જાણો છો, ભગવાન શંકરના પત્ની પાર્વતીએ કેમ સગા દીકરાને આપ્યો હતો શ્રાપ?

કહેવાય છે કે, એક વાર શંકર ભગવાને પાર્વતી સાથે જુગાર રમવાની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ તેમાં ભગવાન શંકર હારતા ગયા અને એક સમય એવો આવ્યો કે જ્યારે તેમની પાસે દાવ પર લગાવવા કંઈ ન વધ્યું. હાર્યા બાદ ભગવાન શિવ પર્ણના વસ્ત્ર પહેરી ગંગા ઘાટ પર ચાલી ગયા. જ્યારે તેમના પુત્ર કાર્તિકેયને આ ઘટનાની ખબર પડી તો તેઓ પોતાની માતા પાસેથી ભગવાન શિવે હારેલી વસ્તુઓ લેવા માટે ગયા. કાર્તિકેયે પણ પોતાની માતા સાથે જુગાર રમ્યો, પરંતુ આ વખતે પાર્વતી માતા હારતાં ગયાં. પોતાની માતાને હરાવીને કાર્તિકેય પોતાના પિતાનો સામાન લઈને પાછા ગંગા તટ પર આવ્યા. શિવ અને સમસ્ત વસ્તુઓ ખોઈને પાર્વતી બેહદ નિરાશ થયા. તેમણે પોતાના દુ:ખનું કારણ ગણેશને જણાવ્યું. પોતાની માતાનું દુ:ખ સાંભળી ગણપતિ પિતા શિવ પાસે જુગાર રમવા પહોંચ્યા.

જુગારના ખેલમાં પિતાને તેમણે હરાવ્યા અને બધી વસ્તુઓ લઈને તેઓ માતા પાસે પરત ફર્યા. તેમને જોઈને પાર્વતી બોલ્યાં કે, પિતાને પણ સાથે લઈ આવવા હતા. ગણેશ ફરી પોતાના પિતાને શોધવા નીકળ્યા. તેમને હરિદ્વાર જઈ શિવના દર્શન થયા. તે વખતે ભગવાન શિવ, વિષ્ણુ અને કાર્તિકેય ગંગા કિનારે ભ્રમણ કરી રહ્યા હતા. ભોલેનાથે કહ્યું કે, જો પાર્વતી ફરી એકવાર તેમની સાથે જુગાર રમવા તૈયાર થાય તો તેઓ પાછા ફરવા તૈયાર છે. ભગવાનના કહેવા પર વિષ્ણુ પાસાના સ્વરૂપે જુગારના ખેલમાં સામેલ થયા. ગણેશજીએ આશ્વાસન આપ્યું કે, પાર્વતી તેમની સાથે અવશ્ય જુગાર રમશે.

જ્યારે ગણેશ પોતાના પિતાને લઈને પાર્વતી પાસે પહોંચ્યા ત્યારે તેમણે ફરી પાર્વતીને શંકર સાથે જુગાર રમવા કહ્યું. આ સાંભળી પાર્વતી હસવા લાગ્યા. તેમણે શિવને કહ્યું કે, તમારી પાસે એવું કશું નથી જે તમે દાવ પર લગાવી શકો. તેટલામાં નારદ ત્યાં આવ્યા અને તેમણે પોતાની વીણા અને અન્ય સામગ્રી શિવને અર્પણ કર્યા, જેથી તેઓ જુગાર રમી શકે. જુગારનો ખેલ શરૂ થયો અને પાર્વતી સતત હારવા લાગ્યા. વિષ્ણુ પાસા રૂપે શિવની ઈચ્છા અનુસાર ચાલી રહ્યા હતા. જેના કારણે પાર્વતીને હારનો સામનો કરવો પડી રહ્યો હતો..

ગણપતિ સમજી ગયા હતા કે, પાસા પિતાની ઈચ્છા અનુસાર ચાલી રહ્યા છે અને તેમણે તમામ રહસ્ય પોતાની માતાને જણાવી દીધું. તમામ ઘટના સાંભળ્યા બાદ પાર્વતી ક્રોધિત થયા અને તેમણે બધાને શ્રાપ આપ્યો. તેમણે ભોલેનાથને શ્રાપ આપ્યો કે, ગંગાની ધારાનો બોજ હંમેશા તેમના માથે રહેશે. નારદને તેમણે હંમેશા ભટકતા રહેવાનો શ્રાપ આપ્યો. ભગવાન વિષ્ણુને તેમણે શ્રાપ આપ્યો કે, રાવણ તેમનો સૌથી મોટો અને શક્તિશાળી શત્રુ બનશે. સાથે જ તેમણે પોતાના પુત્ર કાર્તિકેયને શ્રાપ આપ્યો કે તેઓ હંમેશા બાળ સ્વરૂપમાં જ રહેશે.

આ કથા તમે પહેલા વાંચેલી? જો આ કથા ગમી હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

– હેતલબેન વ્યાસ

સમુદ્રમંથન ની કથા અને સમુદ્રમંથનથી શું નીકળેલું એ વાંચવા અહી ક્લિક કરો

This Article is Protected with Copyright © 2017 with DeuceN Tech. All rights reserved.

Leave a Reply

error: Content is protected !!