ઘરડાઘર (ભાગ ૩)

‘ઘરડાઘર’ ના અગાઉ ના ભાગ ૧ અને ૨ વાંચવા અહી ક્લિક કરો

‘આજે કેમ આટલા ખુશ દેખાઓ છો?” – રોટલી વણતા વણતા વિજયાબેને દશરથભાઈની આંખોમાં હરખ વાંચ્યો હોય એમ બોલ્યા

‘અરે ગઈ કાલે જયારે રીન્કુનો ફોન આવેલો ત્યારે કહેતી હતી કે રૂપેશે અને પૂજાએ આપણી લગ્નના ૫૦ વર્ષની ઉજવણી ધામધૂમ થી કરવાનો વિચાર કર્યો છે પણ આપણા બંને માટે એ સરપ્રાઈઝ રાખવાના છે. આ તો રીન્કુ છોકરુ કહેવાય એટલે હરખ માં ને હરખમાં મને કહી દીધું છે, તુ ધ્યાન રાખજે પૂજાનો ફોન આવે ત્યારે વાત કરવામાં ક્યાંક બાફી ના દઈશ.”

હરખ માં રહેલા દશરથભાઈએ વાતોનો ક્રમ ચાલુ રાખતા આગળ વધાર્યું.
‘લાગે કે હજુ ગઈ કાલ ની જ વાત છે, જયારે રૂપેશ નો જન્મ થયેલો. કેટલી ખુશી થી એના જન્મ ની ઉજવણી કરેલી અને એના દર જન્મદિવસે કોઈ ને કોઈ સરપ્રાઈઝ ગીફ્ટ ને બધું…., સમય જતા ક્યાં વાર લાગે છે આજે રૂપેશ ના બંને બાળકો પણ મોટા થવા લાગ્યા અને આપણા લગ્ન ને જોત જોતામાં ૫૦ વર્ષ પણ થઇ ગયા… ટૂંકમાં આપણે ઘરડા થઇ ગયા વિજયા…” હલકુ સ્મિત આપીને દશરથભાઈ એ વિજયાબેન સામે જોયુ.

‘સાચી વાત છે, હવે ઘરડા થયા હોવાનો અહેસાસ થાય છે. ખાસ કરીને રોજિંદુ કામ કરવામાં મને ક્યારેય તકલીફ ના થતી, પણ છેલ્લા ૨ વર્ષ થી આ ગોઠણ નો દુખાવો, આંખો ની તકલીફ… હવે થાકી જવાય છે… રૂપેશ ને પૂજા અહિયાં હતા ત્યારે સારુ હતુ. અને જયારે જયારે વેકેશન માં આવે ત્યારે પણ થોડી રાહત લાગે છે’ – રોટલી વણવાનું પતાવી ને માંડ માંડ ઉભા થતા થતા વિજયાબેન બોલતા ગયા

‘રૂપેશને જરૂર જ ક્યાં જરૂર હતી આટલી સરસ મલ્ટીનેશનલ કંપની છોડી જવાની… શનિ રવિ રજા , વર્ષે એક વેકેશન અને આટલો સરસ પગાર બીજું જોઈએ શું?’ દશરથભાઈના ખુશ ખુશાલ મુખ પર  ઓચિંતો ગુસ્સો અને દર્દ આવી ગયા હોય એવું દેખાઈ આવતું હતું.

‘ઘર થી ૨૦ મિનીટ ની ડ્રાઈવ, જ્યાં જનમ્યા ત્યાં જ જુના મિત્રો, સગા સંબંધીઓ વચ્ચે રહેવાનો આટલો સરસ મૌકો હતો. બીજું જોઈએ શું કોઈને?.. પગાર પણ સારો જ હતો… અને માં બાપની સાથે રહેવાનું, પૂજાને પણ અહી જ પિયર, ગમે ત્યારે એના માં-બાપને મળી શકાય. જરૂર શું હતી આટલે દુર જવાની?’ – દશરથભાઈની આંખ માંથી નીકળુ નીકળુ થઇ રહેલ આંસુ વિજયાબેન જોઈ શકતા હતા.

‘જવા દો એ વાતો… એને ગમ્યું એ કર્યું… પણ તમે મને લગ્ન ના ૫૦ વર્ષ પુરા થવાની ખુશી માં કંઈ સરપ્રાઈઝ નથી આપવાના?’ વિજયાબેને સાડલા ની કોરથી હળવેકથી થી આંખો લુછીને વાત બદલવા કોશિશ કરી

‘સરપ્રાઈઝ પાર્ટી આપવા પુનેથી  ૨ દિવસ માટે આવશે, રીન્કુ અને દિવ્યેશ ને સ્કુલ ચાલુ છે એવું કહીને ૨ દિવસ માં ફરી બધી ખુશીઓ સાથે લઈને જતા રહેશે, પછી છેક દિવાળી સુધી આ ખુશી મેળવવા આપણે તો રાહ જોતા બેસી રહેવાનું ને?.. દાદા-દાદી માટે છોકરાના છોકરાઓ સાથે હોય તો ઘડપણ ક્યા પસાર થઇ જાય ખ્યાલ ના આવે અને આવું વિચારીને જ રૂપેશના લગ્ન પછી કેટલાય લોકો ને મળી ને ઓળખાણો નો ઉપયોગ કરીને એને આટલી સરસ નોકરી માં લગાડેલો.. શું ફાયદો? ” ઉપાધ્યાય સાહેબે બોલવાનું ચાલુ રાખ્યું

‘તમે છોડોને એ બધી વાતો, લાગે છે આજે સવારે વોકિંગ માં હું નથી આવી એનો ગુસ્સો કાઢો છો.’ ફરી વાતને બદલવા વિજયાબેને એક નિષ્ફળ પ્રયાસ કર્યો

‘એ નાનો હતો ત્યારે હજાર પ્રશ્નો કરતો, લવારીઓ કરતો હું તો ક્યારેય ગુસ્સે નહોતો થતો. ખાતા ખાતા આખું ઘર ગંદુ કરતો, કેરીની સીઝન માં તો કપડા પણ એટલા બગાડતો ત્યારે હું તો કઈ નહોતો કહેતો. હું ઓફીસ થી થાક્યો પાક્યો આવતો અને એ મને કપડા પણ ના બદલવા દેતો અને ખોળામાં બેસીને સતત કલાકો સુધી વાતો કરતો ત્યારે મેં તો ક્યારેય ગુસ્સો નહોતો કરેલો?’ જાણે આજે દશરથભાઈને પહેલી વખત દિલ માં રહેલી વાતો ઠાલવવાનો મૌકો મળ્યો હતો.

‘હવે જયારે દિવ્યેશ નાનો હતો ને આવું જ એની સાથે કરે ત્યારે એને ગુસ્સો આવે. ગુસ્સો આવે એ તો ઠીક પણ જયારે હું એને એનું બાળપણ યાદ અપાવું ત્યારે મારો સામો થાય? મને કેમ જાણે એનો વર્ક લોડ ના ખ્યાલ હોય, મને કેમ જાણે એ ખબર ના હોય કે એ કેટલો થાકેલો હશે! પણ એ એક બાપ છે એટલું તો મારે એને યાદ કરાવવું પડે ને?’ ઉપાધ્યાય સાહેબ ની આંખો ના આંસુ હવે સાંબેલા ધારે વહી રહ્યા હતા

ક્રમશ:

– ધર્મેશ વ્યાસ (ધમભા)

Leave a Reply

error: Content is protected !!