કેટલું જાણો છો તમે “આઝાદ હિન્દ ફૌજ” વિશે ? – જય હિન્દકી સૈના

લગભગ બધાંને ખ્યાલ જ હશે કે ભારતને આઝાદી અપાવવામાં આઝાદ હિન્દ ફૌજનું મહત્વનું યોગદાન રહેલ છે. પણ આઝાદ હિન્દ ફૌજનાં ઇતિહાસ વિશે ખુબ ઓછા લોકો જાણતા હશે.

ચાલો જાણ્યે આઝાદ હિન્દ ફૌજ વિશે.

આઝાદ હિન્દ ફૌજનો ઈતિહાસ :
1942 માં આઝાદ હિન્દ ફૌજ કહો કે ‘ઈન્ડિયન નેશનલ આર્મી’ ની સ્થાપના કરવામાં આવી હતી. સ્વતંત્રતા આંદોલનના મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝે બીજા વિશ્વયુદ્ધ દરિમયાન આઝાદ હિન્દ ફૌજની રચના કરી હતી. તેમણે ‘જય હિન્દ’ જેવુ રાષ્ટ્રીય સુત્ર આપ્યુ હતુ.

આઝાદ હિન્દ ફૌજની સ્થાપના  :
આમ તો આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરવાનો સૌથી પહેલો વિચાર કેપ્ટન મોહન સિંહના મનમાં આવેલો. આ દરમિયાન વિદેશમાં રહેતાં ભારતીયો માટે ઈન્ડિયન ઈંડીપેન્ડેન્સ લીગની સ્થાપના કરવામાં આવેલ જેનું પ્રથમ સંમેલન જૂન, 1942 બેંકોક માં થયુ હતુ.  આઝાદ હિન્દ ફૌજનાં પહેલા ભાગનું ગઠન 1 ડિસેમ્બર, 1942 માં મોહન સિંહના નેતૃત્વમાં થયેલ. જેમાં લગભગ 16,300 સૈનિક હતાં. ત્યારે જાપાને 60,000 જેટલા યુદ્ધ બંદીઓને મુકત કર્યા હતાં આઝાદ હિન્દ ફૌજમાં જોડાવા માટે. આ સંગઠન દરમિયાન મોહન સિંહ અને જાપાન સરકાર વચ્ચે સૈનિકો બાબતે વિવાદ થતા જાપાન સરકારે મોહન સિંહ અને નિરંજન સિંહ ગિલને ગિરફ્તાર કર્યા.
આઝાદ હિન્દ ફૌજનાં બીજા ભાગનું ગઠન ત્યારે થયું જ્યારે સુભાષચંદ્ર બોઝ સિંગાપુર ગયા હતાં. નેતાજી સુભાષચંદ્ર એ વર્ષ 1941માં બર્લીન માં “ઈન્ડિયન લીગ”ની સ્થાપના કરી પરંતુ જ્યારે જર્મનીએ રશિયા વિરૂદ્ધ કાર્યવાહી કરવાનું શરૂ કર્યું ત્યારે મુશ્કેલીઓ ઊભી થઈ અને નેતાજીએ દક્ષિણ પૂર્વ એશિયા જવાનો નિર્ણય લીધો.

નેતાજી સુભાષચંદ્ર બોઝનું નેતૃત્વ:
જુલાઈ, 1943 માં સુભાષચંદ્ર બોઝ સબમરીન દ્રારા જર્મનીથી જાપાનનાં નિયંત્રણમાં રહેલ સિંગાપુર પહોંચ્યા. ત્યાં એમણે “ચલો દિલ્લી” નામનું પ્રસિધ્ધ સૂત્ર આપ્યું. 4 જુલાઈ 1943માં નેતાજીએ આઝાદ હિન્દ ફૌજ અને ઈન્ડિયન લીગ બન્નેનો કાર્યભાર સંભાળ્યો. આઝાદ હિન્દ ફૌજનાં સિપાહી સુભાષચંદ્ર બોઝને “નેતાજી” કહેતાં. એમણે 21 ઓક્ટોબર, 1943માં સિંગાપુરમાં અસ્થાયી ભારત સરકાર “આઝાદ હિન્દ સરકાર” ની સ્થાપના કરી. નેતાજી આ સરકારનાં રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને સેનાધ્યક્ષ ત્રણેય હતાં. નાણાં વિભાગ એસ.સી. ચેટર્જી, પ્રચાર વિભાગ એસ.એ અય્યરને તથા મહિલા સંગઠન લક્ષ્મી સ્વામીનાથનને સોંપ્યા.

આઝાદ હિન્દ ફૌજનાં પ્રતીક ચિહ્નો :
આઝાદ હિન્દ ફૌજનાં પ્રતીક ચિહ્નનાં રૂપમાં એક ઝંડા ઉપર ગર્જના કરતાં વાઘનું ચિત્ર બનાવેલ હોય છે. “કદમ-કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા” – આ સંગઠનનું મુખ્ય ગીત હતુ. આ ગીત સ્વતંત્ર સેનાનીઓમાં નવું જોશ અને ઉત્સાહ ભરી દેતું.

આઝાદ હિન્દ ફૌજની બ્રિગેડ
જર્મની, જાપાન તથા એમનાં સમર્થક દેશો દ્રારા આઝાદ હિન્દ સરકારને માન્યતા આપવામાં આવી હતી. ત્યારબાદ નેતાજી સુભાષજીએ સિંગાપુર અને રંગુનમાં આઝાદ હિન્દ ફૌજનાં મુખ્ય કાર્યાલય બનાવ્યા. પહેલી વખત સુભાષચંદ્ર બોઝ દ્રારા ગાંધીજી માટે રાષ્ટ્રપિતા શબ્દનો પ્રયોગ કર્યો. જુલાઈ, 1944 માં નેતાજીએ રેડિયો પર ગાંધીજીને સંબોધતા કહ્યું કે “ભારતની સ્વતંત્રતા માટે અંતિમ યુદ્ધ શરૂ થઈ ગયુ છે. હે રાષ્ટ્રપિતા ! ભારતની મુક્તિ માટે આ પવિત્ર યુદ્ધમાં અમે આપના આશિર્વાદ અને શુભકામનાઓ ઈચ્છીએ છીએ.” આ ઉપરાંત ફૌજની બ્રિગેડને અલગ અલગ નામ પણ આપવામાં આવ્યાં જેમ કે, ‘મહાત્મા ગાંધી બ્રિગેડ’, ‘અબુલ કલામ આઝાદ બ્રિગેડ’, ‘જવાહરલાલ નેહરુ બ્રિગેડ’ તથા ‘સુભાષચંદ્ર બોઝ બ્રિગેડ.’ સુભાષચંદ્ર બોઝ બ્રિગેડનાં સેનાપતિ શાહનવાઝ ખાન હતાં. સુભાષચંદ્ર બોઝએ સૈનીકોનું આહવાન કરતા કહ્યું “તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા.”

સુભાષચંદ્ર બોઝનું મૃત્યું
ભારતના કમનસીબે આ મહાન ક્રાંતિકારી નેતાજી ૧૮મી ઓગષ્ટ ૧૯૪૫ના દિવસે જાપાનના તાઈહોકુ ખાતે વિમાન તૂટી પડતાં તેમનું અવસાન થયું. આ અકસ્માતના સૌપ્રથમ સમાચાર ટોકિયોના રેડિયોએ ૨૩મી ઓગષ્ટ ૧૯૪૫ના રોજ પ્રસારિત કર્યા. માત્ર ૪૯ વર્ષની યુવાન વયે દેશનો જવલંત દીપક બૂઝાયો. ભારતના લોકો આ સમાચાર સાચા માનવા તૈયાર ન હતા. અને પરિણામે વર્ષો સુધી તેઓ જીવે છે અને  મૃત્યુ પામ્યા નથી તેવો વિવાદ ચાલુ રહ્યો છે.

લાલ કિલ્લે કો તોડ દો, આઝાદ હિન્દ ફૌજ કો છોડ દો.
વર્ષ 1945માં આઝાદ હિન્દ ફૌજનાં સૈનિકો અને અધિકારીઓ પર અંગ્રેજ સરકારે દિલ્લીનાં લાલ કિલ્લામાં રજદ્રોહનો કેસ ચલાવ્યો. આ કેસમાં કર્નલ સહગલ, કર્નલ ઢિલ્લૉન અને મેજર શાહનવાઝ ખાન પર રાજદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો. વીર જવાનોને નિર્દોષ સાબીત કરવાનાં પક્ષમાં સર તેજબહાદુર, જવાહરલાલ નહેરુ, ભૂલાભાઈ દેસાઈ અને કે. એન. કાત્જુએ ઘણી દલીલો કરી. એમ છતા એ ત્રણેયને ફાંસીની સજા સંભળાવવામાં આવી. આ નિર્ણયનાં વિરોધમાં આખા દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા, સૂત્રોચ્ચાર થયાં – “લાલ કિલ્લે કો તોડ દો, આઝાદ હિન્દ ફૌજ કો છોડ દો.” વિવશ થઈને તત્કાલીન વાઈસરોય લોર્ડ વેવેલ એ પોતાના વિશેષ અધિકારનો ઉપયોગ કરીને જવાનોની મૃત્યુદંડની સજા માફ કરી દીધી. આમ તો આઝાદ હિન્દ ફૌજનાં સૈનિકોની સંખ્યા વિશે ઘણાં મતભેદો હતાં પણ માનવામાં આવે છે કે આ સેનામાં લગભગ ચાલીસ હજારથી વધું સેનાનીઓ હતાં.

સંકલન – ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!