ઘરડાઘર (ભાગ ૪)

મનમાં વરસો થી સંઘરેલી વાતો જાણે બહાર નીકળી રહી હોય અને મન હળવું થઇ રહેલ હોય એવું દશરથભાઈ ને જોઇને લાગતું હતું. વિજયાબેન બધું સમજતા હતા અને જાણતા હતા કે એમના પતિ શું કહેવા માંગે છે.

ઘરડાઘર વાર્તાના અગાઉ ના ૩ ભાગ વાંચવાના બાકી હોય તો અહી ક્લિક કરો
‘હા અને અમુક ભૂલ મારી પણ છે..” – જાણે પતિદેવની સાથે વિજયાબેને પણ મન હળવું કરવું હતું એવી રીતે બોલ્યા
‘પૂજા નવી નવી પરણીને આવી ત્યારે તો બધું બરોબર હતું, પણ ધીમે ધીમે દિવસો પસાર થયા એમ મારા અને પૂજા વચ્ચે પણ અંતર વધ્યું અને એમાં મારો પણ ઘણો વાંક છે જ. મારે પૂજા ને રસોડા ની બધી જ જવાબદારી આપી દેવી જોઈતી હતી. એના કામ માં નાની નાની ભાંગતોડ માં ટોક ટોક કરવું, શાક દાળ એના સ્વાદ અનુસાર બને ત્યારે બોલી દેવું, મહેમાન આવ્યા હોય અને ત્યારે કોઈ ભૂલ કરે ત્યારે પણ ચુપ ના રહેવું, આ બધું મેં ના કર્યું હોત તો કદાચ…..” – આટલુ કહીને વિજયાબેન પણ રડી પડ્યા….

‘હા આપણને એ તો ખ્યાલ છે જ કે રૂપેશને અને પૂજાને કંઈ વધુ મોટી માથાકૂટ થાય એ પહેલા આપણા થી દુર જતુ રહેવું હતું, એને એ પણ ખ્યાલ હતો જ કે પપ્પા કોઈ પણ કાળે આ ઘર નહિ છોડે અને આપણી સાથે બીજા શહેર માં કાયમી રહેવા નહિ આવે.. અને એટલે જ ખોટો આગ્રહ પણ કર્યો કે આપણે એની સાથે જઈને રહીએ., હું બધું જાણું જ છું.’ – જૂની યાદોના એક પછી એક પોટલા દશરથભાઈ ખોલી રહ્યા હતા.

‘પણ જે થયું સારુ જ થયું… જો આપણે સાથે વધુ રહ્યા હોત તો કદાચ આજે વહુબેટા સાથે બોલવા જેવા સંબંધ ના હોત. એના બદલે આજે આપણે ભલે વર્ષે એક બે વખત પણ જયારે મળીએ ત્યારે ખુશી થી મળીએ અને રહીએ છીએ.’ – વિજયાબેન હજુ પોતાને દોષી ગણીને રડી રહ્યા હતા

‘હા એ બરોબર છે, પણ હવે આ ઘડપણ માં દીકરા વહુ અને એમના સંતાનો થી દુર રહેવું પડે એ અઘરું લાગે છે થોડું, ખાસ કરીને બાળકો નાના છે એમને પણ બા-દાદાના પ્રેમ ની જરૂર છે. ભલે આપણે થોડા વધુ લાડ કરીએ અને થોડા ઝીદ્દી પણ બનાવીએ પણ આને જ બાળપણ કહેવાય… બિન્દાસ બાળપણ કે જેમાં એમને ઝીદ એટલે શું એ પણ ખ્યાલ ના હોય. વર્ષે ૧૦-૧૫ દિવસ સાથે રહે અને બાકીના ૩૫૦ દિવસ દુર રહે એમાં આપણે એનું શું બાળપણ માણી શકવાના…’ – દશરથભાઈ ભાવુક અવાજે બોલી રહ્યા હતા…

લગભગ રાતના ૨ વાગ્યા સુધી બંને જૂની વાતો કરતા રહ્યા અને વાતો કરતા કરતા ક્યારે ઊંઘી ગયા એનો ખ્યાલ ના રહ્યો.

દિવસો પસાર થતા ગયા અને ગોલ્ડન જ્યુબીલી કપલ ની લગ્ન તિથી નો દિવસ આવી ગયો.

આખી રાત જાણે દશરથભાઈ અને વિજયાબેન સવારની રાહ જોતા હતા. એટલે નહિ કે એમના લગ્નની ૫૦ વર્ષ નો દિવસ છે, પણ એટલે કે દિવ્યેશ અને રીન્કુને લગભગ ૭ મહિના પછી જોવા મળશે.

આખી રાત ટ્રેઈન માં સ્લીપર કોચ માં આરામ કરીને રીન્કુ અને દિવ્યેશ પણ એક સ્ટેશન પહેલાથી જ ઉઠી ગયેલા અને બા-દાદા ને મળવા એ બંને પણ એટલા જ આતુર હતા.

દર વખતની જેમ આ વખતે પણ રૂપેશે કહેલું કે આટલા વહેલા સવારમાં અને શિયાળાના દિવસોમાં તમે ૯ કિલોમીટર રીક્ષા માં સ્ટેશન આવશો એ અમને નહિ ગમે, અમે ટેક્સી કરીને આવી જઈશું. એટલે દશરથભાઈ અને વિજયાબેન ઘરે બેસીને જ બાળકોની રાહ જોતા હતા અને ટેક્સી નો અવાજ આવ્યો.

રીન્કુ અને દિવ્યેશ તો ટેક્સીનો દરવાજો ખુલે એ પહેલા જ બા-દાદા ની બુમો મારતા બારીમાંથી હાથ હલાવતા હતા. સામાન ઉતાર્યો ત્યાં સુધી માં તો દશરથભાઈએ બંને બાળકો ને લઈને આખા ઘરમાં ચક્કર લગાવી લીધા અને છેલ્લા ૭ મહિનામાં જે પણ ફેરફાર કરાવ્યા હતા બધા ગણાવી દીધા. છોકરાઓને દાદા સાથે આવી બધી વાતો અને ધીંગા મસ્તી કરવી જ ગમતી.

દર વખતની જેમ રૂપેશ ને ભાવતા પૌવા નો નાસ્તો કરીને છોકરાઓના પ્લાન મુજબ એનીવર્સરી ની ઉજવણી ઘર પાસે રહેલા ‘ઘરડાઘર’ માં ઉજવવાનું નક્કી કરેલું. રૂપેશ અને પૂજાએ પહેલે થી ‘દીકરાનું ઘર’ નામના ઘર પાસે રહેલા ઘરડાઘરમાં ફોન કરીને પહેલે થી જ જાણી લીધેલું કે ત્યાં કેટલા ઘરડા સ્ત્રી-પુરુષો રહે છે અને બધા માટે ગીફ્ટ અને મીઠાઇ ના પેકેટની બધી તૈયારીઓ કરી દીધેલી.

‘પપ્પા, ભાઈ કહેતો હતો કે આપને કોઈ ઘલમાં જઈને બા-દાદા ની એનીવર્સલી સેલીબ્રેટ કરવાની થે?, કોના ઘરે જવાનું થે?’ – દૂધ પીતા પીતા રીન્કુએ પોતાના કાલા કાલા અવાજે પૂછ્યું અને બધા હસી પડ્યા.

‘બેટા, એ ઘરડાઘર કહેવાય. કે જ્યાં બધા ઘરડા લોકો રહેતા હોય. એના દીકરા થી દુર’ – રૂપેશ ઘરડાઘર નો અર્થ સમજાવવા પ્રયત્ન કરી રહ્યો હોય એમ બોલ્યો

‘પન, પપ્પા આ ઘલ પણ  ઘરડાઘલ જ થે… આયાં પન બા-દાદા જ રહે થે, એ પન ઘરડા જ થે એતલે આને પન ઘરડાઘલ જ કેવાય ને.’ – રીન્કુ નિર્દોષ ભાવે બોલી

રૂપેશ કશું બોલી શકે કે વિચારી શકે એ પહેલા વિજયાબેન અને દશરથભાઈ બંને બાળકો ને પાર્કમાં નવા હીંચકા બતાવવાના બહાને લઇ ગયા. રૂપેશ અને પૂજા ફક્ત એક બીજા સામે જોઈ રહ્યા અને ગોલ્ડન જ્યુબીલી કપલે એમના આંસુ અને દુઃખ બાળકો સાથે પાર્કમાં રમવામાં ભુલાવી દીધા.

સંપૂર્ણ:

સાર: જો સાર પણ મારે જ કહેવો પડશે તો આ વાર્તા કે જે ઘરે ઘરે જોવા મળે છે એ લખવાનો કોઈ અર્થ નહિ રહે.
પણ જો, તમને સાર સમજાયો હોય તો આ વાર્તા બીજા મિત્રો સાથે શેર કરશો કે જેથી આપણી આસપાસ રહેલા ‘ઈનવિઝીબલ’ ઘરડાઘર ઓછા થાય.

– ધર્મેશ વ્યાસ (ધમભા)

Leave a Reply

error: Content is protected !!