ચિંતનની પળે
માણસને ઓળખવાનાં કોઈ ચશ્માં આવતાં નથી. માણસ તો અનુભવે જ ઓળખાય.

માણસને ઓળખવાનાં કોઈ ચશ્માં આવતાં નથી. માણસ તો અનુભવે જ ઓળખાય.

ખુદ મને પણ, ભાળ મારી ક્યાં મળી છે?
દરઅસલ, શંકા ય સારી ક્યાં મળી છે?
છે વળાંકો ઓળખીતા એ ખરું, પણ,
કોઈ નક્કર જાણકારી ક્યાં મળી છે?
-ડો. મહેશ રાવલ

‘લાયકાત’ અને‘ઔકાત’ એટલે શું?એને માપવાનાં આપણાં ‘કાટલાં’ કેવાં હોય છે? માણસ મોટાભાગે માણસને ડિગ્રી, સંપત્તિ કે હોદ્દાથી માપતો હોય છે. સમજદારી,પ્રામાણિકતા,માણસાઈ,વ્યાવહારિકતા કે સહજતાથી પ્રેરાઈને આપણે કેટલા લોકોને સ્વીકારતા હોઈએ છીએ? માણસ ઘણી વખત કોઈને ઓળખવામાં થાપ કે ભૂલ ખાઈ જાય છે! આવું કેમ થાય છે?એનું સૌથી મોટું કારણ એ હોય છે કે આપણે કોઈને ઓળખવા માટે જે ધોરણો નક્કી કર્યાં હોય છે એ જ ખોટાં હોય છે. બહારથી મજબૂત અને ભવ્ય દેખાતું ઘણું બધું અંદરથી સાવ તકલાદી અને ખોખલું હોય છે. આપણો એક પ્રોબ્લેમ એ હોય છે કે આપણે જલદીથી અંજાઈ જઈએ છીએ. બહુ ઝડપથી પ્રભાવિત થઈ જઈએ છીએ. જેને બધા ઓળખતા હોય એના ઓળખીતા થવાનો પ્રયાસ કરીએ છીએ.

આપણને બધું બ્રાન્ડેડ ગમવા લાગ્યું છે. બ્રાન્ડથી આપણે આકર્ષાઈ જઈએ છીએ. એની પાસે કઈ કાર છે, કેવો બંગલો છે, કેવો બિઝનેસ છે, કેવી જોબ છે, એ શું પહેરે છે એના ઉપરથી આપણે માણસની‘ઔકાત’ નક્કી કરીએ છીએ. એક યુવાનની આ વાત છે. તેના મિત્રો સારા ન હતા. ધીમે ધીમે એક એક મિત્રની વાસ્તવિકતા સામે આવવા લાગી. બધા જેવા હતા તેવા ઓળખાઈ ગયા! એક વખત તે એક સાધુ પાસે ગયો. તેણે કહ્યું કે મને સારા મિત્રો ન મળ્યા. બધા જ હાઇફાઈ હતા,બ્રાન્ડેડ વસ્તુઓ જ વાપરતા હતા. સાધુ હસીને બોલ્યા કે તેં બધી જ બ્રાન્ડ જોઈ,પણ એ માણસની‘બ્રાન્ડ’ જ ન જોઈ. તને ખબર છે દરેક માણસની પણ એક‘બ્રાન્ડ’ હોય છે. આ બ્રાન્ડ દેખાતી હોતી નથી, ઓળખવી પડે છે, કારણ કે એ બ્રાન્ડની ચીટકી ચોંટાડેલી નથી હોતી! આપણે કહીએ છીએને કે એ માણસ સારો છે, ખરાબ છે,તકવાદી છે, દગાખોર છે, બદમાશ છે,પ્રામાણિક છે,વિશ્વાસુ છે, ઉદાર છે,કંજૂસ છે,વિશ્વાસઘાતી છે, આ બધી બ્રાન્ડ છે. એ બ્રાન્ડને ઓળખવામાં જ તું થાપ ખાઈ ગયો!

દરેક માણસમાં ‘ડેપ્થ’હોતી નથી. ઘણા લોકો સાવ છીછરા હોય છે. દરિયાને જે લોકો માત્ર મોજાંથી માપે છે એ ભૂલ કરતા હોય છે. મોજાં ઉપર વહાણ ન ચાલે,વહાણ ચલાવવા માટે તો ઊંડાઈ જોઈએ. ઝરણું ગમે એટલું સુંદર હોય તો પણ એમાં તરી ન શકાય. ઝરણામાંથી મોતી ન મળે. છીછરું હોય એ છેતરામણું હોય છે. એ જલદીથી સુકાઈ પણ જતું હોય છે. દરિયો હોય એ ક્યારેય સુકાઈ ન જાય, ખાલી ન થાય. ઉમદા માણસને કદાચ એટલે જ દરિયાદિલ કહેવાતો હશે, કોઈ માણસને ક્યારેય ઝરણાદિલ કહેતા સાંભળ્યો છે. ઉદાહરણો પણ શ્રેષ્ઠ હોય તેનાં જ અપાતાં હોય છે.

જે વ્યક્તિ માણસને ઓળખી શકે છે એની જિંદગી સરળ રહે છે. માણસને ઓળખવાનાં કોઈ ચશ્માં આવતાં નથી. માણસને ઓળખવા મન જોઈએ. આંખે દેખાતું હોય એ બધું સાચું હોતું નથી. સાચું હોય છે એ ઘણી વખત આપણને દેખાતું હોતું નથી. માણસ અનુભવે ઓળખાય છે એટલે જ એનો અનુભવ ન થાય ત્યાં સુધી સલામત અંતર રાખવું પડે છે. અનુભવ પછી નક્કી કરવાનું હોય છે કે નજીક જવું કે પછી દૂર ચાલ્યા જવું. કોઈ પણ માણસ માણસ વગર રહી જ ન શકે. એકલતા પણ એક હદથી વધુ સહન થતી નથી. હા, પણ કોની સાથે રહેવું અને કોની સાથે સંબંધ રાખવો એ આપણા હાથમાં હોય છે.

મોબાઇલ આપણને‘ફ્રીક્વન્ટલી કોન્ટેક્ટેડ’બતાવે છે, એની સાથે ફ્રીક્વન્સી કેટલી મેચ થતી હોય છે? અમુક વ્યક્તિ સાથે અમુક લેવલે કંઈક મળતું હોય છે. આપણને લાગે કે આ આપણી ટાઇપનો છે. ઘણાં પ્રેમીઓ એકબીજાને એવું કહેતા હોય છે કે આપણે બંને એકસરખાં ગાંડાં છીએ. થોડાક ક્રેક,થોડાક ક્રેઝી અને આપણા જેટલા જ ઇઝી વ્યક્તિ સાથે આપણને ફાવતું હોય છે. જેની સાથે ફાવતું હોય એની સાથે પણ અમુક લેવલ સુધીના સંબંધ હોય છે.

એક રાજા હતો. તેને ખબર પડી કે તેના ગામના પાદરે એક સાધુ રહેવા આવ્યા છે. એ સાધુ બહુ જ્ઞાની છે. રાજા તેમને મળવા ગયા. સાધુ સાથેની વાતોથી રાજા ખૂબ પ્રભાવિત થયા. રાજા એ પછી તેમને નિયમિત મળવા લાગ્યા. રાજાએ એક દિવસ સાધુને કહ્યું કે,તમે એક કામ કરોને! મારી સાથે મારા મહેલમાં જ રહેવા આવી જાવ! સાધુ હસ્યા. રાજાને તેણે પ્રેમથી ના પાડી. સાધુએ કહ્યું, રાજાના મહેલમાં રહેવા મેં સંસાર નથી છોડ્યો. તમે તમારા રજવાડાના રાજા છો,હું મારા મનનો રાજા છું. હું તમને પૂછું કે તમે તમારું રજવાડું છોડીને મારા ઝૂંપડામાં રહેવા આવશો તો તમે ના જ પાડો. મારો જવાબ પણ આવો જ છે. તમારી ભવ્યતાની વ્યાખ્યા જુદી છે. મારી ભવ્યતા જુદી છે. તમારી પાસે જે છે તે તમારા લેવલે બરાબર છે, મારી પાસે જે છે એ મારા લેવલનું છે. આપણું લેવલ આંતરિક રીતે એક હોય તો પણ બહારી રીતે જુદું છે. તમે રાજા છો. આધિપત્ય એ તમારો મિજાજ છે અને હું પ્રકૃતિ સિવાય કોઈનું આધિપત્ય સ્વીકારી શકતો નથી.

રાજાને મજાક સૂઝી. તેણે સાધુને કહ્યું, હું તમને કેદ કરી લઉં તો? સાધુએ કહ્યું, હા એ કરી શકવા તમે સમર્થ છો, પણ આવો વિચાર તમને જ આવે. મને ન આવે, કારણ કે હું તો મુક્તિમાં માનું છું. પંખીને આપણે પાંજરામાં કેદ કરી શકીએ, પણ તમે કોઈ દિવસ માર્ક કર્યું છે, પાંજરાનાં પંખી અને જંગલનાં પંખીનો કલરવ જુદો હોય છે. પાંજરાનું પંખી જે શિખવાડ્યું હોય એ જ બોલે અને જંગલનું પંખી જે જિવાતું હોય એ જ બોલે. તમે તમારા રજવાડાની બહાર રાજા નથી, હું તો દરેક જગ્યાએ મારા મનનો રાજા છું.

માણસ કેવો છે એ એના સંબંધો પરથી નક્કી થતું હોય છે. આપણને એવા લોકો સાથે જ ફાવતું હોય છે જે આપણા જેવા છે. ક્યારેક કોઈની સાથે અચાનક જ‘ક્લિક’ થઈ જાય છે. વેવલેન્થ મળી જાય છે. એની સાથે મજા આવે છે. એને મળવાનું મન થાય છે અને એની સાથે જીવવાનું મન થાય છે. એક છોકરીની વાત છે. અતિ ધનાઢ્ય પરિવારની આ દીકરી માટે મા-બાપ છોકરાંવ જોતાં હતાં. બધા ધનિક હતા, પણ છોકરીને કોઈ ગમતો ન હતો. એ દરમિયાન એને એક યુવાન સાથે દોસ્તી થઈ. બંનેના વિચારો સરખા હતા. શોખ પણ મળતા આવતા હતા. દીકરીએ એના પિતાને એ છોકરા વિશે વાત કરી. પિતાએ બધી વાત સાંભળીને કહ્યું કે બીજું બધું તો સાચું,પણ તેની આર્થિક સ્થિતિ બરાબર નથી. બહુ મધ્યમવર્ગનો છે. એ દીકરીએ કહ્યું, હા એ ધનવાન નથી. આપણા જેટલા રૂપિયા તેની પાસે નથી, પણ અમારું માનસિક લેવલ એકદમ મળતું આવે છે. મેં ઘણા રૂપિયાવાળા છોકરા જોયા, પણ એની સાથે ફાવે એવું નથી. લેવલ માત્ર રૂપિયાથી ન માપવું જોઈએ. સમજદારીનું પણ એક લેવલ હોય છે. અમે સારી રીતે જીવી શકીએ એટલું એની પાસે છે. શું એ પૂરતું નથી?

સમાજમાં કજોડાં સર્જાવાનું એક કારણ આપણા ‘લેવલ’ના માપદંડો હોય છે. આવા માપદંડો મોટાભાગે છેતરામણા સાબિત થતા હોય છે.‘લેવલ’ને ધન સાથે નહીં, પણ મન સાથે સંબંધ છે. સાથે રહેનારા પણ એકબીજાને પૂરી અને ખરી રીતે ઓળખતા ન હોય એવું બને. પ્રેમ અને દાંપત્યજીવન વિશે ભલે એવું કહેવાતું રહ્યું હોય કે પોતાની વ્યક્તિ જેવી હોય એવી સ્વીકારવી જોઈએ. વાત સાચી છે, પણ પ્રેમ, સંવેદના,લાગણી, આત્મીયતા,સમજદારી અને એકબીજાની ફિકર જેવા બેઝિક્સની અપેક્ષા તો દરેકને હોય જ છે. એટલે જ કહે છે કે માણસનું લેવલ બહારથી જ નહીં, પણ અંદરની ડેપ્થ પણ જુઓ. આંતરિક સૌંદર્ય બાહ્ય સૌંદર્ય કરતાં હંમેશાં વધુ શ્રેષ્ઠ હોય છે. બાહરી સૌંદર્ય તો કદાચ ઉંમર સાથે ઘટે,પણ આંતરિક સૌંદર્ય ઉમદા જ રહેતું હોય છે.

માણસને એના જ્ઞાન અને એની આવડતની નજરથી જોવાની કુનેહ બધામાં હોતી નથી. એક કંપનીમાં એક બોસ હતો. એ ચેસનો એક્સપર્ટ હતો. ચેસમાં ભલભલાને હરાવી દે. એક વખત તેણે કંપનીમાં ચેસ કોમ્પિટિશન યોજી. ગેઇમમાં રાઉન્ડ હતા. એક પ્યૂન ચેસનો માસ્ટર હતો. છેલ્લે બન્યું એવું કે ફાઇનલમાં બોસ અને એ પ્યૂને સામ-સામે રમવાનું આવ્યું. બોસને ખબર હતી કે આ ભલે પ્યૂન હોય,પણ એ ચેસ રમવામાં બેસ્ટ છે.

ફાઇનલ યોજાઈ. બોસ અને પ્યૂન સામસામે રમવા લાગ્યા. થોડીક જ ચાલમાં બોસ ગેઇમ જીતી ગયા. પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન હતું. વિજેતા તરીકે બોસનું નામ બોલાય એ પહેલાં જ બોસે કહ્યું કે એક મિનિટ, મારે એક વાત કહેવી છે. હકીકતે આજની સ્પર્ધાનો વિજેતા આ પ્યૂન જ છે. માણસ ખોટી રીતે જીતતા હોય છે, પણ આ માણસ ખોટી રીતે હાર્યો છે. પોતાનો બોસ જીતે એ માટે એ જાણી જોઈને હારી જવાય એવી ચાલ ચાલતો હતો. મારી વિનંતી છે કે ફર્સ્ટ પ્રાઇઝ એને આપવામાં આવે. પેલો માણસ રડવા લાગ્યો. તેણે કહ્યું કે બોસની વાત સાચી છે. મને થયું કે બોસ હારે એ વાજબી નહીં. હું હાથે કરીને હાર્યો. તેણે ઉમેર્યું કે બોસ, રમતમાં ભલે મારું લેવલ તમારાથી કદાચ થોડુંક વધારે હોય, પણ તમારું માણસાઈ અને પ્રામાણિકતાનું લેવલ તો એક સારા માણસનું હોવું જોઈએ એવું જ છે.

આપણે બીજાના લેવલની વધુ ચિંતા કરતા હોઈએ છીએ. ક્યારેય આપણે આપણા ‘લેવલ’નો વિચાર કરીએ છીએ ખરા? તમને લોકો કયા ‘લેવલ’ના માને છે? ધન, સંપત્તિ ભલે ગમે એટલાં હોય,પણ સરવાળે લોકોને તો એની ખબર પડી જ જાય છે કે આ માણસ કેવો છે! આપણે ક્યારેય વિચારીએ છીએ ખરા કે આપણી ‘બ્રાન્ડ’કેવી છે અને આપણી‘બ્રાન્ડ વેલ્યૂ’ શું છે?આપણી સાચી બ્રાન્ડ વેલ્યૂ એ જ હોય છે જેનાથી લોકો આપણા વિશે બોલતા હોય છે કે,આ માણસ કેવો છે!

છેલ્લો સીન:

જેઓ ‘જોતા’ નથી એમના જેવા અંધ બીજા કોઈ નથી.-જોનાથન સ્વિફ્ટ

– કૃષ્ણકાંત ઉનડકટ

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

error: Content is protected !!