હળવો ઘૂંટ
પૂર્ણાભાભી – વહેલી સવારના ઝાકળબિંદુ- સમું હાસ્ય જેમના મુખ પર સદાય ચમકતું

પૂર્ણાભાભી – વહેલી સવારના ઝાકળબિંદુ- સમું હાસ્ય જેમના મુખ પર સદાય ચમકતું

બસમાં બેઠી તે જ ઘડીથી વિચારચક્ર ચાલુ થઈ ગયું. જેમ જેમ બસ આગળ ધપતી ગઈ તેમ તેમ હું પાછળ ને પાછળ ભૂતકાળમાં ધકેલાતી ગઈ. બારી પાસેની જ બેઠક મળી હતી. એટલે બારીમાંથી બહારનાં દ્રશ્યો નીરખતી રહી. બસની દિશાથી વિરુદ્ધ દિશામાં દોડતાં વૃક્ષોને નીરખતાં નીરખતાં ક્યારે મારા સ્મૃતિપટ પર ભૂતકાળનાં દશ્યો ઊપસવા માંડ્યાં તેનો મને ખ્યાલ પણ ન રહ્યો.

લગભગ પાંચ વરસ પહેલાં હું તે શહેરથી સાવ જ અપરિચિત હતી. પણ સરકારી નોકરી એટલે વારંવારની બદલીથી ટેવાયેલી ખરી. તેથી જ નવા વાતાવરણમાં ગોઠવાઈ જતાં બહુ વાર ન લાગી. થોડા જ સમયમાં તે સ્થળ સાથેની અપરિચિતતા ઓગળી ગઈ. ત્યાં જ મેં તેમને જોયાં : પૂર્ણાભાભીને. હા, ઓળખાણ કરાવનારે પૂર્ણાભાભી તરીકે જ તેમની ઓળખાણ કરાવેલી. ફક્ત ભાભી નહીં પરંતુ પૂર્ણાભાભી અને લગભગ દરેક જણ તેમને ‘પૂર્ણાભાભી’ આ સંબોધનથી જ ઓળખે.

જરાક દુર્બળ દેહ, ગૌર મોં ને એ ગોરા મોં પર જોનારની નજર તરત જ ખેંચાય એવો જરાક મોટો લાલચટક ચાંલ્લો. હું આજ સુધી નક્કી નથી કરી શકી કે એ ચાંલ્લાથી એમનું મુખ શોભે છે કે એમના મુખ પર ચાંલ્લો શોભે છે ! પૂર્ણાભાભીના મુખ પર વહેલી સવારના ઝાકળબિંદુ-સમું હાસ્ય સદાય ચમકતું, આખોય દિવસ ન હોય ત્યાંથીય કામ શોધી કાઢી સતત કાર્યરત રહેવું તે એમનો સ્વભાવ. છતાંય કામ પૂરું થઈ જતાં સમય રહે તો કંઈક ભરતગૂંથણ કે સીવવાનું લઈને બેસે. ક્યારેક કહેતી : ‘પૂર્ણાભાભી, જરા આરામ કરતાં હો તો….’
એ હસી પડતાં. કહેતાં, ‘જુઓ બેન, કહેનારે કહ્યું છે કે મનગમતું કામ એ આરામ છે. આ ભરવુંગૂંથવું એ મારો શોખ છે. સમય સારી રીતે પસાર થાય અને મનને આનંદ મળે.’ પૂર્ણાભાભીનો જવાબ સાંભળીને હું મૌન થઈ જતી. ખરેખર તો મને પહેલેથી ભરતગૂંથણનો અણગમો. પણ એમનું જોઈને હું પણ તેના પ્રત્યે ધીમે ધીમે આકર્ષાઈ. ઝાઝું ભણેલાં નહીં પણ હાથમાં કરામત એવી કે આપણે વાતો કરતાં રહીએ ને એમણે સુંદર મજાની ડિઝાઈન તૈયાર કરી લીધી હોય. હું ક્યારેક પૂછતી પણ ખરી : ‘તમે આવી સરસ ડિઝાઈન બનાવતાં, આવાં મજાનાં સ્વેટર ગૂંથતાં, ક્યાંથી શીખ્યાં ?’
‘મને નાનપણથી જ શોખ. મારાં મા સ્વેટર ગૂંથવા બેસે કે હું બાજુમાં ઊભી રહી રસથી નિહાળું. પહેલાં તો ફક્ત કુતૂહલ ખાતર એની ઝડપથી ફર્યા કરતી આંગળીઓ, ને ગૂંથાતું જતું સ્વેટર જોયા કરતી. પછી તો ધીરે ધીરે રસપૂર્વક જોઈ રહેતી. પછી તો એ બધી ભાત મગજમાં એવી સચવાઈ ગઈ કે, આજે કંઈક ભરવા કે ગૂંથવા બેસતાં એક ભાત યાદ કરું ત્યાં તો તેની આંગળી પકડીને બીજી અનેક અવનવી ભાત મનમાં ઊપસી આવે છે.’

સમય સરતો ગયો. ને અમારી બદલી ત્યાંથી બીજા સ્થળે થઈ. અમે સામાન સહિત ત્યાંથી નીકળ્યાં તે દિવસે પૂર્ણાભાભીના હોઠ પરના હાસ્યનું સ્થાન આંખનાં આંસુએ લઈ લીધું હતું. હું પણ એમનો સ્નેહ વીસરી ન શકી. સદાય હસતાં, માયાળુ પૂર્ણાભાભી સ્મૃતિપટ પર સદાય છવાયેલાં જ રહ્યાં. ક્યારેક તેમનો પત્ર પણ આવતો કે ક્યારેક કોઈ સંબંધી પાસેથી તેમના સમાચાર સાંભળતી. છેલ્લા છએક મહિનાથી તેમનો પત્ર નહોતો. હું પણ મારા કાર્યોમાં એવી પરોવાયેલી રહી કે તેમનો પત્ર નથી તે વાતે વિશેષ ધ્યાન ન ખેંચ્યું. થોડા દિવસ પહેલાં જ પૂર્ણાભાભીના પતિ સરલભાઈ બિમાર છે તેમ જાણવા મળ્યું. છેલ્લા પાંચ મહિનાથી બિમાર છે. ઉપચાર ચાલુ છે. નોકરી પણ છૂટી ગઈ છે. મન અનુકંપાથી ભરાઈ આવ્યું. ઈશ્વર પણ કેવી કસોટી કરે છે ! ઘણા સમયથી એમને મળવાની ઈચ્છા હતી. હવે તો મળી જ આવું એમ નક્કી કર્યું.

અચાનક બસ એક આંચકા સાથે થોભી ગઈ. તે સાથે જ હું ભૂતકાળનાં સ્મરણોમાંથી વર્તમાનની સપાટી પર આવી ગઈ. મારે ઉતરવાનું સ્થળ આવી ગયું હતું. હાથમાં બેગ લઈ બસમાંથી નીચે ઊતરતાં જ આ સ્થળ સાથેની પરિચિતતા વીંટળાઈ વળી. તેમનું ઘર નજીક જ હતું. મેં ચાલવા માંડ્યું. જેમ જેમ એમનું ઘર નજીક આવતું ગયું, તેમ તેમ પગ ભારેખમ થતા ગયા. કેવાં થઈ ગયા હશે પૂર્ણાભાભી ? આમ તો દરેક પડકારને પહોંચી વળે તેવાં છે. પણ આર્થિક સમસ્યા ઉત્પન્ન થવાની જ. મધ્યમવર્ગીય ઘરમાં ઘરનો મોભી જ પથારીવશ બને ત્યારે શું થાય ? મનોમન ગંભીર થતી હું ઘરમાં પ્રવેશી.

હા, ઘરમાં બીમારીનું વાતાવરણ હતું. પણ એવી ગંભીરતા નહોતી, જે મનને અજંપ કરી દે. એ જ પૂર્ણાભાભી, એમનું હાસ્યભર્યું મુખ, બાળકો સાથે હસતાં, રમાડતાં ભાભી, સરલભાઈને સમયસર દવા આપતાં ભાભી. પૂર્ણાભાભીનું ગરવું, મનોહર સ્વરૂપ જોવા મળ્યું. સરલભાઈના બા-બાપુજી પણ આવેલાં – ઘરમાં એક બાજુએ ભરત ભરવા માટેની સાડીઓ વ્યવસ્થિત ગોઠવેલી જોઈ. કેટલાંક ગૂંથેલાં તૈયાર અને કેટલાંક અર્ધા ગૂંથાયેલાં સ્વેટર પણ ત્યાં હતાં. હું ત્યાં રોકાઈ તે સમય દરમ્યાન મેં જોયું કે બા પણ દરેક કાર્યમાં શક્ય તેટલી મદદ કરતાં હતાં. તેથી મનને સંતોષ અને આનંદ બેઉ થયા. પૂર્ણાભાભી સરલભાઈની અને ઘરની કાળજી રાખતાં હતાં. ત્યારે બા પૂર્ણાભાભીની કાળજી રાખતાં હોય એમ લાગ્યું. ને મારું અંતર હસી ઊઠ્યું.

સરલભાઈની બિમારી વિશે પણ બા પાસેથી જ જાણ્યું. થોડા સમયથી જમણા ખભામાં કળતર થતું હતું. પણ બહુ ધ્યાન ન આપ્યું. પછી એક દિવસ એ હાથ ઊંચો થઈ જ ન શક્યો. પછી તો… દવાઓ, માલિશ. ડૉક્ટર કહે છે – હજુ શરૂઆત છે. કદાચ સારું થઈ જશે. જરા એકાંત મળતાં મેં મૂંઝવણ અનુભવતાં સંકોચવશ પૂર્ણાભાભીને પૂછ્યું : ‘પૈસાની તકલીફ….’
મારું વાક્ય અધવચ્ચે જ અટકાવી દેતાં તે બોલ્યાં : ‘ના, ના, તમે જુઓ છો ને ભરત-ગૂંથણ, સીવણ એ શોખ હતો. હવે આજીવિકા રળવાનું સાધન છે. ને એમાંય આનંદ છે. પાસપડોસીય સારાં છે. કામ મળી રહે છે. પૈસાની તકલીફ નથી.’ એમના સ્વરમાં કોઈનીય સામે હાથ ન લંબાવવાનું ગૌરવ હતું. પણ – એમનો સ્વર જરા ઢીલો થયો. હું ઉત્સુકતાવશ જોઈ રહી. સાંભળી રહી : ‘આ તમારા ભાઈનું દુ:ખ નથી સહી શકતી. એય સહેવાય એટલું સહે છે. કંઈ જ બોલતા નથી. પણ વગર બોલ્યે એ પીડા એમના મુખ પર ઊપસી આવે છે ને મને ખળભળાવી મૂકે છે. પણ મને પ્રભુમાં વિશ્વાસ છે. કાલ એમને સારું થઈ જશે.’ પૂર્ણાભાભી જરા મૌન રહ્યાં. લાગણીનો ઊભરો ઠલવાઈ જતાં સ્વસ્થ થયાં. આ દિવસો પણ વીતી જશે એમ ગણગણ્યાં ને ફરી કાર્યરત થઈ ગયાં.

પૂર્ણાભાભી માટે મને પહેલેથી માન હતું જ. પરંતુ અત્યારે તેમનો પતિ પ્રત્યેની લાગણીથી ગળગળો થઈ જતો સ્વર, તો વળી એ લાગણીને ભીતર ભંડારી દઈ કપરી આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવાની ધગશ, હિંમત, પ્રભુ પ્રત્યેનો વિશ્વાસને એ વિશ્વાસમાંથી ઉત્પન્ન થતો આશાવાદ અનુભવી તેમના પ્રત્યેનાં આદરમાન અનેકગણાં વધી ગયાં. ખરેખર ! જીવન આવી નિર્ભિકતાથી જીવી શકાય તો કેવું સારું.

– મંજરી જાની (રીડ ગુજરાતી)

‘રીડ ગુજરાતી’ અને ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના સૌજન્ય થી આ પોસ્ટ કરેલ આ ટૂંકી વાર્તા આપણે પસંદ આવી હોય તો જરૂર લાઈક કરજો.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Read Gujarati

તાજા લેખો

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

error: Content is protected !!