આજે નાગ પાંચમ – નાગદાદાને ચોખ્ખા ઘી નો દીવો જ શા માટે જરૂર વાંચો

શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પંચમી. કૃષિપ્રધાન ભારતમાં ખેતીવાડીને નુકસાન કરતા ઉંદરોના ભક્ષક તરીકે સાપ-નાગનું સદીઓથી વિશેષ મહત્વ છે.

ભારતીય જ્યોતિષ તથા ધર્મશાસ્ત્રમાં પાંચમ તિથિનો સ્વામી(અધિપતિ) નાગ છે. વર્ષ દરમિયાન લગભગ મોટા ભાગની પાંચમ તિથિ ભારતનાં કોઈને કોઈ પ્રદેશમાં નાગપંચમી તરીકે પૂજાય છે. બંગાળ તથા કેરાલા એ નાગપૂજાના પ્રધાનક્ષેત્ર ગણાય છે. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારોમાં શ્રાવણ સુદ પાંચમને દિવસે નાગપંચમી ઉજવાય છે. જ્યારે બાકીના મોટાભાગનાં ગુજરાતી વિસ્તારમાં રક્ષાબંધન (બળેવ) પછીની અને જન્માષ્ટમી પહેલાની પાંચમ(વદ પાંચમ) નાગ પંચમી તરીકે ઉજવાય છે.

આ અંગે પંચાંગ વિષયના એક અભ્યાસી ખગોળવિંદ વધુમાં જણાવે છે કે દક્ષિણ ભારતના ઘણાં મંદિરોમાં નાગદેવતાની મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી હોય છે. આપણે ત્યાં ખોડિયાર માતાની કૃપા કે બાધાથી જન્મેલ વ્યક્તિને ખોડીદાસ, બહુચર માતાની બાધાથી જન્મેલ વ્યક્તિને બહેચરદાસ અને મહાકાળી-કાળકા માતાની કૃપા કે બાધાથી જન્મેલ વ્યક્તિનું નામ કાળીદાસ રાખવામાં આવતું હતું. આ જ પરંપરા મુજબ નાગદેવતાની કૃપાથી જન્મેલ વ્યક્તિનું નામ નાગજીભાઈ રાખવામાં આવતું હતું. તેથી જ પશુપાલકો તથા માલધારી સમાજમાં નાગજીભાઈ નામ વિશેષ જોવા મળે છે.

આપણા પૂર્વજોને જ્ઞાાન હતું કે નાગ-સાપને રૂ-કપાસ-કપાસિયા તથા ચોખ્ખા ઘીની વાસ ગમતી નથી. તેથી જ્યારે માનવીના રહેણાંકની નજીકમાં સાપ આવ્યો હોય ત્યારે ઘીનો દીવો અથવા કપાસિયા-ઘીનો ધૂપ કરવામાં આવે છે. પર્યાવરણની દ્રષ્ટિએ સાપને માનવવસ્તીથી દૂર કરવા – ભગાડવા માટેનો આ સાત્વિક-નિર્દોષ ઉપચાર છે જેને ધર્મ સાથે, પૂજ્ય ભાવથી જોડી દેવામાં આવ્યો છે.

ભવિષ્ય પુરાણ નામના ધર્મગ્રંથમાં બાર પ્રકારના નાગકુળ જણાવ્યા છે. જે આ પ્રમાણે છે,

(૧) અનંત (૨) વાસુકિ (૩) શંખ (૪) પદ્મ (૫) કંબલ (૬) કર્કોટક (૭) અશ્વતર (૮) ધૃતરાષ્ટ્ર (૯) શંખપાલ (૧૦) કાલિય (૧૧) તક્ષક (૧૨) પીંગલ.

જ્યારે કૃષિ જ્યોતિષ – પરંપરાગત હવામાનશાસ્ત્રનાં ગ્રંથોમાં બાર પ્રકારના મેઘના નામની સાથે બાર પ્રકારનાં નાગ સાંકળવામાં આવ્યા છે. સંવત્સરની ગણતરીના આધારે દર વર્ષે કયા નાગનું પ્રભુત્વ (ઋતુવૈજ્ઞાાનિક પ્રભાવક અસરો) રહેશે તે અંગે રસપ્રદ વિગતો મળે છે. હવામાનશાસ્ત્રનાં આ બાર પ્રકારના નાગનાં નામ સહેજ અલગ પડે છે,

(૧) સુબુધ્ધ (૨) નંદસારી (૩) કર્કોટક (૪) પૃથુશ્રવ (૫) વાસુકિ (૬) તક્ષક (૭) કંબલ (૮) અશ્વતર (૯) હેમમાલી (૧૦) નરેન્દ્ર (૧૧) વ્રજદ્રષ્ટ (૧૨) વૃષ.

સુરેન્દ્રનગર જિલ્લાનાં થાનગઢ નગરના ગ્રામદેવતા વાસુકિ નાગ છે. ધાધલ કુળનાં કાઠી દરબારોના કુળદેવતા પણ વાસકિ નાગ મનાય છે. નરસિંહ મહેતાનાં નાગદમન કાવ્યમાં કાલિય નાગનું વર્ણન છે. પરીક્ષિત રાજાની સાથે તક્ષક નાગની કથા ધર્મશાસ્ત્રમાં જોવા મળે છે. કેટલાક પ્રદેશોમાં સર્પદંશથી મૃત્યુ પામનાર વ્યક્તિનું શ્રાદ્ધ નાગપાંચમને દિવસે કરવાનો રિવાજ છે.

નાગ સાથે અનેક કથાઓ સંકળાયેલી છે. માત્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાત,સૌરાષ્ટ્ર, કચ્છમાં જ નાગ સાથે જોડાયેલા સ્થળનામ (ગામના નામ) ની સંખ્યા ૩૪ જેટલી છે. જેમાં નાગડકા, નાગડોળ, નાગતર, નાગધરા, નાગનેશ, નાગફણાં, નાગપુર, નાગલપુર, નાગલપર, નાગલોડ, નાગવદર, નાગવાસણ, નાગવીરી વગેરે નોંધપાત્ર છે. જખવાડા – ગમાનપુરા વગેરે સ્થળે નાગદેવતાનાં મેળા યોજાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સાપ-નાગ ખરેખર દૂધ પીતા હોવાનું જાણ્યું નથી. પ્રાણીશાસ્ત્રીઓ સ્પષ્ટ કહે છે કે નાગ-સાપ દૂધ પીતા નથી. નાગપાંચમનાં દિવસે મદારી તથા ભિક્ષુકોની ખોટી માંગણીઓને તાબે થવું નહીં. પરંતુ એવી સંસ્થાઓની મુલાકાત લેવી જોઈએ કે જ્યાં બાળકોને સાપ-નાગ અંગે સાચી જાણકારી મળી રહે. નવી પેઢીને સર્પસૃષ્ટિની યોગ્ય અને સાચી માહિતી આપવાના હકારાત્મક પ્રયત્નો કરવા જોઈએ.

– ભૂપેન્દ્ર ધોળકિયા

Leave a Reply

error: Content is protected !!