બાબુમોશાય…જીન્દગી બડી હોની ચાહિયે, લંબી નહીં – રાજેશ ખન્નાની ડેથ એનિવર્સરી પર અમુક છુપી વાતો

ત્યારે બેસવા માટે બાલ્કનીમાં લાકડાની ખુરશીઓ અને સેકન્ડ અને થર્ડ ક્લાસમાં બાંકડા હતા, (જેમાંથી માંકડ હમેશા ચટકતા રહેતા.) હા ત્યારે થર્ડ ક્લાસ પણ હતો, દરેક સિનેમાઘરમાં, રેલવેમાં બધેજ. પછી સમય જતાં સરકારમાં બેઠેલા કોઇ મહમદ તુઘલકને મનમાં તુક્કો આવ્યો અને દરેક જગ્યાએથી થર્ડ ક્લાસ કાઢી નાખવામાં આવ્યો એટલે કે થર્ડ ક્લાસને સેકન્ડ ક્લાસનું વધુ આબરૂદાર નામ આપી દેવામાં આવ્યું! કોડીનારનું એ અજંટા ટૉકીઝ ત્યારે અમારા માટે દુનિયાનું સર્વશ્રેષ્ઠ મનોરંજનનું સ્થળ હતું ! એના મૅનેજર અબરૂબાપુ તો ઠીક પણ એમાં કામ કરતા ડોરકીપરની કે ટિકિટબારી વાળાની પણ અમને ઈર્ષા આવતી, અમને લાગતું કે જગતની કોઇ શ્રેષ્ઠ નોકરી જો કોઇ હોય તો અજંટા ટૉકીઝમાં કામ કરનારની છે! એ અજંટા ટૉકીઝમાં ૧૯૭૧ કે પછી ૧૯૭૨ માં અમે એક ફિલ્મ જોયેલી, ’હાથી મેરે સાથીઆમ તો એ પહેલાં પણ કદાચ બીજી બે ત્રણ ફિલ્મ જોયેલી હશે પણ સ્મરણના પટારામાં ખાંખાખોળાં કરતાં હાથી મેરે સાથીસુધી પહોંચીને અટકી જવાય છે એટલે અમે એમ માનીને ચાલીએ છીએ કે આ ફિલ્મ એ અમારી જીંદગીની જોયેલી પહેલી ફિલ્મ છે એટલે એમાં બીજા કોઇએ તકરાર ઊભી કરવાનો સવાલ નથી! ફિલ્મના હીરો હતા રાજેશ ખન્ના અને હીરોઇન કાજોલબહેન ના મમ્મી તનુજા. (જેમને અહીં કાજોલની સાથે બહેન શબ્દ સામે વાંધો હોય એમને સ્વેચ્છાએ એ શબ્દ રદ કરવાનો અધિકાર આપવામાં આવે છે, બાકી અમે તો મન મનાવી લીધું છે!)

એ જમાનામાં આ મમ્મીજી પણ કાંઇ કમ નહોતાં, આજના ખંડહર પરથી એ ઇમારત કેટલી બુલંદ હતી એ ખ્યાલ ના આવતો હોય તો આ લેખની સાથે મૂકેલો ફોટો જોઇ લેવો! પણ આવા તો વિચારો અમને પણ આજે આવે છે, ત્યારે તો ઉંમર આઠ-દશ વર્ષની અને એ પણ એ જમાનાનું બાળપણ એટલે તનુજાજી પર તો બિલકુલ ધ્યાન ગયેલું નહીં, પણ હા એ ફિલ્મથી અમારા મન પર કદી ન ભૂંસી શકાય એવી છાપ છોડેલી એના હીરોએ. અમારા માટે હીરો અને રાજેશ ખન્ના એ બન્ને શબ્દો એક બીજાના પર્યાય બની ગયેલા. ત્યારે સુપરસ્ટાર કે એવા બધા શબ્દો તો અમારા માટે હજુ ઘણા વર્ષો દૂર હતા, પણ અમારા મનમાં ગાંઠ વળી ગયેલી કે હીરો તો આનેજ કહેવાય, બાકી બધા ઝીરો! એ પછી ઘણા બધા વર્ષો પછી સદીના મહાનાયકે એક એવૉર્ડ ફંકશનમાં રાજેશ ખન્નાને સ્ટેજ પર (લાઇફ ટાઇમ અચીવમેન્ટ કે એવો કોઇ) એવૉર્ડ આપતાં એના સન્માનમાં હિન્દી સિનેમાના ઇતિહાસના પહેલા સુપરસ્ટારએવા શબ્દો શબ્દો ઉચ્ચાર્યા ત્યારે અમારી છાતી ગજ ગજ ફૂલેલી કે માત્ર અમારી ફ્રેન્ચકટ દાઢીજ નહીં પણ અમારા વિચારો પણ કેટલા મળતા આવે છે!

કારણ કોઈ પણ હોય પણ હિન્દી સિનેમાના ઇતિહાસના આ બે જીવંત દંતકથારૂપ દિગ્ગજોને સાથે લઈને ફકત બેજ ફિલ્મ બની શકી, એક ૧૯૭૧માં આવેલી આનંદઅને બીજી ૧૯૭૩માં બનેલી નમક હરામ’. એ બન્નેના ડિરેક્ટર પણ એકજ હતા હ્રષીકેશ મુખર્જી, એ પછી આવી હિંમત કોઈએ કરી નથી. એમાંથી આનંદતો “Top 25 Must See Bollywood Films” માં સ્થાન પામેલી છે.  એક ટિપીકલ ગુજરાતી ફિલ્મ દર્શકની બોલચાલની ભાષામાં આ બન્ને ફિલ્મની સમીક્ષા એક વાક્યમાં કરવી હોય તો એમ કહી શકાય કે આ બન્ને ફિલ્મમાં સુપરસ્ટાર એ મહાનાયકને ખાઇ ગયો છે! કારણ ગમે તે હોય, એ દિવસોમાંના કાકાના સ્ટારડમની દાદાગીરી હોય, એ સ્ટારડમની અસર હેઠળ લખાયેલ સ્ક્રીનપ્લે હોય, હ્રિશી દા નો દ્રષ્ટિકોણ હોય, કે પછી કાકાની એ જમાનાની શોહરતની નવાસવા અમિતાભ પર અસર પડી હોય, પણ બન્નેમાં અમિતાભની સામે રાજેશ ખન્ના મેદાન મારી જાય છે એમ લાગ્યા વિના નથી રહેતું!

અને કેવી હતી કાકાની શોહરત? આજે જેમ સચીન તેંડુલકરને ક્રિકેટનો ભગવાન કહેવામાં આવે છે એમ ત્યારે નિર્માતા અને દિગ્દર્શકો માટે એમ કહેવત હતી કે, ’ઉપર આકા ઔર નીચે કાકા!ફિલ્મ નિર્માતાઓ રાજેશ ખન્નાને સ્ટોરી સંભળાવવા માટે અને પોતાની ફિલ્મમાં સાઇન કરવા માટે કેટલા તલપાપડ રહેતા હશે એને સમજવા માટે એકજ ઉદાહરણ બસ છે કે કાકાના ઘર બહાર તો હમેશા લાઇન લગાવતા જ પણ એક વાર કાકાને પાઇલ્સના ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું તો ત્યાં પણ આજુબાજુના રૂમ બુક કરાવી લઈને ધામા નાખેલા જેથી જ્યારે પણ મોકો મળે ત્યારે કાકાને સ્ટોરી સંભળાવી શકાય! એ સમયગાળામાં જન્મેલાં મોટા ભાગનાં બાળકોનાં નામ રાજેશ રાખવામાં આવતાં. (અમે અમારી જીંદગીમાં આ એકમાત્ર અભિનેતાના પ્રભાવ હેઠળ આવી એના જેવી હૅરસ્ટાઇલ રાખેલી!) કાકાએ શરૂ કરેલ ટૂંકા કુર્તા ગુરૂશર્ટની ફૅશન ખાસ્સી ચાલેલી. અને એ સમયમાં છોકરીઓમાં રાજેશ ખન્નાની દીવાનગીનું તો કહેવું જ શું! આ રોમેંટીક હીરો છોકરીઓના દિલો દિમાગ પર એવો તો છવાયો હતો કે છોકરીઓ એને પોતાના લોહીથી પ્રેમપત્ર લખતી, અરે ઘણી વેવલી કન્યાઓએ તો એના ફોટા સાથે લગ્ન પણ કરી લીધેલાં! એવું કહેવાય છે કે રાજેશ ખન્નાની સ્ટુડિઓની બહાર પાર્ક થયેલી સફેદ કારનો રંગ થોડીવારમાં લિપસ્ટિકના કલરથી ગુલાબી થઈ જતો! પરંતુ ૧૯૭૩માં પોતાના કરતાં અરધી ઉંમરની ડિમ્પલ સાથે લગ્ન કરી કાકાએ અંજુ મહેન્દ્રુની સાથે લાખો કન્યાઓનાં દિલ તોડી નાખ્યાં!

વ્યવસાયે ફેશન ડિઝાઇનર, મોડેલ એવી અજું સાથે કાકાનું અફેર ત્યારે ખાસ્સું એવું ચર્ચામાં હતું અને કાકાએ અંજુની ફિલ્મ કરિયર બનાવવાની કોશિશ કરેલી પણ બહુ જામ્યું નહીં. એ અરસામાં રાજકપૂરની ફિલ્મ બોબી એ ધૂમ મચાવી દીધેલી, ખાસ તો ડિમ્પલે આપેલાં બોલ્ડ દ્રશ્યોને કારણે. રીશી અને ડિમ્પલનું ચક્કર પણ ચર્ચાના ચકડોળે ચડેલું હતું એવામાં સાવ અચાનક ડિમ્પલે રાજેશ ખન્ના સાથે લગ્નનો નિર્ણય જાહેર કરી આખી ઇન્ડસ્ટ્રીને તો ચોંકાવી દીધી પણ એનાથી વધારે ચોંકાવનારો એનો નિર્ણય હતો પહેલીજ ફિલ્મ દ્વારા સફળતાની ટોચ પર પહોંચી જવા છતાં હવે પછી ફિલ્મ ના કરવાનો! રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાના લગ્નમાં આખું બોલિવુડ હાજર હતું સ્વાભાવિક રીતે નહોતા તો ફક્ત રીશી કપૂર અને અંજુ મહેન્દ્રુ! કાકા અને ડિમ્પલના લગ્નએ એ સમયે લોકોમાં કેટલી ઉત્સુકતા જગાડી હશે એ વાતનો એના પરથી ખ્યાલ આવે છે કે ત્યારે આખા દેશમાં કોઈપણ ફિલ્મની શરૂઆતમાં કાકા-ડિમ્પલના લગ્નની નાનકડી વીડિયો ફિલ્મ બતાવવામાં આવતી, અને લોકો ખાસ એ વીડિયોને જોવા માટે જ ફિલ્મ જોવા જતા, જેમાંથી ઘણાખરા આ વીડિયો પૂરી થતાં થિયેટર છોડીને નીકળી જતા! લગ્ન પછી ફિલ્મમાં કામ ના કરવાના પોતાના આ નિર્ણયને ડિમ્પલ એટલી વફાદારીપૂર્વક વળગી રહી કે દસ વર્ષના લગ્નજીવન પછી ખટરાગને કારણે જુદા પડ્યા પછી જ બોબીપછીની પોતાની બીજી ફિલ્મ કરી સાગર’, અને યોગાનુયોગ જેમાં પણ એનો હીરો હતો રીશી કપૂર! ડિમ્પલની કાકાના જીવનમાંથી વિદાય પછી આગમન થયું ટીના મુનિમનું. ટીના મુનિમ સાથે કાકાએ લગ્નનો નહોતાં કર્યાં પણ આજે આપણે જેને લિવ ઈન રિલેશનશીપ તરીકે ઓળખીએ છીએ એ રીતે એ બન્ને સાથે રહેતાં અને કાકાના કહેવા મુજબ એ બન્નેના સંબંધો એટલા ગાઢ હતા કે બન્ને ટુથબ્રશ પણ એકજ વાપરતાં. (એ ટુથબ્રશ પછી અનિલભાઇની સાથે શેર કરવા માટે ટીનાબહેન સાથે લઈ ગયેલાં કે નહીં એ માહિતી ઉપલબ્ધ નથી, કોઈની પાસે હોય તો જણાવવા વિનંતી!)

રાજેશ ખન્નાના જીવનની ચડતી અને પડતી એ મનમોહ દેસાઇની કોઇ મસાલા ફિલ્મથી કમ નથી. સૌથી પહેલીવાત તો એ કે ભગવાન કૃષ્ણની જેમ, જન્મ આપનાર મા-બાપ અને ઉછેરનાર મા-બાપ અલગ. ૨૯ ડિસેમ્બર ૧૯૪૨ માં જન્મેલ રાજેશ ખન્નાનું અસલી નામ હતું જતીન ખન્ના. (પછી કાકા કેવી રીતે થયા એના પર તો મુરબ્બી શ્રી સલીલ દલાલ જ પ્રકાશ પાડી શકે!) બચપણમાં જ નજીકના કૌટુંબિક સંબંધીએ દત્તક લઈ લીધેલ અને દત્તક લેનારા માતા-પિતાએ બહુજ લાડકોડથી ઉછેર કરેલ, એનો એ વાત પરથી ખ્યાલ આવશે કે જ્યારે કાકા સ્ટ્રગલર તરીકે કામ માગવા માટે સ્ટુડિઓના ચક્કર લગાવતા હતા ત્યારે એમની પાસે એ જમાનાના સફળ અભિનેતાઓ કરતાં મોંઘી કાર હતી! આજે ઇન્ડિયન આયડોલને એવી બધી જે સ્પર્ધા થાય છે એમ ૧૯૬૫માં યુનાઇટેડ પ્રોડ્યુસર્સ અને ફિલ્મફેર દ્વારા ટૅલેન્ટ હંટ સ્પર્ધામાં દસ હજાર જેટલા પ્રતિસ્પર્ધીઓને પછાડીને પ્રથમ આવેલ રાજેશ ખન્નાની પ્રથમ ફિલ્મ હતી ૧૯૬૬માં ચેતન આનંદ દ્વારા નિર્દેશીત આખરી ખતપરંતુ એનામાં રહેલા કૌશલને પારખી પહેલીવાર લીડ રોલ આપનાર હતા રવિન્દ્ર દવે, ફિલ્મ રાઝઅને વર્ષ ૧૯૬૭. પછીની કહાની પૂરી ફિલ્મી છે, સફળતાની સીડી શોધમા માટે મોટાભાગના જે દુનિયામાં જીંદગી ઘસી નાખે છે ત્યાં કાકાના નસીબમાં નિયતીએ લિફ્ટસર્જેલી હતી! આરાધના, દો રાસ્તે, સચ્ચા જૂઠા, કટી પતંગ, હાથી મેરે સાથી, આનંદ, મહેબૂબ કી મહેંદી, આપકી કસમ અને આન મિલો સજના જેવી એક પછી એક હીટ ફિલ્મની લાઈન લાગી ગઈ! અલબત્ત અહીં ચોક્કસપણે એ વાતની નોંધ લેવી પડે કે રાજેશ ખન્નાની મોટાભાગની ફિલ્મની સફળતા પાછળ આર.ડી. બર્મનના સંગીત અને કિશોરકુમારના કંઠનું પણ બહુ મોટું યોગદાન હતું. જે રીતે મુકેશનો અવાજ રાજકપૂરનો પર્યાય હતો એજ રીતે કિશોરના અવાજ વિનાના રાજેશ ખન્નાના ગીતો પણ બહુ ઓછાં છે, એ વાતનો અંદાજ એના પરથી આવશે કે કિશોર કુમારે  લગભગ નેવું થી એકાણું ફિલ્મમાં રાજેશ ખન્નાને પોતાનો અવાજ ઉછીનો આપ્યો હશે! વળી, પૈસાની બાબતમાં કોઇની પણ સાડી-બાર ના રાખનાર અને જ્યાં સુધી ઍડ્વાન્સમાં પૂરેપૂરું પેમેન્ટ ના મળી જાય ત્યાં સુધી ના ગાવું અથવા તો જાત જાતના નખરાં કરીને પ્રોડ્યુસરને હેરાન પરેશાન કરી મૂકવા માટે બદનામ કિશોર કુમારે ૧૯૮૫માં આવેલી કાકાની હોમ પ્રોડક્શન અલગ અલગમાટે સંબંધના દાવે સાવ મફતમાં ગાયું એ એ વખતમાં કિશોરને ઓળખતી મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે બહુ મોટું આશ્ચર્ય હતું!

દરેક સફળતા પોતાની સાથે સાઇડ ઈફે્કટ્સ લઈને આવે છે, એને ગાળી-ચાળીને ચાલતાં ન આવડે તો પછી ગુરૂત્વાકર્ષણના નિયમને કોઇ લિફ્ટ કે સીડીની પણ જરૂર નથી પડતી. કાકાના કેસમાં પણ એવું જ થયું, આસપાસ ચાટુકારોની ટોળકી જામતી ગઈ ને અહંકારનો પારો ચડતો ગયો. એક તો પોતાને સોલો હીરો તરીકેજ લેવાનો દુરાગ્રહ, વળી સ્ટોરીમાં પણ વધારે પડતી દખલબાજી, જેના કારણે અમુક ફિલ્મોને કાકાએ ઠુકરાવી અને એ જમાનાના સફળ ગણાતા એવા મનમોહન દેસાઇ, શક્તિ સામંત અને યશ ચોપડા જેવા નિર્દેશકોએ કાકાને ઠુકરાવ્યા. કાકાના હાથમાંથી છૂટતી ગયેલી તકો અમિતાભના હાથમાં પાકેલા ફળની જેમ આવતી ગઈ, જેનો એણે બરાબર લાભ ઉઠાવ્યો. વળી, ઝંઝીર ને શોલે જેવી મારધાડ વાળી ફિલ્મોએ બતાવી દીધું હતું કે એક આખી પેઢી બદલાઈ ગઈ છે અને એનો ટેસ્ટ પણ. કાકાની ગરદન ટેઢી કરને લહેકાથી બોલાતા ડાયલૉગ, ”પુષ્પા…આઇ હેઇટ ટીયર્સ….કરતાં વિલનને મારી મારી કોથળા જેવો કરી એની આંખોમાં ટીયર્સ લાવી દેનારા હીરોમાં હવેની જનરેશનને વધારે રસ હતો!

વચ્ચે રાજીવ ગાંધીના આગ્રહને વશ થઈ કાકાએ રાજકારણમાં પણ આંટો મારી લીધો, ૧૯૯૨માં દિલ્હીની એક પેટા ચૂંટણીમાં શત્રુઘ્નસિંહાને હરાવી કાકા એમ.પી. બનેલા, અહીં એક વાતની ખાસ નોંધ લેવી પડે કે કાકા જેટલો પણ સમય રાજકારણમાં રહ્યા એટલો સમય એ ક્ષેત્રને પૂરતો સમય અને ન્યાય આપ્યો, જે રીતે ધર્મેન્દ્ર કે ગોવિંદાને સંસદમાં મોકલીને જનતા પસ્તાઈ એવું કાકાના કેસમાં નહોતું થયું. ડિમ્પલ કાપડિયા લગ્નજીવનના માત્ર દસ જ વર્ષ પછી કાકાથી છૂટી પડી ગઈ હોવા છતાં એક આદર્શ ભારતીય નારીની જેમ જ્યારે જ્યારે કાકાને એની જરૂર પડી ત્યારે પડખે ઊભી રહી છે, પછી એ ઇલેક્શન હોય કે માંદગી. દિલ્હીની પેટા ચૂંટણી વખતે ડિમ્પલે એની દીકરીઓને સાથે લઈને કાકા માટે પૂરા દિલથી ગલી મહોલ્લામાં મત માગેલા અને કાકાને જિતાડીને રહી. હાલ કાકાની બિમારીમાં લીલાવતી હોસ્પિટલમાં પણ ડિમ્પલ દિવસ રાત કાકાની સેવામાં લાગેલી છે અને પાફેઇમ ડિરેક્ટર બાલ્કીના ના નિર્દેશનમાં બેંગલૂરૂ ખાતે હેવેલ્સ ફેન્સની જાહેરાત શુટ થતી હતી ત્યારે પણ ડિમ્પલ સતત કાકાની તબિયતને લઈને ચિંતામાં હતી અને અને બાલ્કી સાથે સંપર્કમાં હતી.

કાકાએ ની આખી કેરિયરમાં એક પણ એડ નથી કરી ને છેલ્લે છેલ્લે કેમ આવી જરૂર પડી હશે? આ એડ જ્યારે ટીવી પર રીલિઝ થઈ અને પહેલીવાર જોઇ ત્યારેજ કાકાનો મૂરઝાયેલો ચહેરો જોઇને લાખો ફેન્સના દિલ તૂટી ગયાં અને એમાંયે જ્યારે યુ ટ્યૂબ પર એનું મેકિંગ જોયું ત્યારે ગમગીન થવા સિવાય કશું કરી શકાય એમજ નહોતું! બોલતી વખતે કાકાના ગળામાંથી અવાજ માંડ માંડ અને એકદમ અસ્પષ્ટ નીકળતો હતો, બે લોકો સતત ધ્રૂજતા કાકાને બે બાજુથી પકડીને કૅમેરાની સામે ચલાવતા હતા, , એવું લાગતું હતું કે જાણે લાંબા સમયથી માંદગીના બિછાને પડેલ કોઈ વ્યક્તિને ચાલવાની કસરત કરાવતા હોય! ત્યાં થોડા દિવસમાં જ કાકા સાચ્ચેજ  હોસ્પિટલાઇઝ થયાના સમાચાર સાંભળવાના આવ્યા! આજે આ લખાય છે ત્યારે રાજેશ ખન્નાને હોસ્પિટલમાંથી છુટ્ટી અપાઈ ગઈ છે, પણ કાકાની હાલત જોતાં એક સવાલ જરૂર થાય, કે ૭૦ની ઉંમર એ શું આમ સાવ ખખડી જવાની ઉંમર છે? કાકા તમારા ચાહકોની લાગણીને ધ્યાનમાં લઈને તો શરીરની થોડી કાળજી લેવી હતી! જીંદગીની શામ કેવી મસ્તાની હોવી જોઈએ  એનો દાખલો તમારી નજર સામેજ છે, આ હિન્દી સિનેમા જેટલીજ ૧૦૦ વર્ષની ઉંમર ધરાવતાં ઝોહરાદાદી! હજુ આ રવિવારે જ ’આઇફા’ નો લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવૉર્ડ સ્વીકારતી વખતે એમને બોલતાં સાંભળ્યાં, પણ હજુયે શું અવાજ નો રણકો છે!  આપણે આશા રાખીએ કે કાકાની જીંદગીની શામ પણ સો વર્ષથી વધારે લંબાય અને આ જીંદગી ની સફર, suffer ના બની રહે!

ગંગાજળ:

“હલ્લો ગેલેક્ષી સિનેમા? બીજા અને ત્રીજા શોમાં ક્યૂં મૂવી ચાલે છે?”

“બીજા ત્રીજા શોમાં ’અલગ અલગ’ છે…”

“ ઓકે વાંધો નહીં તો એ બન્ને ના નામ જણાવો…” !

– મુકુલ જાની

Leave a Reply

error: Content is protected !!