માસૂમિયતના વરખ
માં તે માં – મમતાનું ખુબ જ સુંદર રીતે કરેલ વર્ણન વાંચવાનું ચૂકશો નહિ

માં તે માં – મમતાનું ખુબ જ સુંદર રીતે કરેલ વર્ણન વાંચવાનું ચૂકશો નહિ

કડેડાટ…. કડાકા ભડાકાના અવાજો સાથે વીજળી આકાશેથી ઊતરી ધરતીમાં સમાઈ જતી હતી. કાળીડિબાંગ એ મેઘલી રાત્રે અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો. સમય રાત્રિના અઢી વાગ્યે પહોંચીને થંભી ગયો હતો. શહેરના લગભગ તમામ ગલી-રસ્તા સૂમસામ ભાસતા હતા. પ્રકૃતિએ આજે સવારથી જ રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું. સાક્ષાત વરુણદેવ ચોમેર ફરી વળ્યા હતા.

આવે ટાણે રાત્રિના અંધકારમાં ભારે પગે એ દર-બદર ભટકતી આશરો મેળવવા સરકારી કોલોનીમાં જઈ ચડી હતી. હા, એ ગર્ભવતી હતી અને અત્યારે પ્રસવપીડા વેઠી રહી હતી. પણ હાય રે! એના નસીબની બલિહારી, પરિવારે આવી હાલતમાં એને તરછોડી દીધી હતી. જે પરિવારને એણે ઘણું બધું આપ્યું હતું એ જ કૃતઘ્ની પરિવારે છેલ્લા છ મહિનાથી એને ઘરમાંથી કાઢી મૂકી હતી. એને ઘણીવાર એ ઘરમાં માર પડ્યો હતો અને બહાર તગડી મૂકવામાં આવી હતી છતાં એ મૂંગે મોઢે બધું જ સહન કર્યે જતી.

પણ છેલ્લીવારનો માર એનાથી સહન ન થયો અને એ ચોધાર આંસુએ ઘરને આખરી વખતના રામરામ કરી નીકળી પડી હતી. પરિવારના સભ્યોને તો એ ય કયા ખબર હતી કે એ ગર્ભવતી હતી! જે મળે એ ખાઇ પીને અને જયાં ત્યાં જેમતેમ રાત્રિઓ પસાર કરી એણે આ દુ:ખભર્યા છ મહિના વિતાવ્યા હતા. પણ એ પોતાની આ વ્યથા કથા કોને સંભળાવે? એ કયા મોઢે પોતાની વિતકકથા વર્ણવે? મૂંગી જો હતી, ભગવાને એને જીભ તો આપી હતી પણ એમાં વાચા પૂરવાનું બાકી રાખી દીધું હતું. એ જયાં જતી ત્યાંથી લોકો એને હડધૂત કરી કાઢી મૂકતા.

આજે તો ઉપરવાળો પણ એની આકરી કસોટી કરી રહ્યો હતો. ધોધમાર વરસાદ અને પવનના તેજ સુંસવાટા વચ્ચે એનું શરીર સો ને માથે બે ડિગ્રીએ તપી રહ્યું હતું. શરીરમાં હતું એટલું જોર ભેગું કરી એ પોતાના બાળકને જન્મ આપવા મથી રહી હતી. આખું શરીર તૂટી રહ્યું હતું અને મનથી પણ એ ભાંગી પડી હતી. આમેય સગર્ભાવસ્થા દરમિયાન સરખો ખોરાક ન થવાને કારણે એનું શરીર લેવાઇ ગયું હતું જેથી એ અત્યારે પ્રસવ માટે પૂરતું બળ કરી શકતી નહોતી.

છેલ્લો ઊંડો શ્વાસ લઈને પરમપિતાને યાદ કરી એણે શરીરમાંથી વધી હતી એ બધી તાકાતનો એકસાથે ઉભરો ઠાલવ્યો અને એ જ પળે એ બેશુદ્ધ થઈ ગઈ. સૃષ્ટિના નવા આગંતુકને પોતાની કોખે જન્મ આપતી વેળાનું દ્રશ્ય એ નિહાળી પણ ન શકી. એના શરીરના ધબકારા ધમણની માફક એકદમ તેજ ચાલવા લાગ્યા હતા. શરીરમાંથી જીવ નીકળી ગયો હોય એમ એ સાવ નિશ્ર્વેતન થઈને એમ જ પડી રહી.

અર્ધાએક કલાક પછી એ જયારે ભાનમાં આવી તો એના આનંદનો કોઈ પાર ન રહ્યો! જે એકમાત્ર કારણ અને આશાએ એ જીવી રહી હતી તે આશા ફલિત થયાની મંગળ ઘડી આવી પહોંચી હતી. એનું અંગેઅંગ

રોમાંચિત થઈ ઉઠ્યું. બાજુમાં જ રહેલા પોતાના શિશુનું એ દ્રશ્ય એના માટે અહર્નિશ આનંદ ઊપજાવનારું બની રહ્યું. પોતાના બાળકને એણે વહાલભરી ચુમીઓથી નવડાવી દેવા ચાહ્યું, પણ સાવ નંખાઈ ગયેલા ડિલે એ ઊઠી ન શકી. જેમતેમ કરી એણે બાળકને પોતાની નજીક લઈ સોડમાં લપાવ્યું.

સૂર્યદેવ પોતાના સાત ઘોડાવાળા રથમાં સવાર થઈ પોતાની પ્રિય સખી વસુંધરાને મળવા આવી પહોંચ્યા છે. વરુણદેવ એને રગદોળી-ધમરોળી વિદાય લઈ ચૂકયા છે. થોડો ઉઘાડ થતાં બહાર લોકોની ચહલપહલ વર્તાય છે. એને પણ થોડીવારની વિશ્રામની પળો બાદ હવે રાહત અનુભવાય છે. હળવે રહી ઊભી થઈ એ બાળકને સાથે લઈ કોલોનીના પાછળના ભાગમાંથી આગળના ભાગે આવે છે, પણ માંડ થોડું ચાલ્યા બાદ કમ્પાઉન્ડની દિવાલ પાસે ફસડાઇ પડી ત્યાં જ બેસી જાય છે.

એટલામાં એણે બાળકને જન્મ આપ્યો છે એવી ખબર પડતાં અમુક સન્નારીઓ એના માટે ખાવાનું લઈ આવે છે, પણ હવે એને કોઈના પર પણ વિશ્વાસ રહ્યો નથી. એને એમ લાગે છે કે એ બધી સ્ત્રીઓ એના બાળકને ઝૂંટવી જશે એટલે એ તેમને પોતાની કે બાળકની નજીક ફરકવા જ દેતી નથી અને તેમને તગડવાની કોશિશ કરે છે. પેલીઓ ઘરેથી લઈ આવેલું ખાવાનું તેનાથી થોડે દૂર મૂકી અંદરોઅંદર કાંઈક બબડતી પાછી જતી રહે છે. છતાંયે એને તો એવો જરાસરખો પણ ખ્યાલ નથી કે તે સ્ત્રીઓ તો તેના શરીરને ઊર્જા મળી રહે અને તે પોતાના બાળકને સ્તનપાન કરાવી શકે એ માટે ભોજન લઈને આવી હતી,એનું તો ધ્યાન પણ એ બૈરાઓએ મૂકેલ અન્ન તરફ ગયું નથી; એનું ધ્યાન તો બસ એના બાળકમાં જ પરોવાયેલું છે.

એટલામાં કયાંકથી ચાર-પાંચ યુવાનો ત્યાં આવી ચડે છે અને એમને આ વાતની જાણ થાય છે. યુવાનોને એના માટે હમદર્દી ઊભરાય આવે છે. આથી એમાંના બે યુવાનો થોડીવાર પછી સામેવાળાને ત્યાંથી ખાસ એના માટેનો બનાવેલો ખોરાક લાવી તેની બાજુમાં જ મૂકી જાય છે. એ તો હજી ય એના શિશુમાં જ મશગુલ છે. અને એને તો એમ જ લાગે છે કે આ છોકરડાંઓ પણ પોતાના બાળકને એની પાસેથી છીનવી લેવા જ આવ્યા છે. એ થોડી થોડી વારે પોતાના બાળક સામે અને ક્યારેક આ યુવાનો તરફ નજર નાખી લે છે. પ્રસવ પછી એનામાં વાત્સલ્યનું ઝરણું ફૂટી નીકળ્યું છે. એટલે જ તો એ સામે ખાવાનું પડેલ હોવા છતાં અને એ કેટલાય દિવસથી ભૂખી હોવા છતાં એની તરફ નજર સુધ્ધા નાખ્યા વગર પોતાના બાળક પર જ ધ્યાન આપી રહી છે. પણ એને એટલો ખ્યાલ તો આવી જ ગયો છે કે આ છોકરાઓ એને કે એના બાળકને કોઈ હાનિ પહોંચાડે એમ નથી. છતાંય માઁ ની મમતાવશ એ છોકરાઓમાંથી કોઈને પણ પોતાની કે બાળકની પાસે ફરકવા દેતી નથી. એ બોલી શકતી નથી, નહી તો કહી દેત કે “ખબરદાર જો મને કે મારા શિશુને હાથ લગાડ્યો છે તો!”

અચાનક એક છકડો રીક્ષામાં ત્રણ માણસો ત્યાં આવી ચડે છે અને પેલા છોકરાઓ સાથે કાંઈક વાતચીત કરવા માંડે છે. કદાચ આ છોકરાઓએ જ એમને બોલાવ્યા હશે! એ ત્રણમાંનો એક માણસ એની નજીક આવતાં જ એ ઊછળી પડે છે અને એના બાળકને એ લઈ જશે તો એ બીકે બરાડા પાડવા લાગે છે, પણ ઓલા ભાઈને એની કાંઈ અસર ન થઈ, એ તો ખૂબ જ ત્વરાથી એને જાડા દોરડા વડે રીક્ષા સાથે બાંધી દે છે. એ એમાંથી છુટવા આમથી તેમ વલખા મારે છે, પણ શરીરની શકિત હણાઈ ગઈ હોવાથી એ કેમેય કરી છુટી શકતી નથી. આ બાજુ પેલો માણસ હવે આસાનીથી એના બાળકને ઊંચકી રીક્ષામાં મૂકી દે છે. પોતાનું બાળક છીનવાઈ જતું જોઈ એની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગે છે, પણ દોરડાથી બંધાયેલી એ હવે કાંઈ કરી શકે એવી સ્થિતિમાં જ નહોતી.

ઘરઘરાટીના અવાજો સાથે છકડો ચાલુ થાય છે અને એને બાંધેલું દોરડું ઓલા ભાઈ છોડી નાખે છે. આગળ રીક્ષા ને પાછળ રઘવાયી થયેલી એ, શહેરના ટ્રાફિકને ચીરતાં આગળ ને આગળ ધપ્યે જાય છે. પોતાના છીનવાયેલા બાળકને પાછું મેળવવા ધમપછાડા કરતી માઁ ની સ્થિતિ અકલ્પનીય છે. નંખાઈ ગયેલા શરીરે પણ એ રીક્ષાની પાછળ દોડતી જ જાય છે. રસ્તે પસાર થતાં લોકો પણ રીક્ષા પાછળ એને દોડતી નિહાળી વિસ્મય અનુભવે છે. પણ એને કશાયની પરવા નથી. ચારે બાજુથી પસાર થતાં વાહનો વચ્ચે એને તો બસ બે જ વસ્તુ દેખાય છે; પોતાનું બાળક અને એને ઊપાડી જતી રીક્ષા.

અંદાજે દસેક કિલોમીટરનું અંતર કપાઈ ગયું છે. શહેરની ભીડભાડવાળી ગીચતા પાછળ રહી ગઈ છે. શરીરમાં નબળાઈ હોવા છતાં આટલું દોડવાથી એને આંખે અંધારા છવાતા જાય છે, છતાંય એ જેમતેમ કરી દોડતી રહે છે. આખરે એક મોટા વરંડાવાળા મકાનની આગળ આવી રીક્ષા સુધી પહોંચે એ પહેલા તો રીક્ષાવાળો એના બાળકને રીક્ષામાંથી નીચે ઊતારી મૂકે છે. પહોંચતાવેંત જ એ પોતાના વ્હાલસોયાને વ્હાલી વ્હાલી ચૂમીઓથી નવડાવી દે છે. એ અત્યારે કપરી દુઃખભરી યાતનાઓ વેઠ્યા બાદ ફૂલગુલાબી સુખદ પળોનો આસ્વાદ માણી રહી છે. એના ધાવણમાંથી વ્હાલપનું ઘોડાપૂર ઊમટી એના બાળકના પેટમાં ઠલવાય રહ્યું છે. આખરે તો એ પણ માઁ જ છે ને! ગાયમાતા!! દૂર ક્ષિતિજે પ્રકૃતિ સાત રંગોના શણગાર સજી ખિલી ઊઠી છે.

(કલ્પનારૂપી પાંખો ચડાવેલી સત્યઘટના પર આધારિત)

– રોહન વામજા

Share this Story

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Rohan Vamja

તાજા લેખો

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

મોરારીબાપુ અને સ્વામીનારાયણ  વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ અને સ્વામીનારાયણ વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

error: Content is protected !!