈ.ટી. કંપનીમાં સીનીયર પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. કેરિયર ની શરૂઆત પ્રોગ્રામર ની જોબ થી ચાલુ કરીને રૂપેશ અત્યારે પ્રોજેક્ટ મેનેજર સુધી પહોંચ્યો હતો. દિવ્યેશ (રૂપેશ નો મોટો દીકરો કે જે ૧૧ વરસનો હતો) ના જન્મ ના લગભગ ૨ વર્ષ પછી રૂપેશ ગાંધીનગર ની મલ્ટીનેશનલ કંપની છોડીને પુનેની કોઈ ઇન્ડીયન કંપની માં લાગ્યો હતો.
ચાલતા ચાલતા રોજ ના ક્રમ મુજબ ઉપાધ્યાય સાહેબ ‘દીકરાના ઘર’ ની સામે આવી ઉભા રહ્યા. માંડ માંડ પતિદેવ ની ચાલવાની ઝડપને પહોંચી વળતા વિજયાબેને પણ પગ ને બ્રેક મારી અને ઊંડો શ્વાસ ભર્યો. દશરથભાઈ એની સામે જોઇને ફક્ત થોડુ હસ્યા અને પોતે થોડી વધુ સ્પીડ માં ચાલે છે એ વાત સમજી ગયા.
“હું જયારે વોક માં સાથે આવું ત્યારે હું જોવ છું કે તમે આ ઘરડાઘર સામે આવીને થોડી વખત ઉભા રહો છો, કસરત કરતા કરતા ત્યાં અંદર રહેતા ઘરડાઓની સામે થોડી વખત જુવો છો.” ફૂટપાથની પારી પર બેસતા બેસતા વિજયાબેને પૂછ્યુ
“મને આ લોકો ને જોઇને એક જ વિચાર આવે છે કે એમને એવી તો કેવી સંતાન જણી છે કે જે આજે પોતાના માં-બાપ ને સાથે રાખવા તૈયાર નથી.. જે માં-બાપે જન્મ આપ્યો, ભણાવ્યા, ગણાવ્યા…મોટા કર્યા અને આજે એ જ માં-બાપ ને એ લોકો ઘરડાઘર માં મૂકી જાય છે..” થોડા ભાવુક પણ ગુસ્સામાં દશરથભાઈ બોલી ઉઠ્યા
“હશે કોઈ મજબૂરી એમના દીકરાની પણ, નહિ તો દીકરો ક્યારેય આવું ના કરે” વાતાવરણ થોડું શાંત પાડવાનો પ્રયાસ કરતા વિજયાબેન
લગભગ ૧૦ મિનીટ સુધી બંને કંઈ બોલ્યા વગર ઘરડાઘર માં દેખાતા ઘરડા લોકો ની હિલચાલ ભીની આંખે જોય રહ્યા.
“સારુ છે આપણે દીકરો એવો નથી પાક્યો કે જે ઘરડાઘર માં મૂકી આવે…” રોજ મનોમન જે બોલતા એ આજે પત્નીની સામે બોલી ને વિજયાબેનની ભીની આંખો લુછવા પ્રયાસ કર્યો પણ આ શબ્દો સાંભળતાની સાથે જ એ દશરથભાઈ ની આંખો માં આંખો નાખીને કંઈ પણ બોલ્યા વગર ઘણું કહી ગયા હોય એવું લાગ્યું અને દશરથભાઈ પણ ઘણું સમજી ગયા હોય એમ ફૂટપાથ પર બંને હાથો ને ઉપર નીચે કરતા વોકિંગ ચાલુ કર્યું.
૩૦ મિનીટ નું વોકિંગ મૂંગા મોઢે પૂરુ કરીને ગોલ્ડન જ્યુબીલી કપલ ઘરે પહોંચ્યું અને બંને પોત પોતાના રૂટીન માં વ્યસ્ત થઈને સવાર ની વાતો ભૂલવા પ્રયત્ન કરવા લાગ્યા.
ક્રમશ:
– ધર્મેશ વ્યાસ (ધમભા)