હળવો ઘૂંટ
સાવકી મા….. શું પોતાની માં જેવી હોઈ શકે?

સાવકી મા….. શું પોતાની માં જેવી હોઈ શકે?

’  ભાઇવાળી મોટી ન જોઇ હોય તો..બેસ હવે હેઠી. આખો દિવસ ‘ભાઇ ભાઇ ‘કહી એની પાછળ ફર્યા કરે છે. કંઇ ભાન તો પડતી નથી. ‘

ફૈબાની વાત કંઇ ન સમજાતા નવ  વરસની પલક ચૂપચાપ ફૈબા સામે જોઇ રહી.

જોકે પછી ફૈબાને થયું.

આ બિચારી છોકરીનો શું વાંક ? એ શું સમજે ? એને શું ભાન પડે ? પણ મારે તો મા વિનાની આ છોકરીનું હિત વિચારવું રહ્યું ને ? ‘

અને ફૈબા પોતાની જવાબદારી ન  નિભાવે તેવું તો બને જ નહીં ને ? સાવકી માના પનારે પડેલી આ છોકરીને તે દિલથી ચાહતા હતા. મરતી વખતે ભાભીએ તેને જ જવાબદારી સોંપી હતી ને ?

બહેન, મારી નમાયી દીકરીનું તમે ધ્યાન રાખશોને ? ‘

ભાભીના ગયા પછી પોતે બે મહિના ભાઇ સાથે રહી હતી. પરંતુ અંતે તો પોતાને ઘેર ગયા વિના કેમ ચાલે ?  જતી વખતે પલકને પોતાની સાથે લઇ જવાની ખૂબ જીદ કરી હતી. પરંતુ ભાઇ એક નો બે ન થયો.

બેન, પલકને સહારે તો મારે હવે જિન્દગી કાઢવાની  છે. એને લઇ જઇશ તો હું સાવ એકલો…અનાથ બની જઇશ. ‘

 પછી  બધાના સમજાવવાથી એક વરસમાં  ભાઇએ  બીજા લગ્ન કર્યા  હતા. ભાઇએ બીજા લગ્ન કર્યા તેની સામે તો બહેનને કોઇ વાન્ધો નહોતો. પરંતુ  એક તો ભાઇએ પોતાને પૂછયા વિના જ લગ્નનો નિર્ણય લીધો.  અને તે પણ ચાર વરસના દીકરાની મા સાથે. રમ્યા ભાઇની ઓફિસમાં જ કામ કરતી હતી. અને વિધવા હતી. શશાંક અને રમ્યાએ સાથે મળીને ખૂબ વિચાર્યા બાદ  આ નિર્ણય લીધો હતો.   લગ્ન કોર્ટમાં જ કર્યા હતા. ત્યારે મોટીબહેનના પતિની તબિયત થોડી સારી ન હોવાથી તે નહોતી આવી શકી. પછી તેની વહુને ડીલીવરી આવી.  બહેન એક પછી એક સંજોગોમાં ફસાતી રહી. તેથી લાખ ઇચ્છા છતાં જલદી  આવી શકી નહીં. હવે છેક  છ મહિને ભાઇને ઘેર આવી શકી હતી.

સાવકી મા ગમે તેટલી સારી હોય પણ પારકા જણ્યાને પોતાનાની જેમ થોડા સાચવી શકવાની હતી ? પુરૂષને બિચારાને શું ખબર પડે ? અને તે વળી ઘરમાં  કેટલો સમય હોય ?  આને તો વળી  આગલા ઘરનું પોતાનું છોકરું પણ છે. અને તે યે વળી દીકરો. પછી આ બિચારી છોકરીના ભાવ કોણ પૂછવાનું હતું ? પલકનું બિચારીનું શું થતું હશે એ વિચારી વિચારીને મોટીબહેન દુ:ખી થઇ રહેતી. હવે પોતાના સંસારમાંથી થોડી નવરાશ મળતાં તે પલક માટે થઇને દોડી આવ્યા હતા.   આવતાની સાથે જ પલકનો હવાલો પોતે સંભાળી લીધો હતો. રમ્યા મનમાં સમજી ગઇ. પરંતુ કશું બોલી શકી નહીં.

પલકને  નાનકડો લવ્ય  ખૂબ વહાલો હતો. રમ્યા કયારેય ભાઇ બહેન વચ્ચે કોઇ ભેદભાવ રાખતી નહીં. તેના મનમાં એવો કોઇ વિચાર પણ કયારેય આવ્યો નહીં કે  પલક પારકી છે. ભાઇ બહેન વચ્ચે નિર્વ્યાજ  સ્નેહ પ્રગટી રહે તેવા જ તેના પ્રયત્નો રહેતા. લવ્યના આવ્યા પછી પલક ખુશખુશાલ રહેતી. આ નાનકડો ભાઇલો કેવો તેની પાછળ પાછળ ફર્યા કરતો. તેને દીદી કહીને બોલાવતો. અને પોતે જે કરે  તેની  કોપી કર્યા કરતો. સાવ બુધ્ધુ છે. કંઇ ખબર નથી પડતી. ભાઇ બહેન આખો દિવસ સાથે જ ફર્યા  કરતા. પલક લવ્યનું ખૂબ ધ્યાન રાખતી. પણ  ફૈબા માટે તો લવ્ય પારકો જ હતો. એ કંઇ પોતાના ભાઇનો દીકરો થોડો હતો ? અને આ રમ્યા જબરી લાગે છે. પહોંચેલી માયા દેખાય છે. પોતાની હાજરીમાં કેવું મીઠું બોલે છે. પણ બાઇ, મેં આખી દુનિયા જોઇ છે. હું કંઇ એમ છેતરાઉં તેમ નથી. તારા શબ્દોથી ભરમાય એ બીજા…આ મોટીબહેન તો બધા સ્ત્રીચરિત્ર જાણે.  બારીક નિરીક્ષણ કરવા છતાં પણ રમ્યાનો કોઇ વાંક જલદી શોધી ન શકાતા ફૈબાને થયું પલકને જ સમજાવવી પડશે. નહીતર પોતે જશે પછી આ છોકરી હેરાન જ થવાની. બાપ આખો દિવસ ઓફિસમાં અને ઘેર સાવકી મા..અને સાવકો ભાઇ. ફૈબાનું દિલ કરૂણાથી ઉભરાઇ આવ્યું. ભીની આંખો લૂછી તેણે પલકને પોતાની પાસે બોલાવી ખોળામાં બેસાડી. રમ્યા  કશુંક લેવા બજારમાં  ગઇ હતી. અને લવ્ય  ઉંઘી ગયો હતો.

જો બેટા, મારી વાત ધ્યાનથી સાંભળજે ને સમજજે.. બેટા, હવે તારે આ ઘરમાં ધ્યાન રાખીને રહેવાનું છે. ‘

શેનું ધ્યાન ફૈબા ? ‘

અરે, મારી ભોળી દીકરી…તને કેમ સમજાવવી ? તું માને છે તેવી દુનિયા સરળ નથી. અહીં તો જીવવા માટે, પોતાના હક્ક માટે જાતજાતના ખેલ કરવા પડતા હોય છે. બેટા, એ બધું તને કેમ સમજાવવું ? સાવકી માના સાચા ચહેરાને ઓળખવો કંઇ સહેલો છે ?

ફૈબા એકલા એકલા ગણગણી રહ્યા.

પલકને કશું સમજાયું નહીં. ફૈબા આ બધું શું બોલે છે ? અને ફૈબા  મમ્મીને સાવકી મા એવું કેમ કહ્યા કરે છે ? સાવકી મા એટલે વળી શું ?’

બેટા, આ મમ્મી તારું ધ્યાન રાખે છે ? તને મારતી તો નથી ને ? ‘

મમ્મી વળી શું કામ મારે ? એ તો ધ્યાન જ રાખેને..પોતાને કેટલું વહાલ કરે છે. મમ્મી તો બધાને ગમતી જ હોય ને ? ફૈબા આમ કેમ પૂછે છે ?

હા, ફૈબા, મમ્મી મને ખૂબ ગમે છે. મારો નાનકડો ભાઇલો લવ્ય તો મને બહું વહાલો છે. ‘

જો બેટા, તારે છે ને ધ્યાન રાખીને રહેવાનું. આ મમ્મી છે એ કંઇ તારી સગી મા   નથી. અને આ લવ્ય  કંઇ તારો સગો ભાઇ નથી શું સમજી ? ‘

કોણ લવ્ય ? ના, ફૈબા પપ્પાએ જ મને કહ્યું છે કે લવ્ય તારો ભાઇ છે. ‘

 ત્યાં સૂતેલ ચાર વરસના ભાઇને સ્નેહથી નીરખતી પલક બોલી ઉઠી.

અરે રે,આ  અબૂધ છોકરીને કેમ સમજાવવી ? આ  બાઇ પહેલા પોતાના છોકરાનું વિચારશે કે આ નમાયી પારકી છોકરીનું ? હવે આ ધીમેધીમે પોતાનું પોત પ્રકાશશે  અને આ બિચારી છોકરીને માથે દુ:ખના વાદળો આવવાના જ. આ માસૂમ તો કંઇ સમજવાની નહીં. પાછો પોતાનો દીકરો છે ને આ તો છોકરીની જાત.  અને તે પણ સાવકી…બીજી શું આશા એની પાસેથી રાખી શકાય ?  પોતે આવા દાખલા ઓછા જોયા છે ?  ફૈબા મનોમન પોતે જોયેલ ઉદાહરણો યાદ કરી રહ્યા. અને જીવ બાળતા રહ્યા.

 પોતાનો ભાઇ તો સાવ ભગવાનનું માણસ..જોને આ છોકરો જાણે પોતાનો સગો દીકરો હોય એમ જ એને ચાગ કરે છે ને ? આમાં બિચારી છોકરીનું કોણ બેલી ?  હજુ નવું સવું છે ત્યાં સુધી સારી રીતે સાચવશે. આ ભણેલા તો બહું ઉંડા હોય. અંદર જુદા ને બહાર જુદા. મન કળાવા જ ન દે ને…આપણી જેમ કંઇ જેવા હોય એવા ન દેખાય..

પણ પોતે કરી યે શું શકે ? પલકને  પોતાની સાથે લઇ જાય..પણ ભાઇ ચોખ્ખી ના જ પાડી દેવાનો..

છોડીને નશીબ ઉપર જ છોડી દેવાનીને ? ફૈબા મૂંઝાઇ રહ્યા.

પણ ફરી એકવાર પલકને સમજાવવાની કોશિશ કરવાનું તો ન જ ચૂકયા.

જો બેટા, આ ..શું નામ..લવ્ય ને ? ‘

જો એ કંઇ તારો સગો ભાઇ નથી શું સમજી ? અને આ તારી મા છે ને એ કંઇ તારી સગી મા નથી. એ તારી સાવકી મા છે.’

ફૈબાએ વહેવારનો એકડો ઘૂંટાવવો શરૂ કર્યો.

સાવકી મા ? કોણ ? મારી મમ્મી ? ‘

હવે રાખ..મમ્મી શાની ? તારી મમ્મી તો કયારની ઉપર ભગવાન પાસે પહોંચી ગઇ છે.

ફૈબાના અવાજમાં થોડી ભીનાશ તો ભળી..પરંતુ ન જાણે  કેમ પલકને સ્પર્શી નહીં.

ફૈબા ફરીથી પલકને સમજાવવામાં વ્યસ્ત થઇ ગયા.

થોડાં દિવસ પછી ફૈબા ગયા ત્યારે પલકને બીજું કશું તો નહીં પરંતુ  સાવકી માનો અર્થ સમજાઇ ગયો હતો. અને લવ્ય પોતાનો સગો ભાઇ નથી..અને હવે પોતાને આ નવી મમ્મી મારશે એવું બધું સમજાઇ ચૂકયું હતું. ફૈબા બિચારા પોતાની ફરજ બજાવી રડતી આંખે વિદાય થયા.

પલકનું બાળમાનસ ભયંકર ગૂંચવાડામાં પડયું હતું. ફૈબા કહેતા હતા એવું કશું દેખાતું તો નહોતું..પણ ફૈબા ખોટું થોડું બોલે ?  પોતાની મમ્મી ઉપર ભગવાન પાસે હમેશ માટે ચાલી ગઇ હતી એવું તો પહેલાં પણ બીજા કોઇક પાસેથી સાંભળ્યું હતું.

તો પછી શું ફૈબાની વાત સાચી હશે ? મમ્મી હવે મને દુ:ખ આપવાની ? ખાલી લવ્યનું જ ધ્યાન રાખવાની ? લવ્ય  મારો સગો ભાઇ નથી ? સાવકો અને સગો બે જુદા જુદા ભાઇ હોતા હશે ? હવે પૂછવું કોને ? પપ્પાને કે મમ્મીને પૂછવાની કે કશું કહેવાની ફૈબાએ ના પાડી છે. ફૈબાએ કહ્યું છે કે મમ્મી શું કરે છે તે બધું બરાબર જોતી રહેજે. જમવામાં પણ લવ્યને શું આપે છે ને તને શું આપે છે તેનું ધ્યાન રાખજે. તારે જ લવ્યનું બધું કામ કરવું પડશે..લવ્યની ગુલામ થઇને રહેવું પડશે. ગુલામ એટલે શું ? એ પણ ફૈબાએ સમજાવ્યું હતું.

પલક મનોમન ધ્રૂજી ઉઠી. એમાં એક દિવસ કોઇક ટી.વી.માં કોઇ જૂના પિકચરમાં સાવકી માને દીકરીને મારતી જોવામાં આવી ગયું. અને પલકના હોશહવાસ ઉડી ગયા. બસ હવે થોડા દિવસોમાં પોતાના હાલ પણ આવા જ થવાના.

હસમુખી, ચંચળ પલક ઉદાસ રહેવા લાગી. હવે એ લવ્યનું ધ્યાન રાખતી નથી. લવ્યને હેરાન કરવાની એક પણ તક ચૂકતી નથી. લવ્ય ‘ દીદી દીદી’  કરતો એની પાછળ ફરે છે. પણ પલક પહેલાની જેમ એને વહાલ કરવાને બદલે  એનાથી દૂર જ ભાગે છે.

આજે પણ એવું જ થયું.

દીદી, કરતો લવ્ય પલક પાછળ દોડી રહ્યો હતો. પલકના હાથમાં રહેલ રંગીન ક્રેયોનનું બોક્ષ  લેવા મથી રહ્યો હતો. પહેલા તો પલક હોંશે હોંશે ભાઇલાને આપી દેતી હતી. પરંતુ હવે સાવકા ભાઇને કેમ આપે ?

નાનકડા લવ્યએ દીદીના હાથમાંથી ક્રેયોન ઝૂંટવવાનો પ્રયત્ન કર્યો. પલકે ગુસ્સામાં આવીને લવ્યને ધક્કો માર્યો. લવ્ય પડી ગયો. અને રડવા લાગ્યો. રમ્યા શાક સમારતી ત્યાં જ બેઠી હતી. તેણે જોયું કે પલકે લવ્યને ધક્કો માર્યો.

તેણે સ્વાભાવિક રીતે જ પલકને ઠપકો આપ્યો’ ભાઇને આમ મરાય ? બેટા, તું તો મોટી છે. ભાઇને સોરી કહી દે.’

નહીં કહું સોરી..’ કહી પલક ત્યાંથી ભાગી ગઇ.

રમ્યા સ્તબ્ધ. પલક કયારેય આવું તો નહોતી કરતી. તે વિચારમાં પડી ગઇ.નક્કી આમાં ફૈબાનો જ હાથ..ફૈબા જૂનવાણી હતા. અને આખો વખત પલક સાથે કંઇક ઘૂસપૂસ કર્યા કરતા. પોતે આવી ચડે તો વાત બદલી નાખતા હતા. આ નિર્દોષ છોકરીના મનમાં કશુંક ભરાવ્યું છે તે ચોક્કસ. નહીંતર પલકને લવ્ય કેટલો વહાલો હતો. હમણાંથી પલક ‘ મમ્મી મમ્મી ‘ કરતી પોતાની પાસે પણ આવતી નથી. એનો ખ્યાલ પણ અચાનક રમ્યાને આવ્યો. આનો ઉપાય કરવો જ રહ્યો. શું કરવું તે રમ્યા વિચારતી રહી.

પણ હજુ રમ્યા કશું વિચારે તે પહેલા જ….

તે દિવસે રવિવાર હતો. પલકને થોડા શરદી, ઉધરસ થયા હતા. રમ્યાએ લવ્યને કેળુ આપ્યું. પલકને પણ કેળુ ખૂબ ભાવતું હતું. સામાન્ય રીતે તો રમ્યા રોજ બંનેને સાથે જ આપે. પરંતુ આજે પલકને શરદી હોવાથી તેણે પલકને ના પાડી. અને પલકને ભાવતો લાડુ આપ્યો. પલકે જોયું કે ભાઇને  કેળુ આપ્યું અને પોતાને ના પાડે છે. તેને ફૈબાની વાત યાદ આવી ગઇ.

તે કશું બોલ્યા સિવાય ઉપર ભાગી ગઇ. રમ્યાને થયું. પોતે કૂકર મૂકીને  હમણાં ઉપર જશે. અને પલકને મનાવી લેશે.

ત્યાં લવ્ય દીદીની પાછળ તેને કેળુ આપવા ઉપર  ગયો.

દીદી, કહી તેણે પોતાનો નાનકડો હાથ પલક તરફ લંબાવ્યો. પલક ગુસ્સામાં હતી. તેણે લવ્યને જોશથી ધક્કો માર્યો. લવ્ય દાદર પાસે જ હતો. રમ્યા બરાબર દાદર પાસે પહોંચી હતી. પલકને મનાવવા ઉપર આવતી હતી. ત્યાં…

લવ્યને દાદર પરથી ગબડતો જોઇ રમ્યાની ચીસ નીકળી ગઇ. શશાંક પણ દોડી આવ્યો. રમ્યાએ લવ્યને ખોળામાં લીધો. લવ્યના કપાળ ઉપરથી લોહીની ધાર વહેતી હતી. શશાંકે તુરત ડોકટરને બોલાવ્યા.

આટલું બધું લોહી અને ડોકટરની ધમાલ જોઇ પલક ગભરાઇ ગઇ હતી. પોતે ભાઇલાને  આ શું કરી નાખ્યું ?  તેને એ પણ ખબર પડી ગઇ હતી કે મમ્મીએ પોતાને લવ્યને ધક્કો મારતા જોઇ લીધી છે. હવે પોતાને….

તે ધ્રૂજી ઉઠી.

સદનશીબે લવ્ય બચી ગયો હતો.  કપાળ ઉપર બાર ટાંકા  લેવા પડયા હતા. લવ્યના કપાળ પર પટ્ટી બાન્ધેલી જોઇ પલક એક ખૂણામાં ગુનેગારની જેમ ઉભી હતી. તેને મનોમન રડવું આવતું હતું.

અચાનક શશાંકે  રમ્યાને પૂછયું,

પણ લવ્ય  પડી કેમ કરતાં ગયો ? ‘

બસ..પૂરું…. હમણાં મમ્મી પોતાનું નામ લેશે. અને પછી….

 પલક સામે જોતી રમ્યાએ ધીમેથી જવાબ આપ્યો.

તમને તો ખબર છે. લવ્ય કેટલો તોફાની છે. પલક તેને રમાડતી હતી ત્યાં ભાઇ સાહેબ ગબડી પડયા.

પલક સાંભળી રહી.

તે રાત્રે પલક ધીમેથી મમ્મી પાસે આવી.

મમ્મી,’

 તે ધીમેથી કશું બોલવા  જતી હતી. ત્યાં રમ્યાએ તેને વહાલથી ખોળામાં લીધી.

પલક “ મમ્મી “ કહી મોટેથી રડી ઉઠી

( akhand ananad )

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Nilam Doshi

તાજા લેખો

રોડ એકસીડન્ટના મૃત્યુ પામેલ ચિરાગ ના જન્મદિવસ ની અનેરી ઉજવણી – જોઈ ને રડી પડશો…..

રોડ એકસીડન્ટના મૃત્યુ પામેલ ચિરાગ ના જન્મદિવસ ની અનેરી ઉજવણી – જોઈ ને રડી પડશો…..

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

error: Content is protected !!