પવિત્રા એકાદશી : ભગવાનને નવા વાઘા પહેરાવવાનો શુભ દિવસ-વાંચો મહિમા અને કથા

શ્રાવણ સુદ અગિયારસને પવિત્રા તેમજ પુત્રદા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિવસની ઉજવણી આવતી કાલે કરવામાં આવશે. આ વ્રત્ર પુત્રપ્રાપ્તિની ઈચ્છાપૂર્તિ માટે કરવામાં આવે છે. શ્રાવણ માસની આ અગિયારસનું વ્રત વ્યક્તિને સમસ્ત પાપમાંથી મુક્તિ આપે છે.

શ્રાવણ મહિનો હિન્દુઓનો અતિ પવિત્ર મહિનો છે. જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સહિત અનેક તહેવારો આવે છે. જેમાં વર્ષે ભગવાનના નવા વધા અને સુતરના હાર પવિત્રા પહેરાવવાનો શુભદિવસ એટલે શ્રાવણસુદ ૧૧ પવિત્રા એકાદશી ઓળખાય છે. પાદરામાં ઠેર-ઠેર રાખડીઓની સાથે રંગબેરંગી સુતરના હારનું પણ ભારે વેચાણ થઈ રહ્યું છે. અને તેની ખરીદી ભકતોએ શરૂ કરી છે.

શ્રાવણ સુદ ૧૧ પવિત્રા એકાદશી આજે છે. જેમાં શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાનને નવા વાધા અને સુતરના હાર પહેરાવવાનો શુભ દિવસ એટલે પવિત્ર એકાદશી, શ્રી કૃષ્ણથી શ્રેષ્ઠ કોઈ દેવ નથી. અને એકાદશી વ્રત જેવું બીજું કોઈ વ્રત નથી. બાર માસ પૈકી શિવજીને પ્યારો શ્રાવણમાસ પવિત્ર ગણવામાં આવ્યો છે.

પવિત્રા એકાદશીનું મહત્વ સ્વંય ભગવાન શ્રીકૃષ્ણે ઘર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું હતું. તે અનુસાર જો નિઃસંતાન વ્યક્તિ આ વ્રત પૂર્ણ વિધિ-વિધાન અને શ્રદ્ધાથી કરવામાં આવે તો તેને પુત્ર પ્રાપ્તિ થાય છે. એઠલા માટે પુત્ર સુખની ઈચ્છા રાખનારે આ વ્રત અવશ્ય કરવું જોઈએ. તેનું મહાત્મ્ય સાંભળવાથી મનુષ્યના બધાં પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને આ લોકમાં સંતાન સુખ ભોગવીને પરલોકમાં સ્વર્ગ પ્રાપ્ત થાય છે.

પૂજા અને વ્રતની વિધિ

પ્રાત:કાળ સૂર્યોદય પહેલાં ઊઠી જવું અને વિષ્ણુ ભગવાનનું તુલસી દલ, માંજર તેમજ ધૂપ, દિપ, ફળ, નિવેદ, ફળ-ફુલ ચડાવીને પૂજા કરવી.  સૂર્યદેવને જળ પણ ચડાવવાથી લાભ થાય છે. દિવસભર ભગવાનનું નામ લેવું અને યથાશક્તિ દાન કરવું. અગિયારસનું વ્રત શક્ય હોય તો ફળ ખાઈને કરવું. આ દિવસે ઘરના મંદિરમાં સવારે અને સાંજે તલના તેલનો દિવો કરવો. બીજા દિવસે સવારે નિત્યક્રમમાંથી પરવારી બ્રાહ્મણોને ભોજન કરવવું અને પછી જ ઉપવાસ તોડવો. રવિવારે આમ તો તુલસીનો સ્પર્શ ન કરવો જોઈએ. પરંતુ કાલે અગિયારસ હોવાથી તુલસીના માંજરની પૂજા કરવી જોઈએ.

પવિત્રા વ્રતની કથા

દ્વાપર યુગના આરંભે મહિષ્મતી નામની એક નગરી હતી, જેમાં મહીજિત નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને કોઈ પુત્ર ન હતો. પોતાનું ઘડપણ આવતું જોઈ રાજા બહુ ચિંતિત થયો અને તેણે પોતાની આ સમસ્યા પોતાના મંત્રીઓ અને પ્રજાના પ્રતિનિધિઓને જણાવી. રાજાની આ વાતને વિચાર માટે મંત્રી તથા  પ્રજાના પ્રતિનિધિ જંગલમાં ગયાં. ત્યાં એક આશ્રમમાં તેમણે મહાત્મા લોમશ મુનિને જોયા. તેમણે રાજાની સમસ્યા લોમશ મુનિને કહી.
તેમની વાત સાંભળીને ઋષિ થોડીવાર માટે આંખો બંદ કરી અને રાજાના પૂર્વ જન્મનું વૃત્તાંત જાણીને કહ્યું કે આ બધું રાજાના પૂર્વ જન્મમાં કરાયેલા કામોનું ફળ છે. એટલા માટે રાજાને આજે આ દુઃખ સહન કરવું પડે છે. લોમશ મુનિએ એમ પણ કહ્યું કે શ્રાવણ સુદ અગિયારસે રાજા સહિત તમે બધાં વ્રત કરો અને રાત્રે જાગરણ કરો, એનાથી રાજાનું આ પૂર્વ જન્મનું પાપ અવશ્ય નાશ પામશે, સાથે જ રાજાને પુત્રની અવશ્ય પ્રાપ્તિ થશે.
શ્રાવણ સુદ અગિયારસ આવી તો ઋષિની આજ્ઞાનુસાર બધાએ પુત્રદા એકાદશીનું વ્રત અને જાગરણ કર્યું. ત્યારબાદ બારસના દિવસે પુણ્યનું ફળ રાજાને આપવામાં આવ્યું એ પુણ્યના પ્રભાવથી રાણીએ ગર્ભ ધારણ કર્યો અને પ્રસવકાળ પૂર્ણ થતાં તેને એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો.
સંપાદન: હેતલબેન વ્યાસ
સોર્સ: ગુજરાતી વ્રત કથાઓની ફ્રી એપ્લીકેશન (ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો)
જો તમને આ વ્રત અને કથાની માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!